(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેકેશનમાં જોવા જેવી એપ્સ!

આગળ શું વાંચશો?

  • જૂની કળા શીખો, આધુનિક રીતે
  • ફૂટબોલ રમો સ્ક્રીન પર
  • રંગોળી દોરતાં શીખો
  • બ્રિજ બિલ્ડિંગનો જાત અનુભવ
  • કંઈક જુદી રીતે શીખવું હોય તો…
  • રોજેરોજ મગજને કસરત આપો
  • સતત કંઈક નવું જાણો
  • સતત કંઈક નવું જાણો
  • અજાણ્યા શહેરમાં ફરવા જઈ રહ્યા છો?
  • વીડિયો એડિટિંગ સહેલું બનાવો
  • સ્માર્ટફોનને બનાવો ઘણો વધુ સ્માર્ટ
  • “જો આમ થાય, તો તેમ થવું જોઈએ”

વેકેશન શરૂ થતાં જ પરિવારના સૌ સભ્યોને મૂંઝવણ શરૂ થઈ જતી હોય છે – રજાના દિવસોમાં શું કરવું? તમારું જે પણ આયોજન હોય, તેમાં કેટલોક સમય ચોરીને સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવા જેવી કેટલીક એપ્સ અહીં આપી છે.

અહીં જે એપ્સ આપી છે તેની પસંદગીમાં વિવિધ બાબતો ધ્યાને રાખી છે. પરિવારનાં નાનાં બાળકોથી માંડીને ઉંમર, અનુભવ અને જિજ્ઞાસાના જુદા જુદા સ્તરે રહેલા સૌ કોઈ કોઈને ગમે એવી એપ્સનો પરિચય કરવાનો પ્રયાસ કર્યો છે.

એક વાત ખાસ નોંધશો કે અહીં આપેલી એપ્સ હીમશીલાની ટોચ સમાન પણ નથી. એન્ડ્રોઇડના પ્લે સ્ટોરમાં એપ્સની સંખ્યા વીસેક લાખે પહોંચી છે. એપલમાં એપની એન્ટ્રીનાં ધોરણો જરા કડક છે, પણ એપ્સની સંખ્યા ત્યાં પણ લાખોમાં છે. એમાંથી અહીં જે એપ્સ આપી છે તે માત્ર વિવિધ કક્ષા અને સ્તરની એપ્સની પ્રતિનિધિ જેવી છે. બની શકે કે તમને અહીં આપેલી એપ્સ કરતાં ઘણી વધુ સારી એપ પણ મળી આવે!

હેતુ એ જ છે કે અહીં આપેલી એપ્સ જોઈને તમને આ પ્રકારની બીજી એપ્સ શોધવાનો ઉત્સાહ જાગે. અહીં આપેલી ઘણી ખરી એપ એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં ‘એડિટર્સ ચોઇસ’ તરીકે પસંદગી પામેલી છે. તેમાંથી કેટલીક એપલ માટે પણ ઉપલબ્ધ છે, તો કેટલીક માટે એના જેવી એપ શોધી શકાશે.

આમાં શરુઆતની એપ્સ ઉપયોગમાં બિલકુલ સરળ છે, સ્ક્રીન પર જે દેખાય તેને અનુસરતા જશો તો ફુરસદનો સમય આનંદથી વિતાવી શકાશે. જ્યારે આગળ જતાં, બીજી એપ્સ એવી પણ છે જેને સમજવામાં જ ઘણી માથાકૂટ કરવી પડશે! ખાસ કરીને મેક્રોડ્રોઇડ અને આઇએફટીટીટી એપ્સ એ પ્રકારની છે. વાસ્તવમાં આ એપ્સ આખા અલગ લેખોનો વિષય બની શકે તેમ છે. તમે જે એપ્સ વિશે વિસ્તારપૂર્વક જાણવા માગતા હો તે જણાવશો.

છેલ્લે એક અગત્યની વાત. અહીં આપેલી બધી એપ ફ્રી છે, પણ લગભગ દરેકમાં પેઇડ વર્ઝન પણ છે અને ઇન-એપ પરચેઝના વિકલ્પો પણ છે. તેમ, મેક્રોડોઇડ અને આએફટીટીટ જેવી એપ્સ ખાસ્સી ઉપયોગી હોવા છતાં, તેને બહુ મંજૂરીઓ આપવી પડે તેમ છે એ ખાસ ધ્યાને લેશો.

જૂની કળા શીખો, આધુનિક રીતે

દિવાળીનાં કોડિયાં ઘરે બનાવવાં છે? તૈયાર કોડિયાં લાવીને માત્ર રંગ કરવાની વાત નથી, ભીની માટીના લોંદાને ચાકડા પર ચઢાવીને હાથેથી કોડિયાં બનાવવાની વાત છે!

તમને જાણીને નવાઈ લાગશે કે સ્માર્ટફોનમાં આવું પણ શક્ય છે. પોટરી નામની એક એપ ઇન્સ્ટોલ કરી ઓપન કરશો તો શરૂઆતમાં એક નાના ટ્યુટોરિયલ પછી ગોળ ફરતો ચાકડો જોવા મળશે, જેના પર ભીની માટીના કુંડા જેવો અધકચરો આકાર પહેલેથી ગોઠવાયેલો હશે.

તમે હળવેકથી આંગળીને માટી પર જમીનને સમાંતર કે ઉપર નીચે ફેરવીને અવનવા ઘાટ આપી શકશો.તમે બનાવેલાં કોડિયાં કે કૂંજાને નિંભાડામાં તપાવી શકશો અને પછી  તેની વર્ચ્યુઅલ હરાજી કરી શકશો.


તેમાં જેટલા પોઇન્ટ મળે તેનાથી જુદા જુદા રંગો, પેટર્ન, બ્રશ વગેરે ‘ખરીદી’ શકશો, જેની મદદથી તમારાં નવાં સર્જનોને વધુ સુંદર રીતે સજાવી શકશો. તમને નવા ‘ઓર્ડર’ પણ મળશે અને બરાબર એવા જ ઘાટનું પાત્ર સર્જવાનું રહેશે!

Download: Let’s Create! Pottery Lite

  • સ્માર્ટફોનમાં માટીની કલાકૃતિઓ બનાવો
  • અવનવાં પાત્રો બનાવો, સજાવો, ‘વેચો’ અને પોઇન્ટ્સ મેળવો!

ચાકડા પર ફરતા માટીના લોંદાને આંગળીના હળવા સ્પર્શથી વિવિધ ઘાટ આપો.

નિંભાડામાં તપાવ્યા પછી, જુદા જુદા રંગો અને ભાતથી તેને સજાવો. વચ્ચે વચ્ચે સ્ક્રીનશોટ લેવાનું ભૂલશો નહીં.

તમારા સર્જનની વર્ચ્યુઅલ હરાજી કરી પોઇન્ટ મેળવો અને તેમાંથી વધુ રંગો, ડિઝાઇન વગેરે ખરીદો.


ફૂટબોલ રમો સ્ક્રીન પર

‘કૌન બનેગા કરોડપતિ’માં પૂછી શકાય એવો એક પ્રશ્ન – ‘ઇન્ડિયન સુપર લીગ’ કઈ ગેમ માટે રમાય છે? માથું ના ખંજવાળશો, જવાબ છે ફૂટબોલ! ભારતમાં અત્યાર સુધી સૌથી મોટો ધર્મ ક્રિકેટ જ છે, પણ ધીમે ધીમે બીજી રમતોને પ્રોત્સાહન મળી રહ્યું છે. મજાની વાત એ છે કે કબ્બડીને આધુનિક સ્વરૂપ મળ્યા પછી સોસાયટીમાં કબ્બડી રમતાં બાળકો દેખાવા લાગ્યાં છે.

જો તમે ઇન્ડિયન સુપર લીગને ફોલો કરતા હો તો આ એપ તમને પણ ફૂટબોલ રમવાની તક આપે છે – અલબત્ત, વર્ચ્યુઅલી.

લીગની કેચલાઇન ‘ફેન બનના પડેગા’ તમને સ્પર્શી ગઈ હોય તો આ ગેમની મદદથી તમે ફૂટબોલને સંબંધિત જાણી પણ શકશો. પ્લે સ્ટોરમાં સ્પોર્ટ્સ એપનો તોટો નથી, પણ આ ગેમ પ્રમાણમાં ઘણી સરળ રીતે, આપણને પોતાને ફૂટબોલના મેદાનમાં પહોંચીને રમવાની મજા આપે છે. જેમ વધુ રમશો તેમ ગેમના કમાન્ડ વધુ સમજાશે અને અસલી ફૂટબોલ પ્રત્યે પ્રેમ વધતો જશે!

Download: Score! Match

  • પ્રમાણમાં ઘણી સરળ રીતે રમી શકાતી સ્પોર્ટ્સ એપ
  • ટીમના કેપ્ટન તરીકે રમો
  • ચાહો તો મલ્ટિપ્લેયર મોડમાં પણ રમી શકાય

એપમાં તમે પોતે કેપ્ટન તરીકે રમી શકો છો અને જુદા જુદા પ્લેયરને બોલ પાસ કરી શકો છો.

એપનો એક્સ્પિરીયન્સ બિલકુલ વાસ્તવિક ફૂટબોલ મેચ જેવો છે, છતાં કમાન્ડ સરળ છે.

ઇચ્છો તો બીજા ઓનલાઇન પ્લેયર્સ સાથે પણ રમીને તમે સોશિયલ સોકરની મજા લઈ શકો છો.


રંગોળી દોરતાં શીખો

દિવાળી નજીક હોય ત્યારે રંગોળીની વાત કર્યા વિના કેમ ચાલે? અનેક ગૃહિણી ઇન્ટરનેટ પર રંગોળીની ડિઝાઇન્સ શોધતી હોય છે, આ એપ તમારી એ જરૂર પૂરી કરશે અને સાથોસાથ પરિવારનાં બાળકોને આવી રંગોળી દોરતાં અને તેમાં મજાનાં રંગો પૂરતાં પણ શીખવશે.

એપ બિલકુલ સાદી, સરળ છે. મૂળ તો તે ફૂલનાં ચિત્રો દોરતાં શીખવા માટે જ છે. એપ ઇન્સ્ટોલ કરી ઓપન કરો અને ડ્રો કરતાં શીખવાના વિભાગમાં જાઓ.

અહીં  ફૂલપાંદડાં, કૂંડામાંના છોડ અને માંડલા (રંગોળી)નાં લાઇનડ્રોઇંગ મળશે. ગમે તે ચિત્ર પસંદ કરી, તેમાંની રેખાઓ પર આંગળી ફેરવીને એ ચિત્ર આપણે દોરવાનું! કહેવામાં વાત સહેલી છે, પણ જાતે દોરશો ત્યારે રેખાઓ કેટલી વાંકીચૂંકી થાય છે તે સમજાશે!

ચિત્ર પૂરું થયા પછી તેમાં રંગો પૂરી શકાશે અને સેવ કરી શકાશે. ચાહો તો તમારાં ચિત્રો મિત્રો સાથે શેર કરો!

Download: How to Draw Flowers

  • સાદી, સરળ એપ
  • લાઇનડ્રોઇંગનો મહાવરો સરળ બનાવશે
  • રંગોળી માટે સંખ્યાબંધ ડિઝાઇન્સ આપશે

એપના મુખ્ય ત્રણ વિભાગ છે, દોરતાં શીખો, રંગો પૂરો અને તમારાં સેવ કરેલાં ચિત્રો જુઓ

અહીં જુદાં જુદાં ફૂલ-પાંદડાં, કૂંડામાંનાંફૂલ અને રંગોળીનાં લાઈનડ્રોઇંગ્સ મળશે.

જે ગમે તેને સિલેક્ટ કરી, જાતે દોરવાની પ્રેક્ટિસ કરો અને પછી તેને મજાના રંગોથી સજાવો!


બ્રિજ બિલ્ડિંગનો જાત અનુભવ

સ્માર્ટફોનનો એક બહુ મોટો ફાયદો એ છે કે તેમાં દુનિયાની એવી ઘણી બાબતોનો આપણે (ભલે વર્ચ્યુઅલ, પણ) જાત અનુભવ કરી શકીએ છીએ, જે થોડા સમય પહેલાં શક્ય જ નહોતું!

જેમ કે પૂલ બનાવવાનું કામ. એન્જિનીયરિંગનો અભ્યાસ કર્યા વિના અગાઉ એ શક્ય જ નહોતું, પણ હવે બાળકો નાનપણમાં પણ પોતે બ્રિજ બનાવવાનો અનુભવ લઈ શકે છે. જો એપ ડેવલપર ફિઝિક્સના નિયમોને બરાબર અનુસરીને આવી એપ બનાવે તો બાળક તો ઠીક, મોટી ઉંમરના વિદ્યાર્થીઓ માટે પણ એ ઉપયોગી થઈ શકે.

આ એપ એ જ પ્રકારની છે. એન્ડ્રોઇડમાં બેસ્ટ એપનો ખિતાબ મેળવી ચૂકેલી અને  ‘એડિટર્સ ચોઇસ’ બનેલી આ એપમાં આપણે જુદી જુદી ચેલેન્જ અનુસાર, બે પોઈન્ટ વચ્ચે જુદા જુદા મટિરિયલથી, જુદાં જુદાં વાહનનો ભાર ખમી શકે એવા બ્રિજ બનાવવાના છે. ચાહો તો પરંપરાગત રીતો અજમાવો અથવા કંઈક જુદું જ વિચારીને આગળ વધો!

Build & Bridge!

  • રમત રમતમાં એન્જિનીયરિંગના કન્સેપ્ટ્સ શીખવતી એપ
  • ધીમે ધીમે મુશ્કેલ બનતાં લેવલ્સ

આ પ્રકારની સિમ્યુલેશન એપ્સની મજા એ હોય છે કે તેમાં સાયન્સના બેઝિક કન્સેપ્ટ ધ્યાને રાખીને આપણે આગળ વધવાનું હોય છે.

તમે ઇચ્છો તો કલ્પનાને છૂટો દોર આપીને, વાસ્તવિક દુનિયામાં જોવા મળતા બ્રિજ કરતાં જુદા જ બ્રિજ બનાવી શકો છો, શરત એટલી કે એ ટકવા જોઈએ!


કંઈક જુદી રીતે શીખવું હોય તો…

વેકેશનના સમયમાં ભણવાની વાતથી કંટાળો આવે તો પણ, રજામાં કંટાળો આવે ત્યારે એક વાર આ એપ જોવા જેવી છે.

માત્ર પોતાના પરિવારનાં બાળકોને ગણિત શીખવવા માટે, વીડિયો બનાવવાની એક ઉત્સાહી યુવાનની પ્રવૃત્તિ આજે અનેક વિષયો પરના હજારો વીડિયો અને પ્રેક્ટિસીઝના વિશાળ ખજાનામાં ફેરવાઈ ગઈ છે.

ખાન એકેડમીના સર્જક સલમાન ખાન હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા છે અને હવે આખી દુનિયાની અનેક સ્કૂલ્સ અને વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયો ભણાવી રહ્યા છે.

સ્ટુડન્ટ્સ ઉપરાંત મમ્મી-પપ્પા માટે પણ આ એપ બહુ ઉપયોગી થાય તેમ છે. અગાઉ તેમાં માત્ર અમેરિકન અભ્યાસક્રમ મુજબના વીડિયો હતા (અલબત્ત, મૂળ કન્સેપ્ટ્સ તો યુનિવર્સલ જ રહેવાના), પરંતુ હવે તેમાં ભારતીય અભ્યાસક્રમ મુજબનું કન્ટેન્ટ ઉપલબ્ધ થઈ ગયું છે.

ઉપરાંત ઘણું કન્ટેન્ટ હવે હિન્દીમાં પણ છે.

Khan Academy

  • સરળ રીતે અનેક વિષયોની ઊંડી સમજ આપતા વીડિયો
  • વિશ્વભરમાં વખણાયેલી એજ્યુકેશનલ એપ
  • હિન્દીમાં પણ ઉપલબ્ધ

અનેકવિધ વિષયોની સરળ સમજ આપતા વીડિયો વિદ્યાર્થી ઉપરાંત સૌ કોઈને ઉપયોગી થઈ શકે તેમ છે.

હવે આ એપમાં ભારતીય અભ્યાસક્રમને અનુરૂપ કન્ટેન્ટ પણ ઉમેરાયું છે.

ગણિત ઉપરાંત સાયન્સનું કન્ટેન્ટ પણ ઉપલબ્ધ છે અને તેમાં હિન્દી કન્ટેન્ટ ઉમેરાવાની પણ શરૂઆત થઈ છે.


રોજેરોજ મગજને કસરત આપો

તમારા વિચારો સ્પષ્ટ રીતે રજુ કરવા માગો છો? વાંચતી વખતે તમારું ફોકસ વધારવા માગો છો? લેખન ક્ષમતા સુધારવા ઇચ્છો છો? જે વાંચવા મળે તેનું મગજમાં બહેતર પ્રોસેસિંગ કરવા માગો છો? ઝડપથી અને સચોટ રીતે ગણતરી કરવી ગમે? જે વાંચો તે મગજમાં બરાબર ઊતારવા ઇચ્છો છો?

આ બધા સવાલોના જવાબ ‘હા’ હોય તો આ એપ તમારે કામની છે. એપ ઇન્સ્ટોલ કરતાં શરૂઆતમાં આ પ્રશ્ર્નો પૂછાશે અને પછી લખવા-બોલવા, વાંચવા અને ગણવાની ક્ષમતા તપાસતા સવાલો પૂછાશે.

પછી તમને  રૂ. ૨૫૦૦ની વાર્ષિક ફ્રી સાથે પ્રીમિયમ વર્ઝન ઓફર કરાશે, પણ એના વિના આગળ વધી શકાશે.

એ પછી તમને દરરોજ પાંચ ગેમ્સનાં ટ્રેનિંગ સેશન મળશે, તેને પૂરાં કરતા જાઓ અને તમારા દિમાગને ધારદાર બનાવતા જાઓ!  રોજિંદા કામકાજમાંથી થોડો બ્રેક લઈને આ એપ પર ફોકસ કરશો તો લાંબા ગાળે જરૂર ફાયદો થશે.

Elevate – Brain Training!

  • નિયમિત થોડો સમય ફાળવવા જેવી એપ
  • મગજ કસવું પડે એવા નાના નાના સવાલો
  • પોતાના મૂલ્યાંકન તક

લેખન, વાંચન, ગણતરી વગેરે વિવિધ પ્રકારની પોતાની ક્ષમતા તપાસવાની તક આપતા સવાલોના જવાબ આપો.

તમારા જવાબોના આધારે તમે ક્યા સ્તરે છો તે જણાવવામાં આવશે અને એ મુજબ આગળની ગેમ્સ મળશે.

રોજેરોજ અલગ અલગ ગેમ્સમાં ભાગ લો તમે કેવું પરફોર્મન્સ કરી રહ્યા છો તે તપાસતા રહો.


સતત કંઈક નવું જાણો

ખરો વિદ્યાર્થી એ જ, જેને વેકેશનમાં પણ રોજેરોજ કંઈક નવું જાણવા-શીખવામાં મજા પડે. આવા વિદ્યાર્થીઓમાં કોઈ ઉંમરબાધ પણ નથી હોતો.

તમારો અભ્યાસ, વ્યવસાય કે ઉંમર કોઈ પણ હોય, જો તમારામાં ભરપૂર જિજ્ઞાસા હોય તો તમારા સ્માર્ટફોનમાં આ એપ અચૂક હોવી જોઈએ. ઇન્ટરનેટ પર અપાર નોલેજ છે એ વાત સાચી, પણ સરસ રીતે લખાયેલા અને સરસ રીતે સંપાદિત થયેલા લેખો શોધવા બહુ મુશ્કેલ હોય છે. આ એપ આ કામ એકદમ સહેલું બનાવે છે.

‘ક્યુરિયોસિટી’માં સાયન્સ અને ટેક્નોલોજી ઉપરાંત, વ્યક્તિત્વ વિકાસ, શરીર અને મન, આહાર અને સંસ્કૃતિ સહિતના અનેક વિષયો પર પાર વગરની વાંચનસામગ્રી મળશે – ફક્ત બધું જ ઇંગ્લિશમાં!

અહીં રોમાંચક પઝલ અને ક્વિઝ મળશે અને મલ્ટિનેશનલ કંપનીઝના ઇન્ટરવ્યૂ ક્રેક કરવામાં મદદરૂપ થાય એવી સામગ્રી પણ મળશે. રોજેરોજ કસ કાઢવા જેવી એપ.

Curiosity

  • અપાર વિષયો પર અસંખ્ય લેખો
  • ક્વિઝ, પઝલ વગેરે
  • ઇન્ટરવ્યૂ ક્રેક કરવામાં મદદરૂપ સામગ્રી પણ ખરી

આ એપમાં રોજેરોજ જુદા જુદા વિષયો પરના લેખો ઉમેરાય છે, ચાહો તે સેવ પણ કરી શકાય.

એક વિષયથી થાકો તો બીજા અનેક વિષય અહીં હાજર છે, લેખો સરળ ભાષામાં લખાયેલા છે.

પઝલ્સ અને ક્વિઝનું સેક્શન પણ છે, જેમાંની ઘણી ખરેખર મગજનું દહીં કરે એવી છે.

અજાણ્યા શહેરમાં ફરવા જઈ રહ્યા છો?

ગૂગલનો કાર્યમંત્ર છે દુનિયાભરની માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવવી, જેથી સૌ પોતપોતાની રીતે તેનો ઉપયોગ કરી શકે.

આનું એક ઉદાહરણ એટલે આ એપ. તમે વેકેશનમાં ક્યાંય ફરવા જવા માટે ટ્રેન/ફ્લાઇટ, હોટેલનું બુકિંગ કર્યું હોય અને તેની વિગતો જીમેઇલમાં આવી હોય, તો આ એપમાં જતાં, તમારી ટ્રિપની વિગતો જોઈ શકાશે, જેથી હોટેલના રિસેપ્શન પર જીમેઇલમાં રિઝર્વેશનના મેઇલ્સ ફંફોસવા ન પડે.

ઉપરાંત, ટ્રિપને સંબંધિત બીજી સંખ્યાબંધ માહિતી, જોવાલાયક સ્થળો, કરવાલાયક પ્રવૃત્તિઓ, તેના ટાઇમિંગ્સ, મેપ્સ પર લોકેશન, રેસ્ટોરાં, શહેરમાં પહોંચો ત્યારે જરૂરી ટેક્સી/બસની માહિતી વગેરે બધું જ એક સાથે જોવા મળશે. આ બધું ઇચ્છો તો ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરી શકો છો.

આ બધું જ તમે ગૂગલ પર સર્ચ પણ કરી શકો, પણ મજા બધું એક સાથે, જ્યારે જોઈએ ત્યારે બિલકુલ હાથવગું હોય એની છે!

Google Trips

  • ટ્રિપમાં ઉપયોગી બધી માહિતી હાથવગી રહે
  • કશું જ અલગથી સર્ચ કરવાની જરૂર નહીં
  • ઘેરબેઠાં પ્રવાસ પણ કરાય!

કોઈ સ્થળે પ્રવાસનું આયોજન કર્યું હોય તો તેને સંબંધિત તમામ માહિતી અહીં એક સાથે મળશે

આપણાં રિઝર્વેશન્સની વિગતો જીમેઇલમાંથી તારવી લેવાશે (તમે ઇચ્છો તો આ ફીચર બંધ કરી શકો).

ક્યાંય ગયા વિના, અમસ્તું જ કોઈ સ્થળ સર્ચ કરીને તેના વિશે માહિતી જાણવાની પણ મજા લઈ શકાય.

વીડિયો એડિટિંગ સહેલું બનાવો

સ્માર્ટફોનમાં કેમેરા મળ્યા પછી સ્ટીલ અને વીડિયો ફોટોગ્રાફી બહુ સરળ બની ગઈ છે તેમ વીડિયો એડિટિંગ પણ ખાસ્સું સરળ બનવા લાગ્યું છે.

તમે કોઈ પારિવારિક શુભપ્રસંગ કે ફેમિલી ટૂર દરમિયાન લીધેલા વીડિયો યથાવત સ્વરૂપમાં સ્વજનો સાથે શેર કરવાને બદલે તેનું ક્રિએટીવ એડિટિંગ કરીને તેને વધુ રસપ્રદ બનાવવા ઇચ્છતા હો તો આ એપ અજમાવી જુઓ.

આ ફ્રી એપ વીડિયો એડિટિંગ તદ્દન સહેલુું બનાવે છે. તેમાં તમે અગાઉથી શૂટ કરેલી જુદી જુદી વીડિયો ક્લિપ ઇમ્પોર્ટ કરીને તેમને જોડી શકો છો, અલગ અલગ ક્લિપ વચ્ચે સ્મૂધ ટ્રાન્ઝેકશન ઇફેક્ટ ઉમેરી શકો છો કે ઇમેજ ઉમેરી શકો છો.

બેકગ્રાઉન્ડમાં મજાનું મ્યુઝિક ઉમેરી શકો છો અને વીડિયોની શરૂઆતમાં વચ્ચે કે છેડે જોઇતી ટેકસ્ટ પણ ઉમેરી શકો છો.

શોખ ખાતર વીડિયો એડિટિંગ કરવા ઇચ્છતા લોકોને આ એપ ખાસ્સી ઉપયોગી થઈ શકે તેમ છે.

FilmoraGo

  • અલગ અલગ વીડિયો મિક્સ કરી શકાય
  • વીડિયોના ન જોઈતા ભાગ દૂર કરી શકાય
  • બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉમેરાય

અહીં મૂળ કન્સેપ્ટ તદ્દન સરળ છે – એક ટાઇમલાઇન પર જુદી જુદી વીડિયો ક્લિપ્સ લાવો અને તેમાં જરૂર મુજબ કાપકૂપ કે સુધારા-ઉમેરા કરતા જાઓ

તમે લીધેલા વિવિધ વીડિયોને ક્લબ કરીને તેમાં મ્યુઝિક, ઇમેજીસ, ઇફેક્ટ્સ વગેરે ઉમેરીને પ્રોફેશનલ્સ જેવા વીડિયો બનાવવા માટે ઉપયોગી એપ

સ્માર્ટફોનને બનાવો ઘણો વધુ સ્માર્ટ

સ્માર્ટફોન ખરેખર કેટલો સ્માર્ટ બની શકે છે એ બતાવતી એક એપ. તમે કોઈ અંધારા રૂમમાં દાખલ થાઓ ત્યારે ફક્ત ફોન હલાવતાં તેની ફ્લેશ લાઇટ ઓન થાય તો? ફોનમાં હેડફોન કનેક્ટ કરેલ હોય ત્યારે કોઈનો એસએમએસ આવે તો મેસેજ મોકલનારનું નામ અને મેસેજ ઓટોમેટિક વાંચી સંભળાવવામાં આવે તો?

આ એપમાં આવી તો અનેક સંભાવનાઓ છે. સ્માર્ટફોનની જુદી જુદી કંપની જુદાં જુદાં ઓટોમેશન ફીચર્સ આપતી હોય છે પરંતુ આ એપ તમે ઇચ્છો એ પ્રકારનું ઓટોમેશન ફોનમાં ઉમેરી શકો છો.

તેમાં મુખ્ય ત્રણ પાસાં છે. ટ્રીગર, એકશન અને કન્સ્ટ્રેઇન. એટલે કે કોઈ ફોનમાં એક કામ કરતાં (ટ્રીગર), નિશ્ચિત  શરત મુજબ (કન્સ્ટ્રેઇન), કોઈ બીજું કામ આપોઆપ થાય (એકશન) એવા લગભગ અગણિત સેટિંગ તમે ફોનમાં ઉમેરી શકો છો.

ભલે રોજિંદો ઉપયોગ ન હોય, એક વાર જરૂર જોવા જેવી એપ.

MacroDroid

  • ફોન રૂટ કરવો જરૂરી નથી
  • અનેક અવનવાં સેટિંગ્સ સર્જી શકાય
  • અલબત્ત, એપને ભરપૂર મંજૂરીઓ આપવી પડશે

હોમ સ્ક્રીન પર ટેમ્પ્લેટનો ઉપયોગ કરીને તમે તૈયાર મેક્રોસનો ઉપયોગ કરી શકો છો

આ મેક્રોસ અત્યંત કોમ્પ્લેક્સ પણ હોઈ શકે છે, શરૂઆતમાં પારાવાર ગૂંચવણ થવાની પૂરી શક્યતા!

એપનો કન્સેપ્ટ સમજ્યા પછી તમે તમારી રીતે, તમને જોઇતા મેક્રો ક્રિએટ કરી શકો છો.


“જો આમ થાય, તો તેમ થવું જોઈએ”

ઇન્ટરનેટ પર તમે જુદા જુદા પ્રકારની અનેક વેબસર્વિસનો ઉપયોગ કરતા હશો, એ બધીને એકમેક સાથે કનેક્ટ કરી શકાતી હોય તો?

એટલે કે ફેસબુક પર કોઈ ફોટોમાં તમને ટેગ કરવામાં આવે અને એ ફોટો ઓટોમેટિકલી તમારા ગૂગલ ફોટોઝમાં ઉમેરાઈ જાય તો? તમે જીમેઇલમાં કોઈ મેસેજને સ્ટાર કરો એટલે એ મેસેજ એક નવા ટાસ્ક તરીકે તમારી ટુ-ડુ એપમાં ઉમેરાઈ જાય તો?

જેમ મેક્રોડ્રોઇડ સ્માર્ટફોનના સેટિંગ્સનું ઓટોમેશન કરી આપે છે તેમ આ એપ આપણે જે કોઈ વેબસર્વિસનો કે એપનો ઉપયોગ કરતા હોઇએ, તેમાં એકમાં કોઈ એકશન લઇએ તો તેને પગલે બીજામાં આપોઆપ કશુંક થઇ જાય એવું સેટિંગ કરવાની તક આપે છે.

અહીં પણ સંભાવનાઓનો કોઈ પાર નથી. આ એપમાં યૂઝર્સ પોતાની રીતે જુદાં જુદાં એકશન્સ ગોઠવે છે અને બીજા લોકો તેને ઉપયોગમાં લઇ શકે તે રીતે તેને શેર કરે છે.

પાવરયૂઝર્સ માટે કામની એપ.

IFTTT

  • આપણી એપ્સને કનેક્ટ કરવા એક્સેસની મંજૂરી આપવી જરૂરી
  • સંખ્યાબંધ લોકોને આ એપ વિના સહેજે ચાલતું નથી!

તમારા ફોનમાંની એપ્સ અનુસાર, તમને જુદી જુદી ‘એપલેટ્સ’ની ભલામણ કરવામાં આવશે.

ઓટોમેટિક એક્શનનો લાભ લેવા, એ બંને એપ એક્સેસ કરવાની મંજૂરી તમારે આ એપને આપવી પડશે.

જુદા જુદા ટોપિક અનુસાર એપલેટ્સ સર્ચ કરી શકો છો, આ એપલેટ્સ વિવિધ યૂઝર્સે બનાવેલી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!