(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપના ડેટાનો બેકઅપ

સામાન્ય રીતે, વોટ્સએપ પર આપણે સૌ બિનજરૂરી કે બિનઉપયોગી મેસેજીની ફેંકાફેંક કરવામાં એકદમ પાવરધા છીએ, એટલે વોટ્સએપ સંબંધિત એક મહત્ત્વના સમાચાર તમને વોટ્સએપ દ્વારા, કોઈ ગ્રૂપમાં મળ્યા હોય એવી શક્યતા ઓછી છે. તમે પોતે વિવિધ સાઇટ્સ પર ટેક્નોલોજી ન્યૂઝ જોવા-વાંચવામાં રસ ધરાવતા હો તો તમે કદાચ આ સમાચાર, ભડકાવી મૂકે એવા હેડિંગ સાથે વાંચ્યા હશે  – વોટ્સએપ તમારા મેસેજીસ ડિલીટ કરી નાખશે!

લગભગ તમામ ન્યૂઝ સાઇટ્સને વધુ ને વધુ યૂઝર્સ અને તેમની ક્લિક્સ ખેંચવામાં રસ છે એટલે તેમને આવાં ચોંકાવનારાં હેડિંગ્સ આપ્યા વિના છૂટકો નથી, પણ આ પ્રકારનાં મોટા ભાગનાં હેડિંગ્સની જેમ, આમાં પણ અર્ધસત્ય છે. વોટ્સએપ તમારા મેસેજીસ ડિલીટ કરશે એ વાત સાચી, પણ અમુક ચોક્કસ સ્થિતિમાં.

આ ચોક્કસ સ્થિતિ શું છે એ આપણે જાણીએ એ પહેલાં આપણે એ જાણવું જોઈએ કે મેઇલ અને વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ કે એસએમએસની વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે.

દસેક વર્ષ પહેલાં, તમને કોઈએ મહત્ત્વનો ઈ-મેઇલ જીમેઇલ દ્વારા મોકલ્યો હોય અને તમે તેને ફરી જોવા માગતા હો તો એ શક્ય છે. સામેની વ્યક્તિએ પોતાની મેઇલ સર્વિસમાંથી ભલે તેને ડિલીટ કરી નાખ્યો હોય, તમે પોતે ડિલીટ ન કર્યો હોય તો એ મેઇલ તમારા ગૂગલ એકાઉન્ટમાં એટલે કે ગૂગલના સર્વરમાં સચવાઈ રહ્યો હોય. તમારે ફક્ત તેને શોધવાની જ વાર. એ પણ ગમે ત્યાંથી, પીસીમાં કે કોઈ પણ ફોનમાં ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થાવ એટલે એ મેઇલ સર્ચ કરી શકાય.

વાત વોટ્સએપની હોય ત્યારે એ એટલી સહેલી નથી. વોટ્સએપમાં, કંપની પોતે સ્પષ્ટ રીતે કહે છે કે તે કોઈ જ પ્રકારનો ડેટા સાચવતી નથી. એક વ્યક્તિએ મેસેજ મોકલ્યો અને બીજી વ્યક્તિના વોટ્સએપમાં તે ડિલિવર થયો એટલે કંપનીના સર્વર પરથી તે ડિલીટ થાય.

જો મેસેજ ૩૦ દિવસ સુધી બીજા છેડે ન પહોંચે (એટલા દિવસ સુધી સામેની વ્યક્તિ ઓનલાઇન ન થાય) તો પણ એ અનડિલિવર્ડ મેસેજ વોટ્સએપના સર્વર પરથી, ૩૦ દિવસ પછી ડિલીટ થાય (કોઈએ મોકલેલ વીડિયો, ઇમેજ વગેરે મીડિયા આપણે ડાઉનલોડ ન કરીએ તો અનડિલિવર્ડ ગણાય અને સામેની વ્યક્તિ ડિલીટ કરી નાખે તો પણ આપણી તેને ડાઉનલોડ કરી ન શકીએ).

ઉપરાંત, આપણી વોટ્સએપ ચેટ માત્ર આપણા ફોનમાં જ સચવાય છે. ફોન બદલીએ ત્યારે વોટ્સએપનો ડેટા બીજા ફોનમાં આપણે પોતે લઈ જવો પડે. આથી, વોટ્સએપમાં આપણા ડેટાને સાચવવાની જવાબદારી આપણા માથે છે. અલબત્ત, આપણા વોટ્સએપ ડેટાનો આપોઆપ, રોજેરોજ બેકઅપ લેવાતો હોય છે, જે આપણા ફોનની મેમરીમાં સચવાતો હોય છે. એ ઉપરાંત, તમે ઇચ્છો તો તમારા ગૂગલ ડ્રાઇવ એકાઉન્ટની મદદથી, ગૂગલ ડ્રાઇવમાં તમે ઇચ્છો તેવી નિયમિતતાથી તેનો બેકઅપ લઈ શકો છો (આઇફોનધારકો આઇક્લાઉડમાં અને વિન્ડોઝફોનધારકો વનડ્રાઇવમાં બેકઅપ લઈ શકે છે). આ રીતે ક્લાઉડ સર્વિસમાં બેકઅપ હોય તો ફોન બદલતી વખતે આપણે નવા ફોનમાં તેને સહેલાઈથી રીસ્ટોર કરી શકીએ છીએ.

હવે આ ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ સબંધિત એક મોટો ફેરફાર આવી રહ્યો છે. નવેમ્બર ૧૨, ૨૦૧૮થી ગૂગલ ડ્રાઇવમાંનો આપણો વોટ્સએપનો બેકઅપ ડેટા, ગૂગલની ૧૫ જીબીની સ્ટોરેજ લિમિટમાં ગણતરીમાં લેવાશે નહીં. તમે વોટ્સએપમાં કશું ડિલીટ કરતા ન હો અને વીડિયો સહિત બધું ગૂગલ ડ્રાઇવમાં ચઢાવતા હો તો એ ડ્રાઇવ માટે મોટો ભાર બની શકે છે, પરંતુ વોટ્સએપ અને ગૂગલની સમજૂતીને કારણે હવે એવું થશે નહીં.

એ સાથે બીજી એક મહત્ત્વની વાત. જો તમે એકાદ વર્ષ પહેલાં ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લીધો હશે, પણ પછી તેને ક્યારેય અપડેટ કર્યો નહીં હોય તો તે એક વર્ષ પછી ડિલીટ થઈ જશે. આથી નવેમ્બર ૧૨, ૨૦૧૮ પહેલાં ફરી ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લઈ લેવો જરૂરી છે. જો બીજા અસંખ્ય લોકોની જેમ તમે પણ મેઇલને બદલે ઓફિસના કામકાજ માટે વોટ્સએપનો ઉપયોગ કરવા લાગ્યા હો અને તેમાં મહત્ત્વના મેસેજીસ હોય, જેને લાંબા સમય સુધી સાચવી રાખવા જરૂરી હોય તો તમારે તેનો ક્લાઉડમાં, એટલે કે એન્ડ્રોઇડના કિસ્સામાં ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ રાખવો જોઈએ.

એ માટે વોટ્સએપના સેટિંગ્સમાં, ચેટ્સમાં, ચેટ બેકઅપમાં પહોંચો અને ત્યાંથી, તમારું ગૂગલ એકાઉન્ટ વોટ્સએપને સૂંઘાડી દઈને પહેલી વાર જે તે સમયે જ મેન્યુઅલ બેકઅપ લઈ લો. ત્યાર પછી, દરરોજ, અઠવાડિયે કે માસિક ધોરણે ઓટોમેટિક બેકઅપ લેવાય એવું સેટિંગ કરી શકાશે.


એક વાત ખાસ યાદ રાખશો, વોટ્સએપની સ્પષ્ટતા પ્રમાણે ગૂગલ ડ્રાઇવમાં વોટ્સએપનો ડેટા એન્ક્રિપ્ટેડ સ્વરૂપે રહેતો નથી, એટલે ગૂગલ અને ગૂગલ-વોટ્સએપ જેને પણ જોવા દે તે આપણો વોટ્સએપ ડેટા જોઈ શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!