(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તસવીરમાં આ શું દેખાય છે?

સવાલ મોકલનાર : કૈલાશકુમાર જોશી, પાલનપુર

કૈલાશભાઈએ વોટ્સએપમાં, અહીં આપી છે તે નહીં પણ તેના જેવી જ એક તસવીર મોકલીને ‘સાયબરસફર’ને આ સવાલ પૂછ્યો છે – “તસવીરમાં માઇક ઉપરાંત તેના જેવું પણ કાચની પારદર્શક ફ્રેમ જેવું આ શું દેખાય છે?

આ સવાલ ‘સાયબરસફર’ને પૂછાવાનું એક કારણ એ પણ ખરું કે સવાલ ગૂગલને સહેલાઈથી પૂછી શકાય તેવો નથી! જે ફક્ત દેખાય છે, શું છે એની જાણ નથી એ ગૂગલને કઈ રીતે પૂછવું?!

આ જ અંકમાં ‘ગૂગલ લેન્સ’ વિશેનો જે લેખ છે તેમાં આ મૂંઝવણનો ઉકેલ છે. અલબત્ત, હજી એ સર્વિસમાં પણ, તસવીરમાં જે કંઈ દેખાય એ બધા વિશે ગૂગલને પૂછી શકાય તેવી સુવિધા મળી નથી, પણ આપણે એવા ભાવિ તરફ આગળ જરૂર વધી રહ્યા છીએ.

અત્યારે કૈલાશભાઈના સવાલના જવાબ તરફ આગળ વધીએ તો, એ ટેલિપ્રોમ્પ્ટર છે, જે ખાસ કરીને દુનિયાભરના રાજકીય મહાનુભાવોને અને ટીવીના ન્યૂઝ એન્કર્સને બહુ ઉપયોગી ટેક્નોલોજી છે.

આપણા વડા પ્રધાન હજી આપણા ‘નરેન્દ્રભાઈ’ જ હતા અને ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારના દિવસો અને એ પછી તેઓ વડા પ્રધાન બન્યા ત્યારના શરૂઆતના દિવસોમાં તેમનાં ભાષણો તમે સાંભળો અને હવે, હમણાંનાં ભાષણો સાંભળો તો તેમાં બહુ મોટો તફાવત લાગશે. નરેન્દ્રભાઈ પ્રખર વક્તા તરીકે તો જાણીતા છે જ,  પણ એમનું અંગ્રેજી મોટા ભાગના ગુજરાતીઓ જેવું. તેઓ હિન્દી બોલે તો એમાં પણ ગુજરાતીની છાંટ વર્તાય.

પરંતુ હવે અમેરિકા જેવા દેશોમાં તેઓ અંગ્રેજીમાં એવું ફાંકડું ભાષણ આપતા થઈ ગયા છે કે આપણને નવાઈ લાગે! નરેન્દ્ર મોદી બહુ મહેનતુ છે અને તેમણે વડા પ્રધાન બન્યા પછી, પોતાની ભાષાકીય ઉણપને શક્તિમાં ફેરવી નાખવા ચોક્કસ મહેનત કરી હશે, પણ પોતાની મહેનત ઉપરાંત એમને આ ટેલિપ્રોમ્પ્ટર ટેક્નોલોજી પણ બહુ કામે લાગી રહી છે.

ટેલિપ્રોમ્પ્ટર શું છે એનો જવાબ એના નામમાં જ છુપાયેલો છે. ‘ટેલિ’ એટલે દૂરથી અને ‘પ્રોમ્પટર’ એટલે બોલવામાં મદદ કરે તે!

નાટકમાં અદાકાર સ્ટેજ પર જોરદાર અભિનય સાથે સંવાદો બોલી રહ્યા હોય ત્યારે તેઓ કોઈ સંવાદ ભૂલે નહીં અને ચાલુ નાટકે લોચો ન વાળે એ માટે પડદા પાછળથી કોઈ વ્યક્તિ ધીમા અવાજે અદાકારના આગળના સંવાદોની તેમને યાદ અપાવતા હોય છે.

ટેલિપ્રોમ્પ્ટર બરાબર એવું જ કામ કરે છે, અલબત્ત, તેમાં હવે નવા સમયની, ખાસ્સી આધુનિક ટેક્નોલોજી ઉમેરાઈ ગઈ છે. છતાં જાણીને નવાઈ લાગશે કે આખી વાતમાં પડદા પાછળની વ્યક્તિની ભૂમિકા હજી યથાવત છે!


ટેલિપ્રોમ્પ્ટર કેવી રીતે કામ કરે છે?

ટેલિપ્રોમ્પ્ટરનો કન્સેપ્ટ બહુ જૂનો છે. છેક ૧૯૫૦માં ટેલિવિઝન માટે પરફોર્મ કરતા લોકો લાંબાલચક ડાયલોગ્સ યાદ ન રાખી શકે, એટલે તેમને મદદ કરવા કાગળના રોલ પર એક એક ઇંચ જેવડા મોટા અક્ષરોમાં ડાયલોગ્સ ટાઇપ કરીને એ રોલ, કેમેરાની પાછળ રહીને, મિકેનિકલી પેલા એક્ટર સામે ફેરવવામાં આવતો હતો!

હવે એ ટેક્નોલોજી ખાસ્સી આધુનિક બની ગઈ છે. ટીવી એન્કર્સના કેમેરામાં જ આવાં પ્રોમ્પ્ટર્સ લગાડેલાં હોય છે. સવાલ એ થાય કે એન્કર બિલકુલ આપણી સામે એટલે કે કેમેરામાં જોઈને જો લખાણ વાંચતા હોય, તો કેમેરામાં એન્કરનો ચહેરો દેખાય પણ લખાણ નહીં (ભલે ઊંધું) એવું કેમ બને?

રાજકીય નેતાના ભાષણ દરમિયાન દેખાતી ફ્રેમ્સ પણ બિલકુલ પારદર્શક લાગતી હોય છે, તેના પર કોઈ લખાણ દેખાતું નથી. આવું કેમ?

તેનું કારણ છે ‘બીમ સ્પ્લિટર’ તરીકે ઓળખાતો એક ખાસ પ્રકારનો અરીસો.

આ પદ્ધતિમાં ટીવી કેમેરાના લેન્સની આગળ, જમીનને સમાંતર મૂકેલા એક પ્રોજેક્ટર પર લખાણ સ્ક્રોલ થાય છે. તેની ઉપર લેન્સની બરાબર આગળ ‘ટુ-વે મિરર’ કે ‘ડાઇલેક્ટ્રિક મિરર’ તરીકે ઓળખાતો એક ખાસ પ્રકારનો અરીસો ત્રાંસો ગોઠવેલો હોય છે. એ જ છે બીમ સ્પ્લિટર.

આ અરીસાનો એન્કર તરફનો ભાગ મિરર કોટેડ હોય છે, તેથી તેની પર, નીચેના સ્ક્રીન પરનું પ્રતિબિંબ ઝીલાતાં એન્કરને લખાણ બરાબર વંચાય છે.

અરીસાની બીજી બાજુએ એવું કોટિંગ હોય છે, જેને કારણે લેન્સને અરીસા પરના લખાણનું પ્રતિબિંબ નહીં પણ સીધો એન્કરનો ચહેરો દેખાય છે!

રાજકીય નેતાઓ જે ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે તેમાં લગભગ આ જ પદ્ધતિ છે, ફક્ત તેમાં કેમેરા હોતો નથી. નેતાની બંને બાજુએ આવા અરીસા ગોઠવ્યા હોય તો તેઓ વારાફરતી બંનેમાં જોઈને લખાણ વાંચે છે અને સામે બેઠેલા લોકોને લાગે છે કે નેતા તેમની સામે જ જોઈને બોલી રહ્યા છે!

ટેલિપ્રોમ્પ્ટરનું લખાણ નેતાની ભાષણશૈલીથી પરિચિત વ્યક્તિ દૂરથી, રીમોટથી મદદથી સ્ક્રોલ કરે છે. નેતા પોતાના ભાષણમાં કોઈ ચોટદાર વાત કરે અને લોકો તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે, તો નેતા બે ઘડી ભાષણ અટકાવી દે છે. આવે સમયે પેલા આસિસ્ટન્ટે લખાણનું સ્ક્રોલિંગ પણ અટકાવી દેવું પડે. આમ નેતા અને તેમના આસિસ્ટન્ટ વચ્ચેનો તાલમેલ બહુ અગત્યનો રહે છે.

અમુક પ્રોમ્પ્ટર્સ આસિસ્ટન્ટ વિના પણ ચાલી શકે છે, પણ એમાં વક્તા ફક્ત લખેલું વાંચી જાય એવો અનુભવ થાય, તેઓ શ્રોતાઓ સાથે જીવંત સંપર્ક કેળવી ન શકે.

એવું મનાય છે કે ૨૦૧૪માં ઇસરો દ્વારા પીએસએલવીના લોન્ચિંગ સમયે નરેન્દ્રભાઈએ પહેલી વાર ટેલિપ્રોમ્પ્ટરની મદદથી ભાષણ કર્યું હતું. ત્યારથી, ખાસ કરીને વિદેશ પ્રવાસો દરમિયાન તેઓ સતત ટેલિપ્રોમ્પ્ટર્સની મદદ લે છે.

નરેન્દ્રભાઇએ વર્ષ ૨૦૧૬માં અમેરિકન કોંગ્રેસમાં ધમાકેદાર ભાષણથી વાહવાહ મેળવી, ત્યારે તેમણે ‘સ્ટેજપ્રો પ્રેસિડેન્શિયલ ટેલિપ્રોમ્પ્ટર સિરિઝ’ નામનાં પ્રોમ્પ્ટર્સની મદદ લીધી હોવાનું મનાય છે. અમેરિકામાં વિવિધ સમારંભોમાં લેક્ચરર્સ આપતા લોકોમાં આ પ્રકારનાં પ્રોમ્પ્ટર્સ બહુ લોકપ્રિય છે.

અમેરિકાના ભૂતપૂર્વ બરાક ઓબામા તેમના લગભગ દરેક ભાષણ વખતે, નાનામાં નાનું સ્ટેટમેન્ટ આપતી વખતે પણ ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરતા હતા એવું મનાય છે. એ જ રીતે ડોનાલ્ડ ટ્રપ્ટ પણ તેમના ભાષણો પ્રોપ્ટર્સની મદદથી કરે છે.

જોકે આમાં ઘણી વાર રમૂજભર્યા છબરડા પણ થાય છે! બરાક ઓબામા અસંખ્ય ટીવી કેમેરા સામે બોલતાં બોલતાં અચાનક અટકી જતા, કેમ કે તેમના ટેલિપ્રોમ્પ્ટરમાં લખાણ આગળ વધ્યું ન હોય!

ચીનના પ્રમુખ ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમનું નામ ટેલિપ્રોમ્પ્ટર પર Xi Jinping  લખાયેલું હતું, તો દૂરદર્શનના ન્યૂઝ એન્કર તેને રોમન અક્ષર ધારીને ‘ઇલેવન જિનપિંગ’ બોલ્યા!

એ જ રીતે, શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલા સિરિસેના તેમનાં પત્ની સાથે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે ભારતના વડા પ્રધાને તેમના સ્વાગત પ્રવચનમાં, શ્રીલંકાના પ્રમુખનાં પત્ની માટે ‘એમ.આર.એસ. સિરિસેના’ એવો ઉચ્ચાર કર્યો હતો, જે વાસ્તવમાં શ્રીમતી માટે ટૂંકમાં મિસિસ –  Mrs  લખાયેલું હતું!

મતલબ કે ટેલિપ્રોમ્પ્ટર માટે લખાણ તૈયાર કરનારી વ્યક્તિએ એ સમજવું બહુ જરૂરી હોય છે કે આ લખાણ વાંચવા માટે નથી, પણ બોલવા માટે છે, એટલે ત્યાં ‘એમઆરએસ’ નહીં પણ ‘મિસિસ’ જ લખાયું હોત તો આવી ભૂલ થઈ ન હોત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!