દુનિયાભરના લોકોમાં વિન્ડો શોપિંગ ખાસ્સી લોકપ્રિય પ્રવૃત્તિ છે. વિન્ડો શોપિંગ એટલે એવું શોપિંગ જેમાં લોકો જુદા જુદા મોલમાં ફરીને જાતભાતની વસ્તુઓ જુએ ખરા પણ ફક્ત જોઈને જ આનંદ માણે, કશું ખરીદે નહીં!
તમે પણ ઉનાળાની બપોરે એસી મોલમાં પહોંચીને આવી રીતે વિન્ડો શોપિંગની મજા માણી હશે. હવે કલ્પના કરો કે આવી રીતે વિન્ડો શોપિંગ કરતાં કરતાં તમને કોઈ વસ્તુ ખરેખર ખરીદવાનું મન થઈ આવે અને ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર એ જ વસ્તુના ભાવ શું છે એ જાણવાનું મન થાય તો?
સાયબરજગતમાં અત્યારે વિઝ્યુઅલ સર્ચ પર ખાસ્સું જોર આપવામાં આવી રહ્યું છે. એ જ દિશામાં આગળ વધતાં એમેઝોન કંપની હવે આપણને ઇમેજ દ્વારા સર્ચની સગવડ આપે તેવી શક્યતા છે.
આ સુવિધાનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ ચીજવસ્તુનો ફોટોગ્રાફ લઇ એમેઝોન એપમાં તેને ફીડ કરીને બરાબર એ જ અથવા તો તેને મળતી આવતી બીજી પ્રોડક્ટ ધરાવતા એમેઝોનના પેજ સુધી આપણે પહોંચી શકીશું.
