(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારું ડિવાઇસ ‘બોટનેટ’નો ભાગ બની ચૂક્યું છે?

ઘણી વાર એવું બને છે કે આપણા શરીરમાં કોઈ રોગના વાઇરસ ઘૂસી જાય, પણ આપણને રોગનાં લક્ષણો ન દેખાય એટલે આપણે રોગ વિશે અંધારામાં જ રહીએ.

વાત કમ્પ્યુટરના વાઇરસની હોય ત્યારે આ મુદ્દો જરા જુદો વળાંક લે છે. આવા વાઇરસ ફક્ત કમ્પ્યુટરની અંદર રહીને કમ્પ્યુટરને હાનિ પહોંચાડીને અટકતા નથી. હવે મોટા ભાગના કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોવાથી આપણા કમ્પ્યુટરમાંના વાઇરસ બીજા, ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ કમ્પ્યુટર્સ સાથે કનેક્ટ થઈને જુદી જુદી ઘણી રીતે આપણને અને બીજાને હાનિ પહોંચાડી શકે છે.

ટેકનોલોજીની ભાષામાં આવી રીતે વાઇરસગ્રસ્ત અને એકમેક સાથે કનેક્ટેડ કમ્પ્યુટર્સના નેટવર્કસને ‘બોટનેટ’ કહે છે. એવું પણ બની શકે કે તમે આ વાંચી રહ્યા છો ત્યારે તમારું પોતાનું કમ્પ્યુટર કોઈ બોટનેટમાં જોડાઈ ચૂક્યું હોય અને તમને તેની ખબર પણ ન હોય!

બીજી આંચકાજનક વાત એ છે કે ઉપરના લખાણમાં સરળીકરણ માટે ભલે માત્ર કમ્પ્યુટર લખ્યું હોય, આ વાત સ્માર્ટફોનને પણ લાગુ પડે છે.

આ બોટનેટ એક્ઝેટલી શું છે, તેનાથી આપણને કઈ રીતે હાનિ થઈ શકે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે જાણીએ.

આગળ શું વાંચશો?

  • બોટનેટ શું છે?
  • બોટનેટ પર સાયબર ક્રિમિનલ શું કરી શકે?
  • બોટનેટનો વ્યાપ
  • તમારું સાધન બોટનેટમાં જોડાઈ ગયું છે કે નહીં તે કેવી રીતે જાણશો?
  • બોટનેટથી સલામતી કેવી રીતે?

બોટનેટ શું છે?

આગળ કહ્યું તેમ બોટનેટ એટલે વાઇરસ કે માલવેરથી અસરગ્રસ્ત અને એકમેક સાથે ઇન્ટરનેટથી જોડાયેલા કમ્પ્યુટર કે સ્માર્ટફોનથી રચાતું એક નેટવર્ક. સાયબર ક્રિમિનલ્સ આવા બોટનેટને પોતે અંધારામાં રહીને કંટ્રોલ કરી શકે છે. મતલબ કે જો તમારું કમ્પ્યુટર કે સ્માર્ટફોન કોઈ બોટનેટમાં જોડાઈ ગયેલ હોય તો સાયબર ક્રિમિનલ તમારી નજરમાં આવ્યા વિના અને તમારી જાણ બહાર તમારા પીસી કે સ્માર્ટફોનનો પોતાને મન ફાવે તેવી રીતે ઉપયોગ કરી શકે છે.

બોટનેટમાં જોડાઈ ગયેલ સાધનો સામાન્ય રીતે જ કામ કરતાં રહેતાં હોવાથી આપણને આપણા સાધન પર બીજા કોઈનો કંટ્રોલ હોવાની તરત ખબર પણ પડતી નથી.

બોટનેટ પર સાયબર ક્રિમિનલ શું કરી શકે?


જુદા જુદા કમ્પ્યુટર્સમાં માલવેર કે વાઇરસ ઘૂસાડીને તેમને એકમેક સાથે જોડીને સાયબર ક્રિમિનલ્સ બોટનેટ રચે છે અને પછી આ બધા કમ્પ્યુટર પરથી તેઓ જુદી જુદી પ્રવૃત્તિ કરી શકે છે.

જેમ કે જો તમારું કમ્પ્યુટર કોઈ બોટનેટમાં જોડાયેલું હોય તો સાયબર ક્રિમિનલ તમારા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાંના તમારા ઇમેઇલ પ્રોગ્રામમાંથી તમારા કોન્ટેક્ટસને અને અન્ય લોકો, તમે મોકલ્યા હોય તેવી રીતે સ્પામ ઇમેઇલ્સ મોકલી શકે છે.

બોટનેટની મદદથી સાયબર ક્રિમિનલ્સ વધુ પ્રમાણમાં કમ્પ્યુટર્સ અને સર્વર્સમાં માલવેર અને વાઇરસ ઘૂસાડી શકે છે. બોટનેટની મદદથી સાયબર ક્રિમિનલ્સ બેન્કિંગ કે ફાઇનાન્સને લગતા ફ્રોડ કરી શકે છે (જેમ કે ગયા અંક, સપ્ટેમ્બર ૨૦૧૮માં આપણે જાણ્યું તેમ કોસમોસ બેન્ક સાથે થયેલો ફ્રોડ).

બોટનેટનો વ્યાપ

બોટનેટ આપણા ધાર્યા કરતાં બહુ વિશાળ પ્રમાણમાં કમ્પ્યુટર્સ કે સ્માર્ટફોન્સને અસર કરી શકે છે. એક અભ્યાસ મુજબ ‘રસટોક’ નામે જાણીતા વિશ્વના સૌથી વિશાળ બોટનેટની મદદથી સાયબર ક્રિમિનલ્સ રોજના ૧૩.૮ અબજ સ્પામ મેઇલ્સ મોકલી શકતા હતા.

તમારું સાધન બોટનેટમાં જોડાઈ ગયું છે કે નહીં તે કેવી રીતે જાણશો?

આગળ કહ્યું તેમ તમારું કમ્પ્યુટર કે સ્માર્ટફોન કોઈ પણ પ્રકારના વાઇરસ કે માલવેરનો ભોગ બનેલ હોય તો ઘણા કિસ્સામાં તેનાં કોઈ ચિહ્ન જોવા ન મળે એવું બની શકે છે. પરંતુ કેટલીક વાર અમુક દેખીતા ફેરફાર થવાથી આપણે સમજી શકીએ છીએ કે હવે કમ્પ્યુટરને વાઇરસ કે માલવેરથી મુક્ત કરવાનો સમય પાકી ગયો છે. તમારા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં નીચેનામાંથી કોઈ પણ લક્ષણો જોવા મળે તો ચેતી જાઓ :

તમારા કમ્પ્યુટરમાં કોઈ અજાણ્યું સર્ચ એન્જિન દેખાય છે? આ બહુ જૂના પ્રકારનો માલવેર છે પરંતુ હજી પણ ઘણા લોકો તેનો ભોગ બનતાં રહે છે. જો તમે કોઈ ભળતી સાઇટની જગ્યાએ ક્લિક કરી હોય કે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરતી વખતે જેના ચેક બોક્સમાંની ટીક દૂર કરવી જરૂરી હોય પરંતુ એ તરફ તમારું

ધ્યાન ગયું ન હોય તો તમારા કમ્પ્યુટરમાં મૂળ સોફ્ટવેરની સાથોસાથ ધરાર બીજું સોફ્ટવેર ડાઉનલોડ થઈ જતું હોય છે. આવા સોફ્ટવેર ઘણા કિસ્સામાં આપણા બ્રાઉઝરનું સર્ચ એન્જિન બદલી નાખે છે. આથી તમે કંઈક સર્ચ કરવા માટે ગૂગલ પર જાઓ તેને બદલે કોઈ ભળતું જ સર્ચ એન્જિન જોવા મળે તો એ તમારા કમ્પ્યુટરમાં માલવેર હોવાની સ્પષ્ટ નિશાની છે.

બોટનેટની મદદથી સાયબર ક્રિમિનલ્સ વધુ પ્રમાણમાં કમ્પ્યુટર્સ અને સર્વર્સમાં માલવેર અને વાઇરસ ઘૂસાડી શકે છે કે બેન્કિંગ કે ફાઇનાન્સને લગતા ફ્રોડ કરી શકે છે.

બીજી શક્યતા એવી પણ છે કે તમે જ્યારે પણ બ્રાઉઝરમાં કોઈ વેબસાઇટ ઓપન કરો ત્યારે ચોતરફ જાહેરાતો જોવા મળે. અલબત્ત ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર જાહેરખબર આધારિત હોવાથી મોટા ભાગની વેબસાઇટ પર વધુ પડતા પ્રમાણમાં જાહેરાતો જોવા મળતી હોય છે પરંતુ માલવેરને કારણે સામાન્ય લાગતી સાઇટ પર અસામાન્ય રીતે જાહેરાતો જોવા મળી શકે છે. જેમ કે અગાઉ તમે જે સાઇટ્સ પર પ્રમાણમાં ઓછી જાહેરાતો જોતા હો તેના પર અચાનક જાહેરખબરનું પ્રમાણ વધી જાય અથવા તો સ્માર્ટફોનમાં તમે કોઈ એપ ઓપન ન કરી હોય તો પણ તમને જાહેરાતો બતાવવામાં આવે આ બધા માલવેરનાં ચિહ્નો છે.

અલબત્ત અમુક અપવાદ ધ્યાને લેવા જેવા છે. જો તમે રિલાયન્સ જિઓનું સીમકાર્ડ વાપરતા હશો તો ફોનમાં અવારનવાર જિઓની જાહેરાતો જોવા મળતી હશે. આ કોઈ માલવેર નથી પરંતુ આપણે પોતે જિઓને જાહેરાતો બતાડવા માટેની સંમતિ આપ્યાનું પરિણામ છે! તેને દૂર કરવી લગભગ અસંભવ છે (એ જ રીતે હવે ઝાયોમી કંપની પણ ફોનમાં જાહેરાતો બતાવવા લાગી છે).

માલવેરને કારણે જોવા મળતી જાહેરખબરો બે પ્રકારની હોઈ શકે છે. એકમાં વાસ્તવિક પ્રોડક્ટસની જાહેરાતો બતાવવામાં આવે છે અને એ રીતે એડવર્ટાઇઝિંગ નેટવર્કસ પાસેથી કમાણી કરવામાં આવે છે. બીજા પ્રકારમાં સાયબર ક્રિમિનલ્સ આપણા સાધનમાં વધુ માલવેર આવી પડે તેવી શંકાસ્પદ વેબસાઇટ્સ પર આપણને મોકલી શકે છે.

સોશિયલ મીડિયામાં તમને સંબંધિત લાગે અમુક ખાસ પ્રકારની પોસ્ટ જોવા મળે તો એ પણ માલવેરની નિશાની છે.

જેમ કે ખાસ કરીને વિદેશોમાં જુદા જુદા લોકોને સંબોધીને એવી પોસ્ટ બતાવવામાં આવે છે, જેમાં લખ્યું હોય કે “ઓહ માય ગોડ, તમે આવું કર્યું? જાતે જ જુઓ… આવી પોસ્ટ જોઈને કોઈ પણ સામાન્ય વ્યક્તિ ડરી જાય અને પોતાના વિશે શું પોસ્ટ થયેલું છે એ જોવા માટે પેલી લિન્ક પર ક્લિક કરી બેસે.

કેટલીક વાર એવું બને કે આપણને કમ્પ્યુટરમાં વાઇરસ કે માલવેર હોવાની શંકા જાગે અને આપણે કમ્પ્યુટરને સ્કેન કરવા એન્ટિવાઇરસ પ્રોગ્રામ રન કરવાની કોશિષ કરીએ તો એ જ ડિસેબલ થયેલો જોવા મળે. ઘણા વાઇરસ કે માલવેર તેને કમ્પ્યુટરમાં મોકળું મેદાન મળે તે માટે સૌથી પહેલાં કમ્પ્યુટરમાંના એન્ટિવાઇરસ પ્રોગ્રામ કે ટાસ્ક મેનેજર જેવા એડમિન ટૂલ્સ ડિસેબલ કરી દેતા હોય છે. આ આપણા સાધનમાં માલવેર હોવાની સ્પષ્ટ નિશાની છે.

એ સિવાય કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં અચાનક આપણને ‘ચેતવતી’ નોટિસ આવી પડે કે આપણી પાસે રેન્સમવેર માગવામાં આવે એ પણ આપણે માલવેરનો ભોગ બન્યા હોવાની સ્પષ્ટ નિશાની છે.

એક રીતે જોવા જઈએ તો માલવેરના હુમલાના આવા સ્પષ્ટ સંકેત મળે એ સારી વાત છે કારણ કે આપણે તદ્દન અંધારામાં રહીએ અને સાયબર ક્રિમિનલ્સ મન ફાવે તે રીતે આપણા સાધનનો ઉપયોગ કરે, તેના કરતાં આપણને જાણ થાય અને આપણે સાવચેતીનાં પગલાં લઈ શકીએ તે વધુ સારી સ્થિતિ છે.

બોટનેટથી સલામતી કેવી રીતે?

સ્માર્ટફોનના કિસ્સામાં જો તેમાં માલવેર હોવાનું જણાય તો તેમાંના તમારા મહત્ત્વના ડેટાનો બેકઅપ લઇને સ્માર્ટફોનને ફેકટરી રિસેટ કરી દેવો હિતાવહ છે. કમ્પ્યુટરના કિસ્સામાં પણ એન્ટિવાયરસ પ્રોગ્રામથી કમ્પ્યુટરને ક્લિન કરવાનો પ્રયાસ કરી શકાય અથવા સંપૂર્ણ ફોર્મેટ કરી શકાય. સામાન્ય રીતે સાયબર સેફ્ટીના સામાન્ય તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરીને આપણે બોટનેટથી સલામત રહી શકીએ છીએ. એ માટે…

  • તમારા કમ્પ્યુટરમાંના તમામ સોફ્ટવેર તેના લેટેસ્ટ વર્ઝન સાથે અપટુડેટ રાખો.
  • સારા એન્ટિવાઇરસ પ્રોગ્રામનો ઉપયોગ કરો અને તેને નિયમિત રીતે અપડેટ કરો.
  • કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ફાયરવોલ સુવિધાનો ઉપયોગ કરો.
  • મજબૂત અને કોઈ સહેલાઈથી ક્રેક ન કરી શકે તેવા પાસવર્ડનો ઉપયોગ કરો.
  • પાસવર્ડ પ્રોટેકશન માટે ટુ સ્ટેપ વેરીફિકેશનનો ઉપયોગ કરો.

સ્માર્ટફોન કે પીસીમાં સોશિયલ મીડિયા કે અન્ય સાઇટ્સ પર આપેલી કે ઇમેઇલમાં આવતી લિન્ક્સ પર વિચાર્યા વગર ક્લિક ન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!