ટેલિ-મેડિસિન – આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ એ વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે એ સમજવું હોય તો આપણે કચ્છના નાના રણની કાંધીએ આપેલા ખારાઘોડા અને તેના જેવાં બીજાં ગામોમાં જવું પડે.
આ ગામોમાં, અમદાવાદના કેટલાક સેવાભાવી લોકો અને ડોકટર્સે શરૂ કરેલી ‘સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ’ નામની એક સંસ્થા દ્વારા છેલ્લા થોડા મહિનાથી ટેલિ-મેડિસિન સેવા શરૂ કરવામાં આવી છે. રણકાંઠાના ગામલોકો જેને ‘ટીવીવાળા ડોકટર’ની સેવાઓ કહે છે તે ટેલિ-મેડિસિ સેવા એ પણ બતાવે છે કે ટેક્નોલોજી લોકોના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે છે.
સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છના નાના રણમાં વસતા મીઠાના અગરિયાઓ અને મીઠા કામદારોના પરિવારોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ ગામમાં કાયમી વસવાટ કરવા કોઈ ડોક્ટર સહેલાઈથી તૈયાર થતા નથી. કચ્છના નાના રણના રણકાંઠાના ખારાઘોડા, ઓડુ, ચિકાસર, મીઠાઘોડા અને સાવડા ગામમાં તાલુકા મથક સુધી જવા માટે બસની સુવિધા પણ મોટા ભાગે ઉપલબ્ધ નથી. બીજી બાજુ આ ગામના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાની તાતી જરૂર છે.
ટેલિ-મેડિસિન દ્વારા આ જરૂરિયાત પૂરી કરવા માટે ‘સેતુ’એ એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરની મદદથી ખાસ આ ગામો માટે પોતાનું એક ઇન્ટર્નલ વાયરલેસ નેટવર્ક ઊભું કર્યું છે. આ નેટવર્કથી હાલમાં પાંચ ગામોને આવરી શકાયાં છે અને ભવિષ્યમાં વધુ ૨૫ ગામો આવરી શકાશે.
બીજી તરફ દાતાઓના સહયોગથી, એક ટેલિ-મેડિસિન વાન તૈયાર કરવામાં આવી. તેને એક ટીવી, સ્માર્ટફોન, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઈ રાઉટર, ક્રોમકાસ્ટ, એરકન્ડિશનર (આ વિસ્તારમાં તાપમાન ૪૫ ડિગ્રી કરતાં ઉપર રહે છે) અને ૨ કેવીએની બેટરીથી સજ્જ કરવામાં આવી.
આ સમગ્ર વ્યવસ્થામાં સ્કાઇપ, વોટ્સએપ તથા ગૂગલ ડ્રાઇવ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ડોકટર અને દર્દી-હેલ્થ કોઓર્ડિનેટર વચ્ચેની વાતચીત સ્કાઇપ દ્વારા થાય છે.
દરેક ગામમાં એન્ટેના સાથે એક ચોક્કસ જગ્યા નક્કી કરવામાં આવી છે. નિશ્ચિત દિવસે વાન એ સ્થળે પહોંચીને એન્ટેનાની મદદથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવે છે. દર્દીઓ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી એક પછી એક વાનમાં પ્રવેશે છે. વાનમાં એક હેલ્થ કો-ઓર્ડિનેટર હાજર હોય છે, જે દર્દીની બીપી, હૃદયના ધબકારા વગેરે માપીને અમદાવાદમાંના ડોકટરને જણાવે છે. અમદાવાદમાં બેઠેલા ડોકટર ટીવીના માધ્યમથી દર્દી તથા હેલ્થ કો-ઓર્ડિનેટર સાથે વાત કરે છે.
ડોકટર દર્દીની પ્રાથમિક સમસ્યાઓ જાણીને નિદાન કરીને દવાઓ સૂચવે છે. આ રીતે માત્ર પ્રાથમિક સારવાર કરી શકાય છે. વધુ ગંભીર રોગની સ્થિતિમાં ડોકટર એ દર્દીને, ‘સેતુ’ સાથે સંકળાયેલા નિષ્ણાત ડોકટરો દ્વારા વધુ અને મોટા ભાગે નિ:શુલ્ક સારવાર માટે અમદાવાદ બોલાવે છે.
દર્દીની માહિતી ખાનગી રહે એ માટે ડોકટર અને દર્દી વચ્ચેની સમગ્ર વાતચીત અને અન્ય તમામ કમ્યુનિકેશન એચટીટીપીએસ પ્રોટોકોલ હેઠળ થાય છે.
તમામ ડેટા ગૂગલ ડ્રાઇવમાં સેવ કરવામાં આવે છે અને તેની એક્સેસ ‘સેતુ’ના બહુ મર્યાદિત અને જવાબદાર લોકોને જ મળે છે.
આ સમગ્ર વ્યવસ્થામાં સ્કાઇપ, વોટ્સએપ તથા ગૂગલ ડ્રાઇવ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ડોકટર અને દર્દી-હેલ્થ કોઓર્ડિનેટર વચ્ચેની વાતચીત સ્કાઇપ દ્વારા થાય છે.
અમદાવાદમાંના ડોકટર પોતાના લેટરપેડ પર દર્દી માટે પ્રિસ્ક્રિપ્શન લખે છે અને એક સહાયક તેનો ફોટોગ્રાફ લઇને તેને વાનમાં હાજર હેલ્થ કો-ઓર્ડિનેટરને વોટ્સએપ કરે છે. તેને આધારે દર્દીને વાનમાંની ફાર્મસીમાંથી તરત દવા આપવામાં આવે છે.
હવે વાનની ઉપર જ એક કોલેપ્સિબલ એન્ટેના મુકવાનો પ્રયાસ ચાલી રહ્યો છે જેથી વાનને ગમે ત્યાં લઈ જઇને, કનેક્ટિવિટી મેળવીને ટેલિ-મેડિસિન સેવા આપી શકાય.
આ વ્યવસ્થાથી ટૂંક સમયમાં આ ગામોની મહિલાઓને મહિલા રોગો સંબંધિત માર્ગદર્શન આપવા એક ગાયનેક એક્સપર્ટની મદદથી ટેલિ હેલ્થ અવેરનેસ સેશન યોજવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.
અત્યારે આ રીતે આ મોબાઇલ વાન દરેક ગામમાં અઠવાડિયે એક વાર જાય છે. અંદાજે ૪૦થી ૬૦ દર્દીઓ દરેક મુલાકાતમાં તેનો લાભ લે છે. મહિને કુલ ૧૫૦૦ જેટલા દર્દીઓને આ રીતે સારવાર આપી શકાય છે. ઘણા કિસ્સાઓમાં ગંભીર બીમારીઓનું વહેલું નિદાન થવાથી જીવન અને આજીવિકા બચાવી શકાય છે. વોટ્સએપ, ગૂગલ ડ્રાઇવ, સ્કાઇપ વગેરેનો આવો ઉપયોગ પણ છે!

