જો તમે તમારા સ્માર્ટફોનમાં જૂની ન્યૂઝ એન્ડ વેધર એપનો ઉપયોગ કરતા હશો, તો તમને નવી ન્યૂઝ એપ જોઈને આનંદનો હળવો આંચકો આવશે! નવી એપમાં ડિઝાઇનને લગતા સરસ ફેરફારો કરવામાં આવ્યા છે.
ગૂગલની મૂળ ન્યૂઝ સર્વિસ ૧૫ વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી. ત્યારે માત્ર ઇન્ટરનેટ પરથી સાડા ચાર કે પાંચ હજાર જેટલી ન્યૂઝ સાઇટ્સ પરથી સમાચારો તારવી, તેને જુદા જુદા દેશ અને વિષય મુજબ ગોઠવીને આપણને એક જ વેબપેજ (અને પાછળથી એપ)માં બતાવવામાં આવતા હતા. જગતના આ સૌથી મોટા ‘અખબાર’માં કોઈ માણસ તંત્રી નહોતો, સમાચાર પસંદગી અને ગોઠવણીનું બધું કામ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવતું હતું!
પંદર વર્ષ પછી ટેક્નોલોજી ઘણી વિકસી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગ (એમએલ) ઘણાં વિકસી ગયાં છે અને ઇન્ટરનેટ કંપનીઝ પાસે તેના યૂઝર્સ એટલે કે આપણો ગજબની ચોક્સાઈવાળો, ઝીણવટભર્યો ડેટા પણ જમા થયો છે. નવી ન્યૂઝ સર્વિસમાં આ એઆઇ અને એમએલને કામે લગાડવામાં આવ્યાં છે. ગૂગલના દાવા મુજબ, નવી ન્યૂઝ સર્વિસ આપણને ત્રણ રીતે કામ લાગશે :
- જેમાં રસ હોય તેવા સમાચારો સતત જાણવા
- જે તે સમાચારનાં વિવિધ પાસાં, વિવિધ સ્રોતમાંથી સમજવાં
- આપણને જે સમાચાર સ્રોત વિશ્વસનીય લાગતા હોય, તેને નિયમિત વાંચવા
જૂની અને ગૂગલની જ અલગ અલગ સર્વિસીઝમાં આ બધું ઘણે અંશે હતું, પણ હવે એ બધું એક સર્વિસમાં, નવી અને વધુ વ્યવસ્થિત રીતે મળતું થયું છે.
એપના મુખ્ય ચાર ભાગ
નવી ન્યૂઝ સર્વિસ મુખ્ય ચાર ભાગમાં વહેંચાયેલી છે. આ ચારેય ભાગ એપમાં નીચેના ભાગે દર્શાવેલા છે.
- ફોર યુ
- હેડલાઇન્સ
- ફેવરિટ્સ
- ન્યૂઝસ્ટેન્ડ
- આ ચારેય વિભાગમાં, એપના સેટિંગ્સમાં આપણે પસંદ કરેલી ભાષા અને પ્રદેશ મુજબ સમાચારો જોઈ શકાશે.
- એ માટે, સ્ક્રીન પર ઉપર જમણી તરફ, તમારા એકાઉન્ટ આઇકન પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ. તેમાં ભાષા તરીકે ઇંગ્લિશ-ઇન્ડિયા કે મરાઠી કે હિન્દી પણ પસંદ કરી શકો છો.
- અહીં મિનિ કાર્ડ્સનો ઓપ્શન ઓફ રાખશો તો વધુ સારો અનુભવ મળશે.
- ડેટા બચાવવા, વીડિયો ઓટો-પ્લે ન થાય એવું સેટિંગ પણ અહીં કરી શકાય.
૧. ફોર યુ
તમને યાદ હશે કે ગયા વર્ષે, ઓગસ્ટ ૨૦૧૭ અંકમાં આપણે સ્માર્ટફોનમાં ગૂગલ સર્ચ એપમાં, ફીડ સ્વરૂપે આપણા રસના વિષયો વિશેના સમાચાર આપતી ગૂગલની સર્વિસ વિશે જાણ્યું હતું. એ હજી યથાવત છે, પણ હવે તે નવી ન્યૂઝ સર્વિસમાં આવરી લેવાઈ છે.
- નવી ન્યૂઝ સર્વિસના હોમ જેવા આ વિભાગમાં, સૌથી પહેલાં, જે તે ક્ષણની ટોચની પાંચ ન્યૂઝ સ્ટોરીઝ આપણને બતાવવામાં આવે છે.
- તેની નીચે, જુદી જુદી બાબતો ધ્યાનમાં લઈને, આપણને જેમાં રસ પડી શકે એવા સમાચાર તારવીને બતાવવામાં આવે છે. આ સમાચારો સતત અપડેટ થતા રહે છે.
- અહીં આપણા રાજ્ય કે શહેરના સ્થાનિક સમાચારો પણ જોવા મળશે.
- આપણે જેમ આ એપનો વધુ ઉપયોગ કરીએ, વધુ સમાચારો વાંચીએ તેમ તેમ તેને આપણી પસંદ-નાપસંદ ખબર પડતી જાય છે.
- કોઈ પણ સમાચારના નીચેના જમણા ખૂણે, ત્રણ ડોટ પર ક્લિક કરતાં, તે સમાચાર પછી ક્યારેક ઓફલાઇન વાંચવા ‘સેવ ફોર લેટર’નો, શેર કરવાનો અને એ સમાચારના સ્રોત પર પહોંચવાનો વિકલ્પ મળે છે.
- તમે એ પ્રકારના સમાચાર વધુ જોવા માગો છે કે નહીં એ પણ તમે અહીંથી જણાવી શકો છો.
- યાદ રહે, દરેક વ્યક્તિની ન્યૂઝ એપમાં ‘ફોર યુ’ વિભાગમાં જુદા જુદા સમાચાર જોવા મળી શકે છે, કારણ કે દરેક વ્યક્તિની પસંદગીઓ જુદી જુદી હોઈ શકે છે!


૨. હેડલાઇન્સ
સેટિંગ્સમાં આપણે પસંદ કરેલા ક્ષેત્રના મુખ્ય સમાચારો અહીં જોવા મળે છે. અહીં સમાચારો લેટેસ્ટ, ઇન્ડિયા, વર્લ્ડ, બિઝનેસ, ટેક્નોલોજી વગેરે જુદા જુદા વિભાગમાં વાંચી શકાય છે. આ વિભાગમાંના સમાચારો સૌ કોઈને, પોતપોતાની એપમાં એક સરખા જોવા મળે છે.
- જૂની ન્યૂઝ એપમાં, આ વિભાગોમાં એક વિભાગ સાયન્સનો પણ હતો. નવી એપમાં શરૂઆતમાં એ ગાયબ હતો, પણ કદાચ ભૂલ સમજાતાં, તેને ફરી ઉમેરી દેવામાં આવ્યો છે!
- અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આધારે સમાચારમાં જે લોકો, સ્થળો કે બાબતોના ઉલ્લેખ હોય તેને ન્યૂઝ સર્વિસની સિસ્ટમ સમજી શકે છે. એટલું જ નહીં, દરેકનો એકબીજા સાથે શો સંબંધ છે એ પણ સમજી શકે છે.
- આથી આખી એપમાં, એક સરખા પ્રકારના સમાચારો ‘ન્યૂઝકાસ્ટ’ સ્વરૂપે ગોઠવાઈ જાય છે.
- દરેક ન્યૂઝકાસ્ટમાં, વોટ્સએપના સ્ટેટસની જેમ, એક સરખા સમાચાર એકત્ર કરીને અલગ અલગ કાર્ડ સ્ક્રોલ થાય તેમ બતાવવામાં આવે છે. દરેક કાર્ડમાં, તસવીર સાથે એક સૌથી મહત્ત્વનો મુદ્દો, સ્રોતનું નામ અને પ્રકાશિત થયાનો સમય અને મુખ્ય હેડલાઇન જોવા મળે છે.
- આ કાર્ડમાં, ન્યૂઝ સાઇટ્સના સમાચાર ઉપરાંત, એ સમાચારને લગતા ક્વોટ્સ, ટવીટ્સ વગેરે પણ જોઈ શકાય છે.
- ન્યૂઝકાસ્ટને કારણે એક જ સમાચારને અલગ અલગ માધ્યમો કઈ રીતે જુએ છે તે જોવાની આપણને તક મળે છે. જેમ કે ગયા મહિને મુંબઈની એક બહુમાળી ઇમારતમાં આગ લાગી ત્યારે મોટા ભાગનાં અખબારોએ હેડિંગમાં, એ ઇમારતમાં જાણીતી ફિલ્મ એક્ટ્રેસ રહેતી હોવાની અને એ સલામત હોવાની વાત પર ભાર મૂક્યો. જ્યારે ‘ધ હિન્દુ’ અખબારે માત્ર આગ લાગી હોવાની બાબતને મહત્ત્વની ગણી!
વ્યૂ ફૂલ કવરેજ
- દરેક ન્યૂઝકાસ્ટની નીચે જોવા મળતા ‘વ્યૂ ફૂલ કવરેજ’ પર ક્લિક કરતાં, એ મુખ્ય સમાચારને સંબંધ ફૂલ કવરેજ જોવા મળે છે.
- જેમાં તેના વિશેની તાજી જાણકારી, વીડિયોઝ, ટવીટ્સ અને અન્ય સાઇટ્સ પરનું કવરેજ વાંચી શકાય છે.
- સ્ક્રીન પર ટોચથી નીચેની બાજુ આંગળી ફેરવીને કે ઉપર જમણા ખૂણે ત્રણ બટન પર ક્લિક કરીને આ સમાચારો રીફ્રેશ કરી શકાય છે.



૩. ફેવરિટ્સ
અહીંથી આ સર્વિસ જુદો વળાંક લે છે અને આખી વાત પર આપણો અંકુશ શરૂ થાય છે. અહીં તમે આ સર્વિસને જણાવી શકો છો કે તમે કયા ટોપિક-વિષય, કયા સ્રોત અને કયા સ્થળના સમાચારો જાણવા ઇચ્છો છો.
- શરૂઆતમાં અહીં તમને જણાવવામાં આવશે કે તમે વિવિધ ટોપિક અને સોર્સને ફેવરિટ તરીકે પસંદ કરી શકો છો. એ માટે, સ્ક્રીન પર નીચે આપેલા પ્લસ પર ક્લિક કરો.
- હવે સર્ચ બોક્સમાં કંઈ પણ લખો. જેમ કે ફૂટબોલ વર્લ્ડકપ, ઇન્ડિયા ટુડે, સંજીવ કપૂર રેસિપી, અમદાવાદ… વગેરે.
- તમારા સર્ચનાં પરિણામોની સાથોસાથ, ન્યૂઝ સર્વિસ એ બાબતને ‘ટોપિક, સોર્સ, લોકેશન’ વગેરે કઈ રીતે જુએ છે તે જણાવવામાં આવશે.
- ધારો કે અમદાવાદ સર્ચ કર્યું તો અમદાવાદ લોકેશનની સામે આપેલા સ્ટારને ક્લિક કરતાં, એ લોકેશન આપણા ફેવરિટ લોકેશન તરીકે ઉમેરાઈ જશે.
- અહીં વીસનગરને લોકેશન તરીકે ઉમેરી શકાય છે, પણ ધોરાજીને નહીં (કેટલાંક લોકેશન સંબંધિત સમાચારો ઘણા જૂના પણ દેખાય છે)
- આ રીતે જુદા જુદા ટોપિક, સોર્સ (ન્યૂઝ સાઇટ્સ) કે લોકેશનને ફેવરિટ કહેતાં, એ તમામ ‘ફેવરિટ્સ’ પેજ પર ઉમેરાઈ જશે. તમે ઇચ્છો ત્યારે તેના પર ક્લિક કરી, તેને સંબધિત સમાચારો વાંચી શકો છો.
- તમે કોઈ પણ ટોપિક, સોર્સ, લોકેશનને સ્માર્ટફોનના હોમ સ્ક્રીન પર ગોઠવી શકો છો. સાયન્સ ટોપિકને ફેવરિટ કરી, હોમ સ્ક્રીન પર ગોઠવો તો રોજ એક ક્લિકમાં, દુનિયાભરના સાયન્સ ન્યૂઝ જાણી શકાશે.
- દરેક ટોપિકમાં અંદર વળી જુદા જુદા પેટા-વિભાગોમાં સમાચારો ગોઠવાયેલા જોઈ શકાશે.

૪. ન્યૂઝસ્ટેન્ડ
આ વિભાગ પબ્લિશર્સ માટે વધુ ઉપયોગી છે, કેમ કે તેઓ ન્યૂઝ સર્વિસ સાથે જોડાઈને પોતાનું કન્ટેન્ટ વાચકોને આપી શકે છે – મફતમાં અથવા પેઇડ કન્ટેન્ટ સ્વરૂપે.
- અહીં વિવિધ કેટેગરીમાં સંખ્યાબંધ સોર્સનું કન્ટેન્ટ તમે જોઈ શકો છો.
- આ વિભાગ એક રીતે ફેવરિટ જેવો જ છે કેમ કે અહીંથી પણ તમે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને ફેવરિટ સોર્સ બનાવીને, તેના સમાચારો વાંચી શકો છો, જે અંતે ફેવરિટ્સ વિભાગમાં જ જોવા મળે છે.
- જાણીતાં ઇન્ટરનેશનલ મેગેઝિન્સનું લવાજમ ભરીને કે છૂટક અંકો ખરીદીને તે કન્ટેન્ટ પણ અહીં વાંચી શકાય છે.
ફેવરિટ્સ અને ન્યૂઝસ્ટેન્ડ વિભાગનો એક મોટો ફાયદો એ થઈ શકે કે તમને દેશનાં જુદાં જુદાં અખબારો વાંચવામાં રસ હોય અને તે માટે જાણીતાં અખબારો કે ન્યૂઝ ચેનલ્સની એપ્સ તમે ડાઉનલોડ કરી હોય તો એ બધી દૂર કરી, ફક્ત આ એક એપમાં એ દરેકને તમે ફોલો કરી શકો છો!

