રોજ સવારે અનેક ભારતીય લોકોની જેમ તમે પણ તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ઓપન કરીને ઢગલાબંધ મિત્રો અને ગ્રૂપ્સમાં ગુડમોર્નિંગના મેસેજીસ મોકલતા હશો.
તમારા આ મેસેજ અને મજાની ઇમેજીસ વોટ્સએપના ગ્રૂપ્સમાં અનેક લોકોની સવાર કદાચ સુધારી દેતી હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આપણી આ પ્રવૃત્તિ ગૂગલ માટે મોટો માથાનો દુ:ખાવો બનવા લાગી છે!
છેલ્લા કેટલાય સમયથી અમેરિકાની સિલિકોન વેલીમાં બેઠેલા ગૂગલના એન્જિનિયર્સને એક વાત સમજાતી નહોતી. તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ભારતમાં દર ત્રણમાંથી એક સ્માર્ટફોનમાં રોજે રોજ સ્ટોરેજ ફૂલ થઈ જાય છે! એનું કારણ શું?
આખી દુનિયામાં ઇન્ટરનેટના સંદર્ભે એક નવો જુવાળ ઊભો થયો છે, જેને નામ આપવામાં આવ્યું છે ‘ધ નેક્સટ બિલિયન’ એટલે કે ઇન્ટરનેટ પર સક્રિય થઈ રહેલા પછીના એક અબજ લોકો, જેનું એપીસેન્ટર ભારતમાં છે! વિશ્વના અન્ય ભાગોમાં મોટા ભાગના લોકો સુધી સ્માર્ટફોન પહોંચી ગયા છે અથવા તો અમુક ભાગોમાં સ્માર્ટફોન પણ હજી ઘણી દૂરની વાત છે, પરંતુ ભારતમાં સ્માર્ટફોન ધરાવતા અને તેની મદદથી પહેલ વહેલીવાર ઇન્ટરનેટ સાથે જોડાતા લોકોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે.
ગુડમોર્નિંગ મેસેજીસ મોકલવામાં ખુદ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોખરે છે. એવું કહેવાય છે કે તેઓ રોજ સવારે પાંચ વાગે યોગાભ્યાસ પૂરો કરીને વિવિધ સોશિયલ નેટવર્કસ પર તેમના ગ્રુપ્સમાંના લોકોને ગુડમોર્નિંગ મેસેજ મોકલે છે.
ટેક કંપનીઓનો અંદાજ છે કે ટૂંક સમયમાં પૂરા એક અબજ લોકો આ રીતે સ્માર્ટફોનની મદદથી પહેલી જ વાર ઇન્ટરનેટ સાથે જોડાશે. આ કારણે બધી જ કંપની હવે આ નવા યૂઝર્સ પર ફોક્સ કરી રહી છે.
નોંધપાત્ર વાત એ છ કે પહેલીવાર સ્માર્ટફોન ખરીદનારા લોકો સ્વાભાવિક રીતે સસ્તા, નીચલા સ્તરના સ્પેશિફિકેશન ધરાવતા સ્માર્ટફોન ખરીદે છે અને ઘણા સસ્તા ડેટા પ્લાન ખરીદે છે.
આ લોકોને સ્માર્ટફોનમાં ટાઇપ કરવું હજી બહુ ફાવતું નથી પણ વોટ્સએપ પર ધડાધડ ઇમેજીસની આપ-લે કરવાની તેમને જબરી ફાવટ થઈ ગઈ છે.
ઘણા લોકો બીજા લોકોએ તેમને મોકલેલા ગુડમોર્નિંગ મેસેજ ફોરવર્ડ કરીને સંતોષ માને છે. તો ઘણા લોકો ગૂગલ પર ગુડમોર્નિંગ ઇમેજિસ સર્ચ કરીને ત્યાંથી ‘માર્કેટ મેં નયા આયા હૈ’ તરીકે બીજાને ફોરવર્ડ કરવાનું પસંદ કરે છે.
યાદ રહે કે વોટ્સએપના એકલા ભારતમાં ૨૦ કરોડ એક્ટિવ યૂઝર્સ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ગૂગલ પર છેલ્લાં પાંચ વર્ષમાં ગુડમોર્નિંગ ઇમેજીસ સર્ચ કરવાનું પ્રમાણ ૧૦ ગણું વધી ગયું છે!
ઇમેજીસ પર ફોક્સ કરતી સોશિયલ સાઇટ્સ પિન્ટરેસ્ટે ક્વોટ્સ સાથેના ઇમેજીસ ડિસ્પ્લે કરવા માટે એક નવું સેકશન શરૂ કર્યું એ પછી ખાલી ભારતમાંથી આવી ઇમેજીસ ડાઉનલોડ કરવાનું પ્રમાણ પાછલા એક જ વર્ષમાં નવ ગણું વધી ગયું છે!
ગુડમોર્નિંગ મેસેજીસ મોકલવામાં ખુદ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોખરે છે.
એવું કહેવાય છે કે તેઓ રોજ સવારે પાંચ વાગે યોગાભ્યાસ પૂરો કરીને વિવિધ સોશિયલ નેટવર્કસ પર તેમના ગ્રૂપ્સમાંના લોકોને ગુડમોર્નિંગ મેસેજ મોકલે છે. હજી થોડા સમય પહેલાં જ તેમણે વિવિધ સરકારી અધિકારીઓ અને સાંસદોનો એ વાતે ઉધડો લીધો હતો કે તેઓ તેમના ગુડમોર્નિંગ મેસેજના જવાબ કેમ આપતા નથી!
ઘણા લોકો એવા પણ છે જેઓ દિવસ ઊગે તેની રાહ જોયા વિના આગલા દિવસની રાત્રે જ વોટ્સએપમાં જુદા જુદા ગુડમોર્નિંગ મેસેજીસનું ભાથું તૈયાર કરી રાખે છે અને સવારે સૂરજ ઊગતાવેંત આ ઇમેજીસના તીર છોડવાનું શરૂ કરી દે છે! સ્વજનોના સંપર્કમાં રહેવાની આ રીતે આપણને સૌને ગમી ગઈ છે.
આ બધાનું પરિણામ – સ્માર્ટફોનમાં સતત ઓછી પડતી સ્ટોરેજ
વેસ્ટર્ન ડિજિટલ કોર્પ નામની એક ડેટા સ્ટોરેજ કંપનીએ કરેલા સર્વેક્ષણ અનુસાર ભારતમાં દર ત્રણમાંથી એક સ્માર્ટફોન યૂઝરને રોજેરોજ ફોનની સ્ટોરેજ કેપેસિટી પૂરી થઈ જાય છે. જ્યારે યુએસમાં દર ૧૦ યૂઝરમાંથી ફક્ત એકને આવી સમસ્યા સતાવે છે.
ભારતમાં ઇમેજીસની આપ-લે અને ઓછી પડતી ફોન સ્ટોરેજની સમસ્યા ધ્યાનમાં રાખીને ગૂગલે ‘ફાઇલ્સ ગો’ નામની એક એપ ડેવલપ કરી છે.
અત્યાર સુધી આપણે ‘ક્લિન માસ્ટર’ જેવી કંઈક આ જ પ્રકારની ક્લિનિંગ એપનો ઉપયોગ કરતા આવ્યા છીએ, પરંતુ તમે પોતે કદાચ અનુભવ્યું હશે તેમ આ એપ ફોનનું ભારણ ઘટાડવાને બદલે વધારે છે.
પોતાની સાથે તે ઢગલાબંધ બીજી એપ્સનો મારો આપણી પર ચલાવે છે. પરિણામે ફોનની સ્ટોરેજ મેનેજ કરવાને બદલે આપણે માથે આ વધારાના ભારણનો સામનો કરવાની મથામણ કરવી પડે છે.
જ્યારે ગૂગલની ફાઇલ્સ ગો એપ માત્ર એક જ કામ કરે છે – આપણા ફોનની ભરાઈ ગયેલી સ્ટોરેજ ખાલી કરવામાં આપણને મદદ કરવી. એ સિવાય તે કોઈ જાહેરાત કે બીજી એપ્સનું ભારણ આપણા પર વધારતી નથી.
ગૂગલની દરેક નવી સર્વિસની જેમ આ એપમાં પણ ગૂગલે તેના અત્યંત વિશાળ ઇમેજ ડેટાબેઝ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કર્યો છે પરિણામે આ એપ આપણને એ પણ સૂચવી શકે છે કે તમારા ફોનમાં વોટ્સએપની કઈ કઈ ઇમેજીસ તમે ડિલીટ કરી નાખો તો ચાલે તેમ છે.
ફાઇલ્સ ગો એપ આપણને બે રીતે ઉપયોગી થઈ શકે છે
- આપણા ફોનમાં જગ્યા રોકતી બીનજરૂરી ફાઇલ્સ સહેલાઇથી તારવીને તેને ડિલીટ કરવામાં.
- જરૂરી ફાઇલ્સ સહેલાઇથી બીજી વ્યક્તિના ફોનમાં ટ્રાન્સફર કરવામાં.
આ બીજું કામ ફાઇલ્સ ગો એપ ઇન્ટરનેટ કનેકશન વિના પણ કરી આપે છે.
સ્ટોરેજ મેનેજ કરવા માટે
પ્લેસ્ટોરમાં જઈને ફાઇલ્સ ગો એપ શોધીને ડાઉનલોડ કરી લો.
આ એપ એન્ડ્રોઇડ ૫.૦ લોલિપોપ અથવા તેનાથી ઉપરના વર્ઝનમાં ચાલી શકે છે. એટલે કે જો તમે પાછલા બે વર્ષમાં નવો સ્માર્ટફોન ખરીદ્યો હોય તો તમે આ એપનો લાભ લઈ શકશો.
તમે પહેલી વાર ગૂગલ ફાઇલ્સ ગો એપ ઓપન કરશો એટલે તે ફોનની સ્ટોરેજ સિસ્ટમ એક્સેસ કરવાની મંજૂરી માગશે. આપણે તેની પાસે આ જ કામ કરાવવાનું હોવાથી હા કહેવી પડશે.
આપણે મંજૂરી આપ્યા પછી આ એપ ફોનની કુલ સ્ટોરેજમાંથી કેટલી સ્ટોરેજ ભરાઈ ગઈ છે તે બતાવશે.
તેની નીચે જુદા જુદા કાર્ડ સ્વરૂપે વિવિધ પ્રકારની ફાઇલ્સથી ફોનમાં કેટલી જગ્યા રોકાઈ રહી છે તે જણાવશે.
આ કાર્ડઝમાં આપણને નીચે મુજબની ફાઇલ્સ અલગ તારવીને બતાવવામાં આવશે :
- લો રેઝોલ્યુશન મીડિયા અને મેમે, જેમાં ટિપિકલ ગુડમોર્નિંગ મેસેજીસ પણ જોવા મળશે.
- ડુપ્લિકેટ ફાઇલ્સ
- વોટ્સએપ, ટેલિગ્રામ, હાઇક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ વગેરે સર્વિસમાં આપણે ડાઉનલોડ કરેલી ફાઇલ્સ (દરેક સર્વિસ માટે અલગ કાર્ડ સ્વરૂપે)
- લાંબા સમયથી આપણે જેનો ઉપયોગ ન કર્યો હોય તેવી એપ્સ
- આપણે ડાઉનલોડ કરેલી ફાઇલ્સ
- ફોનમાં મોટી જગ્યા રોકતી લાર્જ ફાઇલ્સ વગેરે.
- જે કાર્ડમાં આપણા ફોનમાં વધુ જગ્યા રોકાતી હોવાનું જણાય તેના પર ક્લિક કરીને તેમાં સાફસૂફી કરવા તરફ આપણે આગળ વધી શકીએ છીએ. જેમ કે, વોટ્સએપ મીડિયાના કાર્ડ પર ક્લિક કરતાં વોટ્સએપમાં આપણે ડાઉનલોડ કરેલ તમામ ઇમેજીસ, વીડિયો, પીડીએફ વગેરે જોવા મળશે. તેમાંથી જે બિનજરૂરી લાગે તેને સિલેક્ટ કરીને એક સાથે ડિલીટ કરી શકાય છે.
ફાઇલ ટ્રાન્સફર કરવા માટે
આગળ કહ્યું તેમ, ફાઇલ્સ ગો એપ એક ફોનમાંથી બીજા ફોનમાં ઇન્ટરનેટ કનેકશન વિના ફાઇલ ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપે છે.
આ માટે સામેના ફોનમાં પણ ફાઇલ્સ ગો એપ હોવી જરૂરી છે.
- એપ ઓપન કર્યા પછી નીચેના ભાગમાં આપેલ ફાઇલ્સના વિકલ્પના ટેબમાં જાઓ.
- અહીં આપણે ડાઉનલોડ કરેલી ફાઇલ, રીસિવ કરેલી ફાઇલ્સ, એપ્સ, ઇમેજીસ, વીડિયોઝ, ઓડિયો, ડોક્યુમેન્ટસ વગેરે કેટેગરીમાં આપણા ફોનમાંની ફાઇલ્સ જોવા મળશે.
- દરેક કેટેગરીમાં, ફરીથી અલગ અલગ પેટા કેટેગરીમાં ફાઇલ્સ જોવા મળશે.
- જેમ કે ઓડિયો ફાઇલ્સ સેકશનમાં જશો તો તમામ ફાઇલ્સ ઉપરાંત વોટ્સએપ ઓડિયો, બ્લ્યુટૂથથી મેળવેલ ઓડિયો, મ્યુઝિક ફાઇલ્સ અન્ય સાઉન્ડ ફાઇલ્સ, તમે પોતે ક્રિએટ કરેલ ફોલ્ડર્સમાંની મ્યુઝિક ફાઇલ્સ વગેરે વિવિધ કેટેગરીમાં તમામ ઓડિયો ફાઇલ્સ જોવા મળશે.
- તેમાંની જે તે ફાઇલને ક્લિક કરીને તેને સિલેક્ટ, રીનેમ, શેર, ઓપન, ફાઇલ ઇન્ફો તેમજ ડિલીટ કરવા વિશેના વિકલ્પો મળશે.
- કોઈ ફાઇલ ટ્રાન્સફર કરવી હોય તો તેને જરા લાંબો સમય પ્રેસ કરતાં તે સિલેક્ટ થશે.
- હવે એપના મથાળે શેર આઇકન પર ક્લિક કરતા આપણાં ફોનમાંની જે જે એપ્સ કે સર્વિસની મદદથી આ ફાઇલ ટ્રાન્સફર થઈ શકે તે બધી એપ કે સર્વિસના આઇકન જોવા મળશે.
- તેમાં સેન્ડ ટુ નીયરબાય ફ્રેન્ડઝ પર ક્લિક કરો.
- હવે તમારા મિત્રને તેમના ફોનમાં ફાઇલ્સ ગો એપ ઓપન કરીને રીસિવ બટન ટેપ કરવા કહો.
- તમારા ફોનમાં એ મિત્રના ડિવાઇસનું નામ જોવા મળશે.
- તેને સિલેક્ટ કરશો અને મિત્ર આપણી વિનંતી એક્સેપ્ટ કરશે એટલે બંને વચ્ચે સિકયોર્ડ હોટસ્પોટ રચાશે અને ઇન્ટરનેટ કનેકશન વિના ફાઇલ આપણા ફોનમાંથી તેમના ફોનમાં ટ્રાન્સફર થઇ જશે.
આ એપનો ફાયદો એ છે કે તે કઈ બાબત કેટલી જગ્યા રોકે છે તે આપણને બહુ સરળ લે-આઉટ સાથે બતાવે છે અને આપણે માટે બિનજરૂરી ફાઇલ્સ સહેલાઇથી સિલેક્ટ કરીને ડિલીટ કે ટ્રાન્સફર કરવાના વિકલ્પ આપે છે.
આમ જુઓ તો ગૂગલ ફાઇલ્સ ગો એપ જે કોઈ સુવિધાઓ આપે છે તે નવી નથી. કોઈ પણ સારી ફાઇલ મેનેજર એપ આમાંની મોટા ભાગની સુવિધા આપે છે. વોટ્સએપ મીડિયા ડિલીટ કરવા હોય તો ફોનની ગેલેરીમાં જઈને પણ એ કામ કરી શકીએ છીએ. પરંતુ આ એપનો ફાયદો એ છે કે તે કઈ બાબત કેટલી જગ્યા રોકે છે તે બહુ સરળ લે-આઉટ સાથે બતાવે છે અને આપણે માટે બિનજરૂરી ફાઇલ્સ સહેલાઇથી સિલેક્ટ કરીને ડિલીટ કે ટ્રાન્સફર કરવાના વિકલ્પ આપે છે.
જો તમારા ફોનમાં વારંવાર સ્ટોરેજ ભરાઈ જવાની સમસ્યા રહેતી હોય તો અથવા તો ફોનમાં સ્ટોરેજ પૂરતી હોય પરંતુ બિનજરૂરી ફાઇલ્સનો ભરાવો થઈ જવાથી ફોન ધીમો પ્રતિસાદ આપતો હોય તેવું લાગતું હોય તો આ એપના ઉપયોગથી તમે ફોનમાં બહુ સહેલાઇથી સાફસૂફી કરી શકશો.

