તમારે પ્રમાણમાં અજાણ્યા શહેરમાં જવાનું હોય ત્યારે ત્યાં માટે હોટેલ બુકિંગ કરવા ઘણી સાઇટ્સ ઉપયોગી થઈ શકે. પરંતુ એ હોટેલનું લોકેશન કેવું છે અને આજુબાજુનો વિસ્તાર કેવો છે તથા તમારે એ શહેરમાં જ્યાં જ્યાં જવાનું છે એ સ્થળો હોટેલથી કેટલાંક દૂર છે એ બધું જાણવામાં ગૂગલ મેપ્સ ઘણા ઉપયોગી થઈ શકે. મેપ્સમાં આ બધી વિગતો જોઈ તપાસીને, ગૂગલ મેપ્સ પરથી જ આપણે હોટેલના બુકિંગ પણ કરી શકીએ છીએ. એ માટે…
મેપ્સ એપમાં હોટેલ, જોધપુર, રાજસ્થાન એવું કંઇક સર્ચ કરો.
સ્ક્રીન પર આપણા સર્ચ કરેલા શહેરનો નકશો અને તેના પર સંખ્યાબંધ હોટેલ્સના પ્લેસમાર્કસ જોવા મળશે.
મેપ સાથેની પેનલમાં ચેક-ઇન અને ચેક-આઉટ ડેટ નાખી શકાશે.
નીચેના ભાગમાં વિવિધ હોટેલની વિગતો અને તેના રૂમ ટેરિફ જોવા મળશે.
આપણે બજેટ, હોટેલનું રેટિંગ, હોટેલ ક્લાસ વગેરે વિવિધ પ્રકારના ફિલ્ટર્સ પણ આપી શકીએ છીએ.
જે હોટેલ પસંદ પડે તેના પર ક્લિક કરતાં એ હોટેલ જુદી જુદી વેબસર્વિસ પર ક્યા ભાડાથી ઉપલબ્ધ છે તે જોવા મળશે.
આપણને યોગ્ય લાગે તે સર્વિસ પર ક્લિક કરતાં આપણે એ વેબસાઇટ પર જઇને બુકિંગની પ્રોસેસ આગળ વધારી શકીશું.
મેપ્સ પર મળતી આ સર્વિસ ખરેખર પેઇડ એડવર્ટાઇઝમેન્ટ છે પરંતુ આપણને તેનો લાભ એ છે કે, આપણે જુદી જુદી સાઇટ્સ પર જઈને રૂમ અવેલેબલ છે કે નહીં, તેનું ટેરિફ, તેનું લોકેશન વગેરે તપાસવાની ઝંઝટમાંથી બચી જઇએ છીએ.
કમ્પ્યુટર કે સ્માર્ટફોનના સ્ક્રીન પર તમારી આંખો લાંબો ચોંટેલી રહેતી હોય, તો આંખોને આરામ આપવા આ નિયમ અચૂક પાળો : દર ૨૦ મિનિટે ફક્ત ૨૦ સેકન્ડનો બ્રેક લઈને, ઓછામાં ઓછા ૨૦ ફૂટ દૂરનું કંઈક જુઓ. માથાના દુ:ખાવાથી પણ બચી શકશો.
એપલના આઇફોનના લોકો દિવાના કેમ છે? જાણવું હોય તો આ એક ખૂબી જાણી લો. તેમાં કંઈક ટાઇપ કરતાં, ડિલીટ કરતાં, કટ કે પેસ્ટ કરતાં ભૂલ થાય તો તેને અનડુ કરી શકાય છે! સહેલાઈથી અને નવાઈજનર રીતે. આવી કંઈ ભૂલ થાય તો ફોન હાથમાં લઈને જરા જોરથી હલાવતાં સ્ક્રીન પર અનડુનું બટન જોવા મળે છે! આઇફોનમાં આ સુવિધા આઇઓએસના છેક ત્રીજા વર્ઝનથી છે.
તમારો ફોન હેંગ થઈ ગયો? સામાન્ય રીતે, ફોનના પાવર બટનને લાંબો સમય દબાવી રાખતાં, આપણી ધીરજ ખૂટી જવા આવે ત્યારે ફોન શટડાઉન થાય અને પછી આપણે તેને ફરી ચાલુ કરવો પડે. હવે ફોન હેંગ થાય ત્યારે તેને ચાર્જર કનેક્ટ કરી પાવર ઓન કરી જુઓ. લગભગ ફોન ફરી ચાલુ થઈ જશે.

