આપણી પૃથ્વીની સપાટીનો ૭૦ ટકાથી વધુ ભાગ મહાસાગરો આવરી લે છે. પૃથ્વી પરનું લગભગ ૯૭ ટકા પાણી મહાસાગરોમાં જ છે. પૃથ્વી પર જેટલી પણ જીવસૃષ્ટિ છે, એમાંથી ૫૦ થી ૮૦ ટકા મહાસાગરોમાં સમાયેલ છે.
૫૦ થી ૮૦ ટકા એ બહુ મોટા ગેપવાળો અંદાજ કહી શકાય, પરંતુ એમ લખ્યા વગર છૂટકો નથી કારણ કે મહાસાગરોમાંની જીવસૃષ્ટિ અને મહાસાગરોનો ઘણો ખરો ભાગ માનવજાત માટે એક રહસ્ય જ રહ્યો છે.
મહાસાગરોમાંની જીવસૃષ્ટિનો અભ્યાસ કરવા માટે અનેક પ્રયોગો હાથ ધરાયા છે પરંતુ તેમાં એક મોટી અડચણ એ હોય છે કે સમુદ્રમાંની જીવસૃષ્ટિ અત્યંત નાજૂક હોવાથી તેનો અભ્યાસ કરવા જતાં તેને નુકસાન થવાની વધુ સંભાવના રહે છે.
હવે હાવર્ડ યુનિવર્સિટીની સંશોધકોએ, જાપાનમાં પ્રચલિત કાગળ ફોલ્ડ કરવાની ઓરીગામી કળામાંથી પ્રેરણા લઇને મહાસાગરના અગાધ ઊંડાણમાં જોવા મળતી અત્યંત નાજૂક જીવસૃષ્ટિને બિલકુલ નુકસાન ન થાય એ રીતે, ટૂંકા સમય માટે કેપ્ચર કરીને તેમનો અભ્યાસ કરી શકાય તેવી રોબોટિક આધારિત વ્યવસ્થા વિકસાવી છે. ‘સાયન્સ રોબોટિક્સ’ નામના એક જર્નલમાં તેની વિગતો પ્રકાશિત કરવામાં આવી છે.
વિશેષ પ્રકારના આ સાધનને કોઈ પણ રીમોટલી ઓપરેટેડ વ્હિકલ સાથે જોડી શકાય છે. આ સાધનને દરિયાના પેટાળમાં ઉતારર્યા પછી કેમેરાની મદદથી જે જીવસૃષ્ટિનો સેમ્પલ તરીકે ઉપયોગ કરવો હોય તેની નજીક તેને લઈ જવામાં આવે છે.
સેમ્પલ જેવું નજીક આવે એ સાથે આ સાધનની જુદી જુદી પાંખડીઓ ફોલ્ડ થઈને બંધ થઇ જાય છે સેમ્પલ કેટલોક સમય તેમાં પુરાઈ રહે છે. એ પછી સાધનમાંના કેમેરા તથા સેન્સર્સથી તેને વિશેનો જુદા જુદા અનેક પ્રકારનો ડેટા મેળવી લેવામાં આવે છે અને ત્યાર પછી સાધનની પાંખડીઓ ખુલી જાય છે, પેલું સેમ્પલ ફરી સમુદ્રના પેટાળમાં ગરકાવ થઇ જાય છે.
આ સંશોધનમાં સંકળાયેલા એક પ્રોફેસર કહે છે કે જેમ મોનાલિસા પેઇન્ટિંગનો અભ્યાસ કરવા માટે આપણે તેના ટુકડા કરતા નથી તેમ સમુદ્રની જીવસૃષ્ટિનો અભ્યાસ કરવા તેને અત્યંત કાળજીપૂર્વક હેન્ડલ કરવી જરૂરી છે.
રોબોટિક્સ આ રીતે પણ માનવજાતને ઉપયોગી થઈ શકે છે!
સંબંધિત વીડિયો જુઓ : https://vimeo.com/277539747
