(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મરવા પડેલા એસએમએસમાં પ્રાણ ફૂંકશે રિચ કમ્યુનિકેશન સર્વિસિસ

બે સાદા સવાલના જવાબ આપો. પહેલો સવાલ, તમે છેલ્લે કોઈનો એસએમએસ ક્યારે વાંચ્યો? બીજો સવાલ, તમે છેલ્લે કોઈને એસએમએસ ક્યારે મોકલ્યો?

પહેલા સવાલનો જવાબ સહેલો હશે. તમને તમારી ટેલિકોમ, બેન્ક કે અન્ય કંપની તરફથી એસએમએસ આવતા હશે અને આજે તમે કોઈ ને કોઈ એસએમએસ જરૂર વાંચ્યો હશે. પરંતુ બીજા સવાલનો જવાબ મુશ્કેલ છે. જો આપણી પાસે સ્માર્ટફોન હોય તો હવે આપણે કોઈને એસએમએસ મોકલતા નથી કારણ કે હવે આપણે સૌ ફક્ત વોટ્સએપ, મેસેન્જર કે ફેસબુક જેવી સર્વિસનો ઉપયોગ કરીએ છીએ!

મતલબ કે આપણે એસએમએસ વાંચીએ છીએ પરંતુ લખતા નથી. હવે એક મિનિટ થોભીને વિચારો કે આવું કેમ બને છે?

જ્યારે આપણા હાથમાં સ્માર્ટફોન નહોતા આવ્યા ત્યારે તો આપણે સૌ ઢગલાબંધ એસએમએસની આપ-લે કરતા હતા અને મોબાઇલ કંપની પણ અલગ અલગ પ્લાન્સ ઓફર કરીને આપણને વધુ ને વધુ એસએમએસની આપ-લે કરવા માટે લલચાવતી હતી. મોબાઇલ કંપની માટે એસએમએસ દૂઝણી ગાય જેવા હતા.

આગળ શું વાંચશો?

  • એસએમએસની લોકપ્રિયતા કેમ ઓસરી?

  • છતાં, હજી પણ એસએમએસ કેમ ટકી રહ્યા છે?

  • એસએમએસ ફરી લોકપ્રિય બની શકે?

  • આ આખી વાતનો સાર સમજાયો?

  • રિચ કમ્યુનિકેશન સર્વિસીઝ (આરસીએસ)નું આગમન

  • આવી રહી છે ‘ચેટ’

  • ચેટનો કેવી રીતે અને કેવો લાભ મળશે?

  • ચેટનો લાભ લેવાનું શરૂ કરો, જરા જુદી રીતે!

  • ફોન અને પીસીમાં પર કેવા લાભ મળશે?

એસએમએસની લોકપ્રિયતા કેમ ઓસરી?

સમય જતાં સીન બદલાયો. ઇન્ટરનેટ કનેકશન ધરાવતા સ્માર્ટફોન આવ્યા અને એમાંય ઇન્ટરનેટ ડેટા પ્લાન જેમ જેમ સસ્તા થતા ગયા અને ઇન્ટરનેટની ઝડપ ટુ-જીમાંથી ફોર-જી સુધી પહોંચી ગઈ તેમ તેમ આપણે સૌ ટેકસ્ટ આધારિત એસએમએસમાંથી ઇન્ટરનેટ આધારિત મેસેજિંગ સર્વિસમાં ટ્રાન્સફર થઈ ગયા. વોટ્સએપ કે મેસેન્જર જેવી સર્વિસમાં જ્યારે આપણે કોઈને મેસેજ મોકલીએ ત્યારે દરેક મેસેજ દીઠ રૂપિયા ચૂકવવા પડતા નથી. ઇન્ટરનેટ ડેટા પ્લાનનો ખર્ચ ખરો પણ દરેક એસએમએસ દીઠ રૂપિયા ચૂકવવા પડતા ન હોવાથી આપણને આ સર્વિસ એકદમ માફક આવી ગઈ.

ખર્ચ બચાવવા કરતાં પણ વોટ્સએપ, હાઈક કે ફેસબુક મેસેન્જર વગેરેમાં જે વધારાની સગવડો મળે છે એ જૂનાપુરાણા એસએમએસ કરતાં ક્યાંય ચઢિયાતી છે. આપણા ડીપી સેટ કરવા, ગ્રૂપ ચેટિંગ કરવું, ઇમોજીથી જવાબ આપવા, સામેની પાર્ટીએ આપણો મેસેજ વાંચ્યો કે નહીં એ જાણી લેવું, ડેઇલી સ્ટેટસ અપડેટ કરવા, સ્ટીકર્સ શેર કરવાં, ઇમેજ કે વીડિયો કે અન્ય પ્રકારની ફાઇલ્સની આપ-લે કરવી, હાઇક અને વોટ્સએપ વગેરેમાં તો હવે પેમેન્ટની આપલે પણ થાય… આ બધી જાત જાતની સુવિધાઓ સૌને એવી ગમી ગઈ કે ઇન્સ્ટન્ટ મેસેજિંગના જુવાળમાં સાદા, બોરિંગ એસએમએસ ટાઇપ કરવાનું તો લોકો ભૂલી જ ગયા.

છતાં, હજી પણ એસએમએસ કેમ ટકી રહ્યા છે?

મોબાઇલ કંપની આધારિત ટેક્સ્ટ એસએમએસની સરખામણીમાં ઇન્ટરનેટ આધારિત મેસેજિંગ સર્વિસના અનેક લાભ હોવા છતાં, એસએમએસ સાવ મરી પરવાર્યા નથી. તમે જ વિચારો…

  • કોઈ પણ બેન્ક તરફથી આપણા એકાઉન્ટસ સંબંધિત જમા-ઉધારની કોઈ પણ માહિતી મોકલવી હોય તો એસએમએસનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ?
  • ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે ઓટીપી મેળવવો હોય તો તે પણ એસએમએસ સ્વ‚રૂપે જ મોકલવામાં આવે છે. કેમ?
  • આપણે જીમેઇલ, ફેસબુક વગેરે સર્વિસમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરતા હોઈએ તો તેમાં પણ જે કોડ મોકલવામાં આવે છે તે એસએમએસ સ્વરૂપે મોકલવામાં આવે છે. કેમ?

આ બધા ‘કેમ?’નો એક જ જવાબ છે – એસએમએસ યુનિવર્સલ છે!


એટલે કે જે વ્યક્તિનો મોબાઇલ નંબર હોય તેની પાસે એસએમએસની સગવડ પણ હોય અને તેને મોકલવામાં આવેલો એસએમએસ તેને અચૂક પહોંચે. જો એ વ્યક્તિએ પોતાનો મોબાઇલ નંબર પોતાની મોબાઇલ કંપનીમાં ‘ડીએનડી’ એટલે કે ‘ડુ નોટ ડિસ્ટર્બ’ કેટેગરીમાં રજિસ્ટર્ડ કરાવ્યો હોય તો એ વ્યક્તિને કોઈ પ્રોડક્ટની જાહેરાત માટે મોકલવામાં આવતા બલ્ક પ્રમોશનલ એસએમએસ ન મળે, પરંતુ બેન્ક જેવી સર્વિસમાં એ વ્યક્તિએ પોતાનો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ કરાવ્યો હોય તો બેન્કના એસએમએસ ટ્રાન્ઝેક્શનલ કેટેગરીમાં આવતા હોવાથી એ નંબર ડીએનડી કેટેગરીમાં હોય તો પણ બેન્કનો એસએમએસ તે વ્યક્તિને અચૂક મળે.

વોટ્સએપ કે મેસેન્જર જેવી ઇન્ટરનેટ આધારિત મેસેજિંગ સર્વિસ સામે એસએમએસનું આ મોટું જમા પાસું છે. મોબાઇલ હોય એટલે તેમાં એસએમએસ સર્વિસ હોય જ. સામેની વ્યક્તિ પાસે સ્માર્ટફોન હશે કે નહીં, તેણે વોટ્સએપ કે મેસેન્જર જેવી એપ ડાઉનલોડ કરી હશે કે નહીં, તેમાં ખાતું ખોલાવ્યું હશે કે નહીં વગેરે કોઈ ચિંતા રાખ્યા વિના આપણે તેને મેસેજ મોકલી શકીએ.

એસએમએસ ફરી લોકપ્રિય બની શકે?

હવે કલ્પના કરો કે વોટ્સએપની જેમ જ સાદા એસએમએસમાં પણ ગ્રૂપ મેસેજિંગ કે ચેટિંગ, ઇમેજ, વીડિયોની આપ-લે વગેરે સુવિધાઓ મળતી હોત અને એ પણ તદ્દન ફ્રી હોત, તો વોટ્સએપ, મેસેન્જર, વીચેટ કે હાઇક જેવી સર્વિસ અસ્તિત્વમાં આવી હોત ખરી?

એપલને એસએમએસ સર્વિસ સામે ઇન્ટરનેટથી તોળાઈ રહેલા જોખમનો વહેલો અણસાર આવી ગયો હતો એટલે જ તેણે ૨૦૧૧માં ‘આઇમેસેજ’ નામે એક મેસેજ સર્વિસ લોન્ચ કરી હતી. આઇમેસેજની મજા એ છે કે જો તમારી પાસે એપલનો આઇફોન હોય અને તમે આઇમેસેજનાં વિવિધ ફીચર્સ સાથેનો મેસેજ કોઈ મિત્રને મોકલો તો બે શક્યતા છે. આપણા મિત્ર પાસે પણ આઇફોન હોય તો તેને આઇમેસેજિંગનાં બધાં ફીચર્સનો પણ લાભ મળે અને જો તેની પાસે આઇફોન સિવાયનો કોઈ પણ ફોન હોય તો તેને એ જ મેસેજ સાદા ટેકસ્ટ એસએમએસ સ્વરૂપે મળે!

આ આખી વાતનો સાર સમજાયો?

એસએમએસ સર્વિસ યુનિવર્સલ હોવાને કારણે ગજબની પાવરફૂલ છે, જ્યારે એની સરખામણીમાં વોટ્સએપ કે મેસેન્જર જેવી સર્વિસ યુનિવર્સલ ન હોવા છતાં તેના ફીચર્સને કારણે એસએમએસ કરતાં ઘણી વધુ લોકપ્રિય છે.

હવે જો વોટ્સએપ મેસેન્જર જેવી સર્વિસના બધાં ફીચર્સ મફતમાં એસએમએસમાં જ, યુનિવર્સલ અપીલ સાથે મળે એટલે કે સામેની વ્યક્તિ કોઈ ચોક્કસ એપ વાપરતી હશે કે નહીં એવી ચિંતા રાખ્યા વિના તેને ફીચર રિચ મેસેજિંગ કરી શકાય તો એસએમએસ ફરી વધુ લોકપ્રિય બને કે નહીં?

એપલે આ દિશામાં ખાસ્સી સફળતા મેળવી લીધી છે અને હવે ગૂગલ પણ એ જ દિશામાં મક્કમ કદમ માંડી રહી છે.

રિચ કમ્યુનિકેશન સર્વિસીઝ (આરસીએસ)નું આગમન

દસેક વર્ષ પહેલાં, ૨૦૦૭માં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપનીઓએ એસએમએસને તેના જૂના પુરાણા અવતારમાંથી બહાર લાવીને નવું સ્માર્ટ સ્વરૂપ આપવાનો વિચાર રમતો મૂક્યો. પરંતુ તેનો અમલ જરાય સહેલો નહોતો.

એસએમએસની ટેક્નોલોજી ઇન્ટરનેટ પર આધારિત મેસેજિંગ સર્વિસીઝની ટેક્નોલોજી કરતાં જુદી છે. ૨૦૦૯માં લોન્ચ થયેલી વોટ્સએપ સર્વિસ, તેમાં સતત ઉમેરાતાં ફીચર્સને કારણે જોતજોતામાં દુનિયાભરના સ્માર્ટફોન યૂઝર્સમાં લોકપ્રિય થઈ ગઈ, તેમાં વોટ્સએપની સ્થાપક કંપનીએ પોતાની એપ બનાવીને એન્ડ્રોઇડ અને આઇઓએસના એપ સ્ટોરમાં મૂકી એ પછી તેને લોકપ્રિય બનાવવાનું બાકીનું કામ યૂઝર્સે જ પૂરું કરી લીધું.

જ્યારે એસએમએસને સ્માર્ટ બનાવતી રિચ કમ્યુનિકેશન સર્વિસીઝ (આરસીએસ)માં દુનિયાભરની જુદી જુદી મોબાઇલ કંપની એક થાય, એક જ પ્રોટોકોલ મુજબ પોતાના યૂઝર્સને આરસીએસનો લાભ આપવા તૈયાર થાય તો કામ બને. આ કારણે આરસીએસ ફક્ત વિચાર જ રહ્યો અને ઇન્ટરનેટ આધારિત વિવિધ મેસેજિંગ સર્વિસીઝ જોરદાર લોકપ્રિય થઈ ગઈ.

અત્યારે આપણે પોતાના સ્માર્ટફોનમાં એસએમએસ મેનેજ કરવા માટે જુદી જુદી એપ ઇન્સ્ટોલ કરી શકીએ, પણ એ બધી એપ એસએમએસમાં વોટ્સએપ જેવાં ‘જોરદાર’ ફીચર્સ ઉમેરી શકતી નથી. માઇક્રોસોફ્ટ કંપનીએ ‘એસએમએસ ઓર્ગેનાઇઝર’ નામે એક એપ બનાવીને એસએમએસને ખાસ્સા સ્માર્ટ બનાવ્યા (જુઓ ‘સાયબરસફર’નો અંક ઓક્ટોબર ૨૦૧૭) પરંતુ એસએમએસની મૂળ અધૂરપ તો ઠેરની ઠેર રહી.

બીજી તરફ, ગૂગલે એન્ડ્રોઇડના સાથમાં, લોકોને ફટાફટ કમ્યુનિકેશન માટે પોતાની તરફ વાળવા સંખ્યાબંધ પ્રયાસો કર્યા (ગૂગલ બઝ, વેવ્ઝ, સ્પેસીઝ અને છેવટે એલો વગેરે એપ) પરંતુ એ બધામાં તેને નિષ્ફળતા મળી. કારણ કે એમાંની ઘણી ખરી આખરે વધુ એક એપ જ હતી. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં તો આપણા બધા મિત્રો જેના પર એક્ટિવ હોય એમાં જ આપણે પણ સક્રિય રહીએ. એટલે વોટ્સએપ કરતાં ગૂગલની એપોમાં કદાચ વધુ સારાં ફીચર્સ હોય તોય, આપણા મિત્રો અને સ્વજનોના ફોનમાં એ એપ ન હોય તો આપણા માટે તે નકામી!

એટલે ગૂગલે વધુ એક એપ બનાવવાને બદલે, આખી ગેમ જ બદલી નાખવાનું નક્કી કર્યું! તેણે સૌના સાદા કે સ્માર્ટફોનમાં જે સિસ્ટમ પહેલેથી છે તે એસએમએસને જ સ્માર્ટ બનાવવાનું નક્કી કર્યું.

આવી રહી છે ‘ચેટ’

ગૂગલે વિશ્વભરની મોબાઇલ કંપનીઓના સાથમાં જૂના એસએસએસમાં આરસીએસનાં ફીચર્સ ઉમેરવાની આગેવાની લીધી. આ કારણે, વોટ્સએપ જેવી એપના કારણે જેમનો ગરાસ લૂંટાઈ ગયો હતો એ મોબાઇલ કંપનીના પણ જીવમાં જીવ આવ્યો!

ગૂગલે ૨૦૧૭માં, ફેબ્રુઆરી મહિનામાં જ એસએમએસમાં રિચ કમ્યુનિકેશન સર્વિસીઝ ઉમેરાઈ રહી હોવાની જાહેરાત કરી દીધી હતી. તેમ છતાં, જુદી જુદી ઘણી મોબાઇલ કંપની તેમાં જોડાય તો જ વાત બને તેમ હોવાથી, તેમાં પ્રગતિ બહુ ધીમી રહી.

પરંતુ હવે ગૂગલે ‘ચેટ’ નામથી એસએમએસ સર્વિસને અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે. ભારતની એરટેલ, વોડાફોન, જિઓ વગેરે કંપની પણ તેમાં સામેલ થઈ ગઈ છે. જેમ યુપીઆઈ કોઈ એક એપ નથી, પણ જુદી જુદી બેન્કની એપ્સ અને અન્ય પ્રકારની એપ્સમાં તેનો લાભ લઈ શકાય છે, એ જ રીતે ‘ચેટ’ પણ કોઈ નવી, ગૂગલની એક એપ નથી. ફક્ત, આખી વાતને આરસીએસ જેવા ટેકનિકલને નામને બદલે, સહેલાઈથી લોકોની જીભે ચઢે તેવું નામ ‘ચેટ’ આપવામાં આવ્યું છે.

ચેટનો કેવી રીતે અને કેવો લાભ મળશે?

ચેટનો લાભ લેવા માટે આપણે રાહ જોવા સિવાય કશું જ કરવાનું નથી! જેમ જેમ જુદી જુદી મોબાઇલ કંપની આ અભિયાનમાં જોડાશે અને પોતાની સર્વિસમાં તેને સામેલ કરશે એ સાથે આપણા ફોનમાંની એસએમએસ એપ સ્માર્ટ બનવા લાગશે. એ પછી, આપણે વોટ્સએપની જેમ જ એસએમએસ એપમાંથી પણ મિત્રોને ઇમેજ, વીડિયો ક્લિપ્સ, ઇમોજી, જિફ સાથે મેસેજ મોકલી શકીશું. સામેની વ્યક્તિના મોબાઇલમાં ચેટની સગવડવાળી એસએમએસ સર્વિસ નહીં હોય તો તેને સાદો ટેક્સ્ટ મળશે, પણ આપણો મેસેજ તેને પહોંચશે ખરો. આ પ્રકારના મેસેજ આપણા એસએમએસ પ્લાનને બદલે મોબાઇલ ડેટા પ્લાનનો ઉપયોગ કરશે.

સાદા એમએસએસમાં આરસીએસ ટેક્નોલોજી ઉમેરાવાથી ઘણા દેખીતા ફેરફાર થશે. જેમ કે, અત્યારે આપણે કોઈ ફ્લાઇટ માટે ટિકિટ બુક કરાવી હોય તો એરલાઇન આપણને સમયસર ચેક-ઇન કરવાનું યાદ અપાવતો સાદો ટેક્સ્ટ મેસેજ મોકલે છે. આરસીએસને કારણે, એ જ એસએમએસમાંથી જ આપણે ફ્લાઇટ માટે ચેક-ઇન કરવાની વિધિ પૂરી કરીશું!

ચેટનો લાભ લેવાનું શરૂ કરો, જરા જુદી રીતે!

જુદી જુદી મોબાઇલ કંપનીઝ પોતાની સર્વિસમાં આરસીએસના લાભ ઉમેરે ત્યાં સુધી રાહ જોવાને બદલે, ગૂગલે આરસીએસ સહિતની તેની પોતાની એન્ડ્રોઇડ મેસેજીસ એપનું વેબ વર્ઝન તૈયાર કરીને લોન્ચ કરી દીધું છે.

તમે જાણતા જ હશો કે આપણે વોટ્સએપનો પીસી પર ઉપયોગ કરી શકીએ છીએ (જો ન જાણતા હો, તો નીચેની રીત વોટ્સએપમાં પણ લાગુ પડે છે, તેમાં તમારે પીસી પર http://web.whatsapp.com સાઇટ પર જવાનું રહેશે), એ જ રીતે, હવે એસએમએસનો પણ પીસી પર ઉપયોગ કરી શકીશું.

  1. એ માટે તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ મેસેજીસ એપ ન હોય તો તેને ઇન્સ્ટોલ કરી દો.
  2. તમારા ફોનમાં કોઈને કોઈ એસએમએસ એપ પહેલેથી હશે એટલે તેને બદલે એન્ડ્રોઇડ મેસેજીસ એપને ડિફોલ્ટ મેસેજિંગ એપ બનાવવી પડશે.
  3. એ માટે, એન્ડ્રોઇડ મેસેજીસના સેટિંગ્સમાં જઈને તેને ડિફોલ્ટ એસએમએસ એપ તરીકે પસંદ કરો.
  4. હવે પીસીમાં, https://messages.android.com/ સાઇટ પર જાઓ.
  5. અહીં વોટ્સએપના પીસી વર્ઝનની જેમ જ એક ક્યુઆર કોડ જોવા મળશે.
  6. હવે સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ મેસેજીસ એપના સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘મેસેજીસ ફોર વેબ’ પર ક્લિક કરી, ફોનના કેમેરાથી પીસીના સ્ક્રીન પરના ક્યુઆર કોડને સ્કેન કરો.
  7. ફોન અને પીસી કનેક્ટ થશે અને હવે પીસીમાંથી તમે આરસીએસ આધારિત એસએમએસનો લાભ લઈ શકશો!

જો તમને ફોનની એન્ડ્રોઇડ મેસેજીસ એપના સેટિંગ્સમાં ‘મેસેજીસ ફોર વેબ’નો વિકલ્પ ન દેખાય તો કદાચ થોડા દિવસ રાહ જોવી પડશે. આ સર્વિસ ધીમે ધીમે રોલ આઉટ થઈ રહી છે.

ફોન અને પીસીમાં પર કેવા લાભ મળશે?

ફોન ઉપરાંત, પીસી પરથી તમે તમારા ફોનમાંની કોન્ટેક્ટ બુકમાંના તમામ કોન્ટેક્ટને એસએમએસ મોકલી શકશો. અહીંથી તમે જૂના મેસેજ વાંચી પણ શકશો. દરેક નવા મેસેજ માટે પીસીમાં નોટિફિકેશન પણ મળશે.

એ સિવાય, ફોન અને પીસીમાં એસએમએસમાં મુખ્ય ચાર નવી સુવિધાઓ મળશે :

  1. જિફ કે ઈમોજી સર્ચ કરીને મોકલવાની સુવિધા
  2. સ્માર્ટ રિપ્લાયની સુવિધા (જીમેઇલની જેમ એસએમએસમાં આ સુવિધા મળવા લાગશે)
  3. મેસેજમાં આપણને કોઈએ કોઈ વેબપેજની લિંક મોકલી હોય, તો તેનો પ્રીવ્યૂ જોઈ શકાશે.
  4. ઓટીપી કે અન્ય પાસવર્ડના એસએમએસ આવશે ત્યારે તેને સહેલાઈથી, એક ક્લિકમાં કોપી કરી શકાશે.

એસએમએસમાં ઉમેરાયેલી આ નવી સુવિધાઓ માટે તમારે એન્ડ્રોઇડ મેસેજીસની એપમાં સેટિંગ્સમાં અમુક જરૂરી વિકલ્પો પસંદ કરવા પડશે.

યાદ રહે, અત્યારે આ બધા લાભ માત્ર એન્ડ્રોઇડ મેસેજીસ એપમાં મળે છે, પણ વખત જતાં, ફોનમાં પહેલેથી સામેલ એસએમએસ એપમાં જ આ બધું અને તેથી વિશેષ ઘણું બધું મળવા લાગશે.

ટૂંકમાં, થોડા સમયમાં એસએમએસને આપણે ઘણી વધુ સારી રીતે સોર્ટ, મેનેજ અને સર્ચ કરી શકીશું, તેમાં પણ ગૂગલ આસિસ્ટન્ટ ઉમેરાઈ જશે, ગૂગલ ફોટોઝમાંના ફોટોની આપલે એસએમએસ દ્વારા પણ થઈ શકશે, બુક કરાવેલી મૂવી ટિકિટની ઇમેજ એસએમએસમાં જ આવી જશે, ઓનલાઇન શોપિંગ કર્યું હશે તો તેનું ટ્રેકિંગ એસએમએસમાં જ થઈ જશે, સમય જતાં બેન્કિંગની સુવિધાઓ પણ તેમાં ઉમેરાશે!

ટૂંકમાં, આગળ જતાં એન્ડ્રોઇડ ધરાવતી કોઈ પણ વ્યક્તિ સાથે તમે એ જ રીતે એસએમએસ પર ઘણું બધું શેર કરી શકશો, જે રીતે અત્યારે વોટ્સએપ પર, વોટ્સએપ પર એક્ટિવ હોય એટલા મર્યાદિત લોકો સાથે કરી શકો છો.

એન્ડ્રોઇડ મેસેજીસ સર્વિસનો ઉપયોગ હવે પીસી પર પણ શક્ય બન્યો છે.


નવા પ્રકારના એસએમએસમાં જોડાયેલી કંપનીઝ

૫૫ મોબાઇલ ઓપરેટર્સ

ભારતમાં એરટેલ, જિઓ, વોડાફોન વગેરે સામેલ છે

૧૧ ફોન મેન્યુફેક્ચરર્સ

આપણી જાણીતી કંપનીઝમાં એસસ, એચટીસી, લાવા, લિનોવો, એલજી, ઇન્ટેક્સ, સેમસંગ વગેરે સામેલ છે.

૨ ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ અને ગૂગલ

(એપલ આ પહેલમાં સૌ સાથે જોડાશે કે નહીં એ વિશે કોઈ સ્પષ્ટતા નથી!)

આગળ વાંચો, કેવી રીતે બદલાઈ જશે એસએમએસનો આપણો ઉપયોગ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!