સવાલ મોકલનાર : હર્ષિલ વડોદરિયા, બોટાદ
પ્લે સ્ટોરમાં તમે કોઈ પણ એપ શોધીને તેને ડાઉનલોડ કરવાનો નિર્ણય કરો ત્યારે જે કેટલીક બાબતો પર ખાસ નજર દોડાવવી જોઈએ તેમાંની એક છે એપના નામ નીચે જોવા મળતા આંકડા.
સામાન્ય રીતે ભારતમાં તમે કોઈ એપ ઇન્સ્ટોલ કરી રહ્યા હો ત્યારે એપના પેજ પર મથાળાની ઇમેજ કે વીડિયોની નીચે તથા ઇન્સ્ટોલ બટનની ઉપર એક બોક્સમાં ૩+, ૧૬+, કે ૧૮+ જેવી સંખ્યા જોવા મળે છે.
જેમ ફિલ્મ માટે સેન્સર બોર્ડ દ્વારા, એ ફિલ્મ કયા વર્ગમાં આવતા પ્રેક્ષકો માટે અનુકૂળ છે એ દર્શાવવા માટે જુદી જુદી કેટેગરીનાં પ્રમાણપત્રો આપવામાં આવે છે, એ જ રીતે પ્લે સ્ટોર પર નિશ્ચિત એપ કયા વય જૂથના લોકો માટે યોગ્ય છે એ દર્શાવવામાં આવે છે.
એટલે કે જો કોઈ એપ માટે ૩+ લખ્યું હોય તો તે ત્રણ વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય ગણી શકાય અને ૧૮+ લખ્યું હોય તો માત્ર પુખ્ત વયની વ્યક્તિ માટે યોગ્ય ગણી શકાય. પરંતુ એ ખાસ ધ્યાને રાખવા જેવું છે કે આ રેટિંગ વિશ્વસનીય નથી. સંખ્યાબંધ એપ્સ એવી પણ જોવા મળે છે જેમાં ૩+ રેટિંગ લખ્યું હોવા છતાં તે બાળકો માટે કોઈ રીતે યોગ્ય ન હોય.
તેનું કારણ એ છે કે આ રેટિંગ કે કેટેગરાઇઝેશન ગૂગલ દ્વારા કરવામાં આવતું નથી. ગૂગલ પ્લેના હેલ્પ પેજ પર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે કોઈ પણ એપ માટેનું રેટિંગ એ જે તે એપ ડેવલપર અને ઇન્ટરનેશનલ એજ રેટિંગ કોએલિશન (આઇએઆરસી)ની જવાબદારી છે. મતલબ કે આ કેટેગરાઇઝેશન ગૂગલ દ્વારા થતું નથી. ગૂગલની જેમ એપલના એપ સ્ટોર પર પણ, જે તે એપના ડેવલપર પોતે પોતાની એપને, તે કઈ ઉંમરના લોકો માટે યોગ્ય છે તેનું રેટિંગ આપે છે. જે ગૂગલ કે એપલ તેનો રીવ્યૂ કરે છે અને યોગ્ય ન જણાય તો જરૂરી પગલાં લે છે, પણ એપ્સની સંખ્યા લાખોમાં હોવાથી ડેવલપરે આપેલું રેટિંગ ભરોસાપાત્ર રહ્યું નથી.
સમગ્ર વિશ્વના જુદા જુદા દેશોમાં મીડિયા કન્ટેન્ટના રેટિંગ માટે જુદા જુદા બોર્ડ કે ઓથોરિટી છે. તેમાંના ઘણા દેશોએ ૨૦૧૩માં સાથે મળીને આઇએઆરસી નામની સંયુક્ત વ્યવસ્થા વિકસાવી.
અલબત્ત પ્લે સ્ટોરમાં જુદા જુદા દેશના કાયદાઓ મુજબ આ માહિતી જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. જેમ કે ઉત્તર અને દક્ષિણ અમેરિકાના દેશોમાં એન્ટરટેઇનમેન્ટ સોફ્ટવેર રેટિંગ બોર્ડ દ્વારા રેટિંગ્સ આપવામાં આવે છે અને તેમાં એવરીવન, એવરીવન ૧૦+, ટીન, મેચ્યોર, એડલ્ટસ ઓન્લી વગેરે રેટિંગ આપવામાં આવે છે. પ્લે સ્ટોરમાં આ દરેક રેટિંગના સ્પેલિંગનો પહેલો અક્ષર બોલ્ડ ફોન્ટમાં દર્શાવવામાં આવે છે.
યુરોપ અને મિડલ ઇસ્ટના દેશોમાં પાન યુરોપિયન ગેમ ઇન્ફર્મેશન, ટીઇજીઆઇ દ્વારા રેટિંગ જાળવવામાં આવે છે. એ કારણે તેના દ્વારા અપાયેલા રેટિંગમાં ટીઇજીઆઈ અને ત્યાર પછી ઉંમર મર્યાદા દર્શાવવામાં આવે છે. આ સિવાય જર્મની, ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા પણ પોતપોતાની રીતે રેટિંગ જાળવે છે. ભારત સહિતના અન્ય દેશોમાં આઇએઆરસીએ નક્કી કરેલાં રેટિંગ બતાવવામાં આવે છે. જેમાં જે તે એપ માટે સીધી જ ઉંમર અને ત્યાર પછી +ની નિશાની મૂકીને જે તે એપ કેટલી ઉંમરથી વધુના લોકો માટે યોગ્ય છે તે દર્શાવવામાં આવે છે.
