આપણા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ તો વર્ષો જૂનો છે, પણ તેની અસર અને પહોંચ છેક છેવાડાં ગામો સુધી પણ પહોંચે એવું હવે બની રહ્યું છે. મોબાઇલ આવ્યા પછી ઇન્ટરનેટ અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું (ભલે કવરેજ અને સ્પીડ હજી એક મોટો પ્રશ્ર્ન છે), પણ લોકોના રોજિંદા જીવન પર તેની અસર હવે દેખાઈ રહી છે ખાસ કરીને બેન્કિંગના ક્ષેત્રમાં.
આ મહિનાની શરૂઆતમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક લોન્ચ થઈ એ ઘણી બધી રીતે નવા સીમાચિહ્ન સમાન છે, અલબત્ત આપણે, વધુ કેટલાક વિવાદો માટે પણ તૈયાર રહેવું પડે એવું લાગે છે.
ભારતમાં આઝાદીના પાંચ સાત દાયકા પછી પણ બેન્કિંગ સેવાઓનો વ્યાપ બહુ મર્યાદિત રહ્યો હતો. નાનાં ગામડાં સુધી, પરંપરાગત રીતે બેન્કિંગના લાભ પહોંચાડવાનું બેન્ક્સને પરવડે તેવું નહોતું. એના ઉપાય તરીકે પેમેન્ટ્સ બેન્કનો વિચાર અમલમાં આવ્યો અને હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક, ૧.૫ લાખ જેટલી શાખાઓ સાથે ભારતના સૌથી મોટા બેન્કિંગ નેટવર્ક તરીકે વિકસી છે.
અલબત્ત, અત્યારે આપણે જેની વાત કરવી છે એ બેન્કિંગના વ્યાપ કરતાં, નવા પ્રકારના બેન્કિંગને સંબંધિત છે. અત્યાર સુધી આપણે ક્રેડિટ/ડેબિટ કાર્ડનો, પિન સાથે ઉપયોગ કરતા આવ્યા છીએ. એટીએમમાંથી ગમે ત્યારે, ગમે ત્યાંથી નાણાં ઉપાડવાં આ કાર્ડથી સહેલાં બને છે, પણ ઇન્ડિયા પોસ્ટની પેમેન્ટ્સ બેન્કે કોઈ પ્રકારના ખાતા માટે આવું ડેબિટ/એટીએમ કાર્ડ ન આપવાનો નિર્ણય કર્યો છે. તેને બદલે ક્યુઆર (ક્વિક રિસ્પોન્સ) કોડ ધરાવતા કાર્ડ પર પસંદગી ઢોળાઈ છે!
પેટીએમ કે ભીમ એપના જમાનામાં હવે આપણને ક્યુઆર કોડની નવાઈ નથી રહી, પણ ડેબિટ/એટીએમ કાર્ડને બદલે તેનો ઉપયોગ ચોક્કસ નવી વાત છે.
આ વ્યવસ્થામાં દરેક ખાતાધારકને તેના ખાતાનો નંબર ધરાવતો ક્યુઆર કોડ પ્રિન્ટ કરેલું કાર્ડ આપવામાં આવશે. દેખીતું છે કે દરેક ખાતાધારક માટે આ ક્યુઆર કોડ યુનિક હશે. આ ક્યુઆર કોડ કાર્ડનો ઉપયોગ કોઈ બેન્કના એટીએમમાં થઈ શકશે નહીં.
તો પછી એનો ઉપયોગ કઈ રીતે થશે? આ ક્યુઆર કોડ કાર્ડનો પોસ્ટમેન, પોસ્ટ ઓફિસ અથવા ગ્રામીણ ડાક સેવક દ્વારા ઉપયોગ થઈ શકશે. પોસ્ટમેન કે ડાક સેવક દ્વારા બેન્કિંગ ખરેખર ઘરઆંગણે પહોંચશે. આ વ્યક્તિઓ પોતાની સાથે માઇક્રોએટીએમ (હાથમાં રાખી શકાય એવું એક સાધન) લઈને ખાતાધારકના ઘરે પહોંચશે અને પોતાના મશીનથી ખાતાધારકનું ક્યુઆર કોડ કાર્ડ સ્કેન કરશે.
આગળ જે નવા વિવાદની શક્યતા બતાવી છે, તેની વાત હવે આવે છે! ખાતાધારકે એટીએમ કાર્ડ જેવો કોઈ પિન યાદ રાખવાનો કે આપવાનો નથી, પણ બાયોમેટ્રિક્સથી, અંગૂઠો સ્કેન કરીને પોતાની ઓળખ આપવાની રહેશે. ઓળખ સાબિત થતાં રકમની લેવડ-દેવડ થઈ જશે (ઘરઆંગણની આવી સેવા માટે રૂ. ૨૫નો ચાર્જ છે).
આ સુવિધાનો વ્યાપ ધીમે ધીમે નાની દુકાનો સુધી વિસ્તારવામાં આવશે, જ્યાં સ્માર્ટફોનથી પણ ક્યુઆર કોડ કાર્ડ સ્કેન થઈ શકશે અને પછી ફિંગર પ્રિન્ટ આપવાની રહેશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના દાવા પ્રમાણે એટીએમ કાર્ડ કરતાં આ વધુ સલામત વ્યવસ્થા છે કેમ કે તેમાં કોઈ પિન છે જ નહીં અને બાયોમેટ્રિક્સથી જ ઓળખની ખરાઈ છે.
આ દાવામાં તથ્ય પણ છે, પણ અત્યારે આપણે ત્યાં આધાર આધારિત બાયોમેટ્રિક્સના ડેટાની સલામતી જ શંકા અને અદાલતની એરણે ચઢી છે, ત્યારે ક્યુઆર કોડ કાર્ડની પહેલ સફળ થશે ખરી? જવાબ મુશ્કેલ છે, પણ ભારતીય બેન્કિંગમાં ખરેખર મોટાં પરિવર્તનો આવી રહ્યાં છે એ નક્કી!
મોબાઇલ વોલેટ્સમાં ઇન્ટરઓપરેબિલિટીની શરૂઆત
ભારતમાં ખૂણે ખૂણાના લોકો સુધી બેન્કિંગ સુવિધાઓ પહોંચાડવા માટે પેમેન્ટ્સ બેન્કની શરૂઆત કરવામાં આવી છે તો બીજી તરફ મોબાઇલ વોલેટ્સમાં પણ મોટા ફેરફારો આવી રહ્યા છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જુદા જુદા મોબાઇલ વોલેટસ વચ્ચે ‘ઇન્ટરઓપરેબિલિટી’ માટેના નિયમો જાહેર કરી દીધા છે.
અત્યાર સુધી આપણે આપણાં પેટીએમ વોલેટમાંથી કોઈ વ્યક્તિને રકમ મોકલવી હોય તો એ વ્યક્તિ પાસે પણ પેટીએમ એકાઉન્ટ હોવું જરૂરી હતું. આપણે પેટીએમમાંથી તેમના મોબીક્વિક કે ફ્રીચાર્જ જેવી એપના એકાઉન્ટમાં રૂપિયા મોકલી શકતા નહોતા. ઇન્ટરઓપરેબિલિટી શરૂ થઇ જતાં આવા અવરોધ નહીં રહે. આ પ્રક્રિયા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત રહેશે. આ કારણે મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ વધવાની પૂરી શક્યતા છે.
પેમેન્ટ ડેટા ભારતમાં સ્ટોર થશે?
ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે સક્રિય વિવિધ કંપનીઝે પોતાનો ડેટા ભારતમાં જ સેવ કરવો પડે એવી સરકારની ડેડલાઇન (૧૫ ઓક્ટોબર, ૨૦૧૮) વીતી ગઈ છે, પરંતુ હજી પણ ઘણી મોટી કંપનીઝે આ નિયમનું સંપૂર્ણપણે પાલન કર્યું નથી. ગૂગલ, વોટ્સએપ, ફેસબુક તથા વિઝા અને માસ્ટર કાર્ડ જેવી કંપનીઝ આ નિયમના પાલન માટે હજી અવઢવમાં છે.
આ જ કારણે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા સંપૂર્ણપણે તૈયાર (સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે જુઓ જુલાઈ ૨૦૧૮ અંક) હોવા છતાં હજી પણ વોટ્સએપના તમામ યૂઝર્સ માટે આ સુવિધા શરૂ થઈ શકી નથી.


