(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલ ગેમ્સથી કેટલું નુક્સાન, કેટલો ફાયદો?

આજના સમયમાં, લગભગ દરેક ઘરની આ વાત છે – ઘરમાં બાળકો હોય તો મમ્મી-પપ્પા કે દાદાના સ્માર્ટફોન મોટા ભાગે બાળકોના જ હાથમાં જોવા મળે! કદાચ તમારા ઘરમાં પણ આ સ્થિતિ હશે અને પરિવારનાં બાળકો કે કિશોરોને સતત સ્માર્ટફોનમાંની ગેમ્સમાં ખૂંપેલાં જોઈને, એમની આ લત કેવી રીતે ઓછી કરવી તેની ચિંતા પણ તમને સતાવતી હશે.

હમણાં અખબારોમાં આવેલા અને તમારી ચિંતામાં વધારો કરે એવા એક સમાચાર તરફ કદાચ તમારું ધ્યાન ગયું હશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) દર વર્ષે વિશ્વમાં જોવા મળતા રોગોનું એક વર્ગીકરણ બહાર પાડે છે, જેનો ડોક્ટર્સ અને રિસર્ચર્સ ઉપયોગ કરે છે. વર્ષ ૨૦૧૮ માટેની આવી યાદીમાં, નિષ્ણાતોએ વધુ પડતી વીડિયો ગેમ રમવાની આદતને એક માનસિક બિમારી તરીકે ઉમેરવામાં આવી છે. જોકે આનો અર્થ એવો નથી કે વધુ પડતા વીડિયો જોતી દરેક વ્યક્તિ માનસિક રીતે બિમાર છે કે વીડિયો રમવી એ પોતે માનસિક બિમારીનું લક્ષણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તારણ મુજબ વધુ પડતી વીડિયો ગેમ રમવાથી જે અસરો થાય છે તે માનસિક બિમારી તરફ દોરી જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે કમ્પ્યુટર કે સ્માર્ટફોન કે ગેમિંગ કોન્સોલ પર વધુ પડતી વીડિયો ગેમ્સ કરવાને કારણે બાળકો એકાકી બની જાય છે, સામાજિક રીતે તે અન્યો સાથે સહેલાઈથી હળીમળી શકતાં નથી, પોતાના અભ્યાસમાં તે પૂરતું ધ્યાન આપતાં નથી અને હિંસક ગેમ્સની અસર નીચે તેમનામાં હિંસક વલણ જોવા મળે એવું પણ બને છે.

એટલે ડબલ્યુએચઓ વીડિયો ગેમ્સની લતને એક બિમારી ગણે એ બહુ નવી વાત નથી, પણ સામે પક્ષે, સંખ્યાબંધ નિષ્ણાતોના વિવિધ અભ્યાસોમાં એવાં પણ તારણ જોવા મળ્યાં છે કે વીડિયો ગેમ્સને કારણે બાળકો માનસિક રીતે વધુ સક્ષમ બને છે!

સિમસિટી જેવી ગેમ આપણને ખાલીખમ જમીન આપીને તેના પર, આયોજનબદ્ધ રીતે આખું શહેર વિક્સાવવાની ચેલેન્જ આપે છે.

વિજ્ઞાનના દરેક પાસાંની જેમ, વીડિયો ગેમ્સને પણ આપણે બેધારી તલવાર ગણવી પડે તેમ છે. વીડિયો ગેમ્સથી થતા નુક્સાનને તો આપણે જાણીએ છીએ, પણ તેના ફાયદા વિશે પ્રમાણમાં ઓછું જાણીએ છીએ. કોઈ પણ બાબતનો અતિરેક ચોક્કસ હાનિકારક છે એ યાદ રાખીને, પ્રમાણભાન સાથે વીડિયો ગેમ્સ રમવાના કેવા ફાયદા છે એ પણ જાણી લઈએ.

એંગ્રી બર્ડ જેવી ગેમ્સ પહેલી નજરે ભલે માત્ર નિશાન તાકીને તોડફોડ કરવાની ગેમ લાગતી હોય, પણ આવી ગેમ પણ અંતે તો રમનારને સતત જુદા જુદા પ્રોબ્લેમને કેવી રીતે ઉકેલવા તેની મગજમારી કરવાની કસરત કરાવે છે. આ પ્રકારની ગેમ્સમાંનાં અલગ અલગ લેવલ્સ હંમેશા જુદા જુદા પ્રકારની સમસ્યા આપે છે અને તેને ઉકેલવાની રીત પણ જુદી જુદી હોઈ શકે છે. ઘણી ગેમ્સમાં રમનારે ચોક્કસ પ્રકારની પેટર્ન પકડી પાડીને લેવલ પાર કરવાનાં હોય છે. આગળ જતાં આ આવડત તેને સ્પધર્ત્મિક પરીક્ષાઓમાં કામ લાગી શકે છે!

પ્લે સ્ટોરમાં જુદા જુદા વર્ચ્યુઅલ દુશ્મનોને વીણી વીણીને શૂટ કરવાને લગતી ગેમ્સની ભરમાર છે અને બાળકો તો ઠીક મોટા લોકોની પણ એ ફેવરિટ હોય છે. પબ્જી જેવી હમણાં બહુ લોકપ્રિય થયેલી ગેમ આવી જ એક સ્ટ્રેટેજી ગેમ છે.આવી ગેમમાં રમનાર પોતે ગેમમાં એક કેરેક્ટર તરીકે, જુદા જુદા લોકેશનમાં લપાઈ-છુપાઈને, દુશ્નોની ગોળીથી બચીને, નિર્ધિરિત સમયમાં બીજાને શૂટ કરે ત્યારે તેણે ગેમમાં પોતાનું અને દુશ્મનોનું લોકેશન, પોતે કઈ તરફ જાય છે, કેટલી સ્પીડ છે, કયા કયા ખૂણે દુશ્મનો છે એ બધી જ બાબતનો એક સાથે વિચાર કરવો પડે છે અને તે મુજબ, પોતે ઝડપથી નિર્ણય લેવા પડે છે. એક તરફ મગજ આ બધી ગણતરીઓ કરે અને સિચ્યુએશન મુજબ, જે પગલાં લેવાનાં હોય તેના મેસેજ હાથને મોકલે અને રમનારે એ પ્રમાણે ઝડપથી સ્ક્રીન પર આંગળીઓ ફેરવવી પડે. આવી ગેમ્સમાં, બાળકો ઝડપથી બદલાતી સ્થિતિ અનુસાર ફટાફટ વિચાર કરીને જરૂરી પગલાં લેતાં શીખે છે, પોતાની રીતે જુદી જુદી પરિસ્થિતિનો ક્યાસ કાઢતાં શીખે છે.

પબ્જી જેવી હમણાં બહુ લોકપ્રિય ગેમમાંની હિંસાને બાજુએ રાખો તો સ્ટ્રેટેજિક થિંકિંગની આવડત વિક્સાવવામાં તે બહુ ઉપયોગી છે.

આવી ગેમ્સમાં બાળક સામે એક જરા લાંબા સમયનું લક્ષ્ય હોય છે અને ત્યાં સુધી પહોંચવા માટે તેણે ટૂંકા ગાળાનાં પ્લાનિંગ કરીને એ મુજબ આગળ વધવું પડે છે. અભ્યાસો તો ત્યાં સુધી કહે છે કે આ પ્રકારની ગેમ્સ રમનાર વ્યક્તિમાં એવી સ્કિલ્સ ડેવલપ થાય છે, જે આગળ જતાં તેને કુશળતાથી ઓપરેશન કરનાર સર્જન બનાવી શકે છે.

આપણે સામાન્ય રીતે સ્માર્ટફોનમાં શૂટિંગ કે રેસિંગ ગેમથી આગળ વધતા નથી, પણ સિમસિટી જેવી કોઈ ગેમ તમારી નજરમાં આવી હોય તો તમે જાણતા હશો કે આવી ગેમમાં, રમનારને માત્ર એક કોરીકટ જમીન આપવામાં આવે છે અને પછી જુદી જુદી બાબતો ધ્યાનમાં રાખીને, જમીનના એ ટુકડા પર તેણે આખું શહેર ઊભું કરવાનું હોય છે. આ ગેમની અત્યારે લંબાણપૂર્વક ચર્ચા થઈ શકે તેમ નથી, પણ આ ગેમથી બાળકોમાં ટાઉન પ્લાનિંગ અને રિસોર્સ મેનેજમેન્ટનાં બીજ રોપી શકે છે. અહીં પણ, જુદી જુદી સ્થિતિ સમજી, વિચારીને તે મુજબ પગલાં લેવાનો મુદ્દો તો છે જ!

ડિજિટલ ગેમ્સ રમનાર બાળક ગેમની વર્ચ્ચુઅલ દુનિયામાં આગળ વધવા નક્શાનો ઉપયોગ કરતાં શીખે છે, સ્થિતિ મુજબ પોતાની સ્ટ્રેટેજી ઘડતાં અને તેના પર અમલ કરતાં શીખે છે, ચોક્સાઇ જાળવી રાખીને ઝડપથી આગળ વધતાં શીખે છે, હાલની પરિસ્થિતિનો ક્યાસ કાઢીને, હવે સ્થિતિ કેવી બદલાશે અને ત્યારે પોતે શું કરવું પડશે એ સમજતાં-વિચારતાં શીખે છે. વીડિયો ગેમ્સ બાળકોને જરૂર મુજબ જોખમ ઉઠાવતાં પણ શીખવે છે.


અભ્યાસો બતાવે છે વીડિયો ગેમ્સ રમતાં બાળકોને દૃશ્યો પરથી માહિતી તારવવાનો સારો એવો મહાવરો મળતો હોવાથી, અભ્યાસમાં તેમને વિઝ્યુઅલ્સની મદદ મળે તો પોતાનો વિષય તે અન્ય બાળક કરતાં વધુ ઝડપથી શીખે લે છે. કોઈ પણ ગેમ રમતાં પહેલાં બાળકે ધરાર, એ ગેમ કેવી રીતે રમવી તેની ઇન્સ્ટ્રક્શન્સ વાંચવી પડે છે, ગેમની આખી સ્ટોરી કેવી છે એ સમજવું પડે છે. એમ કરવા જતાં, એનામાં આપોઆપ વાંચનની ટેવ વિકસી શકે છે!

‘સાયબરસફર’માં આપણે અવારનવાર એવી ગેમ્સની વાત કરીએ છીએ, જેમાં હાર-જીત હોતી જ નથી. જેમ કે ‘ફાયરબોય એન્ડ વોટરગર્લ’ સીરિઝની ગેમ બે પ્લેયર સાથે મળીને રમી શકે છે અને તેમાં તેમણે એકબીજાને હરાવવાના નથી, પણ ટીમવર્ક કરીને, એકબીજાની મદદ લઈને નિર્ધિરિત ગોલ સુધી પહોંચવાનું હોય છે!

ટૂંકમાં, આજના સમયની સ્માર્ટ જનરેશનને સ્માર્ટ બનાવવામાં, આજની વીડિયો ગેમ્સનો સિંહફાળો છે એ નકારી શકાય તેમ નથી. માત્ર પ્રમાણભાન જળવાઈ રહે એ જોવું જરૂરી છે અને સાથોસાથ પેરેન્ટ્સ બાળકોના ચોકીદાર બનવાને બદલે તેમના જોડીદાર બનીને, બને એટલી ગેમ્સ એમની સાથે રમે તો બાળકોને ગેમ્સથી નુક્સાન કરતાં લાભ વધુ થશે એટલું નક્કી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!