તમે માઇક્રોસોફ્ટ વર્ડનો નવો નવો ઉપયોગ શરૂ કર્યો હોય કે તમે તેના જૂના મહારથી હો, એક વાતે તમે હંમેશા માથું ખંજવાળ્યું હશે – કોઈ નવું વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરીને તેના પહેલા પેજમાં, આખા પેજની બરાબર વચ્ચે, તમારે અહેવાલનું શીર્ષક લખવું હોય તો?
અત્યાર સુધી તમે જોયું હશે કે વર્ડમાં નવા ડોક્યુમેન્ટમાં કર્સર હંમેશા પેજમાં ઉપરની તરફ ડાબી બાજુએ જ ખોડાયેલું રહે છે અને આપણે ત્યાંથી જ લખવાનું શરૂ કરી શકીએ છીએ.
પેજના સેન્ટરમાં હેડિંગ લખવા માટે આપણે એન્ટર કી પ્રેસ કરી કરીને કર્સરને પેજની મધ્યમાં લાવીએ અને પછી જોઈતું લખાણ લખી, ટેક્સ્ટને સેન્ટર એલાઇન કરીને ત્યારે આપણું ધાર્યું કામ થાય.
હવે નવો રસ્તો જાણો! તમારે પેજમાં જ્યાંથી પણ લખવાની શરૂઆત કરવી હોય ત્યાં ફક્ત ડબલ ક્લિક કરો. યસ, ફક્ત ડબલ ક્લિક! કર્સર તમે ક્લિક કરેલી જગ્યાએ ગોઠવાશે અને તમે ત્યાં લખી શકશો.
આ સગવડ ફક્ત કોરા પેજ પૂરતી નથી.
ભરચક લખાણવાળા પેજમાં, જ્યાં કોરી જગ્યા દેખાય ત્યાં ડબલ ક્લિક કરી જુઓ. કોઈ નાનું હેડિંગ આપીને પછી નીચે નવો પેરેગ્રાફ શરૂ કર્યો હશે તો હેડિંગ પછીની કોરી જગ્યામાં ગમે ત્યાં તમે ડબલ ક્લિક કરીને લખી શકશો. અલબત્ત, એ લખાણ હેડિંગની લાઇનનો જ એક ભાગ બનશે.
