વર્ષ ૨૦૨૦માં ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક્સ નવો વિક્રમ સર્જે તેવી શક્યતા છે, એ પણ રમતોના સ્ટેડિયમની બહાર!
એક જાપાનીઝ કંપની એવી ટેક્નોલોજી વિક્સાવી રહી છે, જેના કારણે સ્ટેડિયમની બહાર રહેલા લોકો, પોતે સ્ટેડિયમની અંદર હાજર હોય એ રીતે રમતનો જીવંત અનુભવ માણી શકશે. ૩ડી હોલોગ્રામ્સ તરીકે પ્રોજેક્ટ થતાં આ દૃશ્યો સર્જવા માટે એથ્લેટ્સે કોઈ મોશન સેન્સર્સ પહેરવાની કે દર્શકોએ ૩ડી ગ્લાસીસ પહેરવાની પણ જરૂર રહેશે નહીં.
આ માટે, સંખ્યાબંધ કેમેરાની મદદથી એથ્લેટ્સની મૂવમેન્ટ્સ ટ્રેક કરવામાં આવશે અને તેની ઇમેજીસ, રીયલ ટાઇમમાં અમુક ખાસ ડિવાઇસીઝમાં ટ્રાન્સફર થશે, જે અંતે ૩ડી હોલોગ્રામ રૂપે એથ્લેટ્સને બીજી જ જગ્યાએ જીવંત કરશે.
સામાન્ય રીતે ૩ડી ટીવી કે વર્ચ્યુઅલ રિયાલિટીમાં દર્શકે ૩ડી ગ્લાસ પહેરવા જરૂરી હોય છે, પણ ૩ડી હોલોગ્રામમાં કોઈ પડદાને બદલે, હવામાં જ ત્રણેય પરિમાણ ધરાવતો આકાર લે છે અને કોઈ પણ વ્યક્તિ તેની ચોમેર ફરીને નરી આંખે તેને જોઈ શકે છે!

