આજકાલ સવારે અખબાર હાથમાં લઈએ એટલે મોટા ભાગના સમાચાર એ જ જોવા મળે, જે આપણે આગલી સાંજે જાણી ચૂક્યા હોઈએ.
અખબાર અને રેડિયો-ટીવી ઉપરાંત, સમાચારો જાણવાના હવે અનેક અનેક રસ્તા થઈ ગયા છે.
દરેક મોટું મીડિયા હાઉસ હવે પોતાની વેબસાઇટ અને એપ ધરાવે છે અને ગૂગલ ન્યૂઝ (http://news.google.co.in) જેવી ઉપયોગી સાઇટ કે તેની એપ પર આપણે દુનિયાભરના અનેક ન્યૂઝ સોર્સમાંથી ભરપૂર જાણકારી મેળવી શકીએ છીએ. એ સિવાય, અહીં આપેલી ન્યૂઝ એગ્રીગેટર સાઇટ કે સર્વિસ, ન્યૂઝ ઉપરાંત બીજી ઘણી રીતે પણ તપાસવા જેવી છે!
TLDR World News (https://tldrworldnews.com/)
જો તમે દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે એ વિશે એકદમ ફટાફટ માહિતગાર રહેવા માગતા હો તો તમારે માટે આ સર્વિસ કામની છે. પરંતુ પહેલાં તો એ સવાલ થવો જોઈએ કે આ ટીએલડીઆર શું છે?!
તેનું ફૂલ ફોર્મ છે ‘ટુ લોંગ, ડીડ નોટ રેડ’, એટલે કે લખાણ બહુ લાંબું હતું, વાંચ્યું નહીં!
એટલે જ આ સાઇટ એકદમ ટૂંકાણમાં સમાચારો આપે છે. આ સાઇટ પર વિવિધ પ્રતિષ્ઠિત અખબારી સાઇટ પરથી આખી દુનિયાના સમાચારો અપડેટ થતા રહે છે. મજાની વાત એ છે કે તેમાં કોઈ ઇમેજ વિના માત્ર હેડલાઇન્સ જોઈ શકાય છે, એ પણ ખાસ્સા મોટા ફોન્ટમાં.
વેબસાઇટ પર પહોંચ્યા પછી તમે અછડતી નજર નાખો એ સાથે દુનિયાના વર્તમાન પ્રવાહોથી માહિતગાર થઇ શકો. કોઈ ન્યૂઝ વિશે થોડું વધુ જાણવા માગતા હો તો તેને ક્લિક કરતાં નવા કોઈ પેજ પર ગયા વિના ત્યાં ને ત્યાં એ સમાચાર વિશે થોડી વધુ માહિતી મળશે અને પછી ઇચ્છો તો એ સમાચાર વિશેનો આખો આર્ટિકલ ધરાવતા વેબપેજ પર જઈ શકો છો.
આ વેબસાઇટ પરના બધા સમાચાર જાણવાલાયક જ હોય એવું નથી, છતાં સમગ્ર દુનિયાના કરંટ અફેર્સથી અપડેટેડ રહી શકાશે.
FAST News (https://fastnews.me)
જો તમે આખી દુનિયાને બદલે ફક્ત ભારતના સમાચારો પર દરરોજ ઊડતી નજર ફેરવવા માગતા હો તો તમારે માટે કામની સાઇટ છે https://fastnews.me. આ સાઇટ પર પહોંચીને મથાળે વર્લ્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇન્ડિયા, યુનાઇટેડ કિંગ્ડમ વગેરે વિકલ્પોમાંથી ઇન્ડિયા પસંદ કરી લેશો તો નાના નાના બોક્સમાં હેડલાઇન અને થોડી વધુ વિગતો પે વિવિધ સમાચાર જોવા મળશે. આ તમામ સમાચાર ભારતની વિવિધ ન્યૂઝ સાઇટ્સ પરથી તારવવામાં આવ્યા હોય છે.
અહીં દરેક સમાચાર સાથે ‘રીડ કી-પોઇન્ટ્સ’નું બટન જોવા મળશે તેને ક્લિક કરતાં જે તે સમાચાર વિશે માત્ર બુલેટેડ મુદ્દાઓ સ્વરૂપે વધુ માહિતી જાણવા મળશે!
ઇન્ટરનેટ પર ન્યૂઝની સૌથી મોટી તકલીફ એ છે કે અસંખ્ય વેબસાઇટ પર અસંખ્ય વિષયો વિશે લાંબા લાંબા લેખ લખાતા રહે છે, એમાંથી જે તે વિષય વિશે વધુમાં વધુ માહિતી ધરાવતો લેખ તારવવો મુશ્કેલ છે અને એ પછી એ લેખમાંથી માત્ર જરૂરી મુદ્દાઓ તારવવા હજી વધુ મુશ્કેલ છે.
આ વેબસાઇટમાં વિવિધ ટેકનોલોજીની મદદથી કોઈ પણ વિષય વિશે ‘રેડીટ’ સાઇટ પર જેની સૌથી વધુ ચર્ચા ચાલતી હોય એ લેખ દર્શાવવામાં આવે છે.
અમેરિકાની સિલિકોન વેલીમાં સાન જોસ સ્ટેટ યુનિવર્સિટીમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ ભણતા સલમાન નામના એક વિદ્યાર્થીએ આ સાઇટ તૈયાર કરી છે. જો તમને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં રસ હોય તો આ વેબસાઇટ કેવી રીતે તૈયાર કરવામાં આવી છે એ વિશે પણ તમે એબાઉટ સેકશનમાં જાણી શકશો.
ઇનશોર્ટ્સ (www.inshorts.com)
આજે લગભગ દરેક અખબાર, સમાચારમાં પોતાનું મંતવ્ય ઉમેરીને જ હેડલાઇન આપે છે, એમાં કોરા, નક્કર સમાચાર શોધવા મુશ્કેલ બને છે. એવામાં, રિયાલિટીબ્રીફ.કોમ સાઇટ ફક્ત વિવિધ પ્રકારની ઘટના પર ફોકસ કરે છે. તે વિકિપેમિયા (વિકિપીડિયા કરતાં અલગ!) પરથી રોજેરોજની ઘટનાઓ જુદી જુદી કેટેગરીમાં વહેંચીને દર્શાવે છે.
ત્રાસવાદી હુમલા, વિવિધ દેશોના બદલાતા વડા, નોંધપાત્ર વ્યક્તિઓનાં મૃત્યુ, કુદરતી આફતો, જનવિરોધ વગેરે અહીં એક પેજ પરની નોંધ તરીકે જોઈ શકાય છે. દરેક સમાચાર જે તે દેશના નક્શા સાથે હોવાથી દુનિયાના ખબરઅંતરથી માહિતીગાર રહેવાનો એક નવો રોમાંચ પણ રહે છે. નિયમિત મુલાકાતથી જનરલ નોલેજ ખાસ્સું વધવાની ગેરંટી!
ઇનશોર્ટ્સ (www.inshorts.com)
આગલી બંને સાઇટ મુખ્યત્વે દુનિયાભરના સમાચારો જાણવા માટે વધુ ઉપયોગી છે. તમને ભારત સંબંધિત સમાચારોમાં વધુ રસ હોય તો આ સર્વિસ તમારે કામની છે. સર્વિસ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે.
ઇનશોર્ટ્સ, ભારતીય કંપનીએ બનાવેલી સર્વિસ છે. આમ તો તે એપલ અને એન્ડ્રોઇડની એપ સ્વરૂપે ખાસ્સી લોકપ્રિય છે, પણ તમે તેનો પીસી કે લેપટોપના બ્રાઉઝરમાં પણ લાભ લઈ શકો છો.
આ સર્વિસ પણ, વધુ સમાચારની મહત્ત્વની બાબતો ટૂંકમાં અને ફટાફટ જાણી શકાય એ માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ઇન્ટરનેટ પરની આ પ્રકારની મોટા ભાગની સર્વિસ ઓટોમેટેડ હોય છે, એટલે કે તેમાં કોઈ માણસ નહીં પણ મશીન્સ જ સમાચારોની પસંદગી કરે છે અને તેના મુદ્દાઓ તારવે છે, જ્યારે ઇનશોર્ટ્સ સર્વિસમાં, એડિટર્સની ટીમ વિવિધ સ્રોતમાંથી સમાચારો તારવીને તેનો ફક્ત ૬૦ શબ્દોમાં સારાંશ આપે છે. વધુ જાણવું હોય તો એ ન્યૂઝના મૂળ સ્રોત સુધી તમે જઈ શકો.
અહીં ન્યૂઝને અલગ અલગ કેટેગરી મુજબ જોવાની અને બુકમાર્ક કરવાની પણ સગવડ છે.
આ સિવાય, પ્લે સ્ટોરમાંથી તમે જુદી જુદી ઘણી ન્યૂઝ એગ્રીગેટર એપ શોધી શકો છો. ઓક્ટોબર ૨૦૧૫ અંકમાં આપણે ફીડલી (http://feedly.com) નામની એક એપ વિશે વિગતવાર વાત કરી ગયા છીએ. તેની મદદથી તમે તમારી મરજીનાં અખબારોની ન્યૂઝફીડ એક જ એપમાં ગોઠવીને તેની મદદથી દુનિયાભરના સમાચારોથી માહિતગાર રહી શકો છો. ઇન્ટરનેટ પર દરેક બાબતના એકથી વધુ રસ્તા છે, જે ગમે તે પકડી લો!

