જાન્યુઆરી ૩૧, ૧૯૪૮ના દિવસે, દિલ્હીના બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના સભા માટે મહાત્મા ગાંધી આવ્યા અને તેમના દર્શનાર્થીમાંના એક નથુરામ ગોડસેએ, બરાબર ૫.૧૨ના સમયે ગાંધીજીના કૃશ શરીરમાં ગોળીઓ ધરબી દીધી. તેની પંદર-વીસ મિનિટ પછી ગાંધીજીએ અંતિમ શ્વાસ લીધા.
આગળ શું વાંચશો?
- સમાચાર માટે ઇન્ટરનેટ વિશ્વસનિય છે?
- તપાસવા જેવી નવી ન્યૂઝ સર્વિસ
ગાંધીજીની હત્યાના ત્રણ-ચાર મહિના પહેલાંથી, ઓલ ઇન્ડિયા રેડિયોના કર્મચારીઓ રોજ સાંજે બિરલા હાઉસમાં હાજર રહી, પ્રાર્થનાસભા પછી ગાંધીજીના પ્રવચનને ટેલિફોન દ્વારા, ત્રણ કિલોમીટર દૂર રેડિયોના રેકોર્ડિંગ રૂમમાં ‘લાઇવ’ ટ્રાન્સમિટ કરતા હતા અને ત્યાં પ્રવચન રેકોર્ડ કરવામાં આવતું હતું. ત્યાર પછી મોડી સાંજે ૮.૩૦ વાગ્યે રેડિયો પર તેનું પ્રસારણ થતું હતું.
હત્યાના દિવસે, સવારે અમૃતસરથી દિલ્હી આવેલા જવાહરલાલ નેહરુને ગાંધીજી પર ગોળીબારના ખબર પહોંચતાં તેઓ બિરલા હાઉસ આવી પહોંચ્યા. ગાંધીજી પર ગોળીબારના સમાચાર દિલ્હીમાં આગની જેમ ફેલાયા અને જોતજોતાંમાં બિરલા હાઉસ પાસે બે લાખ જેટલા લોકો ઉમટી પડ્યા. જવાહરલાલ નેહરુએ બિરલા હાઉસમાંથી બહાર આવીને, જનમેદનીને સંબોધન કરીને ગાંધીજીનું નિધન થયું હોવાની જાણ કરી.
દરમિયાન, બીબીસીએ ૫.૩૫ વાગ્યે આ સમાચાર પ્રસારિત કરી દેતાં દુનિયામાં વાત પ્રસરવા લાગી, પણ ભારતમાંના મોટા ભાગના લોકોને તેની જાણ નહોતી. ઓલ ઇન્ડિયા રેડિયોના અધિકારીઓને જાણ થઈ ગઈ હોવા છતાં, નેહરુએ બિરલા હાઉસ બહાર મેદનીને સંબોધન કર્યું તે પછી જ, લગભગ ૫.૫૦ વાગ્યે ઓલ ઇન્ડિયા રેડિયો પર આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી અને પછી દેશભરમાં સમાચાર ફેલાયા…
આ વાત લંબાણપૂર્વક કરવાનું કારણ? ન્યૂઝ અને ફેક ન્યૂઝ વચ્ચેનો તફાવત. આ વાત ૧૯૪૮ની છે. હવે ૭૦ વર્ષનો કૂદકો લગાવીને ફરી ૨૦૧૮માં આવી જઈએ તો, આ લખાઈ રહ્યું છે ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેઈ એઇમ્સમાં હેમખેમ હોવા છતાં, વોટ્સએપ પર તેમના દેહાંતના ‘સમાચાર’ ફરતા થઈ ગયા છે અને એ આંખના પલકારામાં તો આખી દુનિયાના ખૂણે ખૂણે પહોંચી જાય છે!
સમાચાર માટે ઇન્ટરનેટ વિશ્વસનીય છે?
એક સમયે તાજા સમાચાર જાણવાનો એક માત્ર આધાર રેડિયો હતો અને બીજા દિવસે અખબારોમાં વિગતવાર વાતો વાંચવા મળતી. હવે દુનિયાભરના મોટા ભાગના લોકો ઘટના બને એ સાથે પલકવારમાં, પોતાના સ્માર્ટફોન પર તેના વિશે જાણી લે છે અને ઘણા કિસ્સામાં તેનો કોઈને કોઈએ બનાવેલો વીડિયો પણ જોઈ લે છે.
સમાચાર જાણવાના સ્થાપિત સ્રોત – રેડિયો, ટીવી, અખબાર, ન્યૂઝ સાઇટ્સ વગેરે -માં, સમાચાર આધારભૂત છે કે નહીં અને પ્રસારિત કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કરવાની ઠીક ઠીક સારી વ્યવસ્થા હોય છે, પણ ઇન્ટરનેટ પર, સોશિયલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિ, કંઈ પણ લખીને આખી દુનિયામાં વહેતું કરી શકે છે. તેની પાછળ કોઈ સંસ્થા, પક્ષ કે સંગઠનનો બદઈરાદો હોય તો તે ખોટા સમાચારને વ્યવસ્થિત રીતે વાઇરલ બનાવી શકાય છે.
ઇન્ટરનેટ સમાચારનો સૌથી ઝડપી અને સૌથી મોટો સ્રોત બની ગયું છે, પણ એની એ પ્રચંડ તાકાતને કારણે ફેક ન્યૂઝ – બનાવટી સમાચારનું દૂષણ પણ જબરજસ્ત વિસ્તરી રહ્યું છે. આપણા સમાજનો બહુ મોટો વર્ગ એવો છે જે વોટ્સએપ કે ફેસબુક પર વાંચેલી વાત સાચી માની લે છે. એટલે જ વોટ્સએપે હવે નવેસરથી લખાયેલા નહીં, પણ જેમના તેમ ફોરવર્ડ થયેલા મેસેજને ‘ફોરવર્ડેડ’ એવું લેબલ લગાવવાનું શરૂ કર્યું છે. ફેસબુક અને ટવીટર પર જુદાં જુદાં એકાઉન્ટની વિશ્વસનીયતા સાબિત કરવા તેમને વેરિફાય કરીને યૂઝર્સને બતાવવામાં આવે છે.
ઇન્ટરનેટની વિશ્વસનીયતા શંકાના ઘેરામાં છે, તેમ તેનો વિરાટ વ્યાપ બીજી મોટી સમસ્યા છે. ઇન્ટરનેટનો વ્યાપ એટલો વધ્યો છે કે આપણે, પોતાને વિશ્વસનીય લાગતા સ્રોતને પણ નિયમિત તપાસી શકીએ નહીં. વર્લ્ડ વાઇડ વેબની શરૂઆતને ત્રીસેક વર્ષ થયાં છે ત્યાં વેબસાઇટ્સની સંખ્યા ઓછામાં ઓછી ૨ અબજ (કોઈના મતે ૩ અબજ!) કરતાં વધી ગઈ છે. દર મિનિટે હજારો વેબપેજ, લાખો ટવીટ્સ અને સેંકડો કલાકોના વીડિયો નેટ પર ઉમેરાય છે. આપણે માટે આ બધું જ તો દેખીતી રીતે કામનું ન હોય, પણ શું કામનું છે એ જોવું-તપાસવું પણ કેવી રીતે?
તપાસવા જેવી નવી ન્યૂઝ સર્વિસ
આગળ લખેલી બધી વાતો ધ્યાનમાં લેતાં, ઇન્ટરનેટ પર માત્ર સમાચારને સમર્પિત, ગૂગલની ન્યૂઝ સર્વિસમાં હમણાં આવેલા ફેરફાર ખાસ નોંધપાત્ર છે.
ગયા મહિને, ગૂગલે તેની ‘ગૂગલ ન્યૂઝ’ સર્વિસમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. સ્માર્ટફોનમાં ગૂગલ સર્ચમાં, ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં, ન્યૂઝ એન્ડ વેધર એપમાં, ન્યૂઝસ્ટેન્ડ એપમાં એમ ઘણી જુદી જુદી રીતે ગૂગલ આપણને ન્યૂઝ બતાવે છે, હવે નવેસરથી તૈયાર થયેલી ન્યૂઝ એપમાં એ સાંકળી લેવામાં આવે તેવી શક્યતા છે.
જો તમે રોજેરોજ, તમને વિશ્વસનીય લાગતા સમાચાર સ્રોતો પાસેથી સમાચાર જાણવા માગતા હો, તમારે માટે કામના અને તમારા રસના ટોપિક્સ કે જુદાં જુદાં લોકેશન્સને લગતા સમાચારોથી સતત અપડેટેડ રહેવા માગતા હો, તો નવી ન્યૂઝ સર્વિસનાં વિવિધ બારીક પાસાં બરાબર સમજવા જેવાં છે. ગૂગલ ન્યૂઝના વેબ વર્ઝન (જેને પીસી કે લેપટોપમાં બ્રાઉઝરમાં જોઈ શકીએ) અને સ્માર્ટફોનની એપ બંનેમાં આ ફેરફારો આવ્યા છે. બંને લગભગ સરખા જ છે, પણ આપણે ફોનની એપના સંદર્ભે તેની ખૂબીઓ અને ખામીઓની વાત કરીશું.
અહીંથી આગળ વધતાં પહેલાં, સૌથી પહેલાં તમારા ફોનમાં (એન્ડ્રોઇડ કે આઇફોન)માં નવી ન્યૂઝ એપ ઇન્સ્ટોલ કરી લો!


