વેકેશન એટલે મામાને ઘેર જવાની સીઝન! વોટ્સએપનાં ગ્રૂપ્સમાં અત્યારથી જ એ વિશે મજાના મેસેજ ફરતા થઈ ગયા છે. આપણે એ પરંપરાને આગળ ધપાવીએ અને પહોંચીએ આપણા સૌના મામા, ‘ચાંદામામા’ને ઘેર!
અમેરિકન સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ હમણાં ચંદ્રનો ફોરકે રેઝોલ્યુશનનો વીડિયો લોન્ચ કર્યો છે! આ ફોરકે રેઝોલ્યુશન એક્ઝેક્ટલી શું છે એ સમજવામાં તો આખો બીજો લેખ પણ ઓછો પડે, એટલે અત્યારે એટલું સમજી લઈએ કે આ વીડિયો ચંદ્રની સપાટીના ખૂણે ખૂણાનાં, જબરજસ્ત સ્પષ્ટતા સાથે આપણને દર્શન કરાવે છે વીડિયો તમે પોતે જોશો એટલે સમજી જશો કે ફોરકે શું છે એની ઝંઝટમાં પડવાની જરૂર પણ નથી.
મૂળ વાત એ છે કે અફાટ વિસ્તરેલા બ્રહ્માંડમાં, આપણા સૌથી નજીકના પડોશી તરીકે ચંદ્રનું માનવને હંમેશા આકર્ષણ રહ્યું છે. પૃથ્વી અને આખા સૂર્યમંડળનું સર્જન કેવી રીતે થયું એ તપાસવામાં પણ ચંદ્રનો અભ્યાસ મદદરૂપ થાય છે.
જુલાઈ ૨૦, ૧૯૬૯ના દિવસે નીલ આર્મસ્ટ્રોંગે પહેલી વાર ચંદ્ર પર પગ મૂક્યો એ પછી તો સંખ્યાબંધ માનવરહિત અને માનવસહિત મૂનમિશન્સ પાર પડ્યાં છે, પણ ૨૦૦૯માં નાસાએ ‘લુનાર રેકોનેસન્સ ઓર્બિટર (એલઆરઓ)’ નામે એક રોબોટિક મિશન લોન્ચ કર્યું. તે મૂળ તો ફક્ત એક વર્ષના મિશન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, અને તેનું કામ આખા ચંદ્રની સપાટીનું મેપિંગ કરવાનું હતું. એ પછી આ મિશનમાં ચંદ્ર વિશેનો બહુમૂલ્ય ડેટા મળવા લાગતાં તેને એક વર્ષને બદલે લંબાવવામાં આવ્યું.
ત્યારથી આજ સુધી આ ઓર્બિટર ચંદ્રની બહુ નજીક ફરતું રહીને તેની ટોપોગ્રાફી, ટેમ્પરેચર, રિસોર્સીઝ, સોલર રેડિએશન અને જિઓલોજીનો અભ્યાસ કરતું રહ્યું છે. આ મિશનનો લેટેસ્ટ ડેટા હવે, આગળ કહ્યું તેમ, ફોરકે રેઝોલ્યુશનમાં ઉપલબ્ધ છે.
નાસાએ એ ડેટાની મદદથી ચંદ્રનાં અજાણ્યાં પાસાં લોકો સુધી પહોંચાડવા ચંદ્રની અનોખી સફર કરાવતો, માંડ પાંચ મિનિટનો એક વીડિયો તૈયાર કર્યો છે.
[alert-announce]આમ તો કોઈ પૂર્વભૂમિકા વિના આ વીડિયો જુઓ તો પણ મજા પડી જાય તેમ છે, પણ વીડિયોમાં સમાવાયેલી દરેક ખાસ વિશેષતા અને વીડિયોના દરેક તબક્કા વિશે અહીંથી આગળ આપેલી થોડી વધુ માહિતી વાંચ્યા પછી વીડિયોના એ ભાગ જોશો તો વધુ સારી સમજ કેળવાશે![/alert-announce]
ચંદ્રના ‘ડાઘ’ શું છે?
નરી આંખે આપણને ચંદ્ર પર જે ‘ડાઘ’ દેખાય છે, એ વાસ્તવમાં, લગભગ સાડા ચાર અબજ વર્ષના અસ્તિત્ત્વ દરમિયાન ચંદ્રએ અસંખ્ય વાર ઝીલેલા ખરતા તારા કે ઉલ્કાના ઘા છે. પૃથ્વી અને ચંદ્ર બંનેએ આવા ઘા ઝીલ્યા છે, પણ પૃથ્વી પર વાતાવરણ, પાણી અને વનસ્પતિને કારણે આ ઘા રુઝાઈ ગયા છે, જ્યારે ચંદ્ર પર તેનાં નિશાન હંમેશ માટે રહી ગયાં છે.
આ વીડિયોમાં તમે આ ક્રેટર્સ બહુ નજીકથી જોઈ શકશો. ચંદ્ર પર ઓરિએન્ટલ બેઝિન નામે એક સ્થળ છે, જે ચંદ્ર પર થયેલા ઉલ્કા પ્રહારની અસર સૌથી સારી રીતે દશર્વિે છે. વીડિયોમાં આ સ્થળે સપાટી પરની અસર અને સપાટી નીચેની સ્થિતિ એનિમેશન સ્વરૂપે જોવા મળે છે.
ચંદ્રની ‘કાળી’ બાજુ
એ સાથે, આ વીડિયો આપણને ચંદ્રની સૌથી કાળી બાજુ પણ બતાવે છે! પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે, પણ ચંદ્ર બહુ જ થોડો નમેલો હોવાથી, તેના ધ્રૂવ પ્રદેશમાંના કેટલાક ભાગમાં અને તેમાંના ક્રેટર્સમાં ક્યારેય સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી – ક્યારેય નહીં! આ ભાગ હંમેશા પડછાયામાં જ રહે છે.
પરિણામે, ચંદ્રના દક્ષિણ ધ્રૂવમાં કેટલાભ ભાગમાં આખી સોલર સિસ્ટમનું સૌથી નીચું તાપમાન નોંધાય છ, જે -૨૧૦ ડીગ્રી સેલ્સિયસ જેટલું નીચું પહોંચી જાય છે. ચંદ્ર પર પાણી હોવાના પુરાવા મળ્યા છે, તેમાંના કેટલાક અહીં છે. આ ભાગમાં પાણીનું ક્યારેય બાષ્પીભવન થતું નથી. આવા પુરાવા આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યા છે.
અલગ પ્રકારનો ક્રેટર
ચંદ્ર પર ઉલ્કાના પ્રહારથી સર્જાયેલ અન્ય એક ક્રેટર ‘ટાયકો’ નામથી ઓળખાય છે, જે ફક્ત ૧૦ કરોડ વર્ષ જૂનો છે – નિષ્ણાતો કહે છે કે અવકાશી બાબતો માટે ૧૦ કરોડ વર્ષ બહુ નાનો સમયગાળો છે.
વીડિયોમાં, તમે આ સ્થળે, ઉલ્કાના પ્રહારથી વિશાળ ખાડો સર્જાયા પછી, વચ્ચે સ્પ્રિંગની જેમ પરત ઉપસી આવેલો ભાગ જોઈ શકાય છે. તેના કેન્દ્રમાં જે નાનો પથ્થર જેવડો ભાગ દેખાશે, તે વાસ્તવમાં બેઝબોલ સ્ટેડિયમ જેટલો વિશાળ છે.
ચંદ્રનો સૌથી વિશાળ ‘ખાડો’
સાઉથ પોલ-એઇટકેન બેઝિન નામનો ભાગ ચંદ્રનો બીજો નોંધપાત્ર હિસ્સો છે. તે ચંદ્રનો સૌથી વિશાળ, સૌથી ઊંડો અને સૌથી પહેલાં જાણવા મળેલો ‘ખાડો’ છે. એને આમ તો ખાડો ન કહી શકાય કેમ કે તેનો વ્યાસ ૨૨૦૦ કિલોમીટર જેટલો વિશાળ છે અને તે ચંદ્રના ચોથો ભાગ આવરી લે છે.
તે એટલો ઊંડો છે તેમાં એકની ઉપર એક એમ બે માઉન્ટ એવરેસ્ટ ગોઠવવામાં આવે ત્યારે તેના તળિયાથી ટોચની સપાટી સુધી પહોંચી શકાય! ચંદ્ર પર ઉતરાણ કરવા માટે આ ક્રેટર સૌથી પહેલાં પસંદ કરવામાં આવે છે.
પૃથ્વી પરથી નરી આંખે દેખાતો ક્રેટર
ચંદ્રનો અભ્યાસ કરતા વિજ્ઞાનીઓ માટે આકર્ષણના કેન્દ્ર જેવો ચંદ્રનો વધુ એક હિસ્સો છે એરિસ્ટાર્કસ પ્લેટો. ગ્રીક ખગોળશાસ્ત્રીને નામે ઓળખાતા આ ભાગનો ક્રેટર એટલો ઉજાસભર્યો હોય છે કે તે પૃથ્વી પરથી નરી આંખે પણ જોઈ શકાય છે.
તેના અભ્યાસ પરથી, ચંદ્ર પરના જ્વાળામુખીઓનો ઇતિહાસ જાણી શકાતો હોવાથી વિજ્ઞાનીઓને તેમાં ઊંડો રસ છે. આ આખો વિસ્તાર જ્વાળામુખી ફાટવાને કારણે પેટાળામાંથી બહાર આવેલા ખડકોથી બનેલો છે. લાવાના પ્રવાહને કારણે સર્જાયેલી નદી જેવી એક રચના પણ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
એપોલો ૧૭ની લેન્ડિંગ સાઇટ
આ વીડિયોની હાઇલાઇટ છે, એપોલો ૧૭ની લેન્ડિંગ સાઇટ. ચંદ્રના વિવિધ ખૂણાનું ભ્રમણ કરતાં કરતાં, લગભગ વીડિયોના અંતે આપણે આ સ્થળે પહોંચીએ છીએ.
વીડિયોમાં નાસાનું એ ચંદ્રયાન ચંદ્ર પર, ટોરસ-લિટ્રો વેલી નામના જે સ્થળે ઉતર્યું તે સ્થળ, ત્યાં તેના પ્લેટફોર્મનો નીચેનો અડધો ભાગ, જે હજી ત્યાં જ છે અને તેમાંથી નીકળેલ રોવલ વેહિકલ સુદ્ધાં જોઈ શકાય છે!

