સ્માર્ટફોનમાં યુટ્યૂબ એપનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આ એપમાં તમે જોયું હશે તેમ કોઈ વીડિયો પ્લે કરવાનું શરૂ કરો એ પછી બીજા કોઈ વીડિયો શોધવાનું મન થાય તો એપના મથાળે ચાલતા વીડિયોને આંગળીના લસરકે નીચે લાવતાં તે વીડિયો સ્ક્રીન પર નીચેની તરફ ગોઠવાઈ જાય છે. એ વીડિયો ત્યાં પ્લે થતો રહે છે અને આપણે એપમાં બીજા વીડિયો માટે ખાંખાં ખોળા કરવાનું ચાલી રાખી શકીએ છીએ.
આ સુવિધાને યુટયૂબમાં ‘મિનીપ્લેયર’ની સુવિધા કહે છે. આ સગવડ અત્યાર સુધી યુટ્યૂબના વેબ વર્ઝનમાં ઉપલબ્ધ નહોતી એટલે કે જો તમે પીસી કે લેપટોપ પર યુટ્યૂબની વેબસાઇટ જોઈ રહ્યા હો તો તેમાં એક વીડિયો પ્લે કરવાનું ચાલુ કરો તે પછી તેને બંધ કર્યા વિના બીજો વીડિયો શોધી શકાતો નહોતો. સિવાય કે તમે બીજી ટેબમાં ફરીથી યુટ્યૂબની વેબસાઇટ ઓપન કરો. પરંતુ તો પહેલી ટેબમાંનો વીડિયો આપણી નજરથી દૂર થઈ જાય.
હવે એપ જેવી જ મિનિ પ્લેયરની સુવિધા યુટ્યૂબના વેબવર્ઝનમાં પણ ઉમેરાઈ ગઈ છે. વીડિયો ચાલુ હોય ત્યારે તેની ફ્રેમમાં નીચેની તરફ તે વીડિયોને મિનિ પ્લેયરમાં ચાલુ રાખવાનો વિકલ્પ મળે છે. જો તમને આ મિનિ પ્લેયરનો વિકલ્પ ન દેખાય તો તમારું બ્રાઉઝર અપડેટ કરવાની જરૂર હોઈ શકે છે.
એ માટે, બ્રાઉઝરના સેટિંગ્સ પેજમાં, બ્રાઉઝર મુજબ ‘હેલ્પ’ અથવા ‘એબાઉટ’ શીર્ષક હેઠળ બ્રાઉઝરને અપડેટ કરવાનો વિકલ્પ મળશે.
જે રીતે યુટયૂબમાં વીડિયો જોવાનું પ્રમાણ વધી રહ્યું છે અને ગૂગલને કમાણી થઈ રહી છે એ જોતાં આગળ જતાં મિનિ પ્લેયર, પીસીમાં યુટ્યૂબની સાઇટ કે એપમાં સીમિત રહેવાને બદલે બીજી કોઈ પણ ટેબ કે એપમાં પણ મિનિ પ્લેયર સ્વરૂપે વીડિયો ચાલુ રાખવાની સગવડ મળે એવું બની શકે છે. એટલે કે સ્માર્ટફોનમાં યુટ્યૂબ એપમાં કોઈ વીડિયો મિનિ પ્લેયરમાં તમે ચાલુ કરો એ પછી વોટ્સએપ કે બીજી કોઈ પણ એપ ઓપન કરો તો ત્યાં પણ ઉપલા લેયરમાં યુટ્યૂબનો વીડિયો ચાલુ રહે એવું બની શકે છે!
મોટા ભાગના લોકોને આ રીતે એક વીડિયો ચાલુ રાખીને બીજા વીડિયો શોધવાની ટેવ હોય છે પરંતુ નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે કોઈ પણ પ્રકારનું મલ્ટિ ટાસ્કિંગ આપણા મગજ માટે સારું નથી. આપણે ભલે એક તરફ ટીવી જોતા હોઇએ અને બીજી તરફ યુટ્યૂબમાં એક વીડિયો ચાલુ રાખીને બીજા વીડિયો શોધતા હોઈએ પરંતુ હકીકતમાં આ રીતે આપણે કોઈ પણ કામ સારી રીતે કરી શકતા નથી!

