આમ તો ગૂગલમાં નેવિગેશનમાં બે સ્થળ લખીએ એ સાથે ગૂગલ મેપ એક સ્થળથી બીજા સ્થળ સુધીના જુદા જુદા રસ્તા બતાવીને આપણે જે રસ્તો પસંદ કરીએ તે રસ્તો કેટલો લાંબો છે અને કારમાં કે ચાલતા કેટલો સમય લાગશે તે આપણને જણાવે છે. પરંતુ આપણે એવું રસ્તાનું અંતર માપવાને બદલે કોઈ પંખી એક સીધી લીટીમાં ઊડીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે તો તે કેટલું અંતર કાપે એ જાણવું હોય તો? એ માટે…
ગૂગલ મેપ્સમાં કોઈ પણ સ્થળ સર્ચ કરો.
નકશા પર એ સ્થળનું નામ દેખાશે અને તેનું સ્થાન બતાવતો એક લાલ રંગનો પ્લેસમાર્ક જોવા મળશે. તેને ક્લિક કરો.
હવે જે પેજ જોવા મળે તેમાં ‘મેઝર ડિસ્ટન્સ’નો વિકલ્પ મળશે તેને ક્લિક કરો.
મેપ પર આપણે જણાવેલા સ્થાનથી શરૂ થતી એક ડોટેડ લાઇન જોવા મળશે. જેના છેડે એક વર્તુળ હશે.
એ સ્થળથી આપણે જે બીજા સ્થળનું સીધુ અંતર કાપવું હોય તે સ્થળ તરફ જવા માટે મેપને આંગળીથી ડ્રેગ કરો.
યાદ રહે પેલી ડોટેડ લાઇનના છેડે રહેલા વર્તુળે ડ્રેગ કરવાનું નથી. એ આપોઆપ ડ્રેગ થશે.
તમારે જે બીજા સ્થળ સુધીનું અંતર શોધવું છે તેના પર ડોટેડ લાઇનના છેડાનું વર્તુળ આવી જાય એટલે સ્ક્રીન પર નીચેની બાજુએ આપણે જણાવેલા બંને સ્થળ વચ્ચેનું સીધુ અંતર જોવા મળશે.
સહેલું ઉદાહરણ
નીચેના ઉદાહરણમાં, આપણે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનથી સાયબરસફરના કાર્યાલયનું અંતર પહેલાં રસ્તા મુજબ અને પછી ઊડતા પંખીની ઊડાન મુજબ સીધું અંતર માપવામાં આવ્યું છે. નેવિગેશન મુજબ રસ્તાનું અંતર માપીએ તો તે ૨.૨ કિલોમીટર જોવા મળશે, પણ સીધું અંતર માપીએ તો તે ૧.૭ કિલોમીટર થાય છે.
અચ્છા, આપણે બે સ્થળ વચ્ચેનું સીધું અંતર તો માપીએ, પણ વચ્ચે કોઈ સ્થળ ઉમેરવું હોય તો?
એ માટે, આપણે ઉપર જણાવેલી રીતે બે સ્થળો વચ્ચેનું સીધું અંતર માપીએ ત્યારે તેમાં નીચેની તરફ પોઇન્ટ એડ કરવાનો એક વિકલ્પ જોવા મળે છે.
જેની મદદથી આપણે ઇચ્છીએ તે રીતે જુદાં જુદાં પોઇન્ટ ઉમેરીને બધાં સ્થળ વચ્ચેનાં સીધાં અંતરો માપી શકીએ છીએ.
ફુરસદ હોય ત્યારે નક્શા પર આવી રમત પણ માંડી જુઓ, મજા આવશે!

