(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોલેટ્સને કેવાયસીનું ગ્રાહણ

આગળ શું વાંચશો?

  • મોબાઇલ વોલેટ્સમાં છેતરપીંડીની નવી રીત
  • ઇન્ટરનેટ વિના સ્માર્ટ પેમેન્ટ!

ભારતમાં આર્થિક લેવડદેવડના ક્ષેત્રે હમણાં ખાસ્સી એવી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ રોકડ નાણાંની તીવ્રી તંગી સર્જાતાં બેન્કનાં એટીએમ ખાલીખમ રહેવા લાગ્યાં અને લોકોને નોટબંધી પછીના દિવસો યાદ આવી ગયા (આવું બનવા પાછળ કણર્ટિકની ચૂંટણીએ ભાગ ભજવ્યો હોય તો પણ નવાઈ નહીં!).

જ્યારે બીજી તરફ કેશલેસ ટ્રાન્ઝેકશન્સને શરૂઆતમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યા પછી હવે તેનાં પણ વળતાં પાણી થવા લાગ્યાં છે.

કારણ એ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મોબાઇલ વોલેટ સહિત તમામ પ્રકારની નાણાકીય સુવિધાઓનો ઉપયોગ કરતા લોકો માટે ‘નો યોર કસ્ટમર (કેવાયસી)’નો નિયમ ફરજિયાત બનાવ્યો છે.

વોલેટ્સના યૂઝર માટે  માર્ચ ૧, ૨૦૧૮ સુધીમાં કેવાયસી પ્રક્રિયા પૂરી કરવી ફરજિયાત હતી. આ ડેડલાઇનના બેથી ત્રણ મહિના વીતી ગયા છે, પણ બહુ મોટી સંખ્યામાં યૂઝર્સે કેવાયસી પ્રક્રિયા પૂરી કરવામાં રસ બતાવ્યો નથી.

કેવાયસી પ્રક્રિયા પૂરી ન થવાને કારણે લોકો માટે મોબાઇલ વોલેટથી લેવડદેવડ અટકી પડી છે  અથવા એકદમ મર્યાદિત થઈ ગઈ છે, પરંતુ તેનો મોટા ભાગના લોકોને કોઈ વાંધો હોય તેવું લાગતું નથી.

અલબત્ત, જો તમારા વોલેટમાં રકમ જમા પડી હોય અને તમે કેવાયસી પ્રક્રિયા પૂરી ન કરો તો તમારી રકમ તમે બીજા કોઈ વોલેટમાં કે કોઈ જગ્યાએ ખરીદી કરવામાં ઉપયોગમાં લઈ શકશો નહીં. આ રકમ તમે તમારા પોતાના બેન્ક એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરી શકતા નથી – આમ કેવાયસી પ્રક્રિયા પૂરી કર્યા વિના, વોલેટમાંની તમારી રકમ ફસાઈ જાય છે.

જોકે પેટીએમમાં, તમે યુપીઆઇનો ઉપયોગ કરીને, પેટીએમમાં તમારું યુપીઆઇ આઇડી ક્રિએટ કરો અને તમારું બેન્ક ખાતું તેની સાથે કનેક્ટ કરો, તો પછી તમારા પેટીએમ એકાઉન્ટનો આખી કેવાયસી પ્રક્રિયા પૂરી કર્યા વિના મર્યાદિત ઉપયોગ કરી શકો છો. એ રીતે, તમે પેટીએમમાંથી બીજા કોઈ ફોન નંબર પર કે કોઈ બેન્કમાં નાણાં મોકલી શકશો નહીં, પરંતુ કોઈ વેપારીને અને એપ કે વેબસાઇટ પર પેટીએમથી પેમેન્ટ કરી શકશો.

બીજી તરફ, એમેઝોન ઇન્ડિયાએ હમણાં કહ્યું છે કે તેની ‘એમેઝોન પે’ નામની મોબાઇલ વોલેટ સુવિધામાં બહુ મોટી સંખ્યામાં લોકોએ કેવાયસી પ્રક્રિયા પૂરી કરી ન હોવાને કારણે તેના વોલેટનો ઉપયોગ ૯૫ ટકા જેટલો ઘટી ગયો છે!

અન્ય વોલેટ્સ પરના ટ્રાન્ઝેકશનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પેટીએમ જેવી કંપનીએ કેવાયસી પ્રક્રિયા પૂરી કરવા પર રૂા. ૨૦૦ સુધીના કેશબેકની ઓફર પણ આપવી પડી છે.


એટલું સ્પષ્ટ છે કે કેવાયસી પ્રક્રિયાને કારણે મોબાઇલ વોલેટના બિઝનેસને ગંભીર ફટકો પડ્યો છે અને ડિજિટલ ઇન્ડિયાના મિશન પર તેની અસરને જોતાં રિઝર્વ બેન્ક આ નિયમમાં બાંધછોડ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. જોકે, રિઝર્વ બેન્ક બે જુદાં જુદાં મોબાઇલ વોલેટ વચ્ચે પણ રકમની આપલે શક્ય બનાવવા માટે કેવાયસી પ્રક્રિયાને વળગી રહે તો પણ નવાઈ નહીં.

અત્યારે તો, મોબાઇલ વોલેટનો ઉપયોગ ઘટ્યો છે અને તેની સામે યુપીઆઇ આધારિત ગૂગલ તેઝ અને ભીમ એપનો ઉપયોગ વધી રહ્યો છે – યુપીઆઇ બેન્ક ખાતા સાથે જ કનેક્ટેડ હોવાથી તેમાં અલગ કેવાયસી પ્રક્રિયા જરૂરી નથી.

મોબાઇલ વોલેટ્સમાં છેતરપીંડીની નવી રીત

મોબાઇલ વોલેટ પેટીએમની ઉપયોગિતા અને લોકપ્રિયતા બંને વધી રહ્યાં છે તેમ તેમ તેને સંબંધિત ફ્રોડ પણ વધી રહ્યા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ મોબાઇલ વોલેટના યૂઝર્સ માટે નો યોર કસ્ટમર્સ (કેવાયસી) પ્રક્રિયા ફરજિયાત કરી છે અને તેના વિના મોબાઇલ વોલેટથી લેવડ-દેવડ અટકી જાય છે. પેટીએમ સહિત તમામ વોલેટ્સ યૂઝર્સને કેવાયસી પ્રક્રિયા પૂરી કરવા માટે સમજાવી રહ્યાં છે.

આનો લાભ લેભાગુ લોકો પણ લેવા લાગ્યા છે. અત્યાર સુધી આવા લોકો આપણા ફોન પર આવેલો ઓટીપી મેળવવાનો પ્રયાસ કરતા હતા, પણ હવે તેમણે નવો રસ્તો શોધ્યો લાગે છે.

જયપુરના શોભિત નામના એક સોફ્ટવેર ડેવલપરે ટવીટર પર લખ્યા મુજબ, એક વ્યક્તિ તેમના ઘરે આવી. શોભિતનાં દાદીએ દરવાજો ખોલ્યો. આવનારી વ્યક્તિએ પોતે પેટીએમનો કર્મચારી હોવાનું જણાવ્યું, તેના ગળામાં પેટીએમનું આઇકાર્ડ પણ હતું. તેણે ઘરમાં કોઈને પેટીએમનું કેવાયસી કરાવવાનું હોય તો પોતે કરી આપશે એમ જણાવ્યું.

શોભિતનાં દાદી પેટીએમનો ઉપયોગ કરતાં હતાં! તેમણે હા કહી અને આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો આપ્યા. પેલાએ તેમાંથી પોતાના કાગળમાં કંઈ લખ્યું અને પોતાના મોબાઇલમાં પેટીએમ જેવી લાગતી એપમાં લોગ-ઇન થવા કહ્યું (ધ્યાન આપજો – પોતાના મોબાઇલમાં, દાદીના મોબાઇલમાં નહીં!).

દરમિયાન દાદીએ, ઘરમાં હાજર શોભિતને પણ કેવાયસી કરાવવું હોય તો કરાવી લેવા તેને બોલાવ્યો. શોભિતને પેલાના મોબાઇલમાં લોગ-ઇન થવાની વાત શંકાસ્પદ લાગી. તેને એ એપ પણ બનાવટી હોય તેવું લાગ્યું. તેણે એ વ્યક્તિનું નામ પૂછ્યું અને આઇકાર્ડ જોવા માગ્યું – એ સાથે પેલો ભાઈ ત્યાં ભાગી છૂટ્યો!

આપણે શું ધ્યાન રાખવું?

પેટીએમ જેવા મોબાઇલ વોલેટમાં કેવાયસી પ્રક્રિયા જરૂ‚રી છે, પણ એ માટે ગમે તે વ્યક્તિના તમારા દસ્તાવેજ આપશો નહીં કે બીજી વ્યક્તિના મોબાઇલમાં, અસલી પેટીએમ એપ હોય તો પણ તમારા પાસવર્ડથી લોગ-ઇન થશો નહીં. આ વાત પરિવારના અન્ય સભ્યોને પણ જણાવશો.

કેવાયસી કરવા માટે, પેટીએમ દ્વારા અનેક રીટેઇલ દુકાનદારોને એજન્ટ તરીકે નીમવામાં આવ્યા છે. તેનો લાભ લેવા, પેટીએમ એપમાં તમારા નજીકના અને જાણીતા એજન્ટનું નામ શોધો. તેને રૂબરૂ મળો. તેમને આધાર નંબર આપશો એટલે તે આપણી ફિંગરપ્રિન્ટથી આધારનું વેરિફિકેશન કરશે, આપણા મોબાઇલમાં એક ઓટીપી આવશે અને એ રીતે આપણી કેવાયસીની પ્રક્રિયા પૂરી થશે.

બેન્કિંગ વ્યવસ્થા સ્માર્ટ બની રહી છે, આપણે પણ તેના સ્માર્ટ યૂઝર બનવું પડશે!

ઇન્ટરનેટ વિના સ્માર્ટ પેમેન્ટ!

ઓનલાઇન પેમેન્ટ ઘણું સગવડભર્યું હોવા છતાં ભારતમાં તે જોઇએ એટલું લોકપ્રિય કેમ બની રહ્યું નથી?

તેનાં બે કારણ હોઈ શકે. એક, ઘણા લોકો હજી પણ તેના ઉપયોગ બાબતે ગૂંચવણ અનુભવતા હોય અને બીજું, ઓનલાઇન ઉપયોગ તો તેમને સમજાઈ ગયો હોય પરંતુ તેનો લાભ લેવા વિશ્વસનીય ઇન્ટરનેટ કનેકશન જ ઉપલબ્ધ ન હોય!

પહેલા મુદ્દા અંગે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ વધી રહી છે, જ્યારે બીજા મુદ્દાના જવાબ શોધવા માટે મોબાઇલ પેમેન્ટ કંપનીઝ આકાશ-પાતાળ એક કરી રહી છે.

એ જ દિશાના વધુ એક પ્રયાસ તરીકે, મોબાઇલ પેમેન્ટના ક્ષેત્રે ભારતમાં સૌથી આગળ રહેલી પેટીએમ કંપનીએ ઇન્ટરનેટ કનેકશન વિના મોબાઇલ પેમેન્ટ શક્ય બનાવવાની વધુ એક પહેલ કરી છે. કંપની આને ‘પેટીએમ ટેપ કાર્ડ’ તરીકે ઓળખાવે છે.

તમે જાણતા હશો કે પેટીએમ કંપનીએ છેક ૨૦૧૫માં ક્યુઆર કોડ આધારિત પેમેન્ટની શરૂઆત કરી હતી. અલબત્ત તેમાં પેમેન્ટ કરનાર વ્યક્તિના ફોનમાં નેટકનેકશન ચાલુ હોવું જરૂરી હતું. જ્યારે પેટીએમ ટેપ કાર્ડમાં એની જરૂર નથી.

ઇન્ટરનેટ વિના પેમેન્ટની નવી વ્યવસ્થા

પેટીએમની આ નવી સુવિધા પેટીએમ ટેપ કાર્ડ કંઈક આ રીતે ચાલશે :

  1. તમે કોઈ દુકાનમાં ખરીદી કરવા માટે ગયા. તમે પર્સ ઘરે ભૂલી ગયા છો, પણ તમે પેટીએમ વાપરો છો.
  2. તમારા પેટીએમમાં બેલેન્સ છે, પરંતુ કોઈ કારણસર ફોનમાં ઇન્ટરનેટ કનેકશન મળી રહ્યું નથી.
  3. જો તમે પેટીએમ ટેપ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હો તો ખિસ્સામાંથી આ કાર્ડ કાઢો અને પેટીએમ એપથી એ કાર્ડ પરનો ક્યુઆર કોડ સ્કેન કરો. તમારા પેટીએમ બેલેન્સમાંથી તમે ઇચ્છો તેટલી રકમ પેટીએમ ટેપ કાર્ડમાં લોડ કરી શકશો – ઇન્ટરનેટ વિના.
  4. હવે તમે કાર્ડ દુકાનદારને આપશો તો તે એનએફસી વ્યવસ્થા ધરાવતા કાર્ડ રીડરમાં તમારું કાર્ડ સ્કેન કરશે અને ટેપ કાર્ડમાંથી દુકાનદારને રકમ ચૂકવાઈ જશે (એનએફસી એટલે નીયર-ફિલ્ડ કમ્યુનિકેશન, જે વિશે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ).

આ વ્યવસ્થા લોકપ્રિય થશે ખરી?

આ રીતે આખી લેવડદેવડમાં ઇન્ટરનેટની જરૂર પડતી નથી. જો તમે પહેલેથી તમારા પેટીએમ ટેપ કાર્ડમાં પેટીએમ બેલેન્સમાંથી રકમ ઉમેરી રાખી હોય તો પછી તમારે પેમેન્ટ કરવા માટે ફોનની પણ જરૂર રહેતી નથી. એ કાર્ડની મદદથી તમે પેમેન્ટ કરી શકશો.

જોકે કેટલીક શરતો છે!

સૌથી પહેલી વાત એ છે કે વેપારીઓએ તેમની દુકાનમાં પેટીએમ દ્વારા ઇસ્યુ થયેલ એનએફસી પોઇન્ટ ઓફ સેલ ટર્મિનલ વસાવવું પડશે.

તમારે પેટીએમ તરફથી મળતું પેટીએમ કાર્ડ વસાવવું પડશે. અત્યારે તેને માટે રૂ.૧૦૦ કિંમત ચૂકવવી પડે છે. ભવિષ્યમાં આ કાર્ડ ફ્રી થાય તો પણ નવાઈ નહીં.

એક રીતે જુઓ તો આ આખી વાત ફરીથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડ તરફ વળવા જેવી છે. ફેર ફક્ત એટલો છે કે તમે પેટીએમના ટેપ કાર્ડમાં ઇચ્છો ત્યારે રકમ લોડ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.

શહેરોમાં પેટીએમના ક્યુઆર કોડ હવે સંખ્યાબંધ દુકાનો, રેસ્ટોરાં કે સર્વિસ સેન્ટર્સ પર જોવા મળે છે. મોબાઇલ ટેપ કાર્ડ એવા વિસ્તારો માટે વધુ ઉપયોગી છે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિશ્વાસપાત્ર નથી. પરંતુ આવા વિસ્તારોમાં લોકોને પેટીએમ અને તેના ટેપ કાર્ડ અંગે લોકોને જાગૃત કરવા અને વેપારીઓને ટેપ કાર્ડ સ્વીકારે તેવા ટર્મિનલ વસાવવા સમજાવવા એ મોટા પડકાર છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!