(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટનાં મ્યુઝિયમ!

જીવનમાં મોટા ભાગે – અને ઇન્ટરનેટની બાબતમાં તો ખાસ – આપણે સૌ ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ જ નજર માંડતા હોઈએ છીએ. પ્રગતિ માટે એ સારું જ છે, પણ ક્યારેક ભૂતકાળમાં નજર ફેરવી લેવાથી, ભવિષ્યને વધુ ઉજાળી શકાય છે.

અત્યારે ઇન્ટરનેટ આપણા સૌના જીવનનો એક અભિન્ન હિસ્સો છે. પીસી કે લેપટોપના સ્ક્રીન પરથી ઇન્ટરનેટ હવે મોબાઇલના સ્ક્રીનમાં સમાઇ ગયું છે અને હવે ટીવીના સ્ક્રીન પર પણ એ ફેલાવા લાગે એવા દિવસો આવી ચૂક્યા છે.

આજે ઇન્ટરનેટનો ઉપયોગ એટલો બધી વધી ગયો કે ઇન્ટરનેટનો સરેરાશ લોકો માટેનો ઉપયોગ માંડ પચીસેક વર્ષ પહેલાં જ શરૂ થયો એ માનવું પણ મુશ્કેલ લાગે.

ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ગૂગલ શબ્દ કાને પડતાં જ અત્યારે જે લોગો અને વેબપેજ દિમાગમાં સળવળી ઉઠે છે એ લોગો અને એ વેબપેજ, ગૂગલના સાવ શરૂઆતના દિવસોમાં કેવાં હતાં? અથવા તો ઇ-બે કે એમેઝોન કે ફેસબુક જેવી સાઇટ જન્મી ત્યારે કેવી હતી અને ધીમે ધીમે, જુદા જુદા સમયના ગાળે કેવી રીતે વિકસી?

આ બધું આપણે એક નહીં, બે વેબસાઇટ પર જોઈ શકીએ છીએ. આ સાઇટ્સને ઇન્ટરનેટનાં મ્યુઝિયમ કહીએ તોય ખોટું નહીં.

ઇન્ટરનેટ આર્કાઇવ

૧૯૯૬માં ‘ઇન્ટરનેટ આર્કાઇવ’ નામે દુનિયાની સૌથી મોટી અને સર્વપ્રથમ નોનપ્રોફિટ ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના થઈ અને તેમાં વેબેક મશીન નામે ઇન્ટરનેટ પરની વેબસાઇટ્સના કન્ટેન્ટ અને વિઝ્યુઅલ સ્વરૂપને આર્કાઇવ સ્વરૂપે જાળવી રાખવાની શરૂઆત થઈ.

ઇન્ટરનેટ આર્કાઇવ એક સ્વૈચ્છિક સંસ્થા છે. અમેરિકાના સાનફ્રાન્સિસ્કોમાં સ્થપાયેલી આ સંસ્થાને લાગે છે કે ઇન્ટરનેટ જગતભરના માનવઇતિહાસમાં એક જબરજસ્ત પરિવર્તન લાવે છે અને એટલે જ ઇન્ટરનેટ પર જે કંઈ વિક્સે છે તેને જે તે સમયના સંદર્ભમાં યથાવત જાળવી લેવું જરૂરી છે.

ઇન્ટરનેટ આર્કાઇવ (https://archive.org) તમને ઇન્ટરનેટનો વીતી ગયેલો જમાનો ફરી જીવંત કરવાની તક આપે છે. ઇન્ટરનેટ આર્કાઇવ એ એક પ્રકારનું, ઇન્ટરનેટનું રીવર્સ ટાઇમ મશીન પણ છે.

આમ તો આપણને આપણા એક કમ્પ્યુટરમાં જે ગણ્યુંગાંઠ્યું કામ કરતા હોઈએ એનો બેકઅપ લેતાં નાકે દમ આવી જાય છે, પણ ઇન્ટરનેટ આર્કાઇવના કર્તાહર્તાઓએ આખેઆખા ઇન્ટરનેટનો બેકઅપ લેવાનું, સાચવવાનું અને લોકો માગે ત્યારે જે તે ફાઇલ ધડ દઈને સામે ધરી દેવાનું કામ ઉપાડ્યું છે.


એમનું કામ કેટલું વિરાટ અને કપરું છે એ સમજવા જેવું છે. મેગાબાઇટ પછી આપણે ગીગાબાઇટને ઓળખીએ છીએ અને ત્યાર પછી ટેરાબાઇટ આવે છે. ત્યાર પછી જે માપ આવે છે તે છે પેટાબાઇટ (કિલોમાં ૧ પાછળ ૩ મીડાં તેમ આ પેટામાં ૧ પાછળ ૧૫ મીડાં!). અત્યારે ઇન્ટરનેટ આર્કાઇવ ઉપર ૩૦થી વધુ પેટાબાઇટ જેટલો ડેટા બેકઅપ સચવાઈ ગયો છે અને આ બધું જ પાછું ઓછામાં ઓછી બે કોપીમાં સાચવવામાં આવે છે!

પરિણામે અત્યારે આ સાઇટ પર મૂવીઝ, ટેક્સ્ટ, ઓડિયો, સોફ્ટવેર વગેરેનો જંગી શબ્દ નાનો પડે એટલો ખડકલો થયો છે. સાઇટ પર ૨૭૯ અબજ વેબપેજીસ, ૧.૧ કરોડ જેટલાં પુસ્તકો અને ટેક્સ્ટસ, ૪૦ લાખ ઓડિયો રેકોર્ડિંગ, ૧૦ લાખ જેટલા ટીવી ન્યૂઝ પ્રોગ્રામ્સ સહિત ૩૦ લાખ વીડિયો, ૧૦ લાખ ઇમેજીસ, એક લાખ સોફ્ટવેર પ્રોગ્રામ્સ વગેરે સામેલ છે!

આ ખજાનામાં ખાંખાખોળાં કરવાનું કામ પણ પ્રમાણમાં સહેલું છે.

પહેલી નજરે સાઇટ ખાસ આકર્ષક નથી, પણ થોડું ફંફોસો તો ગાંધીજીના પોતાના અવાજની ઓડિયો ક્લિપ્સ જેવાં મોતી મળવાં મુશ્કેલ નથી!

વેબ ડિઝાઇન મ્યુઝિયમ

ઇન્ટરનેટ આર્કાઇવનું સ્વરૂપ ઇન્ટરનેટના ફૂલ આર્કાઇવ સ્વરૂપનું છે, તેની મદદથી વેબ ડિઝાઇનમાં કેવા પરિવર્તનો આવ્યાં એ સહેલાઇથી સમજવું મુશ્કેલ છે. તેના ઉકેલ તરીકે વેબડિઝાઇન મ્યુઝિયમની શરૂઆત કરવામાં આવી, જેમાં માત્ર અમુક પસંદગીની વેબસાઇટ્સ નિશ્ચિત સમયાંતરે કેવી વિકસી તે દર્શાવવામાં આવે છે.

સામાન્ય રીતે આપણે કોઈ પરંપરાગત મ્યુઝિયમમાં જઇએ તો તેમાં પૃથ્વી પર બસો પાંચસો વર્ષ પહેલાં કેવી સ્થિતિ હતી એ બતાવતી જાતભાતની ચીજવસ્તુઓ જોવા મળે, પરંતુ ઇન્ટરનેટની વાત આવે ત્યારે માંડ પચીસ વર્ષ પહેલાંનો સમય પણ પ્રાગૈતિહાસિક સમય હોય એવું લાગે!

આ વેબસાઇટ પર ગૂગલ, એપલ, ફેસબુક, યાહૂ વગેરે જેવી ટેકનોલોજી કંપની તથા મેકડોનાલ્ડઝ, કોકાકોલા જેવી કન્ઝ્યુમર કંપની તથા બીજા કેટલાય પ્રકારની ૯૦૦ જેટલી કંપનીની વેબસાઇટ્સ ૧૯૯૫થી ૨૦૦૫ના સમયગાળામાં કેવી હતી એ દર્શાવવામાં આવ્યું છે.

આ વેબસાઇટ આપણને વેબ ડિઝાઇનનું ક્ષેત્ર કેવી રીતે વિકસ્યું એ નજરોનજર તો બતાવે જ છે તે ઉપરાંત આપણા સૌ માટે અત્યંત જાણીતી બની ગયેલી વેબસાઇટ્સ સંબંધિત અવનવી વાતો પણ જણાવે છે.

જેમ કે દુનિયાની સૌથી પહેલી વેબસાઇટ્સ ૬ ઓગસ્ટ ૧૯૯૧ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ (સીઇઆરએન) માટે સંશોધન કાર્ય કરતા ટીમ બર્નર્સ લી નામના એક બ્રિટિશ ભૌતિક શાસ્ત્રીએ આ વેબસાઇટ્સ વિકસાવી હતી.

૧૯૯૪માં યાહૂની શરૂઆત સાથે ઇન્ટરનેટ પર જુદા જુદા વેબપેજિસ પર સર્ચ કરવું સરળ બનવા લાગ્યું હતું. એમેઝોનની શરૂઆત ૧૯૯૫માં થઈ હતી.

એ પછીનાં વર્ષોમાં વેબસાઇટ્સની સંખ્યા જબરદસ્ત ઝડપે વધવા લાગી અને ૧૯૯૬ના અંત સુધીમાં ઇન્ટરનેટ પર અઢી લાખ જેટલી વેબસાઇટ્સ શરૂ થઈ ગઈ.

આ સાઇટના ટાઇમલાઇન સેક્શનમાં, ફેસબુકના હેમપેજની ડિઝાઇન, તેની શરૂઆત થઈ તે વર્ષ ૨૦૦૪માં, ૨૦૦૫માં, ૨૦૦૮માં, ૨૦૧૧ અને ૨૦૧૬માં કેવી હતી એ જોઈ શકાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!