(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન-એપ બ્રાઉઝર : ઉપયોગી કે અવરોધરૂપ?

તમારા સ્માર્ટફોનમાંની ફેસબુકની એપમાં, તમારા કોઈ ફ્રેન્ડે મોકલેલી કોઈ લિંક પર તમે ક્લિક કરો તો શું થાય છે? અથવા, જીમેઇલ એપમાં મેઈલમાં આવેલી કોઈ લિંક પર તમે ક્લિક કરો તો શું થાય છે?

આમ તો, એ લિંક ઇન્ટરનેટ પરના કોઈ પણ વેબપેજની હોય તો દેખીતું છે કે એ લિંક પર ક્લિક કરતાં, તમારા સ્માર્ટફોનમાંની ડિફોલ્ટ બ્રાઉઝર એપ (ગૂગલ ક્રોમ, ઓપેરા, મોઝિલા ફાયરફોક્સ, યુસી બ્રાઉઝર વગેરે કોઈ પણ) ખૂલે અને તમે ક્લિક કરેલી લિંકનું વેબપેજ તેમાં ઓપન થવું જોઈએ.

થોડા સમય પહેલાં એવું જ થતું હતું, પરંતુ હવે એવું થતું નથી!

ફેસબુકમાંની લિંક, ફેસબુકના પોતાના મોબાઇલ બ્રાઉઝરમાં ખૂલે છે અને જીમેઇલમાંની લિંક, જીમેઇલના પોતાના બ્રાઉઝરમાં ખૂલે છે.

હવે ફેસબુક, જીમેઇલ અને બીજી ઘણી ખરી એપમાં, પોતાના યૂઝર્સ બીજી કોઈ એપમાં ન જાય એ માટે તેના ડેવલપર્સ પોતાની એપમાં જ બ્રાઉઝરની સુવિધા ઉમેરવા લાગ્યા છે. આને ‘ઇન-એપ’ બ્રાઉઝર કહે છે. તેને ‘વેબ-વ્યૂ’ પણ કહે છે.

એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્રકારના સ્માર્ટફોનમાં આ રીતે વિવિધ એપ્સ ઇન-એપ બ્રાઉઝરનો ઉપયોગ કરવા લાગી છે. દરેકનો મુખ્ય હેતુ એક જ છે – યૂઝર પોતાની એપમાં બહાર નીકળીને બીજે ક્યાંય જવો ન જોઈએ!

ઇન-એપ બ્રાઉઝરને કારણે, ફેસબુક જોતી વખતે તમે કોઈ લિંક પર ક્લિક કરો, તો તરત ફેસબુકનો પોતાનો વેબવ્યૂ ઇન્ટરફેસ ઓપન થાય અને તમે ફેસબુકના જ બ્રાઉઝર પર જે તે વેબપેજ જોઈ શકો! વેબપેજ ઝડપથી ઓપન થઈ જાય, પણ એ તમારે ફરજિયાત ફેસબુકના બ્રાઉઝરમાં જ જોવું પડે.

આવા ઇન-એપ બ્રાઉઝર કે વેબ-વ્યૂ તેને જે એપ માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય તે એપમાં જ કામ કરી શકે, તે પોતાની રીતે ન ખૂલી શકે, એને એપમાં જ ખોલી શકાય.

પીસીમાં કોઈ પણ વેબ પેજ પર ક્લિક કરતાં, તે ડિફોલ્ટ બ્રાઉઝરમાં ખૂલે છે, પરંતુ મોબાઇલમાં એવું રહ્યું નથી. અહીં દરેક એપનું પોતાનું બ્રાઉઝર બનવા લાગ્યું છે!

બીજી એક વાત પણ નોંધવા જેવી છે. જીમેઇલ જેવી ઘણી એપ ગૂગલ ક્રોમનો જ પોતાના ઇન-એપ બ્રાઉઝર તરીકે ઉપયોગ કરે છે. એટલે કે જીમેઇલમાં તમે કોઈ લિંક પર ક્લિક કરો તો તે જીમેઇલના ઇન-એપ બ્રાઉઝરમાં ઓપન થાય, પણ ત્યાંથી તમે ક્રોમમાં આગળ વધવા માગતા હો તો ઉપર જમણી તરફના ત્રણ ડોટ પર ક્લિક કરતાં જે મેનુ ખૂલે તેમાં, એ પેજને ક્રોમમાં ઓપન કરવાની તેમ જ, ફાઇન્ડ ઇન પેજ, એડ ટુ હોમ સ્ક્રીન વગેરે જેવી સગવડ મળે છે. અહીં જોઈ શકાય છે કે આ ઇન-એપ બ્રાઉઝર પાવર્ડ બાય ક્રોમ જ છે!

પરંતુ ફેસબુકમાં એવું નથી. ફેસબુકે પોતાનું ઇન-એપ બ્રાઉઝર વિક્સાવ્યું છે અને તે તમે શક્ય હોય એટલા લાંબા સમય સુધી ફેસબુકમાં જ રોકી રાખવા માટે ડિઝાઇન થયેલું છે!


ઇન-એપ બ્રાઉઝરની આ સુવિધા આપણા માટે સારી છે કે ખરાબ તેનો આધાર, આપણે જે તે એપનો કેવો ઉપયોગ કરીએ છીએ તેના પર છે.

જો તમે એક સમયે એક જ કામ કરવામાં માનતા હો તો ઇન-એપ બ્રાઉઝર તમારે માટે સારી સુવિધા છે. ઇન-એપ બ્રાઉઝરને કારણે લિંક પરનું જે તે પેજ ઝડપથી લોડ થાય છે. ફેસબુકનો ઉપયોગ કરતી વખતે, તેમાંની લિંક્સ જોયા પછી ફરી ફેસબુકમાં જ જવા માગતા હો કે જીમેઇલમાંની લિંક ઓપન કયર્િ પછી ફરી જીમેઇલમાં જ કામ આગળ વધારવાનું હોય તો તમારે માટે ફેસબુક કે જીમેઇલનું ઇન-એપ બ્રાઉઝર યોગ્ય છે. આવી રીતે ઇન-એપ બ્રાઉઝરમાં ઓપન થયેલા પેજમાંની બીજી લિંક્સ પર ક્લિક કરો, તો એ પણ જે તે ઇન-એપ બ્રાઉઝરમાં જ ખૂલે છે.

પરંતુ જે તે લિંક પર ક્લિક કર્યા પછી તમે ઇન્ટરનેટના મોકળા મેદાનમાં આગળ વધવા માગતા હો અને ક્રોમ, ફાયરફોક્સ જેવા, ઇન્ટરનેટના ભરપૂર સર્ફિંગ માટે જ ડિઝાઇન થયેલા બ્રાઉઝરની સુવિધાઓનો લાભ લેવા માગતા હો તો ઇન-એપ બ્રાઉઝર તમારે માટે કામનું નથી

સામાન્ય રીતે કોઈ પણ ઇન-એપ બ્રાઉઝરમાં…

  • તમે એક સમયે એક જ લિંક ઓપન કરીને જોઈ શકો. તમે નવી ટેબ્સ ઓપન ન કરી શકો.
  • તમે નવી યુઆરએલ ટાઇપ ન કરી શકો કેમ કે આ બ્રાઉઝર્સમાં એડ્રેસ બાર જ નથી.
  • ઇન-એપ બ્રાઉઝર તમારી લોગઇન ઇન્ફર્મેશન સ્ટોર કરતું નથીં એટલે તમે કોઈ એવી સાઇટ પર જાઓ જ્યાં તમારે પાસવર્ડ આપવાનો થાય તો તમારે બધું ફરી ટાઇપ કરવું પડે.
  • ‘ફાઇન્ડ ઇન પેજ’ અને ‘ઓપન ડેસ્કટોપ સાઇટ’ જેવા ઓપ્શન્સ હોતા નથી.
  • કોઈ વેબપેજ તમારે પછીથી જોવું હોય તો બ્રાઉઝિંગ હિસ્ટરીનો ઓપ્શન હોતો નથી એટલે ફરી એને મૂળ પેજમાં શોધીને જ જોઈ શકો.
  • કોઈ સાઇટને બુકમાર્ક પણ નથી કરી શકાતી. ફેસબુકમાં યુઆરએલની લિંક સેવ કરવાનો ઓપ્શન છે.

ઇન-એપ બ્રાઉઝરના લાભ અને ગેરલાભ બંને છે. લાભ એ કે તમે જે તે એપમાં રહીને તેને સંબંધિત તમારું કામ આગળ વધારી શકો. ગેરલાભ એ કે આવા બ્રાઉઝરમાં, ખાસ સર્ફિંગ માટે જ વિક્સાવેલા બ્રાઉઝર જેવાં ફીચર્સ મળતાં નથી.

ફેસબુકમાંની કોઈ લિંક ક્લિક કરતાં, તે પેજ ફેસબુકના બ્રાઉઝરમાં ખૂલે છે અને આ બ્રાઉઝરમાં આપણને મર્યાદિત વિકલ્પો મળે છે.

જીમેઇલના ઇન-એપ બ્રાઉઝરમાં પણ, ઉપર જણાવ્યા મુજબ મર્યાદિત વિકલ્પો મળે છે. જોકે અહીંથી તે પેજને એક ક્લિકમાં ક્રોમ બ્રાઉઝરએપમાં ખોલી શકાય છે.

આ ક્રોમ બ્રાઉઝર એપમાં મળતા વિકલ્પો છે, જે ખાસ સર્ફિંગ માટે જ વિકસાવવામાં આવેલું બ્રાઉઝર છે!

તમારા ડિફોલ્ટ બ્રાઉઝરનો ઉપયોગ કરવો છે?

તમે કોઈ એપમાંના ઇન-એપ બ્રાઉઝરને બદલે, તમારા ડિફોલ્ટ બ્રાઉઝરનો જ ઉપયોગ કરવા માગતા હો તો એ માટે જે તે એપના સેટિંગ્સમાં જઈને જરૂરી ફેરફાર કરી શકાય છે.

ફેસબુકમાં

(૧) ફેસબુક એપ ઓપન કરો.

(૨) સૌથી ઉપર જમણી બાજુ મેનુ આઇકોન (૩ આડી લાઇન) પર ટેપ કરો.

(૩) નીચે જાઓ અને સેટિંગ્સ એન્ડ પ્રાઇવસી પર ક્લિક કરો.

(૪) સેટિંગ્સ પર ટેપ કરો.

(૫) નીચે જાઓ અને લિસ્ટમાં સૌથી નીચે મીડિયા એન્ડ કોન્ટેક્ટ પર ટેપ કરો.

(૬) ‘લિંક્સ ઓપન એક્સટર્નલી’ ઓપ્શન પર ક્લિક કરો અને તેને ઓન કરી દો.

આટલું કર્યા પછી ફેસબુક એપ બધી જ લિંક્સને તમારી ડિવાઇસના ડિફોલ્ટ વેબ બ્રાઉઝરમાં લોડ કરશે જેથી તમે ફેસબુકના ઇન-એપ બ્રાઉઝરને બદલે, મુક્ત રીતે તમારા ડિફોલ્ટ બ્રાઉઝરમાં બધી લિંક જોઈ શકશો.

જોકે આનો ફાયદો એન્ડ્રોઇડ ડિવાઇસના યુઝર્સ જ લઈ શકશે, આઇઓએસ ડિવાઇસના યુઝર્સ માટે આ સગવડ નથી.

ફેસબુકમાં આ સેટિંગ્સ કરીને ડિફોલ્ટ બ્રાઉઝર જ યૂઝ કરવાનો આદેશ આપી દીધો એટલે હવે તમે નિરાંત જીવે સર્ફિંગ કરી શકો છો એ પણ તમારા પોતાના મનગમતા બ્રાઉઝરમાં.

ફેસબુક એપ ક્લોઝ કર્યા પછી એ લિંક ફરી ક્યાં શોધવી એની માથાકૂટ નહીં કરવી પડે, તમે તમારા ડિફોલ્ટ બ્રાઉઝરના સેટિંગ્સમાં બ્રાઉઝિંગ હિસ્ટ્રીમાંથી લિંક શોધીને જ્યારે મન પડે ત્યારે એ લિંક ફરી ક્લિક કરીને ત્યાં પહોંચી શકશો!

જીમેઇલમાં

જીમેઇલમાં તમામ લિંક્સ ડિફોલ્ટ બ્રાઉઝરમાં ઓપન થાય એવું સેટિંગ કરવુ હોય તો…

(૧) જીમેઇલ એપમાં ડાબી પેનલમાં સેટિંગ્સમાં જાઓ.

(૨) તેમાં જનરલ સેટિંગ્સમાં જાઓ.

(૩) અહીં નીચેની તરફ ઓપન વેબ લિંક્સ ઇન જીમેઇલનો વિકલ્પ મળશે. તેની સામેના બોક્સને અનટિક કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!