સવાલ મોકલનાર : કૃષ્ણવીર દિક્ષિત, વડોદરા
આખું ઇન્ટરનેટ કેવી રીતે ચાલે છે એ સમજવું હોય તો ફક્ત યુટ્યૂબનું ઉદાહરણ કાફી થઈ પડે. તમે પીસીમાં અથવા સ્માર્ટફોનમાં યુટ્યૂબ ઓપન કરીને કોઈ પણ વીડિયો જુઓ, ધારો કે ક્રિકેટનો કોઈ વીડિયો, તો પછી જ્યારે પણ તમે ફરી યુટ્યૂબમાં જાઓ ત્યારે ક્રિકેટના ઢગલાબંધ વીડિયો બતાવવામાં આવે. ઇન્ટરનેટ પર લગભગ બધે જ આવું ચાલે છે – તમે કોઈ પણ વાતમાં થોડોક રસ બતાવો એટલે એ સર્વિસ રીતસર તમારી પાછળ પડી જાય અને એ બાબતને લગતું વધુમાં વધુ કન્ટેન્ટ બતાવવાની કોશિશ કરે.
યુટ્યૂબમાં આ સુવિધા એક રીતે કામની છે કેમ કે એ રીતે આપણા રસના વિષયના વીડિયો શોધવા થોડા સહેલા થઈ જાય છે, પરંતુ તમે અમસ્તું જ કોઈ વીડિયો પર ક્લિક કર્યું હોય અને તેને લગતા બીજા વીડિયો દેખાવા લાગે તો એ કંટાળાજનક બની જાય.
આવું ટાળવાનો એક ઉપાય યુટ્યૂબમાંથી સાઇનઆઉટ થયા પછી વીડિયો જોવાનો છે. કમ્પ્યુટરમાં તમે યુટ્યૂબ.કોમ પર જઈને તેમાં સાઇનઇન થયા વિના પણ વીડિયો જોઈ શકો છો. એ સિવાય ઇનકોગ્નિટો મોડમાં જઈને પણ વીડિયો જોઈ શકાય.
પરંતુ સ્માર્ટફોનમાં વાત એટલી સહેલી નથી. સ્માર્ટફોનમાં હજી હમણાં સુધી એવી સુવિધા હતી કે યુટ્યૂબ એપમાં સાઇનઇન થયા વિના તમે વીડિયો જોઈ શકતા હતા, પરંતુ હવેના નવા ફેરફાર મુજબ, એન્ડ્રોઇડના કિસ્સામાં તમે એન્ડ્રોઇડમાં જે ગૂગલ એકાઉન્ટ ઉમેર્યું હોય તેનાથી યુટ્યૂબમાં પણ આપોઆપ સાઇનઇન થઈ ગયા હો છો.
યુટ્યૂબ એપમાં સ્ક્રીન પર જમણી તરફ ઉપરના ખૂણે દેખાતા તમારા ફોટોગ્રાફ પર ક્લિક કરતાં તમારા એકાઉન્ટ સંબંધિત મેનૂ ખૂલશે. અગાઉ અહીં સાઇનઆઉટ થવાનો વિકલ્પ મળતો હતો, પરંતુ હવે, જો તમે એન્ડ્રોઇડમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ ઉમેર્યા હોય તો માત્ર સ્વિચ એકાઉન્ટ અથવા ટર્નઓન ઇનકોગ્નિટો જેવા એવા બે વિકલ્પ મળે છે.
સ્વિચ એકાઉન્ટ પર ક્લિક કરવાથી તમારા અન્ય ગૂગલ એકાઉન્ટથી સાઇનઇન થવાનો વિકલ્પ મળે છે. અહીં છેક નીચે સાઇનઆઉટનો વિકલ્પ મળે છે ખરો પરંતુ તેના પર ક્લિક કરતાં સિસ્ટમ તમને એન્ડ્રોઇડમાંથી એ એકાઉન્ટ દૂર કરવાના પેજ પર લઈ જાય છે. મતલબ કે જો તમે યુટ્યૂબમાંથી સાઇનઆઉટ થવા માગતા હો તો એન્ડ્રોઇડ પરની તમામ સર્વિસમાંથી પણ તમે એ એકાઉન્ટમાંથી સાઇનઆઉટ થઈ જશો!
યુટ્યૂબ સંપૂર્ણપણે સાઇનઆઉટ થવાને બદલે હવે ઇનકોગ્નિટો મોડનો વિકલ્પ આપે છે. આ મોડ પસંદ કરવાથી તમે યુટ્યૂબ પર જે કોઈ વીડિયો સર્ચ કરો કે જુઓ તેની હિસ્ટ્રી રેકોર્ડ થતી નથી. મતલબ કે એક અર્થમાં તમે જ્યારે ઇનકોગ્નિટો મોડમાં હો ત્યારે તમે યુટ્યૂબમાં સાઇનઇન રહેતા નથી.
આથી તમે કોઈ વીડિયો પર કમેન્ટ આપવી હોય કે કોઈ ચેનલ સબસ્ક્રાઇબ કરવી હોય કે વીડિયો લાઇક કરવો હોય તો એ કામ થઈ શકશે નહીં. ઇનકોગ્નિટો મોડમાં ગયા પછી તમે ૯૦ મિનિટ સુધી કોઈ વીડિયો જોશો નહીં તો ઇનકોગ્નિટો સેશન આપોઆપ બંધ થશે અને તમે અગાઉ જે ગૂગલ એકાઉન્ટથી યુટ્યૂબમાં સાઇનઇન થયા હશો તે એક્ટિવ થઈ જશે.
