સવાલ મોકલનાર : વિજય વડોદરીયા, બોટાદ
વેબસાઇટ અને એપના ડેવલપમેન્ટમાં મૂળભૂત રીતે કેટલાક ફેરફારો છે. વેબસાઇટ સહેલાઈથી ડેવલપ કરવા માટે આપણે જુમલા અને વર્ડપ્રેસ કે દ્રુપલ જેવી કન્ટેન્ટ મેનેજમેન્ટ જેવી સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા વિબ્લી જેવી પ્રમાણમાં વધુ સરળ અને વેબપેજ પર જુદા જુદા પ્રકારનું કન્ટેન્ટ ફક્ત ડ્રેગ અને ડ્રોપ કરીને વેબપેજ બનાવી શકાય તેવી સગવડ આપતી સર્વિસનો લાભ લઈ શકીએ છીએ. આમ વેબસાઇટ ડેવલપમેન્ટ હવે પ્રમાણમાં ઘણું સરળ બન્યું છે.
પરંતુ તેની સરખામણીમાં એપ ડેવલપમેન્ટ ઘણું જટિલ છે.
અત્યાર સુધી એપના મુખ્ય બે પ્રકાર હતા. વેબ એપ અને નેટિવ એપ. સાદા શબ્દોમાં જોઈએ તો કોઈ યૂઝર મોબાઇલમાં કોઈ વેબસાઇટ જોઈ રહ્યા હોય અને તે વેબસાઇટનું મોબાઇલ વેબ એપ વર્ઝન પણ હોય તો સાઇટની સિસ્ટમ યૂઝરને આપોઆપ મોબાઇલ વેબ એપ તરફ મોકલે છે, પરંતુ જ્યારે નેટ કનેક્શન બંધ હોય ત્યારે વેબ એપનો ઉપયોગ થઈ શકતો નથી.
જ્યારે નેટિવ એપ એપલના એપ સ્ટોર કે એન્ડ્રોઇડના પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ફોનમાં ઇન્સ્ટોલ કરી શકાય છે અને આવી એપ ફોનના વિવિધ હાર્ડવેર અને સોફટવેરનો ઉપયોગ કરી શકે છે (એટલે કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરતી વખતે તે આપણી જુદી જુદી બાબતોની મંજૂરી માગે છે).
નેટિવ એપ અને વેબ એપના સમન્વય જેવી હાઇબ્રિડ એપ પણ ઉપયોગમાં લેવાય છે. હવે ખાસ કરીને એન્ડ્રોઇડ માટે પ્રોગ્રેસિવ વેબ એપ પ્રકારની નવી એપ પણ વિકસાવવામાં આવે છે જેમાં ઇન્ટરનેટ આધારિત કન્ટેન્ટને નેટિવ એપ જેવી સરળતા અને સુવિધા સાથે ઉપયોગમાં લઈ શકાય છે. ઉપરાંત, જો તમે નેટિવ એપ બનાવી રહ્યા હો તો એન્ડ્રોઇડ અને આઇઓએસ જેવા બે અલગ પ્લેટફોર્મ માટે બે અલગ અલગ એપ બનાવવી પડે છે.
તમે ઇચ્છો તો વર્ડપ્રેસ જેવી સરળ કન્ટેન્ટ મેનેજમેન્ટ જેવી સિસ્ટમમાં વેબસાઇટ બનાવીને તેમાંનું કન્ટેન્ટ એપ સ્વરૂપે જોઈ શકાય તેવી એપ બનાવી શકો છો. એ માટે તમે એપપ્રેસર, રીએક્ટર, મોબિલાઉડ, વિઝિએપ જેવા વર્ડપ્રેસ પ્લગ-ઇન્સનો ઉપયોગ કરી શકો. જોકે આ બધી સર્વિસ મોટા ભાગે પેઇડ છે અને વર્ડપ્રેસરના સરેરાશ યૂઝર નહીં પણ ડેવલપરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
ઉપરાંત આવી એપ, વેબ એપ જેવું જ કામ આપતી હોવાથી નેટ કનેક્શન વિના ચાલતી નથી. જો વેબસાઇટ રિસ્પોન્સિવ હોય એટલે કે તેનો લેઆઉટ મોબાઇલના સ્ક્રીનને અનુકૂળ થઈ શકતો હોય તો આવી વેબ એપથી કોઈ મોટો લાભ મળતો નથી.
અલબત્ત, આ બધી વાતનો અર્થ ફરી એ જ કે વેબસાઇટની સરખામણીમાં નેટિવ એપ બનાવવામાં ઘણી બાબતો ધ્યાનમાં લેવી પડે. સામાન્ય રીતે, નેટિવ એપ ડેવલપ કરવી એ ઘણું ખર્ચાળ કામ છે (વેબસાઇટની સરખામણીમાં તો ઘણું વધુ) અને તેને માટે ખાસ્સી ટેકનિકલ જાણકારી પણ જરૂરી છે.
તમે બિલકુલ એકડે એકથી અને પોતે જ એપ ડેવલપ કરવા માગતા હો તો તમારે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ તરીકે ઓળખાતા ટુલનો ઉપયોગ કરીને વિવિધ સોફ્ટવેરની મદદથી એપ ડેવલપમેન્ટ શીખવું પડે.
તમે એન્ડ્રોઇડ માટે એપ ડેવલપમેન્ટ શીખવા માગતા હો તો તમારા કમ્પ્યુટરમાં એન્ડ્રોઇડ સ્ટુડિયો નામનું ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરીને આગળ વધી શકો છો. આ વિશે વધુ માહિતી માટે આ વેબસાઇટ જુઓ: developer.android.com.
જો તમારો હેતુ ફક્ત તમારા બિઝનેસ માટે નેટિવ એપ બનાવવાનો હોય તો તમારે કોઈ જાણકારી એપ ડેવલપરની મદદ લેવી જ પડશે. વેબસાઇટ ડેવલપમેન્ટમાં જેમ વર્ડપ્રેસ કે વિબ્લી જેવા શોર્ટકટ છે, તેવા શોર્ટકટ એપ ડેવલપમેન્ટમાં નથી!

