આપણે ‘જૂના જીમેઇલમાં જબરા ફેરફાર’ એવી જૂન ૨૦૧૮ના અંકની કવરસ્ટોરીમાં અછડતી વાત કરી હતી કે જીમેઇલમાં સિક્યોરિટી સંબંધિત નવાં ફીચર્સ પણ આવી રહ્યાં છે.
એ મુજબ હવે જીમેઇલમાં આપણને ‘કોન્ફિડેન્શિયલ મોડ’માં મેઇલ મોકલવાની સગવડ મળી છે. આ મોડ ઓન કરીને આપણે મોકલેલો મેઇલ નિશ્ચિત સમય પછી આપોઆપ ડિલીટ થાય છે.
ડેસ્કટોપ પર જીમેઇલના નવા વર્ઝનમાં આ સુવિધા મળી ગયા પછી હવે એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે જીમેઇલની એપમાં પણ આ સુવિધા આવી ગઈ છે. તમે કદાચ જાણતા જ હશો કે સ્નેપચેટ અને એપલની આઇમેસેજ સર્વિસ મોબાઇલ યૂઝર્સને આવી જ સુવિધા આપે છે. જીમેઇલના કોન્ફિડેન્શિયલ મોડમાં ઇમેઇલ નિશ્ચિત સમય પછી આપોઆપ ડિલીટ થવા ઉપરાંત વધારાની સુવિધા એ પણ છે કે આપણો ઇમેઇલ મેળવનાર વ્યક્તિ તેને ફોરવર્ડ, કોપી-પેસ્ટ કે ડાઉનલોડ કરી શકતી નથી. અલબત્ત સ્ક્રીનશોટ કે ફોટોગ્રાફ લેવા જેવા વિકલ્પો ખુલ્લા રહે છે!
મોબાઇલમાં જીમેઇલમાં કોન્ફિડેન્શિયલ મોડનો ઉપયોગ કેવી રીતે કરશો?
જીમેઇલ એપના નવા વર્ઝનમાં આ સુવિધા ઉમેરાઈ હોવાથી, જો નીચેનાં પગલાં અનુસાર, તમારી જીમેઇલ એપમાં કોન્ફિડેન્શિયલ મોડ જોવા ન મળે તો પ્લે સ્ટોરમાં જઇને જીમેઇલ એપ અપડેટ કરી લેશો. એ પછી.
1
ફોનમાં જીમેઇલ એપ ઓપન કરો.
2
હવે કમ્પોઝ્ડ બટન પર ક્લિક કરો.

3
ઉપર જમણી તરફના ત્રણ ડોટ પર ક્લિક કરો અને કોન્ફિડેન્શિયલ મોડ પસંદ કરો.
4
હવે તમને ઇમેઇલ ક્યારે એક્સપાયર થાય તે પસંદ કરવાના વિકલ્પ મળશે. આપણે એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો, ત્રણ મહિના અને પાંચ વર્ષના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરી શકીએ છીએ.
5
એ ઉપરાંત આપણો ઈમેઇલ એક્સેસ કરવા માટે એક પાસકોડ આપવો ફરજિયાત બને એવું સેટિંગ થઈ શકે છે. જે વ્યક્તિ જીમેઇલનો ઉપયોગ ન કરતી હોય તેને એક અલગ ઇમેઇલમાં આ પાસકોડ મળશે.
6
એ ઉપરાંત સામેની વ્યક્તિને એસએમએસ દ્વારા પાસકોડ મળે એવી વ્યવસ્થા પણ કરી શકાય છે. એ માટે તેમનો ફોન નંબર આપવાનો રહેશે.
7
તમે ઇચ્છો તો પાસકોડવાળી આ આખી વાત બાજુએ રાખી શકો છો.
8
જો તમે તમારો ઇમેઇલ ત્રણ મહિના કે પાંચ વર્ષ જેવા લાંબા સમય પછી એક્સપાયર થાય એવો વિકલ્પ પસંદ કર્યો હોય પરંતુ એકાદ અઠવાડિયામાં જ વિચાર બદલાય તો તમે તમારા ઇમેઇલની એક્સેસ તરત બંધ કરી શકો છો.
9
એ માટે જીમેઇલ એપ ઓપન કરો.
10
ડાબી તરફના મેનૂ આઇકન પર ક્લિક કરો.
11
સેન્ટ ફોલ્ડરમાં જાઓ.
12
કોન્ફિડેન્શિયલ મોડથી મોકલેલો ઇમેઇલ પસંદ કરો અને સ્ક્રીન પર જોવા મળતો ‘રીમૂવ એક્સેસ’નો વિકલ્પ પસંદ કરી લો.

