આ અંકમાં દિવાળી વેકેશન ધ્યાનમાં રાખ્યું છે તો તેનાથી જ સમાપન કરીએ!
કોઈ પણ પ્રવાસે ગયા હોઈએ ત્યારે ‘ધરતીનો છેડો ઘર’ એ કહેવત બરાબર સાર્થક થતી લાગે. એક તરફ મનમાં પ્રવાસ પૂરો થઈ રહ્યાનું દુ:ખ હોય તો બીજી તરફ, ફરી ઘરની હૂંફ અને ઘરનું જમવાનું મળશે એ વાતનો આનંદ પણ હોય!
તમે અનુભવ્યું હશે કે પ્રવાસ દરમિયાન, આપણે ટ્રેનમાં કોઈ મહાનગરની ઝૂંપડપટ્ટી પાસેથી પસાર થઈએ કે ખેતરોમાં સાવ ર્જીણશીર્ણ ઝૂંપડાં જોઈએ ત્યારે લોકોએ કેવી કેવી જગ્યાએ વસવું પડે છે અને તેની સરખામણીએ આપણે કેટલા સુખી છીએ એવો વિચાર અચૂક મનમાં ઝબકી જાય.
આ વિચારને હજી આગળ વધારવો હોય તો આ વેકેશનમાં તમે ક્યાંય જાવ કે ન જાવ, ઘેરબેઠાં કે પ્રવાસ દરમિયાન હોટેલમાં નવરા પડો ત્યારે આખી દુનિયાનાં અનેક પ્રકારનાં ઘરોમાં જરૂર આંટો મારવા જેવો છે.
મે ૨૦૧૭ના અંકમાં આપણે જાણ્યું હતું તેમ, ગૂગલ અર્થ પ્રોગ્રામ હવે બિલકુલ નવા સ્વરૂપે ઉપલબ્ધ છે. તેમાં ‘વોયેજર’ નામના એક વિભાગમાં દુનિયાની અનેકવિધ પ્રકારની માહિતી જુદા જ દૃષ્ટિકોણથી જોઈ શકાય છે. જેમ કે ગાંધીજીની દાંડીકૂચની વિગતવાર માહિતી ફોટોગ્રાફ અને મેપ્સ સહિત તેમાં જોઈ શકાય છે.
આ વોયેજરમાં ‘ધીસ ઇઝ હોમ’ શીર્ષકની એક વર્ચ્યુઅલ ટુરમાં દુનિયાનાં વિવિધ ખંડોમાં વસતા લોકોનાં અવનવાં ઘરોની અર્થ પર અને પછી અંદર-બહારની ઝલક જોઈ શકાય છે અને સાથોસાથ તેમના વિશેની અવનવી માહિતી વાંચી શકાય છે.
અર્થમાં વોયેજરમાં ચોક્કસ ટુર સર્ચ કરવી મુશ્કેલ છે, પણ તમે earth.google.com પર જઈને, મેનુમાં બોટના સ્ટીયરિંગ વ્હીલ જેવા આઇકન પર ક્લિક કરી, તેના કલ્ચર વિભાગમાં આ ટુર શોધી શકો છો. એમ કરતાં, અન્ય કેટલીય ટુર પણ તમારું ધ્યાન ખેંચશે.
અથવા પીસીમાં નીચેની લિંકની મદદથી સીધા ત્યાં પહોંચી શકશો. તમારા સ્માર્ટફોનમાં અર્થ એપ ન હોય તો તાબડતોબ ઉમેરો! તેમાં જીમેઇલના ઇનબોક્સ કે વોટ્સએપના ચેટબોક્સમોં આ લિંક લખી, તેને ક્લિક કરતાં અર્થ એપમાં તેનું પેજ ઓપન થશે.
આ વર્ચ્યુઅલ ટુર જુઓ અહીં: bit.ly/safar-earth-home

