છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને ફેસબુકનું ડેટાકૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી આપણા અંગત ડેટાની સલામતીનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. આવનારા સમયમાં આ મુદ્દો હજી વધુ ચર્ચામાં રહે એવી શક્યતા છે કારણ કે ભારતમાં આ બાબત હવે એક અત્યંત સંવેદનશીલ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે અને તે છે સ્વાસ્થ્ય સંબંધી ડેટાની બાબત.
જાણવા મળી રહેલી વિગતો મુજબ ભારત સરકાર ડિજિટલ ઇન્ફર્મેશન સિક્યોરિટી ઇન હેલ્થકેર એક્ટ (દિશા)ને નક્કર સ્વરૂપ આપવાની તૈયારી કરી રહી છે. આ કાયદાને પરિણામે એક નેશનલ હેલ્થ ઇન્ફર્મેશન નેટવર્ક ઊભું થશે, જે વળી પાછું આધાર સાથે લિન્ક્ડ હશે!
અત્યારે ભારત સરકારનું આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દિશા વિશે વિવિધ લોકોના અભિપ્રાય મેળવી રહ્યું છે. આ અભિપ્રાયોના આધારે આ કાયદાને નક્કર સ્વરૂપ આપવામાં આવશે.
અત્યારે એવું બને છે કે આપણે એક હોસ્પિટલમાં કોઈ બીમારીની સારવાર મેળવવા માટે જઈએ ત્યારે આપણી બીમારીનો ઇતિહાસ જણાવવા માટે અગાઉ જે જે ડોક્ટર પાસે કે હોસ્પિટલમાં સારવાર મેળવી હોય કે પરીક્ષણો કરાવ્યાં હોય તેની ફાઇલ્સ નવા ડોકટરને બતાવવી પડે છે, પરંતુ દિશાની આખી વાત જ્યારે યોગ્ય આકાર લેશે ત્યારે આપણા સ્વાસ્થ્ય સંબંધિત તમામ ડેટા એક યુનિફોર્મ સ્વરૂપમાં વિવિધ હોસ્પિટલ્સ અને ક્લિનિક્સમાં સચવાયેલો રહેશે અને તેને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ડિજિટલ સ્વરૂપે શેર કરી શકાશે.
આપણા ડેટાને ડિજિટલ સ્વરૂપે સાચવવામાં આવે એ આખી વાત બેધારી તલવાર જેવી છે. તેના ગેરફાયદા પણ છે અને સંખ્યાબંધ લાભ પણ છે.

