તમે જાણતા હશો કે ઇન્ટરનેટ પર કોઈ વેબપેજનું એડ્રેસ બહુ લાંબું હોય અને આપણે તેને કોઈની સાથે શેર કરવા માગતા હોઇએ તો યુઆરએલ શોર્ટનર સર્વિસની મદદથી તે યુઆરએલને અત્યંત ટૂંકું સ્વરૂપ આપી શકાય છે. (સાયબરસફરના અગાઉના અંકોમાં આપણે આવી સર્વિસનો કઈ રીતે લાભ લેવો અને તેના ઉપયોગમાં શી સાવધાની રાખવી તેની વાત કરી ગયા છીએ).
યુઆરએલ શોર્ટનર સર્વિસ ખાસ્સી ઉપયોગી હોવાને કારણે ગૂગલે પણ તેમાં ઝૂકાવ્યું હતું અને ૨૦૦૯માં પોતાની યુઆરએલ શોર્ટનર સર્વિસ લોન્ચ કરી હતી.
અલબત્ત ગૂગલની ઘણી સર્વિસમાં બન્યું છે તેમ સમયની સાથોસાથ ટેકનોલોજી બદલાતા ઘણી સર્વિસ તેના યથાવત સ્વરૂપમાં ખાસ ઉપયોગી રહેતી નથી. આ જ કારણ આગળ ધરીને ગૂગલે એપ્રિલ ૧૩, ૨૦૧૮થી તેની યુઆરએલ શોર્ટનર સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ તારીખ પછી આપણે ગૂગલ યુઆરએલ શોર્ટનરની મદદથી કોઈ નવી શોર્ટલિન્ક ક્રિએટ કરી શકીશું નહીં. અલબત્ત જો તમે આ સર્વિસનો ઉપયોગ કરતા હશો તો તેના વેબપેજ પર જઇને તમે અગાઉ ક્રિએટ કરેલી શોર્ટલિન્ક મેનેજ જરૂર કરી શકશો. આ લાભ પણ માર્ચ ૩૦, ૨૦૧૯થી મળતો બંધ થઇ જશે. જોકે એ પછી પણ ગૂગલ શોર્ટનરની તમામ શોર્ટલિન્કસ યથાવત સ્વરૂપે કામ કરવાનું ચાલુ રાખશે.
ગૂગલે વિકલ્પરૂપે ફાયરબેઝ ડાયનેમિક્સ લિન્ક્સ અથવા બિટલી જેવી સર્વિસનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. આમાં પહેલું નામ ડેવલપર્સને વધુ કામનું છે, પણ બીજું બિટલી બિલકુલ ગૂગલ શોર્ટનર જેવું જ કામ આપે છે. તમે એનો લાભ લઈ શકો.
