(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ લેન્સ : હવે ગૂગલને લખીને નહીં, બતાવીને પૂછો!

આગળ શું વાંચશો?

  • ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે?
  • ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે લેશો?
  • ગૂગલ લેન્સથી શું શું કરી શકાય છે?

આપણે કોઈ પણ બાબતે, કંઈ પણ જાણવું હોય તો એ વિશે દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં તો આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળવા લાગે એવી સ્થિતિ આવી ગઈ છે!

પરંતુ એ માટે આપણે ગૂગલને કહેવું પડે કે આપણે શું જાણવા માગીએ છીએ. આપણા મનમાં કયો સવાલ છે એ આપણે કાં તો ગૂગલના સર્ચ બોક્સમાં ટાઇપ કરવો પડે અથવા હવે વોઇસ ટાઇપિંગની સુવિધા પણ મળી ગઈ હોવાથી, આપણે ગૂગલના સર્ચ બોક્સમાં, માઇક પર ક્લિક કરીને બોલીને આપણો સવાલ ગૂગલને પૂછવો પડે. ટૂંકમાં, અત્યાર સુધી આપણે પૂછવું હોય તે ટાઇપ કરીને અથવા બોલીને ગૂગલને પૂછવું પડતું હતું.

પરંતુ કોઈ સવાલ એવા પણ હોય જે આપણે લખી શકીએ તેમ ન હોઇએ તો? જેમ કે…

  • બગીચામાં કોઈ મજાનું પણ અજાણ્યું ફૂલ કે પંખી જોયું? એના વિશે વધુ જાણવું હોય તો ગૂગલને કઈ રીતે પૂછશો?
  • પડોશી એક ખાસ બ્રીડનું નવું ગલૂડિયું લાવ્યા પણ આપણને ટટળાવવા તેની બ્રીડ કહેતા નથી. એ વિશે ગૂગલને કઈ રીતે પૂછશો?
  • આર્ટ મ્યુઝિયમમાં કોઈ પેઇન્ટિંગ જોયું અને તેના વિશે વધુ જાણવું હોય તો કેવી રીતે ગૂગલ કરશો?

ટૂંકમાં એવા કેટલાય અળવીતરા સવાલો હોઈ શકે છે, જેના વિશે આપણને એટલી પ્રાથમિક માહિતી પણ ન હોય કે તે લખીને ગૂગલને કંઈક પૂછી શકીએ.

આ સ્થિતિ હવે બદલાઈ જશે! હવે જે કંઈ આપણી નજર સામે હશે, પણ જેના વિશે આપણે ગૂગલને લખીને કે બોલીને પૂછી શકીએ તેમ ન હોઈએ, એ વિશે પણ આપણે ગૂગલને પૂછી શકીશું.

અત્યાર સુધી ગૂગલ પાસે લખેલું સમજવા દિમાગ અને બોલેલું સાંભળવા કાન હતા, હવે તેને જોવા માટે આંખો પણ મળી ગઈ છે!

ગયા મહિને ગૂગલે તેની એક નવી સર્વિસ લોન્ચ કરી, જે આપણા ફોન સુધી પણ પહોંચી ગઈ છે.

ગૂગલ દર વર્ષે દુનિયાભરના ડેવલપર્સ માટે, ગૂગલમાં નવું શું આવી રહ્યું છે તેની જાણ કરવા માટે ગૂગલ આઇ/ઓ નામની એક ઇવેન્ટ યોજે છે. ગયા વર્ષની આ ઇવેન્ટમાં, ‘ગૂગલ લેન્સ’ નામની એક નવી સર્વિસ આવી રહી જોવાની જાહેરાત થઈ હતી. એ ઇવેન્ટમાં, ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ એક ડેમોમાં બતાવ્યું હતું કે ગૂગલ લેન્સની મદદથી ગૂગલ ફૂલને ઓળખી શકે છે, એટલે કે ગૂગલ લેન્સને તમે આપણું જૂનું ને જાણીતું બારમાસી ફૂલ બતાવો તો આ સર્વિસ તેને ઓળખીને, તેનું બોટનિકલ નામ પણ કહી બતાવે છે અને પછી તો હંમેશની જેમ તેના વિશે માહિતીનો વિરાટ ગંજ ખડકાય છે!

એ ડેમોએ ખાસ્સી ચર્ચા જગાવ્યા પછી, એક વર્ષ કરતાં ઓછા સમયમાં, એટલે કે નવેમ્બર ૨૦૧૭માં ગૂગલે તેના ફ્લેગશીપ ફોન પિક્સેલમાં પહેલાં ગૂગલ ફોટોઝમાં અને ત્યાર પછી ગૂગલ આસિસ્ટન્ટમાં આ સગવડ ઉમેરી હતી. ત્યાર પછી ગયા મહિને, એટલે કે માર્ચ ૨૦૧૮થી તમામ એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ ફોટોઝમાં આ સુવિધા મળવા લાગી. હવે વિવિધ કંપનીના પ્રીમિયમ એન્ડ્રોઇડ ફોન્સમાં ગૂગલ આસિસ્ટન્ટમાં પણ ગૂગલ લેન્સની સુવિધા ઉમેરાઈ ગઈ છે.


ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે?

આ એક એવી સગવડ છે, જેની મદદથી આપણે જુદી જુદી બાબતનો ફોટોગ્રાફ લઈને, ગૂગલને પૂછી શકીએ છીએ કે આ શું છે?

ગૂગલ તેને ‘ઓળખી’ લે છે અને તેના વિશે ઇન્ટરનેટ પરથી માહિતી શોધી આપે છે. ઉપરાંત, તેના બીજા કેટલાક લાભ પણ છે.

માત્ર કન્સેપ્ટની રીતે જોઈએ તો આ બહુ નવી વાત નથી. છએક વર્ષ પહેલાં, ૨૦૧૨માં ગૂગલે ‘ગૂગલ ગોગલ્સ’ નામે એક એપ લોન્ચ કરી હતી. ઓગમેન્ટેડ રીયાલિટીનો એ પ્રારંભનો સમય હતો. એ સમયે, આપણે સ્માર્ટફોનમાં એ એપ ઇન્સ્ટોલ કરીએ અને પછી તેને ઓપન કરતાં ફોનનો કેમેરા ઓન થાય અને કોઈ બારકોડ સામે કેમેરા ધરતાં, એપ એ બારકોડ ‘વાંચી’ લે અને પછી તેના આધારે, ઇન્ટરનેટ પરથી વધુ માહિતી તારવી આપે!

વાત એકદમ નવી હતી, પણ ત્યાર પછીનાં વર્ષોમાં ગૂગલે આ એપ તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહીં. છેલ્લાં ત્રણેક વર્ષથી તો એમાં કોઈ અપડેટ આવ્યા નહીં અને એ એપ લગભગ મરી પરવારી.

એ જ કન્સેપ્ટ હવે ‘ગૂગલ લેન્સ’ સ્વરૂ‚પે ફરી આપણી સામે આવ્યો છે. આટલા સમયમાં કમ્પ્યુટર વિઝન ટેક્નોલોજી એટલે કે જુદા જુદા ફોટોગ્રાફ્સમાંની માહિતી સમજવાની કમ્પ્યુટરની શક્તિ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઘણો વિકાસ થઈ ગયો છે.

જો તમે અદભુત કહી શકાય એવી ગૂગલ ફોટોઝ (વધુ માહિતી માટે જુઓ જુલાઈ ૨૦૧૫ અંક) સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં આપણે જુદા જુદા ફોટોગ્રાફ વિશે કોઈ માહિતી કે ટેગિંગ આપ્યાં ન હોય, તો પણ આ સર્વિસ વ્યક્તિના ચહેરા, શહેર, વિવિધ ઇમારતો વગેરે ઓળખી શકે છે.

વરસાદ, ફૂડ, કાર વગેરે સર્ચ કરતાં, તેના ફોટોઝ પણ તે અલગ તારવી આપે છે.

મતલબ કે ગૂગલ લેન્સ પાછળનો જે મૂળ કન્સેપ્ટ છે – ફોટોગ્રાફમાં જે છે તે ઓળખવાનો – તેની ટેક્નોલોજી ગૂગલે ઘણા સમયથી વિકસાવી લીધી છે, હવે એ ટેક્નોલોજી આપણા હાથમાં, જરા જુદા સ્વરૂપે મૂકી આપી છે.

ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે લેશો?

જો તમારા સ્માર્ટફોનમાં ગૂગલ ફોટોઝ ન હોય તો તેને ઇન્સ્ટોલ કરો અને જો હોય તો પ્લે સ્ટોરમાં જઈને તેને અપડેટ કરી લો.

હવે ઘણી કંપનીના સ્માર્ટફોનમાં ફોટોગેલેરી એપને બદલે ગૂગલ ફોટોઝ એપનો જ ઉપયોગ થાય છે. એવું હશે તો તમારા બધા ફોટોગ્રાફ પહેલેથી ગૂગલ ફોટોઝમાં હશે. એવું ન હોય તો તમે ગેલેરીમાંની તસવીરોને ફોટોઝ એપમાં શેર કે અપલોડ કરી શકો છો.

હવે તમે ગૂગલ ફોટોઝમાં કોઈ પણ ફોટો ઓપન કરશો એટલે તેમાં નીચેની તરફ લેન્સની એક નિશાની દેખાશે (તમે આ એપ અપડેટ કર્યા પછી પણ તેમાં લેન્સની સુવિધા ન ઉમેરાઈ હોય એવું બની શકે છે, આ સુવિધા ધીમે ધીમે રોલઆઉટ થઈ રહી છે).

તમે લેન્સ પર ક્લિક કરશો એટલે ફોટોગ્રાફ પર વિવિધ ડોટ્સ ઝબકવા લાગશે, આપણને લાગશે કે આ સર્વિસ ફોટોને સ્કેન કરી રહી છે અને પછી સર્વિસ તેના વિશે વધુ વિગતો આપણને બતાવશે!

અત્યાર સુધી ગૂગલ પાસે આપણે લખેલું સમજવા દિમાગ અને બોલેલું સાંભળવા કાન હતા, હવે તેને, આપણે જે બતાવીએ તે  જોવા માટે આંખો પણ મળી ગઈ છે!

ફોટોઝમાં લેન્સની મયર્દિા એ છે કે આપણે લીધેલો ફોટોગ્રાફ ફોટોઝ એપમાં લીધા પછી આપણે તેના વિશે વધુ જાણી શકીએ છીએ.

આ મર્યાદા દૂર કરવા માટે જ લેન્સની સુવિધા ગૂગલ આસિસ્ટન્ટમાં ઉમેરવામાં આવી રહી છે. આથી, લેન્સ પર ક્લિક કરી, કોઈ બાબત આસિસ્ટન્ટને ‘બતાવી’ને તરત તેના વિશે વધુ માહિતી જાણી શકીશું અને જુદાં જુદાં એક્શન પણ લઈ શકીશું.

આગળનાં પાનાંઓમાં આપેલા સ્ક્રીનશોટ્સમાં તમે જોશો તેમ, ગૂગલ લેન્સથી તમે સર્ચ ઉપરાંત પણ ઘણું બધું કરી શકો છો.

ઇન્ટરનેટના પ્રારંભના સમયમાં સ્માર્ટફોનનું ચલણ નહોતું ત્યારે ઇન્ટરનેટની શક્તિઓ પણ મર્યાદિત હતી. સૌના હાથમાં સ્માર્ટફોન આવી જતાં, ઇન્ટરનેટની સંભાવનાઓ અમર્યાદિત રીતે વધી ગઈ કારણ કે હવે ઇન્ટરનેટનો ઉપયોગ કોઈ એક ઠેકાણે બેસીને જ કરવો પડે એવું ન રહ્યું. મોબાઇલ ઇન્ટરનેટને કારણે મેપ્સ, ઓનલાઇન શોપિંગ, પેમેન્ટ, બેન્કિંગ, લર્નિંગ વગેરે બધું જ ધરમૂળથી બદલાઈ રહ્યું છે.

બરાબર એ જ રીતે, અત્યાર સુધી લખેલા શબ્દો સુધી સીમિત રહેલી સર્ચ સુવિધાને હવે આંખો આવી છે. આપણી દુનિયા હજી ઘણી વધુ સ્માર્ટ બનવાની એ નક્કી!

ગૂગલ લેન્સથી શું શું કરી શકાય છે?

અખબાર સાથે આવેલા કોઈ પેમ્ફ્લેટ કે જાહેરાતમાંની વિગતો પર કોઈ એક્શન લેવા જેવું લાગ્યું? તેનો ફોટોગ્રાફ લો અને ગૂગલ ફોટોઝમાં લઈ જઈને લેન્સથી સ્કેન કરો. તેમાં એડ્રેસ, વેબસાઇટ, ઇ-મેઇલ, ફોન નંબર, તારીખ વગેરે જે કંઈ હોય તેના વિશે આગલું એક્શન લઈ શકાશે. જેમ કે જે વેબસાઇટ વાંચવા મળે તેને ક્રોમ બ્રાઉઝરમાં અને એડ્રેસને મેપમાં ઓપન કરી શકાય. ફોન નંબર ડાયલ કરી શકાય અને ઈ-મેઇલ પર ક્લિક કરતાં તેના પર નવો ઈ-મેઇલ મોકલી શકાય. તારીખ લખેલી હોય તો તેને કેલેન્ડરમાં સેવ કરી શકાય! ભવિષ્યમાં આ કામ ઘણું વધુ ઝડપી બનશે.


કોઈનું બિઝનેસ કાર્ડ લેન્સથી સ્કેન કરતાં, તેમાંની બધી જ ટેક્ટ્સ, એડિટેબલ ટેક્સ્ટમાં આપણને મળી જાય છે. ઉપરાંત લેન્સ, કાર્ડમાંના ફોન નંબર, ઇમેઇલ વગેરેને પણ ઓળખી લે છે, જેના પર ક્લિક કરીને આપણે તેને કોન્ટેક્ટ્સમાં સેવ કરી શકીએ છીએ.


કોઈ ફૂલ, છોડ કે પ્રાણીનો ફોટોગ્રાફ લેન્સથી સ્કેન કરતાં તેના વિશે વિગતવાર માહિતી મળી શકે છે.


ફોટોગ્રાફમાં કોઈ ઐતિહાસિક ઇમારત હોય તો લેન્સ તેને ઓળખી લે છે અને તેને સંબંધિત વધુ માહિતી આપણને બતાવી શકે છે.


એ જ રીતે, મ્યુઝિયમમાં કોઈ જાણીતા પેઇન્ટરના પેઇન્ટિંગને લેન્સથી સ્કેન કરતાં તેના વિશે વધુ માહિતી મેળવી શકાય છે.


તમે કોઈ હોર્ડિંગનો ફોટોગ્રાફ લઈને તેને લેન્સમાં સ્કેન કરશો તો એ કંપનીના નજીકના ડિલરની વિગતો પણ જાણી શકાશે!


વાઇ-ફાઇ માટેના યૂઝરનેમ-પાસવર્ડ ટાઇપ કરેલા હોય, તેને સ્કેન કરતાં ફોન ઓટોમેટિક એ વાઇ-ફાઇ સાથે કનેક્ટ થઈ જશે.


યાદ રાખશો, જો તમે સ્માર્ટફોનમાં વેબ અને એપ એક્ટિવિટી ઓન રાખેલ હશે (જે ઘણું કરીને ઓન જ હશે) તો લેન્સમાં તમે જે કંઈ સ્કેન કરશો, એ બધું જ ગૂગલ યાદ રાખશે! આ વિગતો તમે https://myactivity.google.com/item?restrict=lens પેજ પર જઈને તપાસી શકો છો અને ઇચ્છો તો ત્યાંથી ડિલીટ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!