સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત
પેટીએમ ફાસ્ટેગ શું છે તે સમજતાં પહેલાં આ ‘ફાસ્ટેગ’ પોતે શું છે એ સમજવું જરૂરી છે!
ભારતમાં કોઈ પણ નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલટેક્સ બૂથ પર, જે તે રોડના ઉપયોગ બદલ ટેક્સ ચૂકવવાની હવે કોઈ નવાઈ રહી નથી. આવા ટોલ બૂથ પર હજી હમણાં સુધી રોકડમાં જ આપલે થતી હતી, પરંતુ નોટબંધી પછી અહીં વિવિધ બેન્કિંગ કાર્ડ કે મોબાઇલ વોલેટથી ચૂકવણી સરળ બની છે. ટોલ બૂથ પર રકમની લેતી દેતી હજી વધુ સહેલી બનાવવા માટે ‘ફાસ્ટેગ’ સુવિધા વિકસાવવામાં આવી છે. આ એક ઇલેકટ્રોનિક ટોલ કલેકશન પદ્ધતિ છે. આ પદ્ધતિ રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) એટલે કે માત્ર રેડિયો સિગ્નનલની મદદથી ઓળખ કરી લેતી ટેકનોલોજીથી કામ કરે છે.
ફાસ્ટેગની આખી વ્યવસ્થા દેશના હાઇવેનું સંચાલન કરતી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એમએચએઆઈ) સંભાળે છે. બેન્કિંગ વ્યવસ્થામાં ક્રાંતિ લાવનારી યુપીઆઇ વ્યવસ્થાને કારણે આપણે જેને જાણતા થયા છીએ તે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) અને એનએચએઆઈ દ્વારા રચાયેલી ઇન્ડિયન હાઇવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઇએચએમસીએલ) પણ આમાં સંકળાયેલ છે.
આ વ્યવસ્થાનો લાભ લેવા માટે આપણે એક ખાસ પ્રકારનું ટેગ વાહનના વિન્ડસ્ક્રીન પર લગાવવાનું હોય છે. એ પછી આપણે ટોલ બૂથ પર વાહન રોકીને રોકડેથી કે કાર્ડ કે મોબાઇલ વોલેટથી રકમ ચૂકવવા ઊભા રહેવાની જરૂર રહેતી નથી. ટોલ બૂથ પર લગાવેલા ખાસ પ્રકારના સ્કેનર આપણી કાર પરના ટેગને ‘વાંચી’ લે છે અને આ ટેગ સાથે કનેક્ટ કરેલા આપણા પ્રી-પેઇડ કે સેવિંગ્સ એકાઉન્ટમાંથી રકમ આપોઆપ ટોલ ટેક્સ તરીકે બાદ થઇને એનએચએઆઇને મળી જાય છે!
હવે સવાલ એ રહ્યો કે આપણા વાહન માટે ફાસ્ટેગ મેળવવું ક્યાંથી? આ માટે એનએચઆઈ દ્વારા વિવિધ ઓફિશિયલ ટેગ ઇસ્યુઅર અથવા સહયોગી બેન્કસની નિમણૂક કરવામાં આવી છે. જો આપણા બેન્ક ખાતા સાથે ફાસ્ટેગ કનેક્ટ કરવામાં આવ્યું હોય તો રકમ સીધી તેમાંથી બાદ થાય છે અથવા આપણે ઇચ્છીએ તો ફાસ્ટેગ માટે એક પ્રી-પેઇડ એકાઉન્ટ ખોલાવી, તેમાં નિશ્ચિત રકમ જમા રાખીએ અને તેમાંથી ટોલ ટેક્સ ચૂકવાઈ એવી વ્યવસ્થા કરી શકાય છે.
ફાસ્ટેગ સુવિધાના વિવિધ ફાયદા છે જેમ કે સમય અને કાગળની બચત, હાઇવેના વધુ સારા મેનેજમેન્ટ માટે ડેટા, ટોલપ્લાઝા પરના મેનેજમેન્ટમાં ઘટાડો વગેરે.
સૌથી પહેલાં વર્ષ ૨૦૧૪માં સુવર્ણ ચતુર્ભૂજ એક્સપ્રેસ વે પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ અને મુંબઈ વચ્ચેના એક્સપ્રેસ વે પર આ વ્યવસ્થાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૧, ૨૦૧૭ સુધીમાં એનએચએઆઇ હસ્તકના દેશના તમામ ૩૭૦ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેન લોન્ચ કરી દેવામાં આવી.
ડિસેમ્બર ૧, ૨૦૦૦થી દેશમાં વેચાતા તમામ નવા ફોર વ્હિલર વાહનના વિન્ડસ્ક્રીન પર ઓટોમોબાઇલ મેન્યુફેકચરર કે તેના ઓથોરાઇઝ્ડ ડિલરે ફાસ્ટેગ લગાવવું ફરજિયાત થઈ ગયું છે.
અલબત્ત હાલના તબક્કે ફાસ્ટેગનો ઉપયોગ ફરજિયાત નથી.
ફાસ્ટેગ ક્યાંથી મળી શકે?
આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઇ, એચડીએફસી વગેરે બેન્ક ઉપરાંત પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં અરજી કરીને આપણે આપણા વાહન માટે ફાસ્ટેગ મેળવી શકીએ છીએ.
હવે મૂળ સવાલ પર પરત ફરીએ તો પેટીએમ પેમેન્ટ્સ બેન્ક મારુતિ, હ્યુન્ડાઇ, ટાટા, મર્સિડીઝ, રેનોલ્ટ, બીએમડબલ્યુ, ફોક્સવેગન, વોલ્વો વગેરે વ્હિકલ મેન્યુફેકચરર કંપની સાથે જોડાણ કરીને આ કંપનીઝના નવા વાહનો ખરીદતા લોકોને પેટીએમ ફાસ્ટેગ મળે એવા પ્રયાસ કરી રહી છે.
જો તમે પહેલેથી કોઈ વાહન ધરાવતા હો તો પેટીએમ એપ પરથી ફાસ્ટેગની ઓનલાઇન ખરીદી કરી શકો છો. એ માટે…
- પેટીએમ એપ ઓપન કરો અને હોમસ્ક્રીન પરની વિવિધ કેટેગરીમાં ફાસ્ટેગનો વિકલ્પ શોધી લો.
- તેના પર ક્લિક કરતાં કાર/જીપ/વાન માટે ફાસ્ટેગ ખરીદવાનો વિકલ્પ મળશે.
- આ માટે પહેલી વાર તમારે રૂ.૫૦૦ ચૂકવવા પડશે. જેમાં ટેગની કિંમત રૂા. ૧૦૦, રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝિટ રૂા. ૨૫૦ અને મિનિમમ બેલેન્સ પેટે રૂા. ૧૫૦ સામેલ છે.
- આ રીતે ઓનલાઇન અરજી કરતી વખતે આપણે વાહનનો રજિસ્ટ્રેશન નંબર લખીને આરસી બુકની આગળ અને પાછળની બાજુનો ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે.
- પછી પેટીએમ દ્વારા રૂા. ૫૦૦ ચૂકવતાં આપણે જણાવેલા એડ્રેસ પર ફાસ્ટેગ આવી જશે, જે આપણે વાહનના વિન્ડસ્ક્રીન પર વચ્ચે ઉપરની બાજુ ચોંટાડવાનું રહેશે.
- આપણું ફાસ્ટેગ પેટીએમ વોલેટ સાથે કનેક્ટેડ રહેશે અને જ્યારે આપણે ટોલ બૂથ પર ફાસ્ટેગ લેનમાંથી પસાર થઇશું ત્યારે આપણા પેટીએમ વોલેટમાંથી રકમ કપાતી રહેશે.
નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે તમામ નેશનલ હાઇવે ફાસ્ટેગથી ટોલ પેમેન્ટ પર પાંચ ટકા કેશબેકનો લાભ મળે છે.


