આગળ શું વાંચશો?
-
યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે?
-
યુપીઆઈ અને મોબાઇલ વોલેટ જુદાં છે?
-
પહેલેથી ભીમ એપમાં યુપીઆઇ આઇડી બનાવ્યું હોય તો તેનો ઉપયોગ વોટ્સએપમાં થઈ શકે?
-
ભીમ, તેઝ, પેટીએમ… અને હવે વોટ્સએપ… આ બધામાં યુપીઆઇનો ઉપયોગ કરવો જરૂરી છે?
-
ભીમ, તેઝ, પેટીએમ, વોટ્સએપ વગેરેમાં યુપીઆઇના શા ફાયદા-ગેરફાયદા છે?
-
યુપીઆઇનો ઉપયોગ સલામત છે?
-
વોટ્સએપમાં યુપીઆઇનો ઉપયોગ સલામત છે?
યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે?
યુપીઆઇ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિક્સાવેલી વ્વયસ્થા છે. તેની મદદથી, બે બેન્ક ખાતાં વચ્ચે ઓનલાઇન અને તત્ક્ષણ રકમની આપલે શક્ય બને છે.
યુપીઆઈનો ઉપયોગ ભીમ એપ, વિવિધ બેન્કની એપ, ગૂગલ તેઝ, પેટીએમ, હાઇક અને હવે વોટ્સએપ જેવી વિવિધ એપની મદદથી કરી શકાય છે.
આવી એપની મદદથી આપણે આપણા ઈ-મેઇલ જેવું યુપીઆઇ આઇડી બનાવી શકીએ છીએ અને પછી બેન્ક ખાતાને તેની સાથે કનેક્ટ કરી શકીએ છીએ. યુપીઆઈની સગવડ આપતી વિવિધ એપ એક પ્રકારના એટીએમ મશીન જેવી છે, જેનો આપણે ગમે ત્યાંથી ઉપયોગ કરી શકીએ. એટીએમના પાસકોડની જેમ, યુપીઆઇ કનેક્ટેડ ખાતામાંથી રકમ મોકલવા માટે એક ચોક્કસ યુપીઆઇ પિન આપણે નક્કી કરી શકીએ છીએ. દર વખતે યુપીઆઇ પિન આપ્યા પછી જ રકમ મોકલી શકાય છે.
યુપીઆઈને કારણે, સામેની પાર્ટીની બેન્ક ખાતા વિગતો, આઇએફએસસી કોડ જાણવાની જરૂર રહેતી નથી, માત્ર યુપીઆઇ આઇડી ખબર હોવી જોઈએ.
યુપીઆઈ અને મોબાઇલ વોલેટ જુદાં છે?
હા, યુપીઆઇ સીધાં જ બે બેન્ક ખાતા વચ્ચે રકમની આપલે કરે છે, જ્યારે મોબાઇલ વોલેટ પોતે એક પ્રકારના બેન્ક ખાતા જેવું કામ કરે છે. વોલેટમાં આપણે રકમ ઉમેરવી પડે અને પછી તેમાંથી અલગ અલગ જગ્યાએ પેમેન્ટ કરી શકાય. પેટીએમ વોલેટ પણ છે અને હવે તેમાં પણ બેન્ક ખાતાને યુપીઆઇ સાથે કનેક્ટ કરવાની સુવિધા આવી ગઈ છે. બીજી તરફ, રિઝર્વ બેન્ક જુદાં જુદાં મોબાઇલ વોલેટમાં એકબીજામાં રકમની આપલે થઈ શકે તેવી વ્યવસ્થા રજૂ કરવાની તૈયારીમાં છે. આમ ધીમે ધીમે રૂપિયાની ડિજિટલ લેવડદેવડ વધુ સહેલી બનશે.
પહેલેથી ભીમ એપમાં યુપીઆઇ આઇડી બનાવ્યું હોય તો તેનો ઉપયોગ વોટ્સએપમાં થઈ શકે?
ભીમ એપમાં તમે જે બેન્ક ખાતાને યુપીઆઇ આઇડી સાથે કનેક્ટ કર્યું હોય તે જ બેન્ક ખાતાને વોટ્સએપમાં ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ વોટ્સએપમાં તમારું અલગ યુપીઆઇ આઇડી બનશે. એ જરા અટપટું બનશે, પણ એને યાદ રાખવાની જરૂર પણ નથી, વોટ્સએપમાં લોકો તમારા ફોનનંબરને આધારે રકમ મોકલી શકશે.
એક વ્યક્તિએ એક એપમાં બનાવેલું યુપીઆઇ આઈડી જેવું જ બીજું યુપીઆઇ આઇડી, એ જ વ્યક્તિ કે બીજી કોઈ વ્યક્તિને બીજી કોઈ એપમાં મળતું નથી.
ભીમ, તેઝ, પેટીએમ… અને હવે વોટ્સએપ… આ બધામાં યુપીઆઇનો ઉપયોગ કરવો જરૂરી છે?
ના, દરેકમાં યુપીઆઇનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. તમે ફક્ત ભીમ એપ જેવી કોઈ એક એપમાં તમારું યુપીઆઇ આઇડી બનાવો અને તમને રકમ આપવા ઇચ્છતી વ્યક્તિને ફક્ત એ જ જણાવો તે પૂરતું છે. રકમ આપનાર વ્યક્તિ કોઈ પણ એપમાંથી, તમારા યુપીઆઇ આઇડી પર રકમ મોકલી શકે છે.
વોટ્સએપમાં પણ સામેની વ્યક્તિએ તમારો નંબર સેવ કર્યો ન હોય, પણ તેને તમારું યુપીઆઇ આઇડી ખબર હોય તો તે તમને રકમ મોકલી શકે છે.
ભીમ, તેઝ, પેટીએમ, વોટ્સએપ વગેરેમાં યુપીઆઇના શા ફાયદા-ગેરફાયદા છે?
આ દરેક એપની પોતાની ખાસિયત અને ખામી છે.
ભીમ એપમાં તમે એક સમયે એક જ બેન્ક એકાઉન્ટ યુપીઆઇ કનેક્ટેડ રાખી શકો છો. તેમાં એક સમયે વધુમાં વધુ રૂા. ૨૦,૦૦૦ અને એક દિવસમાં કુલ રૂા. ૪૦,૦૦૦ની આપલેની મર્યાદા છે. તેમાં જુદાં જુદાં યુટિલિટી બિલનું પેમેન્ટ કરવાની સુવિધા હવે ઉમેરાઈ છે, અલબત્ત, તેમાં હજી ઓછા બિલિંગ કંપની/બિઝનેસ જોડાયાં છે.
ગૂગલ તેઝમાં, તમામ યુપીઆઇ એપ્સમાં મળીને એક દિવસમાં કુલ રૂા. ૧ લાખથી વધુ રકમ અને ૨૦થી વધુ વાર રકમની આપલે થઈ શકતી નથી. ગૂગલ તેઝ દ્વારા પેમેન્ટ સ્વીકારતી બિલિંગ કંપની/બિઝનેસની સંખ્યા ભીમની સરખામણીમાં ઘણી વધુ છે. ગૂગલ તેઝનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. તેઝમાં વ્યક્તિગત જીમેઇલ એકાઉન્ટનો જ ઉપયોગ શક્ય છે, બિઝનેસ એકાઉન્ટનો નહીં.
પેટીએમ વોલેટ તરીકે બહુ લોકપ્રિય છે એ તે નાના-મોટા એક બિઝનેસમાં સ્વીકારાય છે. તેનો વોલેટ, પેમેન્ટ બેન્ક અને યુપીઆઇ ત્રણે રીતે ઉપયોગ શક્ય છે. આમ હાલમાં સંજોગમાં, પેટીએમ ડિજિટલ પેમેન્ટની રેસમાં સૌથી આગળ છે. મર્યાદાની વાત કરીએ તો તેમાં એક દિવસમાં વધુમાં રૂા. ૧ લાખ મોકલી શકાય છે, રકમ સ્વીકારવાની કોઈ મર્યાદા નથી. પેટીએમમાં પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ ઓફર્સ પણ વધુ છે!
વોટ્સએપમાં હાલ માત્ર રુ.૫૦૦૦ની મર્યાદામાં રકમ મોકલી શકાતી હોય એવું લાગે છે. સૌને માટે ઓપન થયા પછી તે વધશે. વોટ્સએપમાં હાલમાં માત્ર બે વ્યક્તિ વચ્ચે રકમની આપલે થાય છે. જુદી જુદી બિલિંગ કંપની કે બિઝનેસને પેમેન્ટ થઈ શકતું નથી (સિવાય કે તે બિઝનેસને પોતાના મોબાઇલ નંબરથી બેન્ક ખાતાને વોટ્સએપ યુપીઆઇ સાથે કનેક્ટ કર્યું હોય).
યુપીઆઇનો ઉપયોગ સલામત છે?
યુપીઆઇમાં આપણે સામેની વ્યક્તિને બેન્ક ખાતાની કોઈ વિગત આપવી પડતી નથી. તેને આપણું કઈ બેન્કમાં ખાતું છે એ પણ ખબર પડતી નથી. ઉપરાંત, જે તે એપના પાસવર્ડ અને યુપીઆઇ પિન એમ બે પાસવર્ડ પછી જ યુપીઆઇમાંથી રકમ મોકલી શકાય છે. એ દૃષ્ટિએ તેનો ઉપયોગ સલામત છે. પરંતુ આપણે પોતે ભૂલથી બીજા કોઈ યુપીઆઇ એડ્રેસ કે વોટ્સએપમાં ખોટા નંબર પર રકમ મોકલી દઈએ તો મુશ્કેલી થશે.
વોટ્સએપમાં યુપીઆઇનો ઉપયોગ સલામત છે?
આ મુદ્દે જ વોટ્સએપમાં પેમેન્ટ વ્યવસ્થા હજી પૂરેપૂરી લોન્ચ થઈ શકતી નથી. વોટ્સએપ એપને ઓપન કરવા કોઈ પાસવર્ડ જરૂરી નથી, એટલે કોઈ વ્યક્તિને આપણા બેન્ક ખાતાનો યુપીઆઇ પિન ખબર હોય તો તે આપણા ફોનમાંથી રકમ ચોરી શકે છે. એ સિવાય, વોટ્સએપના દાવા મુજબ તે આપણો યુપીઆઇ પિન સ્ટોર કરતી નથી. સલામતીના સવાલો દૂર થયા પછી જ તેને ફૂલ લોન્ચની મંજૂરી મળશે, એટલે ત્યાર પછી આપણે સલામતીની ચિંતા રાખવાની જરૂર રહેશે નહીં. વોટ્સએપ ટૂંક સમયમાં ગુજરાતી સહિતની ભાષામાં ચોવીસ કલાકની હેલ્પલાઇન શરૂ કરે તેવી શક્યતા છે.

