તમારો ઇન્ટરનેટ પરનો ઘણો ખરો સમય ફેસબુક પર પસાર થતો હોય તો તમારા માટે એક ખુશખબર છે. હવે તમે ફેસબુક પર જ નવી અથવા વધુ સારી નોકરી શોધી શકો છો.
આમ તો, ઘણા લોકો પોતાના બિઝનેસ માટે ટેલેન્ટેડ લોકો શોધવા માટે ફેસબુકનો સહારો લે જ છે અને તેમની જરૂરિયાતો પોતાના બિઝનેસ પેજ પર કે પર્સનલ પ્રોફાઇલમાં પોસ્ટ સ્વરૂપે મૂકીને કામ ચલાવી છે. પરંતુ હવે આ કામ ફેસબુક પર જરા વધુ ફોર્મલ રીતે થઈ શકે છે.
ફેસબુકે ગયા વર્ષે યુએસ અને કેનેડામાં જોબ્સ સર્વિસ શરૂ કરી હતી અને તેને સારો પ્રતિસાદ મળતાં, હવે આ સર્વિસ ભારત સહિત બીજા ૪૦ દેશોમાં વિસ્તારવામાં આવી છે.
તેનો ઉપયોગ સરળ છે. લોકોને હાયર કરવા માગતા બિઝનેસીઝ, પોતાના બિઝનેસ પેજ પર, ફી ચૂકવીને પોતાની જરૂરિયાતો પોસ્ટ કરી શકશે. આ પોસ્ટિંગ જુદી જુદી જગ્યાએ જોવા મળી શકે છે. નોકરી આપનાર કંપની પોતાની જોબ સંબંધિત પોસ્ટને ફેસબુક પર નાણાં ખર્ચીને વધુ ફેલાવી શકશે.
નોકરી ઇચ્છતા લોકો માટે આ સર્વિસ ફ્રી છે. તેઓ https://www.facebook.jobs/ પર જઈને શહેર, રાજ્ય કે દેશ તથા જોબ પ્રોફાઇલના કીવર્ડ્સ મુજબ નોકરી શોધી શકશે. મોબાઇલમાં એક્સપ્લોર સેક્શનમાં આ વિગતો મળશે. જે તે બિઝનેસના પેજ પર પણ તમે જોબ લિસ્ટિંગ જોઈ શકો છો. તમે પોતાને અનુરૂપ નોકરી માટે એલર્ટ પણ સેટ કરી શકશો.
તમારે માટે અનુકૂળ નોકરી મળે તો તેના પર ક્લિક કરી, ત્યાંથી જ એપ્લાય કરી શકો છો. આપણા વિશે ફેસબુક પાસે ઓલરેડી ઘણી બધી માહિતી છે એટલે આપણા એપ્લિકેશન ફોર્મમાં આપણી શૈક્ષણિક લાયકાત, કાર્ય અનુભવ વગેરે ઘણી વિગતો આપોઆપ ભરાઈ જશે, જોકે ચિંતા ના કરશો, ફોર્મ સબમિટ કરતાં પહેલાં તેમાં ફેરફાર કરી શકાશે! તમે જે કંપનીમાં એપ્લિકેશન કરી હશે તેની સાથે મેસેન્જર પર ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ શકય બનશે અને એ કંપની ફેસબુક પર, તમારા વિશે જે કંઈ પબ્લિક ઇન્ફર્મેશન હશે એ બધી જોઈ શકશે. મતલબ કે, જો તમે સારી નોકરી શોધી રહ્યા હો તો ફેસબુક પર તમારી એક્ટિવિટી સમજી-વિચારી, સંભાળીને કરજો.
ઇન્ટરનેટ આવ્યા પછી જોબ સર્ચ અને પ્લેસમેન્ટનું કામ ઘણું સહેલું બન્યું છે, ફેસબુક તેને હજી વધુ સહેલું બનાવશે એ નક્કી.

One Response
Wow , Good news that Facebook has started Job Placement Service. Facebook is a trustworthy company
We heard about many job related frauds by many job portal.