એકસેલ એટલે કોરા, નકરા આંકડા એવું તમે માનતા હો તો તમારી ભૂલ થાય છે!
એક્સેલ અને આર્ટનો આમ તો કોઈ રીતે મેળ બેસે તેમ નથી પણ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતી, એમ્મા સ્ટિવન્સ નામની એક યુવતીએ આ અસાધારણ કામ કરી બતાવ્યું છે. એમ્મા દિવસના ભાગે એક લેન્ડસ્કેપ આર્કિટેક્ટ તરીકે કામ કરે છે, પણ બાકીના સમયમાં એ માઇક્રોસોફ્ટ એક્સેલ આર્ટિસ્ટ બની જાય છે.
એમ્માએ એક્સેલ પ્રોગ્રામમાં જુદાં જુદાં શહેરોની સ્કાયલાઇન સર્જવામાં હથોટી કેળવી છે!
આની શરૂઆત તરીકે તેણે એક્સેલ પ્રોગ્રામમાં બેગ્રાઉન્ડ ઇમેજ તરીકે મેલબોર્નની સ્કાયલાઇનનો ફોટોગ્રાફ ઉમેર્યો અને પછી સ્પ્રીડશીટની જુદી જુદી રો અને કોલમના સેલ્સમાં મેલબોર્ન શબ્દ એવી રીતે જુદા જુદા ટોનમાં લખ્યો કે દૂરથી જોતાં માત્ર મેલબોર્ન શબ્દથી એક્સેલમાં બનેલી મેલબોર્ન સિટીની સ્કાયલાઇનનો અંદાજ મળે!
એમ્મા કહે છે કે તે પોતે એક્સેલની પાવર યૂઝર નથી પરંતુ માત્ર એક્સેલના સાદા અને પાયાના ફીચર્સનો ઉપયોગ કરીને તેમાંથી કલાકૃતિ સર્જવાની હવે તેને ધૂન લાગી ગઈ છે. હવે તે ન્યૂયોર્ક, લંડન અને ટોકિયોની સ્કાયલાઇન પણ આ જ રીતે એક્સેલમાં સર્જવા માગે છે. માઇક્રોસોફ્ટે પણ એમ્માની કળાની નોંધ લીધી છે.
એમ્મા પોતાની વેબસાઇટ પર પોતાની એક્સેલ આર્ટ અને અન્ય કૃતિઓનું વેચાણ પણ કરે છે. ઘણા લોકો પીસીમાં વર્ડ કે નોટપેડ જેવા પ્રોગ્રામમાં કીબોર્ડના એક્સ્ટ્રા કેરેક્ટર્સનો ઉપયોગ કરીને કંઈક અનોખી કૃતિઓ ર્જતા હોય છે. આ એના જેવી જ વાત છે, જે માઇક્રોસોફ્ટની નજરમાં આવી!
આ આર્ટિસ્ટની વેબસાઇટ જુઓ અહીંઃ www.ejstevens.com

