સવાલ મોકલનાર : નવનીત એસ. રાઠોડ, ભાવનગર
ચોક્કસ કરી શકાય. સામાન્ય રીતે યુટ્યૂબ પરના દરેક વીડિયોને અન્ય કોઈ પણ બ્લોગ કે વેબસાઇટ પર એમ્બેડ કરવા માટેની સુવિધા આપવામાં આવતી હોય છે. તેમાં નિશ્ચિત સાઇઝના બોક્સમાં વીડિયો દર્શાવવા માટે તેનો કોડ આપવામાં આવે છે. આપણે તે કોડ કોપી કરીને આપણા બ્લોકમાં મૂકવાનો હોય છે.
અન્ય કોઈ પણ સાઇટ પરનું કન્ટેન્ટ જેમ કે વીડિયો કે ઇન્ફોગ્રાફિક ઇમેજ આ રીતે બીજી સાઇટ પર એમ્બેડ કરવા માટે આઇફ્રેમ નામની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આઇફ્રેમ એ ઇનલાઇન ફ્રેમ શબ્દનું ટૂંકું સ્વરૂપ છે. તે એક પ્રકારનું એચટીએમએલ એલિમેન્ટ છે.
આ પદ્ધતિનો ફાયદો એ છે કે આપણે જે સાઇટ પરથી કન્ટેન્ટ આપણા બ્લોગ પર એમ્બેડ કર્યું હોય તે મૂળ સાઇટ સાથે એ કન્ટેન્ટનો સંબંધ જળવાઈ રહે છે. એટલે કે યુટ્યૂબની જ વાત કરીએ તો યુટ્યૂબ પરથી વીડિયો એમ્બેડ કરવાનો કોડ આપણા બ્લોગ પર પેસ્ટ કરીએ તો એ વીડિયો દેખાય આપણા બ્લોગ પર, પરંતુ એ વીડિયો કોઈ જુએ તો તેનો વ્યૂ કાઉન્ટ યુટ્યૂબની મૂળ ચેનલમાં ગણતરીમાં લેવાય છે.
આ જ કારણે યુટ્યૂબની ચેનલ કે ઇન્ફોગ્રાફિક ઇમેજ આપતી સાઇટ્સ પોતે સામે ચાલીને પોતાનો વીડિયો કે ઇમેજ અન્ય બ્લોગ પર એમ્બેડ કરવા માટેનો રેડીમેડ કોડ આપતી હોય છે.
આમ કરવાથી એ ચેનલ કે સાઇટને વધુ વ્યૂઅર્સ તથા પબ્લિસિટી મળે છે, સામે પક્ષે એ કન્ટેન્ટને એમ્બેડ કરનાર બ્લોગને ખાસ મહેનત વિના સારું કન્ટેન્ટ પોતાના વાચકોને રજૂ કરવાની તક મળે છે. આમ બંને પક્ષ ફાયદામાં રહે છે.
આ જ કારણે અન્ય સાઇટ કે યુટ્યૂબની ચેનલ પરથી કન્ટેન્ટ આપણા બ્લોગ પર એમ્બેડ કરવું કાયદેસર છે. અલબત્ત એ માટે ઉપર કહ્યું તેમ આઇફ્રેમ ધરાવતા કોડનો જ ઉપયોગ કરવો જરૂરી છે.
