આ અંક સાથે, આપણી આ સહિયારી સફર એક નવા, રોમાંચક પડાવે પહોંચી છે. ‘સાયબરસફર’નો આ ૭૫મો અંક છે!
એક નાની અખબારી કોલમ દર મહિને ૪૮ પેજના સામયિકનું સ્વરૂપ લે એ જ મોટી વાત હતી. એમાંય વિશ્વભરમાં પ્રિન્ટેડ સામયિકોની આજે જે સ્થિતિ છે એ જોતાં, એક ચોક્કસ વિષય પર આધારિત આ મેગેઝિન ૭૫ અંક પૂરા કરી શકે એ પણ મોટી વાત છે!
આ સફળતાનાં બે જ કારણ છે – આ વિષયની જરૂરિયાત અને આપ સૌ વાચકોનો પ્રેમ! આજના સમયમાં સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વિના લગભગ કોઈને ચાલે તેમ નથી એ તો ખરું, આનંદ એ વાતનો છે કે ગુજરાતી પરિવારોએ તેનું મહત્ત્વ પારખ્યું છે અને ‘સાયબરસફર’ને સતત પ્રોત્સાહન આપ્યું છે.
આજે સફરના આ નવા પડાવે આપની પાસે એક અપેક્ષા છે. ‘સાયબરસફર’ વધુમાં વધુ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડી શકાય એ માટે આપનાં સૂચનો આપશો.
આટલા અંકોમાં આપ એટલું તો જરૂર સમજ્યા હશો કે ‘સાયબરસફર’ જ્ઞાન આપવાની નહીં પણ જ્ઞાનની ભૂખ જગાવવા માટેની પહેલ છે. એને આટલે સુધી પહોંચાડવા માટે આપે જે પ્રોત્સાહન આપ્યું છે એ માટે દિલથી ઋણસ્વીકાર!
– હિમાંશુ

