ફેસબુકનો તમે ઉપયોગ તો કરો છો, પણ શા માટે કરો છો? એ સવાલનો જવાબ ક્યારેક શાંતિથી વિચારો.
તમે વર્ષો જૂના ને સમયના વહેણમાં ખોવાઈ ગયેલા મિત્રોને ફરી મળવા માટે ફેસબુક પર સક્રિય છો, કોઈ વ્યવસાયિક હેતુથી સક્રિય છો કે પછી ખરેખર નજીકનાં સગાસંબંધી-મિત્રો સાથે જ સંપર્કમાં રહેવા માગો છો?
આ સવાલોના આધારે, ફેસબુક પર તમારા પોતાના પ્રોફાઇલમાં કેટલી વિગતો આપવી તે તમે નક્કી કરસી શકશો. તમે પ્રોફાઇલમાં આપેલી ઘણી ખરી વિગતો ફેસબુક પર તમામ સમયે સૌ કોઈ જોઈ શકે છે.
તમારા હોમપેજ પર, મેઇન ઇમેજમાં નીચે જમણે ખૂણે, તમારો પ્રોફાઇલ બીજા લોકોને કેવો દેખાશે તે જોવાની સગવડ મળે છે. તેનો ખાસ લાભ લો.
જો તમે ફેસબુકનો ઉપયોગ ખરેખરા, મર્યાદિત મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે જ કરતા હો તો પ્રોફાઇલમાંની ઘણી ખરી માહિતી તમે ડિલીટ કરી દો તો ચાલી શકે. એ પછી તમારો પ્રોફાઇલ ફેસબુક પર અન્ય લોકો કઈ રીતે જોશે તે ફરી તપાસી લો.
ફેસબુકનાં પ્રાઇવસી સેટિંગ્સ તપાસીને, તમે તમારી પોસ્ટ કે તમારા વિશેની સર્ચનો વ્યાપ કેટલો સીમિત રાખવો છે કે વિસ્તારવો છે તે નક્કી કરી શકાશે.
આ માટે…
- ફેસબુકમાં લોગઇન થયા પછી સેટિંગ્સમાં ડાબી તરફની કોલમમાં પ્રાઇવસી પર ક્લિક કરો.
- અહીંથી તમે નક્કી કરી શકો છો કે તમારી ભવિષ્યની પોસ્ટ કોણ જોઈ શકે છે.
- તમારી પોસ્ટ ફેસબુક પર કોઈ પણ વાંચી શકે એને બદલે માત્ર તમારા મિત્રો વાંચી શકે એવું સેટિંગ રાખવું હિતાવહ છે.
- ફેસબુક હવે એવી પણ સુવિધા આપે છે કે આપણે અગાઉ સૌ કોઈ માટે શેર કરેલી પોસ્ટને પણ માત્ર મિત્રો માટે સીમિત કરી શકીએ છીએ.
- જોકે એ ખાસ નોંધવું જરૂરી છે કે ફેસબુક પર કંઈ પણ પોસ્ટ કરતી વખતે જો તમે કોઈ પોસ્ટને પબ્લિક માટે શેર કરશો તો પછી દરેક પોસ્ટ માટે ફેસબુક તે યાદ રાખી લેશે!
આ સેટિંગ્સની નીચે લોકો તમને ફેસબુક પર કેવી રીતે શોધીને સંપર્ક કરી શકે એના સેટિંગ્સ જોવા મળશે.

તમને કોણ ફ્રેન્ડ્ઝ રિકવેસ્ટ મોકલી શકે, તમારા ફ્રેન્ડઝનું લિસ્ટ કોણ જોઈ શકે, સર્ચ એન્જિન્સમાં તમારો પ્રોફાઇલ જોવા મળી શકે કે નહીં તથા લોકો તમારા ફોન નંબર કે ઇમેઇલ એડ્રેસની મદદથી તમને શોધી શકે કે નહીં તે અંગેના સેટિંગ્સ તમે અહીંથી કરી શકો છો.
ફેસબુક પરનો તમારો ડેટા તમે શક્ય એટલો મર્યાદિત રાખવા માગતા હો તો આ બધા માટે માત્ર ‘ઓન્લી મી’, ‘માય ફ્રેન્ડઝ’ કે ‘ફ્રેન્ડઝ ઓફ ફ્રેન્ડઝ’નો વિકલ્પ પસંદ કરશો.
પ્રાઇવસીના સેટિંગ્સ નીચે ટાઇમલાઇન અને ટેગિંગના વિકલ્પો મળશે, જેની મદદથી તમારી ફેસબુક પ્રોફાઇલ પર કોણ પોસ્ટ કરી શકે અને તમને ફોટોઝમાં ટેગ કરી શકે તે નક્કી કરી શકાશે.
- અહીં પણ ‘ફ્રેન્ડઝ’ કે ‘ઓન્લી મી’ રાખવું હિતાવહ રહેશે સિવાય કે તમે ફેસબુકનો ઉપયોગ વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે કરી રહ્યા હો.
- અહીંથી તમે બીજા લોકોએ તમારા વિશે ઉમેરેલ ટેગ્સને તમે રીવ્યૂ કરીને ઓકે કરો તે પછી જ તમારી ટાઇમલાઇન પર જોવા મળી શકે તેવું સેટિંગ્સ કરી શકો છો.
ફેસબુક તમારા ચહેરાનો ડેટાબેઝ ઊભો કરે એવું તમે ન ઇચ્છતા હો તો ફેસિયલ રેકગ્નિશન તમે અહીંથી બંધ કરી શકો છો.


