ટેકનોલોજીની દુનિયામાં દરેક કંપની પોતપોતાના અલગ અલગ વાડા ઊભા કરતી હોય છે, જેમ કે એક સોફ્ટવેરમાં તૈયાર કરવામાં આવેલી ફાઇલ, સામાન્ય રીતે બીજા સોફ્ટવેરમાં ખૂલે નહીં. જોકે એકદમ જડબેસલાક વાડાબંધી કરવા જતાં લોકોનાં કામ ખોરવાય નહીં એટલે તેના ઉપાય પણ આ જ ટેક કંપનીઝ આપે છે.
આવો એક સરસ ઉપાય એટલે પીડીએફ. કોઈ પણ સોફ્ટવેરમાં તૈયાર કરેલા ડોક્યુમેન્ટને પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ)માં ફેરવીએ એટલે બીજી કોઈ પણ વ્યક્તિ પોતાના કમ્પ્યુટર કે મોબાઇલ ડિવાઇસમાં તેને જોઈ શકે, પેલા મૂળ સોફ્ટવેર વિના.
આ ‘જોઈ શકે’ શબ્દ મહત્ત્વનો છે કેમ કે પીડીએફનો મૂળ હેતુ, ડોક્યુમેન્ટ વિના કોઈ અવરોધ જોઈ શકાય એટલો જ હોય છે. પરંતુ જો તમારે કોઈ કારણસર પીડીએફ ફાઇલને એડિટ કરવાની થાય તો તેના પણ રસ્તા હોય છે.
થોડા સમય પહેલાં, આ માટે અલગ અલગ સોફ્ટવેર કે ઓનલાઇન સર્વિસ પર આધાર રાખવો પડતો હતો. પરંતુ વર્ડ ૨૦૧૩થી વર્ડમાં પીડીએફ ફાઇલ ઓપન કરી, એડિટ કરીને તેને ફરી પીડીએફ તરીકે અથવા વર્ડ ફાઇલ તરીકે સેવ કરવાની પણ સગવડ મળી છે (તમે કદાચ જાણતા હશો કે વર્ડ ૨૦૦૭થી વર્ડમાં જ ડોક્યુમેન્ટને પીડીએફમાં ફેરવવાની સગવડ મળી હતી).
આ સગવડનો લાભ લેવા માટે, તમારી પાસે વર્ડનું ૨૦૧૩ કે તેના પછીનું વર્ઝન હોય તો તેમાં જેમ અન્ય વર્ડ ફાઇલ ઓપન કરીએ એ જ રીતે, ઓપન કમાન્ડથી પીડીએફ ફાઇલ લોકેટ કરીને તેને ઓપન કરો. આથી એક ડાયલોગ બોક્સ ઓપન થશે, જેમાં લખ્યું હશે કે વર્ડ તમારી પીડીએફ ફાઇલને વર્ડ ડોક્યુમેન્ટમાં કન્વર્ટ કરી આપશે અને તેમાં થોડો સમય લાગી શકે છે.
જોકે અગત્યનો મુદ્દો એ છે કે કાં તો વર્ડ થોડો પ્રયાસ કરીને આપણને જાણ કરે કે આપણી પીડીએફને વર્ડ ડોક્યુમેન્ટમાં કન્વર્ટ કરી શકાય તેમ નથી અથવા તે કન્વર્ટ તો કરી આપે, પણ તેમાં ગ્રાફિક્સનું પ્રમાણ વધુ હોય તો વર્ડમાં ઓપન થયેલી એડિટેબલ ફાઇલ, મૂળ પીડીએફ કરતાં ખાસ્સી જુદી હોય એવું બની શકે છે. તેનાં ઘણાં કારણો હોઈ શકે છે, પણ આપણે સંબંધિત વાત એટલી કે વર્ડમાં પીડીએફ ઓપન કરી શકાય છે, પણ એ પરફેક્ટ જ હોય એવું જરૂરી નથી!
જો તમારી પીડીએફ ફાઇલ અગાઉ વર્ડમાં જ તૈયાર થયેલી હશે તો વાત સહેલી બનશે. આવી ફાઇલમાં તમે ઇચ્છો તે ફેરફાર કરીને તેને ફરી વર્ડ અથવા પીડીએફ તરીકે સેવ કરી શકશો.

