ચેન્નાઈ મહાનગરપાલિકામાં અત્યારે એક નવતર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ શહેરમાં છ ડ્રોનની મદદથી શહેરના ખૂણેખૂણાની તસવીરો લઈને એક વિશાળ ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ચેન્નાઇ દેશની એવી પ્રથમ મહાનગરપાલિકા છે જેણે કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય તથા નાગરિક ઉડ્ડયન વિભાગ પાસેથી મંજૂરીઓ મેળવીને આખા શહેરનું ડ્રોનની મદદથી મેપિંગ કરવાની શરૂઆત કરી છે.
આ પ્રોજેક્ટને કારણે સમગ્ર શહેરમાં ક્યા રસ્તાઓ પર ખાડાખબડા છે, કઈ ફૂટપાથો પર દબાણ થયાં છે કે મંજૂરી વિનાના સાઇનબોર્ડ મૂકાયાં છે તથા શહેરમાં કેટલાં વૃક્ષો છે તેની રજેરજની માહિતી મળશે.
આ પ્રોજેક્ટ હેઠળ રોજની ૩૬ હજાર ડિજિટલ ઇમેજ કેપ્ચર કરી શકાય તેમ છે, પરંતુ સલામતીનાં કારણોસર અત્યારે રોજની માત્ર ૧૫૦૦ ઇમેજ કેપ્ચર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં શહેરના ૩૦૯ ચો.કિ.મી. વિસ્તારનું આ રીતે મેપિંગ થઈ ગયું છે.
ઇમેજીસના પહેલા બેચને સંરક્ષણ મંત્રાલયમાં મોકલી દેવામાં આવ્યો છે જેથી રાષ્ટ્રીય સલામતી માટે મહત્વના એરફોર્સ સ્ટેશન્સ જેવા સ્થળોની ઇમેજીસ આ ડેટાબેઝમાંથી દૂર કરી શકાય.
