(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટનું સાકાર સ્વરૂપ : ડેટા સેન્ટર

ઇશ્વર અને ઇન્ટરનેટ. બંને અત્ર, તત્ર, સર્વત્ર હોવા છતાં આપણે કોઈ ઠેકાણે આંગળી મૂકીને બેમાંથી કોઈની હાજરી બતાવી શકીએ નહીં! જોકે જેમ મંદિરમાં મૂર્તિ બતાવીને આપણે કહી શકીએ કે અહીં ઇશ્વર વસે છે, એમ ઇન્ટરનેટની ક્યાંય હાજરી બતાવવી હોય તો આપણે ડેટા સેન્ટર તરફ આંગળી ચીંધી શકીએ.

રોજેરોજ આપણે ઇન્ટરનેટનો સતત ઉપયોગ કરતા હોવા છતાં તેનું આખું તંત્ર કેવી રીતે ચાલે છે એ વાત ઘણે અંશે આપણી નજર બહાર રહે છે.

‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૫ અંકમાં ઇન્ટરનેટનો ડેટા મહાસાગરોના તળિયે બિછાવેલા સબમરીન કેબલ્સની મદદથી કેવી રીતે હજારો કિલોમીટર દૂરથી આપણા સુધી પહોંચે છે એની આપણે માંડીને વાત કરી હતી. આ અંકમાં આ બધો ડેટા ક્યાં અને કેવી રીતે સચવાય છે તેની વાત કરીએ.

ઇન્ટરનેટ પર આપણે ફેસબુક પર કોઈ પોસ્ટ મૂકીએ, કોઈના સ્ટેટસને લાઇક કરીએ, વોટ્સએપ પર કંઇક લખીએ કે ગૂગલ પર કંઈ સર્ચ કરીએ કે કોઈને ઈ-મેઇલલ મોકલીએ કે મેળવીએ ત્યારે આપણા મનમાં મોટા ભાગે એ વિચાર ઝબકતો નથી કે આપણી કેટલીક ક્લિકની અસર આખી દુનિયામાં પથરાયેલાં અનેક ડેટા સેન્ટર્સમાં થાય છે, જ્યાં ઇન્ટરનેટ પરની આપણી દરેક પ્રવૃત્તિની પૂરેપૂરી ચોકસાઈ સાથે નોંધ લેવાય છે અને આવનારા બહુ લાંબા સમય સુધી તે સલામત રીતે સાચવવામાં પણ આવે છે.

કદના તફાવતને બાજુએ રાખીએ તો આપણા સ્માર્ટફોન કે કમ્પ્યુટર અને દુનિયા આખીનો ડેટા સાચવતા ડેટા સેન્ટર્સ વચ્ચે બહુ ઝાઝો તફાવત નથી. પીસીમાં આપણે, પીસીમાં જ સ્ટોર થયેલી કોઈ ફાઇલ ઓપન કરીએ કે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલો કોઈ વીડિયો કે ગીત પ્લે કરીએ ત્યારે કમ્પ્યુટર કે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જે તે સાધનમાં સ્ટોર થયેલ ડેટા આપણી સમક્ષ લાવી મૂકે છે. બરાબર એ જ રીતે જ્યારે આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ પીસી કે સ્માર્ટફોનથી ઇન્ટરનેટ પરની કોઈ પણ વેબસાઇટ, સર્વિસ, એપ વગેરે એક્સેસ કરીએ ત્યારે, આપણને જોઇતી માહિતી જગતના દૂરસુદૂર કોઈ ખૂણામાંના ડેટા સેન્ટરના જે સર્વરમાં સચવાયેલી હોય તે પલકવારમાં આપણા સુધી આવી પહોંચે છે.

આપણો અનુભવ છે કે આપણા પીસી કે સ્માર્ટફોનમાંના ડેટાને સાચવવો પણ આપણે માટે ઘણી વાર માથાનો દુ:ખાવો બને છે. ક્યારેક જોઇતી ફાઇલ ઝડપથી મળે નહીં અથવા કોઈ ફાઇલ કરપ્ટ થઇ જાય અથવા કંઈક નવું ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવું હોય પણ સાધનમાં એ માટે પૂરતી જગ્યા જ ન હોય! આ બધી તકલીફો ઉપરાંત પીસી કે સ્માર્ટફોનનો લગાતાર ઉપયોગ કરીએ ત્યારે બંને સતત ગરમ થતાં જાય એ વધારાની તકલીફ. સ્માર્ટફોનમાં તો આ તકલીફ ઘણી વાર ગંભીર સ્વરૂપ લેતી હોય છે.

ડેટા સેન્ટરનો ડેટા ચોવીસે કલાક ઉપલબ્ધ રહે એ સુનિશ્ચિત કરવા પાછળ અને ડેટા સેન્ટર્સને ઠંડાં રાખવા બહુ મોટા પ્રમાણમાં વીજળી અને પાણી ખર્ચાય છે.

જો એક નાના અમથા સાધનમાં, માત્ર આપણા ડેટાને સાચવવામાં અને તેનો ઉપયોગ કરવામાં આટલી તકલીફ થતી હોય તો દુનિયાભરમાં અબજોની સંખ્યામાં યૂઝર્સ ધરાવતી કંપની માટે દરેક યૂઝર પળે પળે જેમાં ઉમેરો કરતા જતા હોય એ બધો ડેટા અત્યંત સલામત અને ચોકસાઈભરી રીતે સાચવી રાખવો અને જે વ્યક્તિ, જે  માહિતી જ્યારે માગે ત્યારે તેને તે પૂરી પાડવાનું  કામ કેટલું ભગીરથ હશે એ વિચારી જુઓ!

ઇન્ટરનેટ પર સક્રિય દરેક કંપની પોતપોતાના યૂઝર્સ અને પોતપોતાની સર્વિસીઝનો તમામ પ્રકારનો ડેટા સાચવવા માટે ડેટા સેન્ટર્સ ઊભા કરતી હોય છે. કોઈ નાની કંપની પોતાની ઓફિસના કોઈ એક ખૂણામાં સર્વર ઊભું કરીને તેમાં પોતાનો બધો ડેટા સાચવે તો એ તેનું ડેટા સેન્ટર થયું અને ગૂગલ કે ફેસબુક જેવી કંપની આખી દુનિયાના વિવિધ ખૂણે ડેટા સેન્ટર્સ ઊભાં કરે એ ડેટા સ્ટોરેજનો જુદો પ્રકાર થયો.

અહીં આપણે જે ડેટા સેન્ટરની વાત કરીશું એ આ પ્રકારની વિરાટ કંપનીઓને લાગુ પડે છે.

નવા પ્રકારના ડેટા સેન્ટરની શોધ


અત્યારે ડેટા સેન્ટરની વાત ઊખેળવાનું ખાસ કારણ પણ છે – માઇક્રોસોફ્ટ કંપનીએ હમણાં ડેટા સેન્ટરની બાબતે એક નવો પ્રયોગ કર્યો. આમ તો ‘નેટિક’ નામનો આ પ્રોજેક્ટ બે-ત્રણ વર્ષથી ચાલે છે, પણ હમણાં બે મહિના પહેલાં કંપનીએ તેને આખરી સ્વરૂપ આપ્યું. માઇક્રોસોફ્ટે એક સાદો વિચાર અમલમાં મૂક્યો. કંપનીએ એટલું જ વિચાર્યું કે પૃથ્વી પરની ૫૦ ટકા જેટલી વસતી દરિયાકાંઠાની નજીક વસે છે તો આપણો ડેટા પણ દરિયાકાંઠાની નજીક શા માટે ન હોવો જોઇએ?

પ્રોજેક્ટ નેટિક પાછળ આ એક વિચાર ઉપરાંત, ટેક્નોલોજી કંપનીઝને સતાવતા બીજા ઘણા બધા સવાલોના જવાબ શોધવાની મથામણ પણ છે.

હવે સ્થિતિ ઘણે અંશે બદલાઈ રહી છે, પરંતુ એક સમયે ઇન્ટરનેટને કારણે પર્યાવરણને બહુ મોટું નુકસાન થઈ રહ્યું હોવાની ચર્ચાઓ ચાલી હતી. ગૂગલ પર આપણે કોઈ એક બાબત સર્ચ કરીએ ત્યારે તેની પર્યાવરણ પર કેટલી અસર થાય છે અને પર્યાવરણમાં કેટલું પ્રદૂષણ ઉમેરાય છે તેનો આપણને રતિભાર પણ અંદાજ હોતો નથી (જુઓ આ મૂળ લેખ પછીનો લેખ).

ઇન્ટરનેટને કારણે એક તરફ દુનિયા પેપરલેસ બની રહી છે પરંતુ બીજી તરફ ઇન્ટરનેટનું આખું તંત્ર ચલાવવા માટે જબરદસ્ત મોટા પાયે ઊર્જાની ખપત થાય છે. જેમાંની ઘણી ખરી જરૂરિયાત મોટી મોટી ઇન્ટરનેટ કંપનીઝના વિરાટ ડેટા સેન્ટર્સ પાછળ ખર્ચાય છે.

લશ્કરી હેતુ માટેનાં ડેટા સેન્ટર્સ ખાનગીપણા અને સલામતીને ધ્યાનમાં રાખી પર્વતમાળાની અંદર કે જમીનના પેટાળમાં તૈયાર કરવામાં આવે એવું પણ બની શકે છે.

જેમ આગળ વાત કરી તેમ આપણા સ્માર્ટફોનમાં જરા લાંબો સમય કોઈ વીડિયો જોવાથી કે એકશનપેક્ડ ગેમ રમવાથી સ્માર્ટફોન અત્યંત ગરમ થઇ જાય છે, એ જ રીતે ડેટા સેન્ટર્સમાં ડેટાની સતત આવનજાવન ચાલુ રહેવાથી બહુ મોટા પ્રમાણમાં ગરમી પેદા થાય છે. ડેટા સેન્ટરમાંનો ડેટા જ્યારે જોઈએ ત્યારે, ચોવીસેય કલાક સતત ઉપલબ્ધ રહે એ સુનિશ્ચિત કરવા પાછળ બહુ મોટા પ્રમાણમાં વીજળી ખર્ચાય છે અને એટલી જ વીજળી ડેટા સેન્ટર્સને ઠંડા રાખવામાં ખર્ચાય છે.

માઇક્રોસોફ્ટે ડેટા સેન્ટરને ઠંડા રાખવાની સમસ્યાના ઉકેલ તરીકે મોટા ઓઇલ ટેન્કર જેવા એક ટેન્કરમાં સર્વર્સ ગોઠવીને, ટેન્કરમાં જ ડેટા સેન્ટર ઊભું કરીને તેને દરિયાના પાણીમાં ગોઠવવાનું વિચાર્યું. હાલમાં માત્ર પાઇલોટ પ્રોજેક્ટ હોવા છતાં, આ ડેટા સેન્ટર આપણા ઘર કે ઓફિસમાં જોવા મળે એવાં હજારો હાઇ-એન્ડ પીસી જેટલું પાવરફૂલ છે અને તેમાં ૫૦ લાખ ડિજિટલ મૂવી જેટલો ડેટા સંગ્રહ કરી શકાય છે! યુકેના સ્કોટલેન્ડ નજીક દરિયાના પાણીમાં ઉતારાયેલું આ ડેટા સેન્ટર કેવું લાગે છે એ તમારે જોવું હોય, તો આ સાઇટ પર પહોંચો : https://natick.research.microsoft.com/ માઇક્રોસોફ્ટે તેનું આ પ્રયોગાત્મક ડેટાસેન્ટર ધરાવતા ટેન્કરની બહાર બે લાઇવ કેમેરા પણ રાખ્યા છે (જે ઘણી વાર ઓફલાઇન હોય છે, તમારે વારંવાર પ્રયાસ કરવો પડે એવું બની શકે)!

અન્ડવોટર ડેટા સેન્ટર્સ તૈયાર કરવાના માઇક્રોસોફ્ટના આ ગણિત પાછળ જુદા જુદા ઘણા મુદ્દા છે.

ડેટા સેન્ટરની મુખ્ય જરૂરિયાતો

ડેટા સેન્ટર અવિરત કામ કરતા રહે અને ઇન્ટરનેટનો મૂળ હેતુ – ડેટાની આપલે – બરાબર પાર પડે એ માટે બે શબ્દો સમજવા ખાસ જરૂરી છે.

રીડન્ડન્સી અને લેટન્સી.

રીડન્ડન્સીનો કાચો પાકો અર્થ સમજવા માટે આપણે અગ્નિશામક સાધનનું ઉદાહરણ લઈ શકીએ. તે સતત કામ આવતું નથી પરંતુ જ્યારે આગ લાગે ત્યારે જ એની હાજરીનું મૂલ્ય સમજાય છે. એમ ડેટા સેન્ટર્સને અવિરત પાવર સપ્લાય મળતો રહે એ માટે વીજળીના મૂળ સ્રોત ઉપરાંત જુદા જુદા બેકઅપ સ્રોત ઊભા કરવામાં આવે છે, જે મૂળ સ્રોતમાં ખામી સર્જાય ત્યારે તરત જ કાર્યરત થાય છે. એ જ રીતે ડેટા સેન્ટરના સર્વર્સમાં સચવાયેલા ડેટાને એક જ સ્થળે સંગ્રહ કરવાને બદલે જુદી જુદી અનેક જગ્યાએ સંગ્રહવામાં આવે છે. કોઈ એક જગ્યાનો ડેટા કોઈ કારણસર કરપ્ટ કે ફેઇલ થાય ત્યારે બીજી જગ્યાનો ડેટા કામે લાગી શકે છે.

લેટન્સીનો અર્થ છે ડેટાના સ્રોત એટલે કે ડેટા સેન્ટર અને ગંતવ્ય સ્થાન એટલે કે આપણા હાથમાંનો સ્માર્ટફોન કે પીસી એ બંને વચ્ચે ડેટાને મુસાફરી કરતાં લાગતો સમય.

માઇક્રોસોફ્ટે વિચાર્યું કે દુનિયાની અડધા ભાગની વસતી સમુદ્રોથી ૨૦૦ કિલોમીટર સુધીના અંતરમાં વસે છે. આથી જો ડેટાને દરિયાકાંઠે સાચવવામાં આવે તો લેટન્સીમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઈ શકે અને લોકોને બહેતર ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકે. માઇક્રોસોફ્ટની ગણતરી મુજબ ઇન્ટરનેટનાં સિગ્નલ્સ દર મિલિ સેકન્ડે ૨૦૦ કિલોમીટરની ઝડપે આખા ઇન્ટરનેટમાં હડિયાપટ્ટી કરતાં હોય છે. આથી જો ડેટા સેન્ટર અને આપણી વચ્ચેનું અંતર ૨૦૦ કિલોમીટર જેટલું હોય તો ડેટા માટેની આપણી રિકવેસ્ટ ડેટા સેન્ટર સુધી પહોંચે અને ત્યાંથી ડેટા આપણા સાધન સુધી પહોંચે એ આવનજાવનમાં ફક્ત ૨ મિલિસેકન્ડનો સમય લાગે. પરંતુ જો આપણે ડેટા સેન્ટરથી ૪૦૦૦ કિલોમીટર જેટલા દૂર હોઇએ તો આવી દરેક આવનજાવનમાં ૪૦ મિલિસેકન્ડનો સમય લાગી જાય (એટલે જ આપણી વેબસાઇટ માટે હોસ્ટિંગ સર્વિસ આપતી કંપનીઝ તેના ડેટા સેન્ટર આપણી નજીક હોવાના દાવા સાથે પોતાની સર્વિસ બહેતર હોવાની ખાતરી આપતી હોય છે). લેટન્સી જેમ વધુ તેમ આપણા સ્માર્ટફોનમાં કે પીસીમાં કોઈ ગેમના પર્ફોર્મન્સમાં કે કોઈ વેબપેજ લોડ થવામાં દેખીતો વિલંબ ધ્યાનમાં આવે.

ઇન્ટરનેટની પર્યાવરણ પરની અસર ઘટાડવા માઇક્રોસોફ્ટ પોતાના ડેટા સેન્ટર્સને સંપૂર્ણપણે રિસાયકલ્ડ કરવા માગે છે એટલે કે તે રિસાયકલ્ડ મટીરિયલમાંથી (કદાચ ભંગારવાડે ગયેલ ઓઇલ ટેન્કરને ડેટા સેન્ટરમાં ફેરવવામાં આવે!) અને તેની લાઇફ પૂરી થાય (જી હા, ડેટા સેન્ટરની પણ અમુક નિશ્ચિત વયમર્યાદા હોય છે. એ વટાવ્યા પછી તેને માનભેર વયનિવૃત્ત કરવામાં આવે છે કે અપગ્રેડ કરવામાં આવે છે).

માઇક્રોસોફ્ટના નેટિક ડેટા સેન્ટરને દરિયાકાંઠાના રીન્યુએબલ એનર્જી સોર્સમાંથી ઊર્જા મળે છે અને આ ડેટા સેન્ટર દરિયામાં હોવાથી તેમાં એક વ્યક્તિ પણ કામ કરતી નથી. એટલું જ નહીં, સતત પાણીની અંદર રહેવાને કારણે ડેટા સેન્ટરને ઠંડુ રાખવા માટે બીજા ડેટા સેન્ટર્સની જેમ વધારાના પાણી કે વીજળી ખર્ચની જરૂર રહેતી નથી. આ બધાને કારણે તેમાં કોઈ પણ પ્રકારનું એમિશન (પ્રદૂષણનું ઉત્સર્જન) થતું નથી.

માઇક્રોસોફ્ટને લાગે છે કે આ પ્રકારનાં ડેટા સેન્ટર ઓછોમાં ઓછાં ૧૦ વર્ષ સુધી પર્યાવરણને કોઈ નુકસાન કર્યા વગર કાર્યરત રહી શકે છે. અલબત્ત આ બધી વાત હજી પ્રયોગાત્મક સ્તરે છે. તે વાસ્તવિકતાનું સ્વરૂપ લે ત્યાં સુધી દુનિયાભરની અન્ય કંપનીઝના ડેટા સેન્ટર્સ પરંપરાગત રીતે ચાલતાં રહેશે. એટલું ખરું કે મોટા ભાગની કંપનીઝ ઊર્જાની ખપત ઘટાડવા માટેના પ્રયાસો કરી રહી છે.

ડેટા સેન્ટર મૂળભૂત રીતે કેવાં હોય છે?

બહારથી જોતાં મોટા ભાગનાં ડેટા સેન્ટર્સ મોટા ઓફિસ બિલ્ડિંગ કે ફેક્ટરી કોમ્પલેક્સ જેવાં જ લાગે છે. ઇન્ટરનેટ સતત ધાર્યા મુજબ કાર્યરત રહે એ માટે આ ડેટા સેન્ટર્સ સતત ધબકતાં રહેવાં જરૂરી છે. ડેટા સેન્ટરને આપણે મુખ્ય ચાર ભાગમાં વહેંચી શકીએ.

  1. ડેટા સેન્ટર માટેનું વિરાટ ભૌતિક માળખું
  2. ડેટાનો સંગ્રહ કરતાં સાધનો
  3. ડેટા સેન્ટરને અવિરત વીજળી પૂરી પાડવાની વ્યવસ્થા
  4. ડેટા સેન્ટરને સતત ઠંડું રાખવાની વ્યવસ્થા

ડેટા સેન્ટરના બિલ્ડિંગને ઓફિસ બિલ્ડિંગ કરતાં પણ આપણે વેરહાઉસ કે ગોદામ સાથે વધુ સરખાવી શકીએ કારણ કે મોટા ભાગે તેમાં ચાર દિવાલો અને છતથી વિશેષ ખાસ કોઈ આંતરિક ગોઠવણ હોતી નથી. લશ્કરી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ડેટા સેન્ટર્સ ખાનગીપણા અને સલામતીને ધ્યાનમાં રાખીને કોઈ પર્વતમાળાની અંદર કે જમીનના પેટાળમાં તૈયાર કરવામાં આવે એવું પણ બની શકે છે.

ડેટા સેન્ટરની ખરી ઓળખ છે તેમાંનાં સર્વર્સ. સર્વર મોટા ભાગે જૂના જમાનાના વીડિયો પ્લેયર જેવાં હોય છે, જે એકમેક સાથે કનેક્ટેડ હોય છે. આ સર્વર્સ એક પ્રકારે આપણા કમ્પ્યુટર જેવાં જ હોય છે, ફક્ત તેમાં મોનિટર કે કી-બોર્ડ હોતાં નથી અને તે આપણાં કમ્પ્યુટર કરતાં અનેકગણાં વધુ ઝડપી અને શક્તિશાળી હોય છે. સર્વર્સમાં જે તે કંપનીની સર્વિસીઝ ચલાવવા માટેના સોફ્ટવેર હોય છે જેમ કે, વોટ્સએપ કે ફેસબુકના સર્વરમાં આ સર્વિસ ચલાવતી એપ્લિકેશન સ્ટોર થયેલી હોય છે. આ સર્વર્સ સંખ્યાબંધ છાજલીમાં એકમેક પર ગોઠવાયેલાં હોય છે.

ડેટા સેન્ટરની પર્યાવરણ પર બહુ માઠી અસર થાય છે, પણ સદભાગ્યે ડેટા સેન્ટરની વીજળી-પાણીની જરૂરિયાતો માટે વૈકલ્પિક સ્રોતનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

સર્વર અને નેટવર્કિંગનાં સાધનો ઉપરાંત ડેટા સેન્ટરમાંનો સૌથી વધુ અગત્યનો હિસ્સો છે સ્ટોરેજ ઇક્વિપમેન્ટ. તે પણ ઘણે અંશે સર્વરને મળતાં આવે છે અને સર્વર્સની જેમ જ છાજલીઓ પર એકમેકની ઉપર ગોઠવાયેલાં હોય છે. આ સાધનોને આપણે પીસીમાંની હાર્ડ ડિસ્ક કે સ્માર્ટફોનમાંની ઇન્ટર્નલ સ્ટોરેજ કે એસડી કાર્ડ સાથે સરખાવી શકીએ. ફેર ફક્ત એટલો કે આ સ્ટોરેજ ઇક્વિપમેન્ટની ક્ષમતા અનેકગણી વધુ હોય છે.

આ ઇક્વિપમેન્ટ્સમાં આપણો ડેટા સચવાયેલો રહે છે. ડેટા સેન્ટરમાંના સર્વર્સ અને સ્ટોરેજ ઇક્વિપમેન્ટ સાથે કમ્યુનિકેશન કે નેટવર્કિંગનાં સાધનો જોડાયેલાં હોય છે, જેની મદદથી સર્વરમાંથી બહાર કે અંદરની તરફ ડેટાની આવનજાવન થાય છે.

આ આખું તંત્ર અવિરત ચાલતું રહે એ માટે ઇલેક્ટ્રિસિટીનું ધરખમ માળખું પણ તૈયાર કરવામાં આવે છે. ડેટા સેન્ટર માટે ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશનનું માળખું એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેને કારણે કોઈ એક સિસ્ટમ ફેઇલ થાય તો તરત જ બીજી સિસ્ટમ કાર્યરત થઇને આઇટી ઇક્વિપમેન્ટસની કાર્યવ્યવસ્થામાં એક ક્ષણનો પણ ખોટકો આવવા દેતા નથી.

ઘણી વાર ડેટા સેન્ટરમાં પોતાના ડિઝલ કે કુદરતી ગેસથી ચાલતા જનરેટર સેટ્સ ઉપરાંત બે અલગ અલગ પાવરગ્રીડમાંથી ઇલેક્ટ્રિસિટી મેળવવાનો અભિગમ પણ અપનાવવામાં આવે છે. ડેટા સેન્ટર્સમાં વીજળીના અવિરત પુરવઠા માટે ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચીઝ (એટીએસ) અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાઇઝ (યુપીએસ) અને પાવર ડિસ્ટ્રિબ્યુશન યુનિટ્સ (પીડીયુ) જેવાં સાધનોનો ઉપયોગ થાય છે.

ડેટા સેન્ટરનો અન્ય સૌથી મહત્ત્વનો હિસ્સો કૂલિંગ પ્લાન્ટ્સ હોય છે. ડેટા સેન્ટરમાં પેદા થતી ગરમી સતત દૂર કરવા માટે અને ડેટા કે સમગ્ર વ્યવસ્થાને કોઈ નુકસાન ન પહોંચે એ માટે પાણી આધારિત કૂલિંગ પ્લાન્ટસ અનિવાર્ય છે. આ કારણે ડેટા સેન્ટરમાં વીજળી અને પાણીનો સૌથી વધુ વપરાશ થાય છે.

દુનિયામાં સૌથી વધુ ડેટા સેન્ટર્સ અમેરિકામાં છે અને બે વર્ષ પહેલાંના, એટલે કે વર્ષ ૨૦૧૬ના અંદાજ મુજબ, અમેરિકામાં દર વર્ષે કુલ જેટલી વીજળીનો વપરાશ થાય છે, તેમાંથી ૨ ટકા જેટલી વીજળી (૭૦ અબજ કિલોવોટઅવર્સ, દર વર્ષે) માત્ર ઇન્ટરનેટનાં ડેટા સેન્ટર્સ પાછળ ખર્ચાઈ જાય છે, જેના ઉત્પાદન પાછળ સાત અબજ ડોલરનો ખર્ચ થાય છે.

અગાઉ નિષ્ણાતોનો અભિપ્રાય હતો કે વર્ષ ૨૦૨૦ સુધીમાં ડેટા સેન્ટર્સ વર્ષે ૨૦૦ અબજ કિલોવોટઅવર્સ જેટલી વીજળી ખર્ચ કરવા લાગશે, પરંતુ સદભાગ્યે, વર્ષ ૨૦૧૦થી ડેટા સેન્ટર્સ ઓછી વીજળી ખાઈને વધુ કામ આપે એ માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એટલે વર્ષ ૨૦૨૦ સુધીમાં વીજળીની જરૂર, ૨૦૧૬ના ૭૦માંથી વધીને માત્ર ૭૩ અબજ કિલોવોટઅવર્સ થશે એવી શક્યતા છે.

ટૂંકમાં, આપણે જેમ જેમ જાતભાતના ડિજિટલ ડેટાનો ભાર ડેટા સેન્ટર્સ પર વધારતા જઈશું તેમ તેમ, પર્યાવરણ પર વધુ ને વધુ જોખમો તોળાતાં જશે, આશ્વાસન ફક્ત એટલું છે કે ડેટા સેન્ટર્સ ચલાવવા માટે સંપૂર્ણપણે પર્યાવરણને સાનુકૂળ ઊર્જાના વપરાશની દિશામાં ખાસ્સી પ્રગતિ થઈ રહી છે.

ગૂગલ તેના ડેટા સેન્ટર વિશે ઘણી માહિતી જાહેર કરે છે. તેનાં ડેટા સેન્ટર્સ જોવા માટે યુટ્યૂબ પર આ શબ્દો સર્ચ કરો :

Inside a Google data center

Google Data Center 360 Tour

ફિનલેન્ડમાં ગૂગલે ૧૯૫૦ના દાયકામાં બનેલી એક કાગળની મીલને ડેટા સેન્ટરમાં ફેરવી નાંખી છે. ફિનલેન્ડના દરિયાકાંઠે તે હોવાથી, તેને ઠંડું રાખવા સીધું જ દરિયામાંથી ઠંડુગાર પાણી ઉલેચી લેવાની સરળતા રહે છે.

સ્વિટ્ઝરલેન્ડની એસઆઈએજી સિક્યોર ઇન્ફો સ્ટોર નામની એક કંપનીએ આલ્પ્સ પર્વતમાળામાં એક સમયના મિલિટ્રી બંકર્સને ડેટા સેન્ટરમાં ફેરવી નાખ્યા છે.

બાર્સિલોના સુપરકમ્પ્યુટિંગ સેન્ટર નામની એક કંપનીએ તેના સુપરકમ્પ્યુટર માટે સ્પેનના એક જૂના ચર્ચને ડેટા સેન્ટરમાં ફેરવી નાખ્યું છે. પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને તેની મુલાકાતે જઈ શકે છે.

નોટિલસ ડેટા ટેક્નોલોજીસ નામની એક કંપની એક બાર્જ પર તરતા ડેટા સેન્ટર્સ ઊભા કરવાની મથામણમાં છે. અહીં પણ આશય એ જ છે સહેલાઈથી મળતા દરિયાના પાણીનો ઉપયોગ કરીને ડેટા સેન્ટર્સને ઠંડા રાખવાનો ખર્ચ ઘટાડવો.

ફેસબુકે સ્વીડનમાં એક ડેટા સેન્ટર ઊભું કર્યું છે જે ઉત્તર ધ્રૂવની તદ્દન નજીક હોવાથી આ ડેટા સેન્ટરને હાર્ડ થીજાવી નાખતા ઠંડા પવનોથી લગભગ વિના કોઈ ખર્ચે ઠંડું રાખવાની સગવડ મળે છે.

સ્વીડનની બેનહોફ નામની ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીએ સ્ટોકહોમ શહેરના ભૂગર્ભમાં એક વિશાળ બન્કરમાં મોટા ફેરફાર કરીને તેને અને તેની સાથે જોડાયેલી ગૂફાઓને ડેટા સેન્ટરમાં ફેરવી નાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!