એકબીજાના ફોન નંબરની આપલે કરવા માટે અત્યાર સુધી ભલે મિસ્ડ કોલની ટ્રિક વાપરી, હવે ક્યુઆર કોડની મદદથી નંબર ઉપરાંત બીજી વિગતો પણ સહેલાઈથી શેર કરી શકાશે.
કોઈ બિઝનેસ મીટિંગ, પાર્ટીકે લગ્નપ્રસંગે કોઈની સાથે તમારા મોબાઇલ નંબરની આપ-લે કરવાના સંજોગ ઊભા થાય ત્યારે તમે શું કરો છો?
મોટા ભાગે તમે સામેની વ્યક્તિનો નંબર પૂછીને તમારા ફોનમાંથી એ વ્યક્તિનો નંબર જોડો, પેલા ભાઈ તમારો કોલ કટ કરે અને પછી તમે બંને પોતપોતાના ફોનમાં એકબીજાના નંબર સેવ કરી લો, એવું થતું હશે.
કોન્ટેક્ટ શેરિંગની આ સાદી અને જૂની રીત થઈ. આપણે જાણીએ સ્માર્ટ રીત.
આપણે સૌ રોજબરોજ દિવસમાં કેટલીય વાર પોતાના સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ એપ ઓપન કરીને બીજા કેટલાય લોકોના નંબર જોતા હોઈએ છીએ, સિવાય કે આપણો પોતાનો નંબર. જો તમે કોન્ટેક્ટ એપમાં જોશો તો તમારા મોબાઇલના મોડેલ અને એન્ડ્રોઇડના વર્ઝન અનુસાર તેમાં ‘માય પ્રોફાઇલ’ કે ‘મી’ એવા શીર્ષક નીચે તમારી પોતાની વિગતો લખવાનો વિકલ્પ મળશે.
એક વાર થોડો સમય કાઢીને તમારા બિઝનેસ કાર્ડમાં હોય એ બધી જ વિગતો અને એ ઉપરાંત જરૂરી લાગે તે ફિલ્ડ ઉમેરીને કોન્ટેક્ટ એપમાં તમારો પ્રોફાઇલ બરાબર તૈયાર કરી લો.
હવે ‘માય પ્રોફાઇલ’ ઓપન હોય ત્યારે તેમાં નીચેની તરફ જાઓ. ‘સી ઓલ’ ક્લિક કરી હજી આગળ જશો તો છેક નીચે ‘શો ક્યુઆર કોડ બિઝનેસ કાર્ડ’ એવો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરતાં તમારા પ્રોફાઇલમાંની તમામ વિગતો ધરાવતો એક ક્યુઆર કોડ તમારા સ્ક્રીન પર જોવા મળશે.
હવે સામેની વ્યક્તિને કહો કે એ તેમની કોન્ટેક્ટ એપ ઓપન કરે અને તેમાં સેટિંગ્સના ત્રણ ડોટ પર ક્લિક કરે. અહીં તેમને ‘સ્કેન ક્યુઆર કોડ’ એવો વિકલ્પ જોવા મળશે. તેઓ તેના પર ક્લિક કરશે એટલે તેમની કેમેરા એપ ઓપન થશે. તેઓ પોતાના મોબાઇલથી તમારા મોબાઇલ પરનો ક્યુઆર કોડ સ્કેન કરશે એટલે તેમને આ વિગતો ક્યાં સેવ કરવી છે તે પૂછવામાં આવશે. તેઓ પોતાનું ગૂગલ એકાઉન્ટ (અથવા ફોન મેમરી) પસંદ કરશે એટલે તમારા પ્રોફાઇલમાંની તમામ વિગતો એ વ્યક્તિના કોન્ટેક્ટ લિસ્ટમાં જે તે ફિલ્ડમાં યોગ્ય રીતે ઉમેરાઈ જશે!
હવે પછી જ્યારે પણ કોઈ વ્યક્તિ તમારો મોબાઇલ નંબર માગે ત્યારે તેમને મિસ્ડકોલ આપવાને બદલે આ રીતે ક્યુઆર કોડ બતાવજો, એ વ્યક્તિ જરૂર ઇમ્પ્રેસ થઇ જશે!
ફોનની કોન્ટેક્ટ એપમાં, તમારા પોતાના પ્રોફાઇલને એડિટ કરીને તેમાં જરૂરી તમામ વિગતો ઉમેરી દો.
છેક નીચે જતાં, બધી માહિતી ક્યુઆર કોડ રૂપે જોવાનો વિકલ્પ મળશે. બધા કોન્ટેક્ટ માટે આ સુવિધા મળશે.
તેના પર ક્લિક કરતાં, જે તે કોન્ટેક્ટની તમામ માહિતી ધરાવતો એક ક્યુ આર કોડ તૈયાર થશે.
સામેની વ્યક્તિ આ કોડ સ્કેન કરશે એટલે તમામ વિગત તેમની એપમાં ઉમેરાઈ જશે!

