‘‘કયા ફિલ્ડમાં કરિયર બનાવવા માગો છે?’’ સ્કૂલના આઠમા-દસમા કે બારમા ધોરણના વિદ્યાર્થીને આ સવાલ પૂછો તો હવે મોટા ભાગે જવાબ મળે – આઇટી ફિલ્ડમાં!
આજે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન છે, નાનાં ટાબરિયાંથી માંડીને દાદા-દાદી સૌ કોઈ વોટ્સએપ-ફેસબુક વાપરવા લાગ્યાં છે, દુનિયા આખી ઇન્ટરનેટના જોરે જ ચાલતી હોય એવું લાગે છે એટલે સ્વાભાવિક છે કે સૌ કોઈને આઇટી એટલે કે ઇન્ટર્મેશન ટેક્નોલોજીમાં ઉજ્જવળ ભાવિ દેખાય.
“અચ્છા, આઇટીમાં આગળ શું કરવાની ઇચ્છા છે?’’ એવું પૂછતાં આજકાલ જેની સૌથી વધુ ચર્ચા ચાલે છે એ જવાબ મળે – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા મશીન લર્નિંગ!
પરંતુ જ્યારે આ દિશામાં ખરેખર આગળ વધવાની વાત આવે ત્યારે મૂંઝવણ શરૂ થાય.
કોલેજમાં એડમિશન લેવાની વાત આવે ત્યારે તો ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઇટી) ઉપરાંત કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ, સોફ્ટવેર એન્જિનીયરિંગ, કમ્પ્યુટર એપ્લિકેશન, ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી વગેરે જાત જાતના કોર્સના વિકલ્પો દેખાય. વિદ્યાર્થી તો ઠીક, વાલીને ખાસ મૂંઝવણ થાય અને વિચાર આવે કે આપણે તો અત્યાર સુધી આ બધું એક જ માનતા હતા!
કમ્પ્યુટર ટેક્નોલોજીનું ક્ષેત્ર એટલું ઊંડું, અટપટું અને જુદા જુદા ફાંટાવાળું છે કે એમાંથી શું કરવું, શું આજે ડિમાન્ડમાં છે અને શું આવતી કાલે ડિમાન્ડમાં રહેશે એ સમજવું કોઈને પણ માટે મુશ્કેલ છે.
સૌથી અગત્યની વાત એ છે કે જે ડીગ્રી માટે આપણે જીવનનાં અમૂલ્ય ૩-૪ કે વધુ વર્ષ આપવાના છીએ, એ ડીગ્રીના કોર્સમાં આપણને કઈ કઈ વાત શીખવા મળવાની છે અને આજની તથા આવતી કાલની દુનિયામાં એની ઉપયોગિતા કેટલી છે એ જાણવું અત્યંત જરૂરી છે. માત્ર આઇટી ફિલ્ડ સારું એવું વિચારીને અને આગળ બતાવ્યા એમાંથી જેમાં એડમિશન મળે એમાં ઘૂસી જવાથી તેજસ્વી કારકિર્દી ઘડી શકાય નહીં.
વિદ્યાર્થી માટે આખી વાત વધુ મુશ્કેલ એટલા માટે બને કે અત્યાર સુધીની જિંદગીમાં બધી વાતમાં જેમનું માર્ગદર્શન મળ્યું હોય, એ માતાપિતા આ વાતમાં લગભગ કશું જ કહી શકે નહીં. દીકરા-દીકરીની ઉજ્જવળ કારકિર્દીની ચિંતામાં અને પોતાની ફરજ પૂરી કરવા માટે એ જુદી જુદી કોલેજ દ્વારા એડમિશનની સિઝનમાં યોજાતી ફ્રી સેમિનાર્સમાં દોડદોડી કરે, કોઈ ઓળખીતાના અભિપ્રાય મેળવે અને કાં પછી છેવટે જેમાં એડમિશન મળે એ ઝડપી લઈને તેઓ સંતોષ માને.
પરંતુ કારકિર્દી ઘડવાની આ સાચી રીત છે ખરી?
અહીંથી આગળ, આપણે જેને આઇટી માનીએ છીએ એમાં જુદા જુદા કેટલા અને કયા પ્રકારના ફાંટા છે, એ બધા કઈ રીતે એકબીજાથી જુદા છે અને કઈ બાબતે એકબીજા સાથે સંકળાયેલા છે એ જાણીએ.
[alert-announce]
આ લેખમાં તમે વાંચશો
- પહેલી વાત, માત્ર કોલેજ કે ડીગ્રીને આધારે રહેશો નહીં
- કમ્પ્યુટર ટેક્નોલોજીમાં કારકિર્દી માટે આપણી શિક્ષણ વ્યવસ્થા
- જો બારમા ધોરણમાં એ ગ્રૂપ રાખ્યું હોય તો
- જો બારમા ધોરણમાં સાયન્સ ન રાખ્યું હોય તો અથવા સાયન્સમાં એ ગ્રૂપ ન રાખ્યું હોય તો
- જો એન્જિનીયરિંગમાં એડમિશન ન મળે તો
- જો તમને ડીગ્રી કોર્સમાં એડમિશન ન જ મળે તો
- આગળની દિશા
- વિશ્વમાં કમ્પ્યુટર ટેક્નોલોજી કેવી રીતે વિસ્તરી રહી છે?
- રિસર્ચ
- સોલ્યુશન્સ
- એપ્લિકેશન
[/alert-announce]
પહેલી વાત, માત્ર કોલેજ કે ડીગ્રીને આધારે રહેશો નહીં
સૌથી પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કમ્પ્યુટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધવું હોય, ખરેખર તેજસ્વી કારકિર્દી બનાવવી હોય તો માત્ર કોલેજના આધારે રહેવાથી ચાલશે નહીં.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નાડેલા કે સેમસંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મિસ્ત્રી જેવાં ભારતીય નામ અત્યારે ટેક્નોલોજીની દુનિયામાં ટોચ પર છે અને એમના ઉપરાંત બીજા અનેક ભારતીયો, ભલે આપણા માટે અજાણ્યા છે પરંતુ ગ્લોબલ ટેક કંપનીઝમાં પ્રથમ હરોળમાં છે. એ સૌ ભારતની કોલેજ અને ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ્સમાં જ ભણીને આજના સ્થાને પહોંચ્યા છે, એટલે આપણી શિક્ષણ વ્યવસ્થાને ઊતરતી આંકવાની વાત નથી.
તેમ છતાં, કમ્પ્યુટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઊંચાઈએ પહોંચવા માટે માત્ર કોલેજ પર આધાર રાખવાથી ચાલશે નહીં કારણ કે કમ્પ્યુટર ટેક્નોલોજી અત્યંત ઝડપથી વિકસી રહી છે અને માત્ર ભારતની જ નહીં, દુનિયાભરની યુનિવર્સિટીઝ, કોલેજીસ માટે, પોતાના અભ્યાસક્રમમાં આ ઝડપ સાથે તાલ મિલાવવો મુશ્કેલ છે.
કમ્પ્યુટર ટેક્નોલોજીનું ક્ષેત્ર બીજાં બધાં ક્ષેત્રો કરતાં પ્રમાણમાં ઘણું નવું છે અને કદાચ સૌથી વધુ ઝડપથી વિકસતું ક્ષેત્ર છે.
એકાઉન્ટિંગ, સિવિલ, મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગ કે મેડિકલ જેવાં ક્ષેત્રો ઘણાં વર્ષોથી સ્થાપિત ક્ષેત્રો છે. એ બધામાં નવા નવા મુદ્દાઓ, નવી નવી ટેક્નોલોજી આવતાં જાય છે, પરંતુ એની ઝડપ કમ્પ્યુટર ટેક્નોલોજી જેવી વેગીલી નથી. મતલબ કે બારમા ધોરણ પછી આ કોઈ ક્ષેત્રમાં આગળ વધવા માટે કોલેજમાં એડમિશન મેળવવીએ અને તેના અભ્યાસક્રમ પર પૂરતું ફોકસ કરીને એક પછી એક પરીક્ષાઓ પાર કરતા જઈએ તો આ ક્ષેત્રોમાં ઝળકી ઊઠવું બહુ મુશ્કેલ નથી (યાદ રહે, કઠોર પરિશ્રમ, પોતાના ક્ષેત્ર માટે વધુ ને વધુ જાણવાની ઉત્કંઠા અને ટેલેન્ટ તો દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પહેલી શરત છે).
કમ્પ્યુટર ટેક્નોલોજીને પણ આ પહેલી શરત તો લાગુ પડે જ છે. એ ઉપરાંત, તેમાં કોલેજના અભ્યાસક્રમ પચાવવાની સાથોસાથ આખી દુનિયામાં આ ક્ષેત્રમાં શું નવું ચાલી રહ્યું છે એ જાણવું અને શીખવું અનિવાર્ય છે.
એટલે જ, આપણા આ લેખમાં આપણે બે સ્તરની વાત એક સાથે કરવી પડશે. એક, કમ્પ્યુટર ટેક્નોલોજી માટે આપણા દેશમાં શિક્ષણનું માળખું શું છે, અને બીજું, આ બધું ભણ્યા-શીખ્યા પછી જે દુનિયામાં એ બધું કામે લાગવાનું છે, તેમાં બધું કામ કઈ રીતે વહેંચાયેલું છે.
બીજાં લગભગ બધાં જ ક્ષેત્રોની જેમ, કમ્પ્યુટર ટેક્નોલોજીની દુનિયામાં મુખ્યત્વે નીચે મુજબનાં ત્રણ પ્રકારમાં કામ વહેંચાયેલું છે :
- રિસર્ચ : શું હોવું જોઈએ તેનું સંશોધન
- સોલ્યુશન : કેવી રીતે કરવું તેના ઉપાય
- એપ્લિકેશન : સંશોધન અને ઉપાયોનો વાસ્તવિક ઉપયોગ
જોકે એ જરૂર યાદ રાખશો કે આપણે માત્ર એક સરળ સમજ કેળવવા આ ત્રણ ભાગ કર્યા છે, હકીકતમાં આ બધા જ ભાગ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, તેમનાં ઘણાં પાસાં એકમેક પર ઓવરલેપ થાય છે.
આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોર્સનાં નામ જુદાં જુદાં હોવા છતાં અંતે બધું આ ત્રણ ભાગ પર આધારિત છે. ઉપરાંત, જુદા જુદા કોર્સમાં પ્રારંભિક વર્ષોમાં લગભગ એક સરખા અભ્યાસકમ છે અને ત્યાર પછી બધું થોડું થોડું જુદી જુદી દિશામાં ફંટાય છે.
અહીંથી આગળ આપેલી સમજને આધારે કમ્પ્યુટર ટેક્નોલોજીના વિશાળ ક્ષેત્રમાં, ખરેખર તમારા રસનો વિષય કયો છે એ વિચારીને, તે મુજબ તમારા અભ્યાસની દિશા નક્કી કરવામાં તમને મદદ મળશે.
કમ્પ્યુટર ટેક્નોલોજીમાં કારકિર્દી માટે આપણી શિક્ષણ વ્યવસ્થા
આપણા દેશમાં અને રાજ્યમાં કમ્પ્યુટર ટેક્નોલોજીના અભ્યાસના વિવિધ વિકલ્પો છે. આ ક્ષેત્ર બહુ વિશાળ હોવાથી તેમાં વિવિધ પ્રકારના સર્ટિફિકેટ કોર્સીઝ, વોકેશનલ ટ્રેનિંગ કોર્સીઝ તથા ડિપ્લોમા કોર્સીઝથી લઈને પીએચ.ડી. પ્રોગ્રામ્સ સુધીનો અભ્યાસ કરીને આ ક્ષેત્રમાં જોડાઈ શકાય છે.
અલબત્ત, જો આ ક્ષેત્રમાં ખાસ્સા આગળ જવું હોય તો બારણા ધોરણના પરિણામને આધારે વિવિધ ડીગ્રી કોર્સમાં એડમિશન મેળવવું એ પહેલી શરત છે. અહીં આપણે આ દિશામાં ઉપલબ્ધ વિકલ્પોની વાત કરીએ. ડીગ્રી કોર્સથી શરૂઆત કરવાના મુખ્ય ચાર રસ્તા છે :
- બેચલર ઓફ એન્જિનીયિરંગ (બી.ઇ.) કે બેચલર ઓફ ટેક્નોલોજી (બી.ટેક.)ની ડીગ્રી માટે ૪ વર્ષના કોર્સ
- બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ (બી.સી.એ.)નો ૩ વર્ષનો કોર્સ
- બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ઇન્ફર્મેશન ટેક્નોલોજી) ડીગ્રી માટે ૩ વર્ષનો કોષમળ
- બેચલર ઓફ સાયન્સ (બી.એસસી.)ની ડીગ્રી માટે ૩ વર્ષનો કોર્સ
જો બારમા ધોરણમાં એ ગ્રૂપ રાખ્યું હોય તો
બારમા ધોરણમાં એ ગ્રૂપ (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ) રાખ્યું હોય તો બી.ઇ. કે બી.ટેક.ની ડીગ્રી માટે નીચેના ચાર વર્ષના કોર્સમાં એડમિશન મેળવીને આગળ વધી શકાય છે :
- કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ
- કમ્પ્યુટર એન્જિનીયરિંગ
- ઇન્ફર્મેશન ટેક્નોલોજી
- ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી
આ કોર્સીઝ કમ્પ્યુટર ટેકનોલોજી સાથે સીધો સંબંધ ધરાવતા કોર્સ છે. કમ્પ્યુટર ટેક્નોલોજીનો ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન તથા ટેલિકમ્યુનિકેશન સાથે ગાઢ સંબંધ હોવાથી, નીચેના કોર્સ પણ ઉપયોગી થઈ શકે છે :
- ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયરિંગ
- ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનીયરિંગ
- ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનીયરિંગ
આ કોર્સ કર્યા પછી જે તે ટેકનિકલ ફિલ્ડમાં કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં વધુ અભ્યાસ કરી શકાય છે, રિસર્ચ અને એકેડમિક્સમાં જઈ શકાય અથવા ટેકનોલોજી કંપનીમાં નોકરી મેળવી શકાય છે.
જો બારમા ધોરણમાં સાયન્સ ન રાખ્યું હોય અથવા સાયન્સમાં એ ગ્રૂપ ન રાખ્યું હોય તો
બારમા ધોરણમાં કોમર્સ રાખ્યું હોય અથવા સાયન્સ રાખ્યું હોય પણ તેમાં એ ગ્રૂપ (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ) ન રાખ્યું હોય, તેમ છતાં કમ્પ્યુટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા હોય તો નીચેના ત્રણ વર્ષના કોર્સ મદદરૂપ થઈ શકે છે.
- બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ (બી.સી.એ.)નો ૩ વર્ષનો કોર્સ
- બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ઇન્ફર્મેશન ટેક્નોલોજી)
આ કોર્સ માટે કોઈ પણ શાખામાં ગણિત, સ્ટેટિસ્ટિક્સ, એકાઉન્ટ્સ કે કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો એડમિશન મેળવી શકાય છે.
આ ક્ષેત્રના અનુભવી લોકોના મતે, આપણે ત્યાં બી.સી.એ. અને એમ.સી.એ.નો અભ્યાસક્રમ લગભગ સરખો હોવાથી, બી.સી.એ. કર્યા પછી એમ.બી.એ. કરો તો તે વધુ ઉપયોગી થશે. એ જ રીતે, બી.બી.એ. કર્યા પછી એમ.સી.એ. કરો તો પણ કમ્પ્યુટર ક્ષેત્રમાં આગળ વધવાની તક રહેશે.
જો એન્જિનીયરિંગમાં એડમિશન ન મળે તો
બારમા ધોરણમાં સાયન્સમાં એ કે બી ગ્રૂપ રાખ્યું હોય તો બેચલર ઓફ સાયન્સ (બી.એસસી.) ડીગ્રી માટે નીચેના ત્રણ વર્ષના કોર્સમાં એડમિશન મેળવીને કમ્પ્યુટરના ક્ષેત્રે આગળ વધી શકાય છે :
- કમ્પ્યુટર સાયન્સ
- મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટર સાયન્સ
- ફિઝિકલ સાયન્સી એન્ડ કમ્પ્યુટર સાયન્સ
આ ત્રણેય કમ્પ્યુટર ટેક્નોલોજી સાથે સીધો સંબંધ ધરાવતા કોર્સ છે. એ ઉપરાંત, ફિઝિકલ સાયન્સીઝ વિથ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, મેથેમેટિક્સ, મેથેમેટિક્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ વગેરે કોર્સ પણ કરી શકાય છે.
આ કોર્સ કર્યા પછી તમે એમ.બી.એ. કે એમ.સી.એ. કરીને કમ્પ્યુટર ટેક્નોલોજીના ક્ષેત્રે આગળ વધી શકો.
આ કોર્સ કર્યા પછી તમને વિવિધ સોફ્ટવેર કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે તથા એપ્લિકેશન કસ્ટમાઇઝેશન અને ડેવલપમેન્ટના ક્ષેત્રમાં નોકરી મળી શકે છે.
આટલું યાદ રાખશો
તમે કમ્પ્યુટર ટેકનોલોજી સંબંધિત વિષય સાથે બી.ઈ./બી.ટેક કરો, બી.સી.એ. કરો, બી.બી.એ. કરો કે બી.એસસી. કરો, આ ચારેય રસ્તે શરૂઆત કરીને, જે તે ફિલ્ડમાં માસ્ટર ડિગ્રી માટે આગળ વધી શકાય છે. આમાંથી કોઈ પણ ક્ષેત્રની માસ્ટર ડીગ્રી અથવા પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમ.બી.એ.)ની ડીગ્રી પણ મેળવી શકાય તો વધુ સારી નોકરી મળવાની શક્યતા વધે છે.
એ ખાસ નોંધવા જેવું છે કે ઉપર જણાવેલા, શરૂઆતના ચારેય રસ્તામાં, કમ્પ્યુટર ટેક્નોલોજી સાથે સીધો સંબંધ ધરાવતા કોઈ કોર્સમાં એડમિશન ન મળે તો પણ નિરાશ થવા જેવું નથી. કમ્પ્યુટર ટેક્નોલોજી કંપનીઝ, ખાસ કરીને આઇટી કંપનીઝમાં (જેમાં ટેક્નોલોજી વિક્સાવવાની નથી, પણ તેનો ઉપયોગ કરવાનો છે) ડીગ્રી કરતાં શીખી શકવાની આવડત વધુ ધ્યાને લેવાય છે.
એટલે ઉપર જણાવેલી કોઈ ડીગ્રી તમે મેળવી ન શકો પણ અન્ય એન્જિનીયરિંગ, સાયન્સ કે કોમર્સની ડીગ્રી મેળવી હોય તો પણ આઇબીએમ, ટીસીએસ કે ઇન્ફોસિસ જેવી કંપનીના પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂમાં તમે ભાગ લઈ શકો છો અને પોતાની આવડતના જોર પર આવી દિગ્ગજ કંપનીમાં નોકરી પણ મેળવી શકો છો. આવી કંપની ડીગ્રી કરતાં પણ, એ વાત વધુ મહત્વની ગણે છે કે તમે તેમની ટ્રેનિંગ સારી રીતે પૂરી કરી શકો એટલા સ્માર્ટ છો કે નહીં.
આપણા ડીગ્રી કોર્સમાં, કમ્પ્યુટર સાયન્સની જૂની થિયરી અને કન્સેપ્ટ્સ પર વધુ ભાર મૂકવામાં આવે છે અને અભ્યાસક્રમો, ઇન્ડસ્ટ્રીની આજની જરૂરિયાતો અનુસાર ઝડપથી બદલાઈ શકતા નથી. આથી મોટા ભાગની મોટી આઇટી કંપની પોતાના ટૂંકા ટ્રેનિંગ કોર્સ ડેવલપ કરતી હોય છે અને પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂમાં સ્માર્ટ ઉમેદવારોને પસંદ કરી, તેમને નવેસરથી, પોતાની રીતે ટ્રેઇન કરવાનું વધુ પસંદ કરે છે.
તમારા ડીગ્રી અભ્યાસની સાથોસાથ, જાન્યુઆરી ૨૦૧૮ અંકમાં જેની વિગતવાર વાત કરી છે તેવા ઓનલાઇન કોર્સીઝ પણ કર્યા હશો તો મોટી કંપનીના ઇન્ટરવ્યૂમાં સફળતાની શક્યતા વધશે.
બારમા ધોરણમાં કોમર્સ, પછી બી.સી.એ. અને ત્યાર પછી એમ.બી.એ. કરનાર વિદ્યાર્થી પોતાની આવડતના જોરે વિશ્વ પ્રતિષ્ઠિત આઇ.ટી. કંપનીમાં ઊંચા સ્થાને પહોંચી શકે છે. એ જ રીતે, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેક્નોલોજીમાં બી.ઇ. કરનાર વિદ્યાર્થી કે કમ્પ્યુટર સાયન્સ સાથે બી.એસસી. કરનાર વિદ્યાર્થી પણ આઇબીએમ કે ટીસીએસ જેવી કંપનીમાં સારા પગરની નોકરી મેળવી શકે છે. આઇટી કંપનીમાં ટેકનિકલ ઉપરાંત મેનેજમેન્ટ સંબંધિત નોકરીની પણ ઉજળી તકો છે.
જો તમને ડીગ્રી કોર્સમાં એડમિશન ન જ મળે તો…
જો કોઈ કારણસર તમને સારા ડીગ્રી કોર્સમાં એડમિશન ન મળે, તો પણ નિરાશ થવાની જરૂર નથી. કમ્પ્યુટર ટેક્નોલોજીનું ક્ષેત્રે એટલું વિશાળ છે કે વિવિધ સર્ટિફિકેટ કોર્સ કરીને પણ તમે કમ્પ્યુટર ટેક્નોલોજીનો ઉપયોગ કરતા કોઈ ખાસ ક્ષેત્રમાં સારી કારકિર્દી ઘડી શકો છો.
એ માટે તમારી પાસે વેબ અને એપ ડેવલપમેન્ટ, ગ્રાફિક ડિઝાઇનિંગ, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, એનિમેશન, હાર્ડવેર અને નેટવર્કિંગ, સોફ્ટેવેર અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ, સાયબર સિક્યોરિટી કે એકાઉન્ટિંગ સોફ્ટવેરના ઓપરેટર માટેના સર્ટિફિકેટ કોર્સના વિકલ્પો ઉપલબ્ધ છે.
આ વિશે આપણે આગળના અંકોમાં વધુ વિગતવાર વાત કરીશું.
આગળની દિશા
તમે આ વર્ષથી શરૂઆત કરીને એમસીએ કે એમટેક સુધીનો અભ્યાસ કરશો એ દરમિયાન ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઈ હશે અને તમારે, તમારા કોલેજના અભ્યાસક્રમની સાથોસાથ, તમારા ફિલ્ડમાં નવું શું ચાલી રહ્યું છે એ સતત જાણતા રહેવું પડશે.
જો તમે કમ્પ્યુટરના ક્ષેત્રમાં ખરેખર ઝમકદાર કારકિર્દી બનાવવા માગતા હો, તો તમારો કોર્સ કાળજીપૂર્વક પસંદ કરીને કોલેજના અભ્યાસ દરમિયાન, તેમાં માસ્ટરી મેળવવાની તો કોશિશ કરો જ, સાથોસાથ તેની સાથે સંકળાયેલાં બીજાં પાસાંઓ પણ જાણો. શક્ય છે કે આ પાસાંઓ વિશે કોલેજના કોર્સમાં પૂરતી જાણકારી ન મળે. તો, ઓનલાઇન કોર્સીસની મદદ લઈને એ પાસાં વિશે શક્ય એટલી વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરો.
કોલેજની ડીગ્રી તમને કદાચ નોકરી અપાવી શકશે, પણ ખરેખર સારી કંપનીમાં નોકરી મેળવવા અને નોકરી મળ્યા પછી બીજાથી આગળ રહેવા તમારે કોલેજના કોર્સની બહાર નજર દોડાવીને, અત્યારે દુનિયામાં શું ચાલી રહ્યું છે એ સતત જાણતા રહેવું પડશે.
એટલું બરાબર સમજજો કે તમે કમ્પ્યુટર ટેક્નોલોજીનો અભ્યાસ પસંદ કરશો એટલે માસ્ટર્સની ડીગ્રી મળી ગયા પછી પણ તમારું ભણવાનું અને શીખવાનું પૂરું થશે નહીં. તમે જિમમાંના વોકિંગ ટ્રેક પર ચાલવાનું શરૂ કર્યું છે એવું માનજો. તમે ચાલતા રહેશો તોય જ્યાં હશો ત્યાં જ રહેશો. ઉલટાનું, ટ્રેકની ઝડપ સતત વધવાની છે એટલે ચાલવાને બદલે તમે દોડશો તો જ આગળ જઈ શકશો. ભૂલેચૂકે જો ચાલવાનું એટલે કે નવું શીખવાનું બંધ કર્યું તો ટ્રેક પરથી તમે નીચે ગબડ્યા જ સમજો!
વિશ્વમાં કમ્પ્યુટર ટેક્નોલોજી કઈ રીતે વિસ્તરી રહી છે?
જો તમે કમ્પ્યુટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિશ્વ સાથે કદમ મિલાવવા ઇચ્છતા હો, કોઈ આઇટી કંપનીમાં જોબ ફક્ત એ જ તમારું લક્ષ્ય ન હોય, પણ આ દિશામાં શક્ય એટલા આગળ વધવું હોય તો તમે તમારે કોલેજની ડીગ્રીથી ઘણે આગળ નજર દોડાવવી પડશે.
આજે દુનિયાભરની સૌથી વિખ્યાત, સૌથી મોટી કંપનીઝમાં ટેક્નોલોજી કંપનીઝનો દબદબો છે. તમારું લક્ષ્ય આ કંપનીઝમાં સારી પોઝિશન પર પહોંચવાનું હોય તો કમ્પ્યુટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં રિસર્ચ, સોલ્યુશન્સ અને એપ્લિકેશનનું શું મહત્ત્વ છે તે બરાબર સમજવું જોઈએ. એ ખાસ યાદ રાખશો કે આ ત્રણેય મુદ્દા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને તમારા અભ્યાસમાં એનાં વિવિધ પાસાં એકમેક પર ઓવરલેપ થશે.
રિસર્ચ
રિસર્ચ એટલે આખી દુનિયામાં કોઈ જે વિચારી ન શકે કે કલ્પી ન શકે, એવા બિલકુલ નવા વિચારો કરવા, એને અનુસરવું અને તેમને સાકાર કરવા માટે અવિરત સંશોધનો કરવાં.
કમ્પ્યુટર ટેક્નોલોજીના સંદર્ભે વાત કરીએ તો આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડીપ લર્નિંગ, મશીન લર્નિંગ, સેન્સર ટેક્નોલોજી વગેરે રિસર્ચનાં ક્ષેત્રો છે. સમયના એક તબક્કે એ તુક્કા લાગે, પણ પછી એ નક્કર હકીકત બનવા લાગે. તેમ છતાં, તેમાં રિસર્ચ નિરંતર આગળ વધતો રહે. કમ્પ્યુટર ટેક્નોલોજીના એજ્યુકેશનની દૃષ્ટિએ, આ ફિલ્ડ છે કમ્પ્યુટર સાયન્સ.
કમ્પ્યુટર સાયન્સ
તમને જાણીને નવાઈ લાગશે, પણ કમ્પ્યુટર સાયન્સમાં ખુદ કમ્પ્યુટર – ભૌતિક સાધન – વિશે લગભગ કશું શીખવાનું હોતું નથી! એટલું જ નહીં, આમાં કમ્પ્યુટર વિના પણ ચાલી શકે!
કારણ એ છે કે કમ્પ્યુટર સાયન્સમાં મૂળભૂત રીતે, પહેલા સ્ટેપમાં ઇન્ફર્મેશન એટલે કે ડેટાના અભ્યાસ પર ફોકસ કરવામાં આવે છે. બીજા સ્ટેપમાં, આ ડેટાનો ઉપયોગ કરીને એટલે કે જુદા જુદા અલ્ગોરિધમ્સ વિક્સાવીને અલગ અલગ પ્રોબ્લેમ કેવી રીતે ઉકેલી શકાય તે શીખવા પર ભાર મૂકવામાં આવે છે. કમ્પ્યુટર સાયન્સમાં પ્રેક્ટિકલ્સ મહત્ત્વના છે, પરંતુ તેમાં મુખ્ય ફોકસ થીયરી પર છે.
આજના કમ્પ્યુટર સાયન્સનાં સીધાં મૂળ, તેની સરખામણીમાં ખાસ્સા જૂના એવા મેથેમેટિક્સ અને એન્જિનીયરિંગમાં રહેલાં છે.
કમ્પ્યુર સાયન્સનો સીધો સંબંધ કમ્પ્યુટર સાથે નહીં પણ ઇન્ફર્મેશન સાથે હોવાથી આજકાલ તેના માટે ‘ઇન્ફર્મેટિક્સ’ શબ્દ પણ વપરાવા લાગ્યો છે.
કમ્પ્યુટર સાયન્સમાં મુખ્યત્વે નીચેની બાબતોના અભ્યાસનો સમાવેશ થાય છે :
- ડેટા પ્રોસેસ કરવા માટેનાં અલ્ગોરિધમ્સ
- ડેટા અને ઇન્સ્ટ્રક્શનનું પ્રોસેસિંગ, સ્ટોરેજ અને કમ્યુનિકેશન
- ડેટા પ્રોસેસ કરવા માટેની વિવિધ ઇન્સ્ટ્રક્શન લેંગ્વેજનું ડિઝાઇનિંગ
- જુદાં જુદાં કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ પર ડેટા પ્રોસેસિંગ કરી શકે તેવાં સોફ્ટવેર લખવાની ટેકનિક્સ
- જુદાં જુદાં નેટવર્ક્સ પર ડેટા વિશ્વસનીય અને સલામત રીતે કમ્યુનિકેટ કરી શકાય એ માટેના પ્રોટોકોલ્સ
- વિવિધ રીતે અને વિવિધ સ્કેલ પર ડેટાબેઝ તૈયાર કરવાની પદ્ધતિઓ
- ઉપલબ્ધ ડેટાના આધારે અલ્ગોરિધમ્સ વિક્સાવીને માનવ મગજ જેવી બુદ્ધિ ધરાવતી સિસ્ટમ્સ
- ડેટાને સલામત રાખવાની પદ્ધતિઓ વિક્સાવવી વગેરે…
આમ કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર વ્યક્તિ એન્જિનીયર નહીં પણ વૈજ્ઞાનિક અને ગણિતશાસ્ત્રી છે, જે ડેટાનો સંગ્રહ કરવો (સ્ટોર), તેના પર પ્રક્રિયા કરવી (પ્રોસેસ), તેમાંથી અર્થઘટન તારવવાં (ઇન્ટરપ્રીટ), તેની આપલે કરવી (કમ્યુનિકેટ) અને તેને સલામત બનાવવા (સિક્યોરિટી) માટેની નવી નવી રીતો શોધે છે.
કમ્પ્યુટર સાયન્સનો મુખ્ય આધાર મેથેમેટિક્સ છે, જે કમ્પ્યુટરનો આધાર છે. કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ વિવિધ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ શીખે છે અને તેના ઉપયોગની નવી નવી પદ્ધતિઓ શોધતાં શીખે છે.
તમને કમ્પ્યુટર સાયન્સમાં રસ હોય તો તેમાં હવે અનેક નવી દિશાઓ ખૂલી રહી છે.
સોલ્યુશન્સ
એક રીતે જોઈએ તો રિસર્ચ થિયરી છે, કન્સેપ્ટ્સ છે. એ પાયો છે અને શરૂઆતનાં પગથિયાં છે. ત્યાર પછીનાં પગથિયાં એ કન્સેપ્ટ્સને પ્રેક્ટિકલ ઉપયોગમાં લેવાનાં છે.
કમ્પ્યુટર ટેક્નોલોજીના સંદર્ભે વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મુખ્યત્વે કમ્પ્યુટર સાયન્સના રિસર્ચની બાબત છે, પણ તેની મદદથી ફોટોગ્રાફમાંના ચહેરા અને સ્થળ ઓળખી શકે તેવાં કમ્પ્યુટર સોફ્ટવેર વિક્સાવીને, સામાન્ય લોકો જેનો ઉપયોગ કરી શકે એવી સર્વિસીઝ ડેવલપ કરવાની વાત સોલ્યુશન્સ ડેવલપમેન્ટના તબક્કામાં આવે છે.
તેમાં પણ રિસર્ચ જરૂરી છે, પરંતુ તેમાં હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે ઇન્ટીગ્રેશન કરવું, ડેટા સ્ટોર અને પ્રોસેસ કરી શકે તેવા પ્રોસેસર્સ તૈયાર કરવા તથા કોઈ પણ પ્રોગ્રામને સપોર્ટ કરી શકે તેવા હાર્ડવેર વિક્સાવવા વગેરે મુદ્દાઓ પર ફોકસ હોય છે.
કમ્પ્યુટર ટેક્નોલોજીના એજ્યુકેશનની દૃષ્ટિએ, આ ફિલ્ડ છે કમ્પ્યુટર કે સોફ્ટવેર એન્જિનીયરિંગ. અહીંથી વાતના બે ફાંટા પડે છે – હાર્ડવેર અને સોફ્ટવેર.
કમ્પ્યુટર એન્જિનીયરિંગ
કમ્પ્યુટર એન્જિનીયરિંગ એ મુખ્યત્વે કમ્પ્યુટર સાયન્સ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયરિંગનો સંગમ છે. આમાં પણ મુખ્યત્વે ડેટા અને અલ્ગોરિધમ્સનો અભ્યાસ છે, પણ અહીં સંદર્ભ કમ્પ્યુટરના હાર્ડવેરનો છે. એટલે કે, જે ડેટા અને અલ્ગોરિધમ્સનો આધાર મળે, તેનો ઉપયોગ હાર્ડવેરની મદદથી કેવી રીતે શક્ય બનાવી શકાય એ મુદ્દા પર આ કોર્સનું ફોકસ હોય છે.
કમ્પ્યુટર એન્જિનીયરિંગમાં લેપટોપ અને પીસીથી લઈને સુપર કમ્પ્યુટર્સ અને માઇક્રોપ્રોસેસર્સથી લઈને એમ્બેડેડ કમ્પ્યુટિંગ ડિવાઇસીઝ વિક્સાવવા પર ફોકસ કરવામાં આવે છે. એમ્બેડેડ કમ્પ્યુટિંગ ડિવાઇસીઝ એટલે એક પ્રકારનાં કમ્પ્યુટર્સ જ, પણ તે કાર બનાવતી કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝની વિશાળ સિસ્ટમનો એક ભાગ હોઈ શકે અથવા સારા ડિજિટલ કેમેરામાંનો એક ભાગ પણ હોઈ શકે છે.
કમ્પ્યુટર એન્જિનીયરિંગમાં મુખ્યત્વે નીચેની બાબતોના અભ્યાસનો સમાવેશ થાય છે :
- કમ્પ્યુટર કે મોબાઇલ ડિવાઇસમાંના જુદાં જુદાં કમ્પોનન્ટ્સ વચ્ચેનું કમ્યુનિકેશન શક્ય બનાવવું
- ડિવાઇસના મગજ જેવાં માઇક્રોપ્રોસેસર્સ ડિઝાઇન કરવાં
- ડિવાઇસમાંના ચિપસેટને વધુ પાવરફૂલ બનાવવા
- કમ્પ્યુટર સિસ્ટમ્સ અને તેના કમ્પોનન્ટ્સ વિક્સાવવા
- સર્કિટબોર્ડ્સ, પેરિફેરલ્સ, એમ્બેડેડ ડિવાઇસીઝ વગેરે ડિઝાઇન કરવાં, વિક્સાવવાં
સોફ્ટવેર એન્જિનીયરિંગ
સોફ્ટવેર એન્જિનીયરિંગના અભ્યાસમાં મુખ્યત્વે, ડેટા અને અલ્ગોરિધમ્સ તથા હાર્ડવેરનો ઉપયોગ કરી શકે તેવા સોફ્ટવેર વિક્સાવવા પર ભાર મૂકવામાં આવે છે. તેમાં સોફ્ટવેરની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને મેઇન્ટનન્સ એ ત્રણેય પાસાં આવરી લેવામાં આવે છે.
આપણે સોફ્ટવેર એટલે હજી કમ્પ્યુટર અને સ્માર્ટફોન માટેની એપ્લિકેશન એવી સાદી સમજ ધરાવીએ છીએ, પણ સોફ્ટવેરની દુનિયા એનાથી ક્યાંય આગળ નીકળી ગઈ છે. હાર્ડવેરમાં જેની વાત કરી તે એમ્બેડેડ ડિવાઇસીઝ માટેનાં સોફ્ટવેરથી ઉદ્યોગોની દુનિયા બદલાઈ રહી છે. ટેલિકમ્યુનિકેશનના ક્ષેત્રે સોફ્ટવેરના અનેક પ્રકારના ઉપયોગ વિસ્તરી રહ્યા છે.
ઇન્ટરનેટ ઓફ થિંગ્સને કારણે સોફ્ટવેરનો ઉપયોગ કારથી માંડીને કોફી મશીન સુધી ફેલાવા લાગ્યો છે. મેડિકલ ક્ષેત્રે, ઓપરેશન થિયેટરમાં ડોક્ટર ઉપરાંત હાર્ડવેર અને સોફ્ટવેર એન્જિનીયરની પણ નોંધપાત્ર હાજરી વર્તવા લાગી છે. આ બધું જ હવે સોફ્ટવેર એન્જિનીયરિંગના અભ્યાસનો હિસ્સો બનવા લાગ્યું છે.
એપ્લિકેશન
રિસર્ચ અને તેના આધારે સોલ્યુશન્સ ડેવલપ થઈ ગયા પછી, તે નિર્ધારિત રીતે ચાલતાં રહે તે સુનિશ્ચિત કરવું પણ મહત્ત્વનું છે. કમ્પ્યુટર ટેક્નોલોજીનો બધો આધાર અંતે ડેટા – ઇન્ફર્મેશન પર છે, એટલે ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં તેના કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે.
કમ્પ્યુટર સાયન્સ મૂળભૂત સંશોધનોના આધારે, ડેટા એટલે કે ઇન્ફર્મેશનના ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તેની દિશા સૂચવતો પાયો તૈયાર કરી આપે છે, કમ્પ્યુટર એન્જિનીયરિંગ અને સોફ્ટવેર એન્જિનીયરિંગ આ પાયા પર, ડેટાનો ઉપયોગ શક્ય બને તેવી ઇમારત તૈયાર કરી આપે છે અને તેનો વાસ્તવિક ઉપયોગ કરવાનું કામ પહેલાં બે પગથિયાં પછીનું પગથિયું છે.
કમ્પ્યુટર ટેક્નોલોજીના સંદર્ભે વાત કરીએ તો અહીંથી ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું ક્ષેત્ર શરૂ થાય છે. મતલબ કે આઇટીના સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ, ટેક્નોલોજીના યૂઝર્સ છે. તેઓ પહેલેથી તૈયાર અને ઉપલબ્ધ વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ, સોફ્ટવેર-હાર્ડવેર અને એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને કોઈ બિઝનેસની જરૂરિયાતનો ઉકેલ આપે તેવી ટેક્નોલોજી સિસ્ટમ્સ ડેવલપ કરી આપે છે.
ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં, કમ્પ્યુટર સાયન્ટિસ્ટ્સ અને એન્જિનીયર્સ દ્વારા જે કંઈ વિક્સાવાઈ ગયું છે તેનો કાર્યક્ષમ ઉપયોગ થતો રહે એ મુદ્દા પર ભાર મૂકવામાં આવે છે. એટલે કે તેમાં કોઈ નવો આઇડિયા, નવો હાર્ડવેર કે નવો સોફ્ટવેર વિક્સાવવા કરતાં, જે ઉપલબ્ધ છે તેના ટ્રબલ-ફ્રી અને જરૂરિયાત આધારિત સ્માર્ટ ઉપયોગ પર વિશેષ ભાર છે.
આપણા દેશની આઇટી કંપનીઝ મોટા ભાગે આ ઇન્ફર્મેશન ટેક્નોલોજીની એપ્લિકેશન પર વધુ ભાર મૂકીને દુનિયાનાં મોટાં મોટાં કોર્પોરેશન્સને તેમની જરૂરિયાત મુજબની ઇન્ફર્મેશન સિસ્ટમ્સ વિક્સાવી આપે છે.
આમ, આઇટી પ્રોફેશનલ્સની ભૂમિકા કમ્પ્યુટર એન્જિનીયર્સ અને ટેક્નોલોજીના અંતિમ યૂઝર જેવા બિઝનેસીઝ વચ્ચેની કડી જેવી પણ છે. તેઓ ટેક્નોલોજીની પોતાની સમજને કારણે કોઈ બિઝનેસની જરૂરિયાત કેવી રીતે ઉકેલી શકાય તે સમજે છે અને આ જરૂરિયાત, તેના સંભવિત ઉકેલો સાથે કમ્પ્યુટર એન્જિનીયર્સને સમજાવીને તેમની પાસે સિસ્ટમ્સ વિક્સાવી શકે છે.
આ બધા ઉપરાંત…
આ બધી બાબતો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે એટલે તમે ભલે માત્ર અમુક હિસ્સા પર ફોકસ કરો, તેની સાથોસાથ તેને સંબંધિત બીજાં પાસાંની જાણકારી પણ કેળવવી પડશે.
આવનારા સમયમાં કમ્પ્યુટર ટેક્નોલોજીના ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ, બિગ ડેટા એનાલિટિક્સ, રોબોટિક્સ, બ્લોકચેઇન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આસિસ્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, બાયોઇન્ફર્મેટિક્સ, સાયબર સિક્યુરિટી વગેરે ક્ષેત્રે સૌથી વધુ તકો સર્જાશે. આ બધાની સમજ કેળવીને કોઈ એકમાં ઊંડા ઊતરવાની તમારી તૈયારી હોય તો પછી દુનિયા તમારી જ છે!
કમ્પ્યુટર ટેક્નોલોજીના સંદર્ભે વાત કરીએ તો આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડીપ લર્નિંગ, મશીન લર્નિંગ, સેન્સર ટેક્નોલોજી વગેરે રિસર્ચનાં ક્ષેત્રો છે.
રિસર્ચ થિયરી છે, કન્સેપ્ટ્સ છે. એ પાયો છે અને શરૂઆતનાં પગથિયાં છે. ત્યાર પછીનાં પગથિયાં એ કન્સેપ્ટ્સને પ્રેક્ટિકલ ઉપયોગમાં લેવાનાં છે.

