આપણે રોજબરોજની સામાન્ય ગણતરીઓ કરવાની હોય તો કોઈ પણ સામાન્ય કેલ્ક્યુલેટરથી કામ ચાલી જાય અને હવે મોટાભાગના લોકો પોતાના સ્માર્ટફોનમાંના કેલ્ક્યુલેટરથી ગણતરીની જરૂરિયાતો પૂરી કરી લેતા હોય છે, પરંતુ તમે સાયન્સના વિદ્યાર્થી હો કે અલગ અલગ પ્રકારની ગણતરીઓની તમારે જરૂર રહેતી હોય તો સાદા કેલ્ક્યુલેટરથી કામ ચાલે નહીં.
એ માટે આપણે સ્માર્ટફોનમાં કોઈ નવી કેલ્ક્યુલેટર એપ ઇન્સ્ટોલ કરવા માટે નજર દોડાવવી પડે. એન્ડ્રોઇડના પ્લે સ્ટોર કે આઇફોનના એપ સ્ટોરમાં જુદી જુદી ઘણી કેલ્ક્યુલેટર એપ્સ જોવા મળે છે. એમાંથી એક વિશેષ નોંધપાત્ર એપ છે ક્લેવકેલ્ક (Clevcalc). ક્લેવર કેલ્ક્યુલેટરમાંથી બનાવેલું ટૂંકાક્ષરી નામ ધરાવતી આ એપ સાદા કેલ્ક્યુલેટર ઉપરાંત જુદી જુદી ઘણી જાતના કેલ્ક્યુલેટરની સુવિધા આપે છે.
જેમ કે સામાન્ય કેલ્ક્યુલેટરની સાથોસાથ આ કેલ્ક્યુલેટર સાયન્ટિફિક ગણતરી કરવામાં કામ લાગે એવી સુવિધા પણ આપે છે. તે ઉપરાંત તમારે વારંવાર યુએસ ડોલર કે અન્ય વિદેશી કરન્સીમાંથી રૂપિયામાં કરન્સી કન્વર્ટ કરવાની જરૂર પડતી હોય તો આ કેલ્ક્યુલેટર કરન્સી કન્વર્ટરનું કામ પણ આપે છે. આપણે ક્લેવકેલ્કમાં કરન્સી કન્વર્ટર ચાલુ કરીએ એ સાથે જે તે સમયનો કરન્સી રેટ ઇન્ટરનેટ પરથી મેળવીને આ કેલ્ક્યુલેટર આપણને જોઈતી ગણતરી કરી આપે છે.
એ જ રીતે યુનિટ કન્વર્ટરમાં, લંબાઈ, વજન, ક્ષેત્રફળ, કદ, સમય, તાપમાન, બળ, એનર્જી, પાવર, પ્રેશર, સ્પીડ અને ડેટા સાઇઝ સંબંધિત જુદાં જુદાં અનેક પ્રકારનાં યુનિટમાંથી બીજા યુનિટમાં કન્વર્ઝનની સગવડ પણ આ એક જ કેલ્ક્યુલેટરમાં મળી રહે છે.
જો તમારું ગણિત થોડું કાચું હોય અને ટકામાં ડિસ્કાઉન્ટની ગણતરી કરવામાં તમે ગોથાં ખાતા હો તો આ કેલ્ક્યુલેટર ડિસ્કાઉન્ટની ગણતરી કરી આપે છે.
એ સિવાય ક્લેવકેલ્કમાં ડેઇટ કેલ્ક્યુલેટર, ફ્યુઅલ કોસ્ટ કેલ્ક્યુલેટર, ફ્યુઅલ ઓફિશિયન્સી કેલ્ક્યુલેટર, લોન કેલ્ક્યુલેટર, બચતને લગતું કેલ્ક્યુલેટર, વિશ્વના જુદા જુદા દેશોના સમયનું કન્વર્ટર વગેરે પણ સામેલ છે.
જોકે એ ખાસ નોંધવું જરૂરી છે કે આ કેલ્ક્યુલેટરનું ફ્રી વર્ઝન જાહેરાતો ધરાવે છે. અલબત્ત તેમાં બતાવવામાં આવતા જાહેરાતના વીડિયો જોઇને ૧૦૦૦ મીનિટ સુધી આ કેલ્ક્યુલેટરનું એડ ફ્રી વર્ઝન વાપરવા મળે એવી સગવડ પણ છે.
એન્ડ્રોઇડના પ્લે સ્ટોરમાં આ એપ એડિટર્સ ચોઇસ તરીકે પસંદગી પામી છે અને એક કરોડથી વધુ વાર ડાઉનલોડ થઈ ચૂકી છે.

