ગૂગલે જીમેઇલને બિલકુલ નવું સ્વરૂપ આપવા માટે ‘ઇનબોક્સ’ નામે નિષ્ફળ કોશિશ કર્યા પછી તેનાં ફીચર્સ જૂના જીમેઇલમાં ઉમેરવાનો નિર્ણય કર્યો છે!
એપ્રિલ ૦૧, ૨૦૦૪ના દિવસે જીમેઇલ સર્વિસ લોન્ચ થઈ એ સાથે વેબ બેઝડ ઇમેઇલ સર્વિસિઝમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યાં અને હવે મોટા ભાગના લોકો જીમેઇલનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ટૂંકા સંદેશાની આપલે માટે ઇન્સટન્ટ મેસેજિંગ સર્વિસીઝની લોકપ્રિયતા સતત વધી રહી છે તેમ છતાં બિઝનેસ સંબંધિત કામકાજ માટે ઇમેઇલ હજી પણ લોકપ્રિય છે અને તેમાં જીમેઇલનો દબદબો જબરદસ્ત વધતો ગયો છે.
દરમિયાન, ત્રણેક વર્ષ પહેલાં ગૂગલે તેની ખાસ્સી એવી સ્માર્ટ જીમેઇલ સર્વિસને હજી વધુ સ્માર્ટ બનાવવા માટે ‘ઇનબોક્સ બાય ગૂગલ’ નામે નવી એક સર્વિસ લોન્ચ કરી હતી. ઓક્ટોબર ૨૦૧૪માં એ સર્વિસનું માત્ર આમંત્રણ આધારિત મર્યાદિત લોન્ચિંગ થયું હતું અને આપણે સાયબરસફરના જાન્યુઆરી ૨૦૧૫ અંકમાં તેની વિગતવાર સમજણ મેળવી હતી.
સ્માર્ટફોનના સતત વધતા ઉપયોગને ધ્યાને રાખીને ઇનબોક્સની એપમાં ઘણાં નવાં ફીચર ઉમેરવામાં આવ્યાં હતાં, જે જીમેઇલની જૂની સર્વિસને ખરેખર વધુ સ્માર્ટ બનાવતાં હતાં. જોકે ત્યારે એ સર્વિસ સમય કરતાં આગળ હતી અને લોકોને જીમેઇલના જૂના વર્ઝનથી જ પૂરો સંતોષ હતો. પરિણામે આ નવી સર્વિસ જોઇએ તેટલી લોકપ્રિય થઈ શકી નહીં.
જીમેઇલને સ્માર્ટ બનાવવાનો એ પ્રયાસ ફ્લોપ થયા પછી ગૂગલે હવે જીમેઇલના જૂના વર્ઝનમાં જ ઇનબોક્સનાં નવાં ફીચર્સ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં કદાચ આ નવાં ફીચર્સ લોન્ચ થઈ ગયાં હશે.
અત્યારે જીમેઇલના એપ વર્ઝનમાં સ્માર્ટ રિપ્લાયની સુવિધા છે, જે મુજબ આપણા પર આવેલા ઇમેઇલમાંના લખાણને આધારે જીમેઇલ એપ આપોઆપ ટૂંકા રિપ્લાય સૂચવે છે, જેને ક્લિક કરવાથી આપણે રિપ્લાય ટાઇપ કરવાની ઝંઝટમાંથી બચી શકીએ છીએ. આ સગવડ હવે જીમેઇલના વેબ વર્ઝનમાં પણ મળશે.
એ ઉપરાંત આપણા પર આવેલા કોઈ પણ ઇમેઇલને નિશ્ચિત સમય માટે સ્નૂઝ કરીને આપણે એ ઇમેઇલ ઇનબોક્સમાંથી દૂર થાય અને આપણે જણાવેલી તારીખે ફરી આપણી સામે આવે એવી સગવડ ઉમેરાશે. આ સગવડ જીમેઇલ ઇનબોક્સમાં પહેલેથી સામેલ છે.
જીમેઇલની નવી ડિઝાઇનમાં સૌથી મોટો ફેરફાર સાઇડબાર સ્વરૂપે આવશે. જો તમે ગૂગલની વિવિધ સર્વિસનો ખાસ્સો ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે જીમેઇલમાં કોઈ મેઇલ ટાઇપ કરતી વખતે આપણે કેલેન્ડર કે કીપ જેવી સર્વિસમાં આપણે સેવ કરેલી માહિતીનો ઉપયોગ કરવાનો થતો હોય છે. આ બંને સર્વિસમાંનો આપણો ડેટા હવે સાઇડબાર સ્વરૂપે જીમેઇલમાં નજર સામે રહેશે.
એ ઉપરાંત દરેક ઇમેઇલ પર લઈ શકાતાં એક્શનનાં બટન્સ પણ બદલાઈ રહ્યાં છે.
આમ ઇનબોક્સનાં જે સ્માર્ટ ફીચર્સ આપણને ઉપયોગી થઈ શકે તેમ છે પરંતુ ઇનબોક્સમાં હોવાને કારણે વધુ લોકો સુધી પહોંચતાં નથી એ ફીચર્સ ગૂગલ હવે જીમેઇલમાં સમાવી લેવા માગે છે. કદાચ ગૂગલ ઇનબોક્સ સર્વિસને યથાવત રાખીને તેમાં નવા નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરશે અને જેનો ઉપયોગ વધે તેને જીમેઇલના મૂળ વર્ઝનમાં આવરી લે એવું બનશે.

