મને એક પત્ર મળ્યો. લખ્યો હતું, “હું શું કરું, એવો રસ્તો લઉં, જે સાવ જુદો જ છે, જેના પર ચાલવામાં જોખમ છે, ડર છે? કે પછી કોઈ મનગમતો કોર્સ કરીને ડિગ્રી લઈ લઉં અને પછી આગળ જે થાય તે! પણ મારે નવથી પાંચની નોકરી નથી કરવી, મારે બધાથી કંઈક અલગ કરવું છે. દુનિયા પર છવાઈ જવું છે. એવું કશુંક કરવું છે કે મને જીવન જીવ્યાનો સંતોષ મળે. કઈ રીતે હું મારી કારકિર્દી શરુ કરું?
૧૮ વર્ષના નવયુવાનનો આ પત્ર છે. હમણાં જ સ્કૂલ પૂરી કરી છે અને હવે કરિયર પસંદ કરવાની છે. જીવનનો કે કોઈ કામ કરવાનો અનુભવ તો શું હોય આ ઉંમરે.. પણ એણે મને જે સવાલ પૂછ્યો તે માટે તેને ખરેખર શાબાશી દેવી પડે. કારણ કે આ ઉંમરના મોટા ભાગના યુવાનો ડિગ્રી લઈને નોકરી શોધી લેવાનો સલામત રસ્તો પસંદ કરી લેતા હોય છે.
મારો જવાબ છે… તું એવી કરિયર પસંદ કર જે બધાથી નોખી હોય.
તારે સવારના નવથી સાંજના પાંચવાળી નોકરીમાં ઠરીઠામ ન થવું હોય તો કંઈક એવું કર, જે સામાન્ય રીતે બધા નથી કરતા. તારે લોકોથી અલગ પડવું હોય તો જુદો જ રસ્તો લેવો પડશે.
હું ૧૮ વર્ષનો હતો ત્યારે હું પણ બધાની જેમ કોલેજમાં ગયો, નોકરી મળી ગઈ અને સલામત રસ્તો પકડી લીધો. રસ્તો સલામત હતો પણ ઊલટાનું તેના પર ચાલવામાં મારે બહુ સંઘર્ષ કરવો પડ્યો કેમ કે એ કરિયર મારી મનગમતી નહોતી. કંઈ જામતું નહોતું. જોકે મને જે ગમતું હતું તે શોધતાં ૨૦ વર્ષ લાગ્યાં.
એ હકીકત છે કે બધાથી અલગ કરિયર બનાવવાનો રસ્તો છે બહુ ડરામણો અને સફળ થવાની કોઈ ગેરંટી પણ નથી. કશુંક નોખું કરવામાં તમે તમારું બધું જોર લગાવી દો છો, જોખમ લો છો અને બધાથી અલગ ચાલો એટલે કદાચ લોકોનાં ટોણાં પણ સાંભળવાં પડે, તિરસ્કારેય સહન કરવો પડે.
હા, તને લાગશે કે તું એકલો પડી ગયો છે. પણ ચિંતા નહી કરવાની, એ એકલતા બહુ લાંબી નહીં ચાલે. બહુ જલદી જ તને તારા જેવા બીજા લોકો મળશે જે તારી જેમ જુદું વિચારે છે. તારું એ લોકો સાથે કનેક્શન એટલું જબરદસ્ત થઈ જશે કે એવો તો તું સલામત રસ્તે ચાલતી વખતે પણ લોકો સાથે કનેક્ટ ન થઈ શક્યો હોત. તમે અરસપસરસ એકબીજાને સતત પ્રેરણા આપતા રહેશો.
અને, ડર એવી વસ્તુ છે જે શીખવી બહુ જરૂરી છે. તું જો ડરને ભગાવી શકીશ તો કંઈ પણ કરી શકીશ. સુખસગવડ અને સલામતી એ તારી દુનિયા નથી. તું ધારે તે કરી શકે એટલી અમાપ શકિત છે તારી પાસે.
તો આ ડરામણા, એકલાઅટૂલા પણ રોમાંચક રસ્તે જવા શું કરવાનું? એ તારે જ નક્કી કરવાનું છે અને વિશ્વાસ રાખ કે તું એ સરસ રીતે કરી શકે એમ છે.
તો પણ કેટલાક આઇડિયા તારી સાથે શેર કરું છું :
- તારી જાતને ઓળખ. રોજ ધ્યાન કર. બ્લોગ લખ. ધ્યાન અને બ્લોગ – આ બે ચીજ તને તારી જાતને ઓળખવામાં ખૂબ મદદ કરશે.
- સતત નવું શીખતો રહે. ઇન્ટરનેટ પર ખાંખાંખોળાં કર. એમાં તને લખવાથી માંડીને કાર્ટૂન દોરતાં, સુથારીકામથી લઈને સિતાર બજાવતાં – જે શીખવું હોય એ બધું મળશે. શીખવાનું સતત ચાલુ રાખ.
- તારી જાતને પ્રોત્સાહિત કરતાં શીખી લે. ઘણી વખત એવું બનશે કે તને કશું જ કરવાનું મન નહીં હોય. એમાં કંઈ વાંધો નહીં. એ તો ઊલટાનું સારું કે તારે જ એનો ઉપાય શોધવો પડશે, નહીં તો પછી એવી બોરિંગ નોકરી લઈ લે જેમાં બીજું કોઈ તને ધરાર પ્રોત્સાહિત કરે. પણ એના કરતાં જાતે જ એનો ઉપાય કર અને પછી તું જો, તેં નક્કી કરેલા રસ્તે ચાલવાનું તારા માટે કેટલું સહેલું થઈ જશે.
- તને શું કરવાની બળકટ ઇચ્છા છે એ શોધી કાઢ. જોકે એ શોધવાનું અઘરું તો છે. એમાં મહેનત ખૂબ છે અને ભૂલો પણ ભરપૂર થશે. શરૂઆતમાં તું કંઈ પણ કરીશ તો તને લાગશે કે આ હું નહીં કરી શકું. પણ જ્યારે તને એ ખબર પડી જશે કે હા, મારે આ જ કરવું છે ત્યારે તને એ કરવામાં બહુ મજા પડશે.
- લોકોને મદદ કર. કોઈને કંઈ ન આવડતું હોય તો શીખવાડ. લોકોને તારી જરૂર હોય તો તેમની પડખે ઊભો રહે. કોઈ ને કોઈ રીતે મદદરૂપ થા. એનાથી તને ઘણું શીખવા મળશે. તું તારી જાતને ઓળખી શકીશ અને તું ખરેખર શું કરવા માગે છે એ સ્પષ્ટ થઈ જશે.
- લોકો સાથે હળતોભળતો રહે. તારા જેવા, નોખુંઅનોખું કરતા લોકો શોધી કાઢ, જેમણે પોતે પોતાનો રસ્તો કંડાર્યો છે. આવા ધગશ અને ઉત્સાહભર્યા લોકો સાથે ભળવાની મજા જ કંઈ ઓર છે.
- જરૂરિયાતો ઓછી કર. તારી જરૂરિયાતો ઓછી હશે તો તારે વધારે કમાવું નહીં પડે એટલે તું એ ઝંઝટમાંથી મુક્ત રહીને વધુ શીખી શકીશ અને દુનિયા જોઈ શકીશ.
- સતત ફરતો રહે. તારી જરૂરિયાતો ઓછી હશે તો તું બહુ ઓછા ખર્ચે દુનિયા ઘૂમી શકીશ. નવા લોકોને મળતો રહે, નવી નવી ભાષાઓ શીખ. નકામાં કે ફાલતૂ લાગે એવાં કામ પણ કર.
- જે તું ખરેખર સારું કરી શકે એમાં ખૂબ મહેનત કર. ખૂબ પ્રેક્ટિસ કર. ખૂબ વાંચ. જે લોકો સારું કરી શકતા હોય એવા લોકોમાંથી શીખ. બીજાના આઇડિયા લઈ તેમાં અવનવું ઉમેરીને તેને તારા પોતાના બનાવ. તને જેમાં ખૂબ રોમાંચ મળે એવા પ્રોજેક્ટ્સ કર અને એમાંથી શીખતો રહે, સતત શીખતો રહે.
- તું જે સારું કરી શકતો હોય તે બીજાને પણ શીખવ. તેં કોઈ નવો કમ્પ્યુટર પ્રોગ્રામ શીખ્યો તો એ તારી સાથેના બીજાને શીખવાડ. કોઈ નવી કાર્ડ ગેમ શીખે કે પછી ગિટાર કે માર્શલ આર્ટ શીખે તો એ બીજાને શીખવાડ. લોકો હંમેશાં તને યાદ રાખશે, કાયમ તારો આભાર માનશે.
- ફ્રિલાન્સર તરીકે કામ કર. કોઈક નવી કળા, નવું કામ શીખે તો એ ઓનલાઇન કે પાર્ટટાઇમ શીખવાડવાનું શરૂ કર. શરૂ શરૂમાં બહુ હાઈ-ફાઈ ચાર્જ નહીં માગવાના કેમ કે આપણે હજી નવા નિશાળિયા હોઈએ. એટલું ધ્યાન રાખજે કે જે આપ એ પૂરેપૂરું, નિષ્ઠાથી આપ. સમયસર આપ. એનાથી તું લોકોનો વિશ્વાસ જીતી શકીશ અને તારી પ્રતિષ્ઠા વધશે.
- કોઈ નાની એવી, ડિજિટલ કે એવી કોઈ ચીજ, પ્રોડક્ટ બનાવ અને તેને વેચવાનું શરૂ કર. એનાથી તને ઘણું શીખવા મળશે.
- સારો માણસ બન. સમય આવ્યે બીજાની પડખે ઊભો રહે. કામ સમયસર પૂરું થાય એ માટે બનતું કરી છૂટ. પ્રામાણિક રહે. દિલમાં દયા રાખ. જે બોલે એ કરી બતાવ, બીજા માટે નહીં, તારા પોતાના માટે.
- દોસ્ત, આમાંથી અડધું પણ તું કરીશ તો તેં જે રસ્તો લીધો છે એ તને ચોક્કસ ગમશે જ અને બધું જ કરીશ તો તું દુનિયા પર છવાઈ જઈશ.
- છ મહિના આ રસ્તે ચાલ્યા પછી કેવો રહ્યો અનુભવ, એ મને જણાવજે. ઓલ ધ બેસ્ટ!
આ લેખમાં આપેલી ઘણી વાત સાર્થક કરતા વિદ્યાર્થી જિમિત જયસ્વાલનો આપણે જાન્યુઆરી ૨૦૧૮ અંકમાં પરિચય મેળવ્યો હતો. ગૂગલે તૈયાર કરેલા તેના વીડિયો (http://bit.ly/cs-jimit) ની ઝલક…
“પપ્પા, એક ચાન્સ… ફેલ થઈશ તો કાયમ કમ્પ્યુટર ભૂલી જઈશ…
“તારી જાતને સાબિત કર તો પછી મને કોઈ ચિંતા નહીં રહે…
“મેં ડેવલપર્સ.એન્ડ્રોઇડ.કોમ સાઇટ જોઈ…
“મેં કાંકરિયા તળાવે જિયોના ફ્રી નેટથી ભણવાનું શરૂ કર્યું…
“મમ્મી માટે એ સમય બહુ કપરો હતો…
“પછી અલગ અલગ ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કર્યું…
“હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આગળ વધી રહ્યો છું…
“હવે મને મારી જાત પર પૂરો વિશ્વાસ છે!
(ભાવાનુવાદ : દામિની દેસાઈ)


