પહેલાંના જમાનામાં, નવરાત્રિ નજીક આવે અને દિવાળીના દિવસોનો ઉમંગ મન પર છવાવા લાગે ત્યારથી, કાયમી કરિયાણાવાળાને ત્યાં કરિયાણું લેવા જઈએ ત્યારે આપણા મનમાં છાને ખૂણે એક આશા રહેતી – કરિયાણાવાળો નવા વર્ષનું કેલેન્ડર આપશે!
કરિયાણાવાળો એ આશા પૂરી કરે તો વળી બીજા ઓળખીતા-પાળખીતા દુકાનદારો-વેપારીઓ પાસે એવી જ આશા રહે. એક કેલેન્ડરથી આપણું મન ભરાય નહીં, કારણ કે મોટા અક્ષરે તારીખવાળાં, સુંદર સુવાક્યોવાળાં, અંગ્રેજી ઉપરાંત તીથિ ને વાર-તહેવાર દશર્વિતાં કેલેન્ડરમાં આપણું મન લોભાયા કરે. એમાં જો કેલેન્ડરની બાજુમાં ઊભા પટ્ટામાં ધોબીને આપેલાં કપડાંનું લિસ્ટ, દૂધનો હિસાબ વગેરે લખવાની સગવડ મળે તો તો ભયો ભયો!
અનેક ગુજરાતી-ભારતીય પરિવારોમાં હજી આજેય પ્રિન્ટેડ કેલેન્ડરનું અનેરું મહત્ત્વ છે, પણ જે લોકો સ્માર્ટ ટેક્નોલોજી તરફ ખાસ્સા એવા વળી ગયા છે, એમની દુનિયા ડિજિટલ કેલેન્ડરે સાવ જ બદલી નાખી છે!
તમે કોઈ મોટી કંપનીના અત્યંત વ્યસ્ત એક્ઝિક્યુટિવ હો કે આઠમા-નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી, સમયનું મહત્ત્વ સૌને માટે સરખું છે. જે વ્યક્તિના મનમાં નાનપણથી, કબીરનો પેલો પ્રખ્યાત દોહો ‘કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ…’ બરાબર ઠસી ગયો હોય એ વ્યક્તિ ચોક્કસપણે ઘડિયાળના ટકોરે કામ કરવાની આદત કેળવી શકે અને આ આદત એને જીવનભર ઉપયોગી થાય. જો તમે પણ આવી આદત કેળવી હોય કે કેળવવા માગતા હો તો આજનાં ડિજિટલ કેલેન્ડર તમારે માટે ખરેખર આશીર્વાદરૂપ પૂરવાર થાય.
ડિજિટલ કેલેન્ડરની વાત નીકળે ત્યારે સામાન્ય રીતે ત્રણ કેલેન્ડર સૌથી મોખરે રહે – ગૂગલ કેલેન્ડર, આઇઓએસ કેલેન્ડર અને આઉટલૂક કેલેન્ડર. એક સમયે, જ્યારે ઓફિસીઝમાં પર્સનલ કમ્પ્યુટરનો દબદબો હતો ત્યારે દરેક ઓફિસ એક્ઝિક્યુટિવનું રોજબરોજનું કામ માઇક્રોસોફ્ટના આઉટલૂક પ્રોગ્રામના સહારે ચાલતું, જેમાં ઈ-મેઇલ, કેલેન્ડર અને ટાસ્ક મેનેજમેન્ટનું એકદમ સ્માર્ટ કોમ્બિનેશન મળી રહેતું હતું.
ત્યારે પછી આખી દુનિયા મોબાઇલ તરફ વળી ગઈ, માઇક્રોસોફ્ટના આઉટલૂકે પણ સમય મુજબ મોબાઇલના રંગ અપનાવ્યા, પણ મોબાઇલ જગતમાં એન્ડ્રોઇડ અને એપલના આઇઓએસનું જબરું વર્ચસ્વ ઊભું થયું. એમાંય એન્ડ્રોઇડ યૂઝર્સનું પ્રમાણ બહુ મોટું હોવાથી અહીં આપણે ગૂગલ કેલેન્ડરમાં તમે શું શું કરી શકો એની વાત કરીએ, જોકે લગભગ બધાં ડિજિટલ કેલેન્ડરમાં વધતા-ઓછા પ્રમાણમાં કે જુદા જુદા નામે લગભગ એક સરખી સુવિધાઓ મળે છે.
ગૂગલ કેલેન્ડરમાં વર્ષોથી મોટા ફેરફાર થયા નહોતા, પણ ગયા વર્ષે તેની ડિઝાઇનમાં ખાસ્સાં પરિવર્તનો થયાં અને તેમાં અનેક નવાં ફીચર્સ પણ ઉમેરાયાં, એ કારણે પીસી અને મોબાઇલમાં કેલેન્ડરના ઉપયોગમાં નોંધપાત્ર રીતે વધુ સગવડો મળી છે.
- ગૂગલ કેલેન્ડરમાં જુદાં જુદાં અનેક કેલેન્ડર તૈયાર કરી શકાય. તમે તમારી ઓફિસની અને પર્સનલ બંને જરૂરિયાતો માટે અલગ અલગ કેલેન્ડર બનાવી શકો.
- ઇચ્છો તો દરેક ક્લાયન્ટ માટે અલગ અલગ કેલેન્ડર બનાવી શકો. દરેક કેલેન્ડરની ઇવેન્ટ્સને અલગ અલગ રંગ આપી શકાય.
- દરેક કેલેન્ડરમાં તમે નિશ્ચિત તારીખ અને સમય માટે ઇવેન્ટ સેટ કરી શકો. દરેક ઇવેન્ટ માટે લોકેશન આપી શકો (જે પાછું ગૂગલ મેપ્સ સાથે કનેક્ટેડ હોય!).
- દરેક કેલેન્ડર તમે તમારા કલીગ કે ક્લાયન્ટ સાથે શેર કરી શકો. એ જ રીતે તેઓ તેમનાં કેલેન્ડર તમારી સાથે શેર કરી શકે. બીજી વ્યક્તિ કાં તો બીજાની ઇવેન્ટ્સ માત્ર જોઈ શકે, અથવા તેમાં ફેરફાર પણ કરી એવા રાઇટ્સ આપી શકાય.
- તમે જાહેર રજાઓ કે મિત્રોના ગૂગલ એકાઉન્ટને આધારે, તેમનો જન્મદિવસ દર્શાવતાં પબ્લિક કેલેન્ડર પણ તમારા કેલેન્ડરમાં ઉમેરી શકો.
- દરેક કેલેન્ડરને તમે ઇચ્છો ત્યારે ઓન કે ઓફ કરી શકો. ક્યારેક, માત્ર કોઈ એક કેલેન્ડર જોવું હોય તો એવો વિકલ્પ પણ પસંદ કરી શકાય (અલબત્ત, જો તમે અનેક કેલેન્ડર બનાવીને કામ કરતા હો તો બાકીનાં બધાં કેલેન્ડરને ફરી ઇનેબલ કરવામાં માટે એક-એક કરીને સિલેક્ટ કરવાં પડશે!).
- દરેક ઇવેન્ટ માટે તમે જુદા જુદા લોકોને, તેમનાં ઇ-મેઇલ એડ્રેસથી આમંત્રણ મોકલી શકો.
- કેલેન્ડરમાં કોન્ફરન્સિંગની પણ સગવડ છે, જે તે ઇવેન્ટમાં સામેલ લોકો, ઇવેન્ટના નિર્ધારિત સમયે ગૂગલ હેંગઆઉટથી એકબીજા સાથે લાઇવ કોન્ફરન્સિંગ કરી શકે.
- તમે ઇચ્છો તો તમારા જીમેઇલમાં આવતા મેઇલ્સમાં ચોક્કસ તારીખ કે સમય દર્શાવેલાં હોય તો તેની વિગતો આપોઆપ તમારા ગૂગલ કેલેન્ડરમાં ગોઠવાઈ જાય એવું સેટિંગ કરી શકો.
- તમે ફક્ત તમારા પોતાના ઉપયોગ માટે કેલેન્ડરનો ઉપયોગ કરી રહ્યા તો પણ, કેલેન્ડરમાં નિશ્ચિત તારીખ અને સમયે કરવાનાં કામની નોંધ કરો એ સાથે, એ કામને સંબંધિત ઇચ્છો એટલી વિગતો, એટેચમેન્ટ, લિંક વગેરે ઉમેરી શકો. પરિણામે, તમારા કામ સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ હાથવગી રહે.
- વાત ગૂગલના કેલેન્ડરની છે એટલે દેખીતું છે કે તેમાં સર્ચ, નોટિફિકેશન વગેરેની સગવડ તો હોય, સ્માર્ટફોનમાં તમે કેલેન્ડર એપ ઓપન કર્યા વિના, માત્ર વોઇસ કમાન્ડથી પણ ઇવેન્ટ સેટ કરી શકો છો.
ડિજિટલ કેલેન્ડર્સ આ સિવાય બીજું ઘણું કરી શકે છે, ફક્ત તમારે તેનો રોજિંદો ઉપયોગ કરવાની અને તેમાં ઊંડા ઊતરવાની આદત કેળવવી પડે!

