(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફક્ત સર્ચ કરીને ઇંગ્લિશ વોકેબ્યુલરી વધારો

રોજ આપણી વિવિધ જરૂરિયાતો માટે ગૂગલને શરણે જઈએ ત્યારે ક્યારેક થોડો સમય ચોરીને, ગૂગલ પાસેથી ઇંગ્લિશ પણ શીખવા જેવું છે – જાણો એ માટેની કેટલીક રસપ્રદ રીતો!

ઇંગ્લિશ ભાષા પર ખરેખરું પ્રભુત્વ કેળવવું હોય તો ગૂગલને ઇંગ્લિશ કોચ બનાવી જુઓ.

જો ગૂગલનું સર્ચ એન્જિન આપણને દુનિયાની કોઈ પણ બાબત શીખવામાં મદદ કરી શકતું હોય તો આજના સમયની ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ શીખવવામાં એ શા માટે પાછળ રહે?

ઇંગ્લિશનું શબ્દભંડોળ વધારવામાં અને ઇંગ્લિશના વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવામાં ગૂગલ સર્ચ આપણને વિવિધ રીતે મદદરૂપ થઇ શકે છે. અહીં આવા ત્રણ ઉપાયની વાત કરીએ. આમાંની કેટલીક બાબતો આપણે સાયબરસફરના અગાઉના અંકોમાં જાણી ગયા છીએ.

આગળ શું વાંચશો?

  • ગૂગલ વર્ડ કોચ

  • ગૂગલ ડિક્શનરી

  • ક્રોમમાં ગૂગલ ડિક્શનરી

  • સ્માર્ટફોનમાં ડિક્શનરી

ગૂગલ વર્ડ કોચ

ગૂગલે તેના સર્ચ એન્જિનમાં ‘વર્ડ કોચ’ નામની એક નવી ગેમ ઉમેરી છે, જેની મદદથી આપણે વિવિધ શબ્દોની બારીક ખૂબીઓ જાણી શકીએ છીએ.

જ્યારે તમે ગૂગલમાં કોઈ શબ્દ સંબંધિત સર્ચ કરી રહ્યા હો ત્યારે સર્ચ રિઝલ્ટ પેજ પર શ‚રૂઆતમાં એક બોક્સમાં વર્ડ કોચ શીર્ષક સાથે એક બોક્સ જોવા મળે છે. અહીં એક પછી જોવા મળતાં પાંચ કાર્ડમાં આપણને વિવિધ શબ્દ સંબંધિત રસપ્રદ સવાલો પૂછવામાં આવે છે. જેમ કે ‘રેજ’ અથવા ‘મિરાજ’ શબ્દમાંથી ક્યો શબ્દ ‘ઇલ્યુઝન’ શબ્દને વધુ મળતો આવે છે?

‘વર્ડ કોચ’ નામની ગેમ ગૂગલ સર્ચમાં જ સામેલ છે, તે નિયમિત રમવાથી શબ્દોની બારીક સમજ કેળવાઈ શકે

આવા અલગ અલગ પાંચ સવાલોના જવાબ આપ્યા પછી ગૂગલ આપણને આપણો સ્કોર બતાવે અને પછી દરેક સવાલના સાચા જવાબ સાથે જવાબને સંબંધિત વધુ માહિતી પણ આપે છે.

‘વર્ડ કોચ’માં જેમ જેમ આગળ વધશો તેમ તેમ શબ્દો મુશ્કેલ થતા જશે, પણ સમજ પણ ઊંડી થતી જશે. ‘વર્ડ કોચ’માં તમારો જવાબ સાચો હોય તો પણ તેના વિશેની વધુ સ્પષ્ટતા અચૂક વાંચવા જેવી છે.

પાંચ સવાલોના જવાબ આપ્યા પછી આપણો સ્કોર જાણવા મળે. તેની સાથોસાથ, દરેક સવાલના જવાબની વિસ્તૃત સમજ પણ મળે, જે આ ગેમનો સૌથી રસપ્રદ અને ઉપયોગી ભાગ છે. દરેક સવાલના સાચા જવાબની સમજ મેળવીને આપણે બીજા સવાલોના રાઉન્ડ માટે આગળ વધી શકીએ છીએ.

જો અમૂક રાઉન્ડ આપણે કોઈ ભૂલ વિના પાર કરી જઈએ તો નેકસ્ટ લેવલમાં જવાની પણ તક મળે છે અને આપણને પૂછવામાં આવતા સવાલો વધુ મુશ્કેલ બનતા જાય છે.


દેખીતું છે કે આ બધું સમજવા જેટલી ઇંગ્લિશ ભાષા પર આપણી પકડ હોવી જ‚રૂરી છે, કારણ કે આ બધું પણ આખરે તો ઇંગ્લિશમાં જ છે, પણ ગૂગલની આ વર્ડ કોચ ગેમનો અવારનવાર ઉપયોગ કરીએ તો આપણે ઇંગ્લિશ પરનું આપણું પ્રભુત્વ ચોક્કસ વધી શકે.

તમે સર્ચ બોક્સમાં સીધું જ ‘ગૂગલ વર્ડ કોચ’ કે ‘વર્ડ કોચ’ લખીને પણ આ ગેમ સુધી પહોંચી શકો છો.

તેમ, પીસી અને મોબાઇલ બંનેમાં આ ગેમનો લાભ લઈ શકો છો. મોબાઇલમાં વર્ડ કોચના બોક્સમાં નીચે ડાબી તરફ તેનો શોર્ટકટ ફોનના હોમસ્ક્રીન પર ઉમેરવાની સગવડ મળે છે તેનો લાભ લેશો તો આ ગેમ મગજના કોઈ ખૂણામાં અલોપ થવાને બદલે, આપણી નજર સામે રહેશે, એ વધારાનો ફાયદો!

ગૂગલ ડિક્શનરી

તમે જાણતા હશો કે ગૂગલમાં પહેલેથી ડિક્શનરી સામેલ છે. એટલે તમે કોઈ પણ શબ્દનો અર્થ જાણવા માટે ગૂગલિંગ કરો તો એ શબ્દને સંબંધિત વિવિધ સાઇટ્સ સૂચવવા ઉપરાંત ગૂગલ પોતે આપણને એક બોક્સમાં એ શબ્દના ડિક્શનરી મુજબના વિવિધ અર્થ સમજાવે છે.

જ્યારે આપણે ગૂગલમાં કોઈ પણ શબ્દ માટે ‘વર્ડ મીનિંગ’ કે ‘ડિફાઇન વર્ડ’ લખીને કે પછી સીધો માત્ર શબ્દ લખીને સર્ચ કરીએ ત્યારે ગૂગલ આપણને વેબ પરથી અને તેની પોતાની ડિક્શનરીમાંથી એ શબ્દ સંબંધિત વિવિધ માહિતી આપે છે.

તમે માત્ર ડિક્શનરી શબ્દ સર્ચ કરીને પણ આ સર્વિસ ઓપન કરી શકો છો.

આ સર્વિસનો જાત અનુભવ કરવો હોય તો ગૂગલ સર્ચ બોક્સમાં trial શબ્દ લખી જુઓ.

ગૂગલે પોતાની ડિક્શનરી વિક્સાવી છે અને તેમાં અલાયદું સર્ચ બોક્સ પણ આપ્યું છે.

રિઝલ્ટ પેજમાં સૌથી ઉપર જોવા મળતા બોક્સમાં ટ્રાયલ શબ્દનો ડિક્શનરી મુજબનો ઉચ્ચાર અને ઉચ્ચારની ઓડિયો ક્લિપ તેમ જ નાઉન, વર્બ, ફ્રેઝ વગેરે તરીકે ટ્રાયલ શબ્દની વ્યાખ્યા અને વિવિધ વાક્યમાં તેનો પ્રયોગ, એ શબ્દનું મૂળ, તેમ જ ઇન્ટરનેટ પર આપણે સર્ચ કરેલો શબ્દ વિશ્ર્વમાં કેટલોક ચલણી છે તે બતાવતો ચાર્ટ જોવા મળે છે.

ઇંગ્લિશના જે તે શબ્દનો ઉપયોગ સમય સાથે વધે છે કે ઘટે છે, તે ચાર્ટ સ્વરૂપે જોઈ શકાય છે.

ભાષાપ્રેમીઓને મજો મજો થઇ જાય એવી આ સર્વિસ છે અને હવે ગૂગલે આ ડિક્શનરી બોક્સની અંદર અલગથી સર્ચ બોક્સ પણ આપ્યું છે.

ગૂગલ ડિક્શનરીમાં, જુદા જુદા શબ્દોનો ઉપયોગ સમય સાથે કેટલો વધ્યો કે ઘટ્યો છે તે બતાવતો ચાર્ટ પણ જોઈ શકાય છે.

ક્રોમમાં ગૂગલ ડિક્શનરી

પીસીમાં, ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં, ક્રોમ વેબ સ્ટોર (chrome.google.com/webstore) માં જઈને ક્રોમમાં આપણે જુદાં જુદાં એક્સ્ટેન્શન્સ ઉમેરી શકીએ છીએ, એ તમે જાણતા હશો. આવાં એક્સ્ટેન્શન્સથી, ક્રોમમાં મૂળભૂત રીતે જે સુવિધા ન હોય તે આપણે ઉમેરી શકીએ છીએ. એક રીતે જોઈએ, તો સ્માર્ટફોનમાં મનગમતી એપ્સ ઉમેરવા જેવી જ આ વાત છે.

વેબ સ્ટોરમાં તમને રસ પડે એવાં અનેક એક્સ્ટેન્શન્સ મળી શકે છે, પણ આજના સમયમાં સૌ કોઈ માટે ‘ઇન્ડિસ્પેન્સીબલ’ એક્સ્ટેન્શન કોઈ હોય તો તે છે Google Dictionary (by Google)! ‘‘ઇન્ડિસ્પેન્સીબલ’’ શબ્દ આગળ અટક્યા? એનો અર્થ એકદમ સ્પષ્ટ નથી?

પીસીમાં ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો, તો ગૂગલ ડિક્શનરીનું એક્સટેન્શન ઉમેરી દો, પછી કોઈ શબ્દ પર અટકો તો તકરત અર્થ જાણી શકશો

તમે આ લેખ કાગળ પર વાંચી રહ્યા હો તો ડિક્શનરીનું થોથું હાથમાં લઈને અર્થ શોધ્યા વિના છૂટકો નહીં, પણ જો ક્રોમમાં કોઈ વેબસાઇટમાં આ જ શબ્દ ઇંગ્લિશમાં વાંચ્યો હોય અને તમારા ક્રોમમાં ગૂગલ ડિક્શનરીનું એક્સ્ટેન્શન હોય તો તમે માઉસથી એ શબ્દ પર ડબલ ક્લિક કરીને પલકવારમાં એનો અર્થ જાણી-સમજી શકો!

કોઈ પણ શબ્દ પર ડબલ ક્લિક કરતાં ખૂલતા પોપ-અપ બોક્સમાં છેડે આપેલી મોર લિંક પર ક્લિક કરીએ એટલે ગૂગલમાં એ જ શબ્દ આગળ ડિફાઇન (define indispensable) લખીને સર્ચ કરવાથી જે રીઝલ્ટ મળે એ પેજ પર પહોંચી જઈએ! એટલે કે આ લેખમાં આગળ જેની વાત કરી તે ગૂગલ ડિક્શનરીમાં આપણે સર્ચ કરેલા શબ્દના પેજ પર પહોંચીએ છીએ.

મજા, જે તે વેબસાઇટના પેજ પરથી બીજે ક્યાંય ગયા વિના, આપણો સંદર્ભ ગુમાવ્યા વિના ફટાફટ અર્થ જાણી લેવામાં જ છે, જે કામ આ એક્સ્ટેન્શન પરફેક્ટલી કરી આપે છે. શબ્દ પર ડબલ ક્લિક કરવાને બદલે તેને સિલેક્ટ કરીને એડ્રેસ બારની બાજુમાં ડિક્શનરી આઇકન પર ક્લિક કરશો તો પણ ત્યાં વિગતવાર અર્થ જાણવા મળશે.

એક્સ્ટેન્શનના ઓપ્શનમાં જઈને, આપણે સર્ચ કરેલા શબ્દોની હિસ્ટ્રી જાણી શકાય છે, જેથી ક્યારેક ફુરસદે એ શબ્દો પર ફરી નજર ફેરવીને આપણી સમજ પાકી કરી શકાય. ભણીગણીને કારકિર્દીમાં આગળ વધીએ ત્યારે આપણી ઓફિસમાં ઇન્ડિસ્પેન્સેબલ બનવું હોય તો આવાં એક્સ્ટેન્શનની મદદ લેવાની ટેવ કેળવવી રહી!

સ્માર્ટફોનમાં ડિક્શનરી

સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં, પીસીની જેમ એક્સ્ટેન્શન ઉમેરવાની સગવડ નથી, પરંતુ એના ઉપાય તરીકે તમારા ફોનમાં ડિક્શનરી.કોમ જેવી કોઈ ડિક્શનરી એપ ઇન્સ્ટોલ કરી લો.

સ્માર્ટફોનમાં ડિક્શનરી એપ ઉમેરશો તો એ અલગ, આખી ડિક્શનરી તરીકે તો કામ લગાશે જ, ઉપરાંત…
સ્માર્ટફોનમાં ડિક્શનરી એપ હશે તો ગમે ત્યાં શબ્દ સિલેક્ટ કરી, તેના અર્થ સહેલાઈથી જાણી શકાશે.

એ પછી, ઉપર જણાવેલી રીતે જ, સ્માર્ટફોનમાં કોઈ લેખ વાંચતી વખતે કોઈ શબ્દનો અર્થ જાણવો હોય તો એ શબ્દને ક્લિક કરતાં, તેને કોપી કે શેર કરવા ઉપરાંત તેને ડિફાઇન કરવાનો વિકલ્પ પણ મળશે! તેને ક્લિક કરતાં, ફોનમાંની ડિક્શનરી એપમાં એ શબ્દનો અર્થ સમજાવતું પેજ ઓપન થશે.

ફોનમાં ગૂગલની ટ્રાન્સલેટ એપ પણ ઉમેરશો તો શબ્દ સિલેક્ટ કરી, આપણી ભાષામાં અનુવાદ પણ થઈ શકશે.

જો તમારે ફક્ત શબ્દના અર્થ સમજીને અટકવું ન હોય, પણ તેનો આપણી ભાષામાં અર્થ બરાબર સમજવો હોય તો ફોનમાં ગૂગલ ટ્રાન્સલેટ એપ પણ ઉમેરી દો. એ પછી, શબ્દને સિલેક્ટ કરતાં, તેને કોપી, શેર અને ડિફાઇન કરવા ઉપરાંત ટ્રાન્સલેટ કરવાનો વિકલ્પ પણ મળશે!


આ લેખ ગમ્યો? ‘સાયબરસફર’ના ઇંગ્લિશ-વિંગ્લિશ વિભાગમાં આ પ્રકારના વધુ લેખો વાંચો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!