આગળ શું વાંચશો?
- વધુ એક પેમેન્ટ્સ બેન્ક
- હવે સાદી શોપિંગ ટ્રોલી પણ સ્માર્ટ બનશે
- વિશ્વનો પહેલો એન્ડ્રોઇડ સેટેલાઇટ ફોન
- આઇફોનમાં ઇઝી ટાઇપિંગ
વધુ એક પેમેન્ટ્સ બેન્ક
એનએસડીએલ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ કંપનીના નામે વધુ એક પેમેન્ટ્સ બેન્કે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. ઓગસ્ટ ૨૦૧૫માં રિઝર્વ બેન્કે કુલ ૧૧ અરજદારોને પેમેન્ટ્સ બેન્ક શરૂ કરવા માટે લાયસન્સ આપ્યાં હતાં, તેમાંથી ત્રણ કંપનીઓએ પોતાનાં લાયસન્સ પરત કર્યાં હતાં.
અત્યાર સુધીમાં ફિનો, પેટીએમ, ઇન્ડિયા પોસ્ટ્સ, એરટેલ, આદિત્ય બિરલા, આઇડિયા અને જિઓ કંપનીની પેમેન્ટ્સ બેન્કે કામગીરી શરૂ કરી દીધી છે.
હવે વોડાફોન એમ-પૈસા લિમિટેડ કંપની એક માત્ર એવી લાયસન્સધારક કંપની છે જેણે પોતાની પેમેન્ટ્સ બેન્ક હજી શરૂ કરી નથી.
ફેસબુક ટૂંક સમયમાં એક જ વીડિયો જુદા જુદા સ્થળે રહેલા મિત્રો એક સાથે જોઈ શકે એવી સગવડ આપે તેવી શક્યતા છે. જોકે ‘વોચ વીડિયોઝ ટુ ગેધર’ નામનું આ ફીચર ફેસબુક પર નહીં પરંતુ ફેસબુક મેસેન્જરમાં રોલઆઉટ કરવામાં આવે તેવી સંભાવના છે.
હવે સાદી શોપિંગ ટ્રોલી પણ સ્માર્ટ બનશે
ઓનલાઇન શોપિંગ સાઇટ પર આપણે જુદી જુદી પ્રોડક્ટ જોઇએ અને પછી બીજી સાઇટ્સ પર આગળ વધી જઇએ ત્યારે પણ, અગાઉ જોયેલી પ્રોડક્ટની જાહેરાત નવી સાઇટ પર પણ આપણો પીછો કરતો રહે એ અનુભવ સામાન્ય થઈ ગયો છે.
પરંતુ હવે વોલમાર્ટ કંપની કસ્ટમર્સના ટ્રેકિંગને નવો વેગ આપવા માગે છે. ભારતમાં ફ્લિપકાર્ટને ખરીદી લેનારી અમેરિકાની વોલમાર્ટ કંપની પરંપરાગત રીટેલ શોપિંગ સ્ટોર્સની બહુ મોટી ચેઇન ધરાવે છે. આ કંપનીએ હમણાં આવા સ્ટોર્સની જૂની ને જાણીતી શોપિંગ કાર્ટને સ્માર્ટ કાર્ટમાં ફેરવી નાખતી એક ટેકનોલોજી માટે પેટન્ટ મેળવવાની અરજી દાખલ કરી છે.
વોલમાર્ટને પોતાના ગ્રાહકો સ્ટોરમાંથી શું ખરીદે છે એની તો બધી માહિતી પરંપરાગત રીતે, બિલિંગ કાઉન્ટર પર જમા થતા ડેટામાંથી મળી જ જાય છે, પરંતુ ગ્રાહકો શું ખરીદવા ઇચ્છે છે તેની માહિતી પણ હવે તે જાણવા ઇચ્છે છે.
આપણે જ્યારે આ નવા પ્રકારની શોપિંગ ટ્રોલી લઇને રીટેલ સ્ટોરમાં આમતેમ ઘૂમી રહ્યા હોઈએ ત્યારે આપણે કઈ કઈ પ્રોડક્ટ જોવામાં આપણે સામાન્ય કરતાં વધુ સમય વીતાવીએ છીએ એની એ નોંધ લેશે, પછી ભલે આપણે તે પ્રોડક્ટ ખરીદીએ નહીં.
આ સ્માર્ટ ટ્રોલીની વિશેષતા એ છે કે આપણે ટ્રોલી લઇને ફરતા હોઇએ ત્યારે તેનું હેન્ડલ આપણા હૃદયના ધબકારા, હાથનું ટેમ્પરેચર, આપણી ગતિ અને કાર્ટ ધકેલવા આપણે કેટલું જોર લગાવીએ છીએ તે બધું નોંધતું રહેશે. આ ડેટાને આધારે વોલમાર્ટ નક્કી કરી શકશે કે આપણને કઈ પ્રોડક્ટ ખરીદવામાં વધુ રસ છે. સ્ટોરના ડેટા સેન્ટરને એવો એલર્ટ મળે કે કોઈ ગ્રાહક સ્ટોરમાં ફરી રહ્યા છે પણ કશું ખરીદી રહ્યા નથી તો કોઈ ને કોઈ સ્ટોર આસિસ્ટન્ટ તેમના સુધી પહોંચીને તેમને ‘મદદ’ની ઓફર પણ કરશે.
વિશ્વનો પહેલો એન્ડ્રોઇડ સેટેલાઇટ ફોન
એન્ડ્રોઇડનું ૭.૧ વર્ઝન, ૫.૨ ઇંચનો ટચ સ્ક્રીન, ૨ જીબી રેમ, ૧૬ જીબીની એક્સપાન્ડેબલ સ્ટોરેજ, ૩૮૦૦ એમએએચ બેટરી… આટલાં સ્પેસિફિકેશન્સ વાંચતા વધુ એમ લાગે કે વધુ એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ થયો હશે. પરંતુ આ વિશ્વનો પહેલો એન્ડ્રોઇડ આધારિત સેટેલાઇટ સ્માર્ટફોન છે!
યુનાઇટેડ આરબ અમિરેટ્સની ‘યહસેટ’ નામની એક અગ્રણી ગ્લોબલ સેટેલાઇટ ઓપરેટર કંપનીની, મોબાઇલ સેટેલાઇટ સર્વિસિસ પૂરી પાડતી ‘થુરાયા’ નામની પેટા કંપનીએ આ ફોન લોન્ચ કર્યો છે. સેટેલાઇટસ ફોનમાં થુરાયા એક અગ્રગણ્ય નામ છે. કંપનીના ‘થુરાયા એક્સફાઇવ’-ટચ નામના આ એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોનમાં અન્ય સામાન્ય ફોનની જેમ ડ્યુઅલ સિમ છે. તેમાંનું એક સિમ સામાન્ય મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે જ્યારે બીજું સિમ સેટેલાઇટ્સ સાથે કનેક્ટ થાય છે.
આ બંને સિમ એક સાથે એક્ટિવ રહી શકે છે અને ફોનધારક જ્યારે કોઈ એક્ટિવ સેટેલાઇટ કોલ પર હોય ત્યારે પણ પોતાના જીએસએમ નંબર પર સામાન્ય કોલ રીસિવ કરી શકે છે. આ ફોન જીપીએસ, બૈડો અને ગ્લોનાસ સિસ્ટમથી આખી દુનિયામાં નેવિગેશનની સગવડ આપશે. પહેલેથી નક્કી કરેલા નંબર્સ પર ફોનનું કરંટ લોકેશન વારંવાર એસએમએસ અથવા ઇમેલથી મોકલાતું રહે એવી પણ તેમાં વ્યવસ્થા છે.
આઇફોનમાં ઇઝી ટાઇપિંગ
ગયા મહિને ટવીટર પર એપલના આઇફોનની એક ટ્રીકે ધમાલ મચાવી. થયું એવું કે એક ફૂડ બ્લોગરે આઇફોન પર ટાઇપિંગ કરતાં થયેલો એક અનુભવ લોકો સાથે શેર કર્યો અને ઘણા લોકોને લાગ્યું કે આ સગવડ તો એમની આખી જિંદગી બદલી શકે છે! વાત એમ કે આઇફોનમાં ૩ડી ટચની સુવિધા ઉમેરાયા પછી, ટાઇપિંગ કરતી વખતે કોઈ પણ જગ્યાએ જરા લાંબો સમય પ્રેસ કરીને કર્સરને બહુ સહેલાઇથી ડાબી કે જમણી તરફ ખસેડી શકાય છે.
ફિઝિકલ કી-બોર્ડની સરખામણીમાં ટચ સ્ક્રીન પર ટાઇપિંગ ઘણું મુશ્કેલ છે, ખાસ કરીને કર્સરને લખાણમાં આમતેમ ફેરવવા સ્માર્ટફોનમાં ઘણી કસરત કરવી પડે છે. આઇફોનમાંનું આ ફીચર આમ તો છેક ૨૦૧૫થી લોન્ચ થઈ ગયું છે. એન્ડ્રોઇડ ફોનધારકો જીબોર્ડ કી-બોર્ડમાં સ્પેસબાર પર આંગળી ફેરવીને કર્સરને આમતેમ ફેરવી શકે છે.
તમને રોજ સવારે ઊઠીને તો ઠીક, પણ અડધી રાતે પણ વોટ્સએપ કે ફેસબુક ચેક કરી લેવાનું મન થાય છે? તો તમને ઇન્ટરનેટનું બંધાણ થઈ ગયું છે. ઇન્ટરનેટનું આવું વળગણ સતત વધી રહ્યું છે ત્યારે પૂણેના ‘આનંદવન એડિકશન લિબરેશન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર’માં ખાસ ઇન્ટરનેટનું બંધાણ દૂર કરવામાં મદદ કરતા એક સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે!


