આગળ શું વાંચશો?
- રીફર્બિશ્ડ પ્રોડ્ક્ટસ માટે નવી શોપિંગ સાઇટ
- કિમ્ભો કે બોલો?
- ફેસબુકમાં પણ પેમેન્ટ સુવિધા?
- ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કનો પ્રારંભ
- જીમેઇલની નવી પેનલ, અન્ય સર્વિસમાં પણ
- યુપીઆઇનું વર્ઝન ૨.૦ લોન્ચ થયું
રીફર્બિશ્ડ પ્રોડ્ક્ટસ માટે નવી શોપિંગ સાઇટ
ફ્લિપકાર્ટ કંપનીએ ગયા વર્ષે ખરીદી લીધેલી ઇબે સાઇટને ભારતમાં બંધ કરી દીધી છે અને હવે તેણે ‘ટુગુડ’ નામે રીફર્બિશ્ડ (એટલે કે સેકન્ડહેન્ડ પણ સારી રીતે રિપેર, ટેસ્ટ કરેલ અને સર્ટિફાઇડ) પ્રોડક્ટ્સ વેચતી નવી સાઇટ લોન્ચ કરી છે (www.2gud.com હાલ માત્ર મોબાઇલ પર ઉપલબ્ધ છે, ટૂંક સમયમાં પીસી પર આવશે). આ સાઇટ પર મોબાઇલ, લેપટોપ, સ્માર્ટવોચ, ટેબલેટ અને સ્ટ્રીમિંગ ડિવાઇસ વેચાય છે અને ભવિષ્યમાં સ્પીકર, પાવરબેન્ક, સ્માર્ટ આસિસ્ટન્ટ, હેર ડ્રાયર, ટીવી વગેરે ૪૦૦ કેટેગરીની પ્રોડક્ટ્સ ખરીદી શકાશે. ફ્લિપકાર્ટના દાવા મુજબ, ટુગુડ પર માત્ર અનયૂઝ્ડ અને રીટર્ન્ડ અથવા યૂઝ્ડ પ્રોડક્ટસ વેચાશે, જેને નિષ્ણાતોએ બિલકુલ નવા જેવા સ્વરૂપમાં રીસ્ટોર કરી હશે.
કિમ્ભો કે બોલો?
ભારતમાં અત્યંત લોકપ્રિય છતાં, ‘વિદેશી’ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વોટ્સએપ પર ફેક ન્યૂઝને નાથવા માટે સરકારનું દબાણ સતત વધતું જાય છે. ત્યારે દરેક બાબતમાં સ્વદેશી પહેલ માટે જાણીતા બાબા રામદેવ તેમની ‘કિમ્ભો’ મેસેજિંગ એપને ફરી વાર મેદાનમાં ઉતારી રહ્યા છે.
પહેલા પ્રયાસમાં, આ વર્ષે મે મહિનામાં આ એપ પ્લેસ્ટોરમાં મૂકાઈ ત્યારે તેણે ખાસ્સી ચર્ચા જગાવી, પણ પછી ગણતરીના કલાકોમાં તે ગાયબ પણ થઈ હતી. ત્યારે આ એપમાં સિક્યોરિટી અને પ્રાઇવસીની દૃષ્ટિએ ગંભીર ક્ષતિઓ હોવાનું બહાર આવ્યું હતું.
હવે આ એપ ફરી પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઈ ગઈ છે અને તમે આ વાંચતા હશો તે પહેલાં, ઓગસ્ટ ૨૭ના રોજ તેનું સત્તાવાર રીલોન્ચિંગ પણ કદાચ થઈ ગયું હશે. યૂઝર ઇન્ટરફેસ અને અન્ય ઘણી ખરી બાબતે કિમ્ભો વોટ્સએપની અત્યંત નબળી કોપી છે.
પણ, આ આખી વાતમાં એક રસપ્રદ વળાંક પણ છે. પતંજલિએ પોતાની એપ વિક્સાવવા માટે મૂળ ભારતીય, પણ યુએસમાં સ્થાયી થયેલ એક દંપતિની મદદ લીધી હતી. તેમણે પોતે ‘બોલો’ નામની એક મેસેજિંગ એપ વિક્સાવી હતી અને પછી તેના આધારે જ કિમ્ભો એપ તૈયાર કરવામાં આવી.
હવે આ દંપતિ પતંજલિથી અલગ થઈ ગયું છે અને તેઓ પણ પોતાની મૂળ એપ બોલો સપ્ટેમ્બર ૨૦૧૮માં ઓફિશિયલી લોન્ચ કરવાની તૈયારીમાં છે.
કિમ્ભો અને બોલો બંને અત્યારે પ્લે સ્ટોરમાં બીટા સ્વરૂપે ઉપલબ્ધ છે અને બંનેને જોતાં લાગે છે કે માત્ર સ્વદેશીના લેબલથી કોઈ મેસેજિંગ એપ સારી બની જતી નથી.
ફેસબુકમાં પણ પેમેન્ટ સુવિધા?
ફેસબુકની માલિકીની વોટ્સએપ અત્યારે તો ભારતમાં ફેક ન્યૂઝના વમળમાં ફસાઈ છે અને ભારતમાં જ યૂઝર્સનો ડેટા સ્ટોર કરવાના મુદ્દે તેમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ સિસ્ટમ પણ ખોરંભે ચડી ગઈ છે, ત્યારે ફેસબુકની અન્ય એપ મેસેન્જરમાં પણ પેમેન્ટ સુવિધા લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
ફેસબુક મેસેન્જરમાં શરૂઆતમાં માર્કેટપ્લેસ હેઠળ મોબાઇલ રીચાર્જ અને ટોપ અપ્સની સુવિધા ઉમેરાશે. અત્યારે યુએસ, યુકે અને ફ્રાન્સ જેવા દેશોમાં ફેસબુક દ્વારા પેમેન્ટની આપ-લે કરી શકાય છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કનો પ્રારંભ
આ અંક તમારા હાથમાં પહોંચશે તે પહેલાં ૧ સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક લોન્ચ થઈ ગઈ હશે. અગાઉ તે ઓગસ્ટ ૨૧ના રોજ લોન્ચ થવાની હતી. જાણી લો તેના વિશેની કેટલીક મહત્ત્વની બાબતો :
- ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ૬૫૦ બ્રાન્ચ સાથે લાઇવ થશે તથા વિવિધ પોસ્ટ ઓફિસમાં તેના ૩,૨૫૦ એક્સેસ પોઇન્ટ રહેશે.
- ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અંદાજે ૧૧,૦૦૦ પોસ્ટમેન ઘરઆંગણે બેન્કિંગ સેવા પૂરી પાડશે.
- આ વર્ષના અંત સુધીમાં ભારતની તમામ એટલે કે ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસીઝને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક સર્વિસીઝ સાથે સાંકળવાનો પ્રયાસ થશે. એ સાથે તે દેશનું સૌથી વિશાળ બેન્કિંગ નેટવર્ક બનશે.
- હાલના અંદાજે ૧૭ કરોડ પોસ્ટલ સેવિંગ્સ બેન્ક ખાતાને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક સાથે જોડી દેવામાં આવશે.
- ગ્રામીણ વિસ્તારોના લોકો મોબાઇલ એપથી અથવા પોસ્ટ ઓફિસે જઈને કોઈ પણ બેન્ક ખાતામાં નાણાંની લેવડદેવડ કરી શકશે.
- ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કને આરટીજીએસ, એનઇએફટી, આઇએમપીએસ જેવી વર્તમાન બેન્કિંગ સર્વિસિઝનો ઉપયોગ કરવાની છૂટ છે.
- સરકારની નરેગા યોજનાનાં વેતન, સબસિડી, પેન્શન વગેરેની ચૂકવણી પોસ્ટ બેન્ક દ્વારા કરવામાં આવશે.
- આપણે પોસ્ટ બેન્કના ખાતાની મદદથી ફોન રીચાર્જ, ફોન બિલ, લાઇટ બિલ, ડીટીએચ સર્વિસિઝ, કોલેજ ફી વગેરે ૧૦૦ જેટલાં બિલની ચૂકવણી પણ કરી શકીશું.
જીમેઇલની નવી પેનલ, અન્ય સર્વિસમાં પણ
જીમેઇલના નવા વર્ઝનમાં જમણી બાજુએ વર્ટિકલ પેનલમાં ગૂગલની અન્ય સર્વિસીઝ આપતું ફીચર આપણને મળ્યું છે. ટૂંક સમયમાં જી સ્યૂટની અન્ય સર્વિસીઝ જેમ કે ડોક્સ, શીટ્સ, સ્લાઇડ્સ અને ડ્રોઇંગ્સમાં પણ આ રીતે ગૂગલ કેલેન્ડર, કીપ અને ટાસ્ક્સ બતાવતી પેનલ જોવા મળશે.
યુપીઆઇનું વર્ઝન ૨.૦ લોન્ચ થયું
ગયા મહિને, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)નું નવું વર્ઝન ૨.૦ એક સમારંભમાં લોન્ચ થયું.
અત્યાર સુધી આપણે પોતાના સેવિંગ્સ અને કરન્ટ બેન્ક એકાઉન્ટને યુપીઆઇ સાથે કનેક્ટ કરી શકતા હતા, પણ હવે ઓવરડ્રાફ્ટ એકાઉન્ટને પણ કનેક્ટ કરી શકાશે.
ઉપરાંત, કોઈ સાઇટ પર ખરીદી કરીએ ત્યારે સામાન્ય રીતે, પેમેન્ટ થયા પછી ઇનવોઇસ જનરેટ થતું હોય છે, પણ યુપીઆઇના નવા વર્ઝનથી પેમેન્ટ કરવાનું પસંદ કરીએ તો પહેલાં ઇનવોઇસ જોઈ-તપાસી શકીશું અને પછી પેમેન્ટ કરી શકીશું.
એ જ રીતે, કંઇક અંશે કેશ-ઓન-ડિલિવરી પેમેન્ટ પદ્ધતિની જેમ, હવે આપણે કોઈ ઓનલાઇન ચીજવસ્તુ ખરીદીએ તો તેના પેમેન્ટ માટે યુપીઆઇમાં એટલી રકમ બ્લોક કરી શકીશું, જે વસ્તુ ડિલિવર થયા પછી રીલિઝ કરી શકાશે.
અલબત્ત, આ ફીચર્સ હજી ટેસ્ટ કરી શકાયાં નથી, સૌ માટે નવું વર્ઝન લોન્ચ થઈ જશે પછી તેની વિગતો આપી શકાશે!


